વ્યાવસાયિક રોગો અને અકસ્માત નિવારણના ખૂબ પડકારજનક ક્ષેત્રે ચાલીસ વર્ષથી વધુ સમય માટે કાર્યરત જગદીશભાઈ પટેલ ગત 01 ફેબ્રુઆરીએ અડસઠમાં વર્ષમાં પ્રવેશ્યા છે.
રસાયણ, સિરામિક, ટેક્સાટાઇલ,અકીક જેવા ઉદ્યોગોમાં જોતરાયેલા કામદારો ચામડી, ફેંફસાં અને અન્ય અનેક વ્યવસાયજન્ય રોગોનો ભોગ બને છે. તેઓ રીબાય છે, મોતને ભેટે છે અને કુટુંબની દુર્દશા થાય છે.
એટલે આ પ્રકારના રોગો અંગે જાગૃતિ આવે, તેમાં સલામતી ઊભી થાય અને ભોગ બનેલા કામદારો / તેમના કુટુંબોને વળતર મળે તે માટે વડોદરા સ્થિત નોખા કર્મશીલ જગદીશભાઈ લડતા રહ્યા છે. તેઓ આ કામ People’s Training and Research Centre (PTRC) નામની સંસ્થા થકી કરે છે.
વ્યવસાયજન્ય રોગોમાં સિલિકોસીસ સહુથી વધુ વ્યાપક છે. જેમાં રજકણ હોય તેવી સામગ્રીમાં કામ કરવાથી ફેફસાંના જે અનેક રોગ થાય છે. જે શ્રમજીવીઓ પથ્થરોને ઘસવા, તોડવા, ખાંડવા અને દળવાના કામમાં હોય છે તેઓ કામ દરમિયાન પથ્થરમાંથી પેદા થતાં રજકણો કે ધૂળ ફેફસાંમાં જવાથી સિલિકોસીસનો ભોગ બને છે.
આ રોગનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. રોગની શરૂઆતમાં ભૂખ ઓછી થાય છે અને ખાંસી આવે છે. ધીમે ધીમે નબળાઈ આવે છે, રોગપ્રતિકારક શક્તિ ખતમ થતી જાય છે, સારવારનાં આઠ-દસ વર્ષનાં ખર્ચ તેમ જ બેકારી બાદ મજૂર મોતને ભેટે છે.
ભારતમાં જે જગ્યાઓ પરનાં મજૂરોમાં આ રોગ જોવા મળતો હોય તેની યાદી લાંબી છે : કર્ણાટકમાં સોનું, બિહારમાં અબરખ અને રાજસ્થાનમાં સૅન્ડસ્ટોનની ખાણો; પશ્ચિમ બંગાળમાં સિરામિક, પૉન્ડિચેરીમાં કાચ, ઓડિશામાં ઈંટોનાં કારખાનાં; મધ્ય પ્રદેશમાં મંદસૌરના સ્લેટ-પેન, ઉત્તર પ્રદેશમાં કાચની બંગડીઓ અને ફતેપુરસિક્રિ, પતિયાલા અને આંધ્રમાં પથ્થરને લગતા ઉદ્યોગો.
ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પરના કામદારો સિલિકોસિસનો ભોગ બને છે. તેમાં છે વડોદરામાં કાચનું ઉત્પાદન તેમ જ ગોધરા-બાલાસિનોરના પથ્થર દળવાના કારખાનાં, ખંભાતમાં અકીકના પથ્થર ઘસવાનાં એકમો, જૂનાગઢની ફાઉન્ડ્રી સૅન્ડ બ્લાસ્ટિંગનાં ક્ષેત્રો, મોરબી અને સુરેન્દ્રનગરની સિરામિકની ફૅક્ટરીઓ.
ગુજરાતના સિલિકોસિસ પીડિતોની પરિસ્થિતિનું ખૂબ અગત્યનું દસ્તાવેજીકરણ પી.ટી.આર.સી.એ ગયાં પાંત્રીસેક વર્ષમાં સમયાંતરે કરેલાં પ્રકાશનો થકી મળતું રહ્યું છે.
‘આપ ક્યું રોએ …’ નામના તેના પુસ્તકમાં સિલિકોસિસ પીડિત કુટુંબોની વ્યથાને વાચા આપતી રૂબરૂ મુલાકાત આધારિત સંવેદનકથાઓ છે. તેમાં ખંભાત અને ઝાલોદ પંથકમાં પથ્થર ઘસવાનાં કામ કરતાં કરતાં સિલિકોસીસથી પાયમાલ થતા પરિવારોની દરદભરી કથની અસરગ્રસ્ત કુટુંબોનાં એક-એક વ્યક્તિની સાથે પ્રત્યક્ષ વાતચીતને આધારે નામ બદલીને વર્ણવવામાં આવી છે.
‘આપ ક્યૂં રોયે…’ પુસ્તકમાં જે સંવેદન છે તેનું નક્કર માહિતી-સ્વરૂપ સંસ્થાએ ‘મજબૂત પથ્થર મજબૂર મજૂર’ નામે પુસ્તકમાં મળે છે. તેમાં ખંભાતના સાડા ચાર હજાર જેટલા અકીક કામદારોનો અભ્યાસ છે. તેના પહેલાંના વર્ષે ‘ઘસિયાનો ઘરસંસાર’ નામે સિલિકોસીસ પીડિતોની ચિત્રકથા આવી છે. ‘કાળમુખો સિલિકોસિસ’ ઉત્તમ માર્ગદર્શિકા છે.
‘ધૂળિયાં ફેફસાં’માં સિલિકોસીસ માટે વળતર મેળવવા માટે કામદારોના સંઘર્ષની વ્યથાકથા છે. પી.ટી.આર.સી.એ વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી ક્ષેત્ર અંગે સમાજમાં જાગૃતિ કેળવવા ‘સલામતી’ નામનું સામયિક પણ ચલાવ્યું હતું.
પી.ટી.આર.સી.ને કારણે સિલિકોસીસના દરદીઓ ઓળખાવાની શરૂઆત થઈ. વળી સંસ્થા તેમને નજીવા દરે સારવાર પૂરી પાડવાની કોશિશ પણ કરતી રહે છે.
તેણે કરેલી આધારભૂત રજૂઆતો છતાં જક્કી રાજ્ય સરકાર લાંબા સમય સુધી સિલિકોસીસની હકીકતને સ્વીકારવા તૈયાર ન હતી, અને પછી તેને અસંગઠિત ક્ષેત્રના ગણીને તેમની જવાબદારી કર્મચારી રાજ્ય વીમા નિગમ પર ઢોળતી હતી.
પી.ટી.આર.સી.એ ૨૦૧૦માં ૪૫ અકીક કામદારો સિલિકોસિથી મૃત્યુ પામેલા હોવાનું જણાવી તેમને વળતર ન મળ્યું હોવાની ફરિયાદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સામે કરી હતી. પછીનાં ચાર વર્ષમાં આ ફરિયાદોનો આંકડો ૧૦૫ પર પહોંચ્યો હતો.
તેના પરિણામ રૂપે રાજ્ય સરકારે ૨૦૧૪માં સિલિકોસિસથી અવસાન પામેલા કારીગરોના વારસદારને એક લાખ રૂપિયાની સહાય આપવાની યોજના જાહેર કરી અને તેનાં ચાર વર્ષ બાદ કેટલાકને ચેક અપાયા! છ મહિના પહેલાં આ પરિવારોને બીજા ત્રણ લાખ ચૂકવવાનો આદેશ માનવઅધિકાર પંચે રાજ્ય સરકરને આપ્યો છે.
બરાબર એક વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ગુજરાતમાં કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના ૨૩૮ સિલિકોસીસ મૃતકોના વારસદારોમાંથી દરેકને ત્રણ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.
પી.ટી.આર.સી.એ વીજળી કામદારોના જોખમોને, કપાસનાં જીનનાં શ્રમજીવીઓ અને સુરતના કાપડ ઉદ્યોગના મજૂરોની દુર્દશાને વાચા આપતાં અભ્યાસો પણ બહાર પાડ્યા છે. આ સંસ્થાને લીધે ગુજરાતના કામદારોના એક વર્ગને દિલાસો રહેતો હશે કે કોઈક તો છે !
‘કોઈક તો છે …. ’ નામના પુસ્તકમાં જગદીશભાઈનાં કામ વિશે લખાયેલા લેખો છે. તેમાં કર્મશીલ પત્રકાર ઇન્દુકુમાર જાની, રૅશનાલિસ્ટ રમણ પાઠક, પ્રવીણ ચૌધરી, પરેશ દવેએ લખેલા ગુજરાતી લેખો છે. શ્રીકલા એસ. નામનાં લેખિકાનો લેખ અંગ્રેજીમાં છે. સમાજવાદી મરાઠી સાપ્તાહિક ‘સાધના’માં પ્રકાશ ખુંટેએ લખેલા લેખનો અનુવાદ પણ વાંચવા મળે છે.
ઉપરાંત ખંભાતના અકીકના કામદારોના સેલિકોસિસને કારણે થતા મૃત્યુ સંદર્ભે પી.ટી.આર.સી.એ કરેલા પ્રયાસો વિશેનો એક લેખ છે.
સંસ્થાએ વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના વિષયે કામ કરવાના બે દાયકાના લેખાં-જોખાં એવો લેખ પણ 2016માં બહાર પડેલા 91 પાનાંના આ પુસ્તકમાં વાંચવા મળે છે. પુસ્તક એક જ ઈ અને ઉ ધરાવતી ‘ઉંઝા જોડણી’માં પ્રસિદ્ધ થયું છે.
પુસ્તકનાં ત્રીજા પૂંઠા પર પી.ટી.આર.સી.ના પ્રકાશનોની યાદી છે. ચોથા છેલ્લાં પૂંઠા પર જગદીશાભાઈનો પરિચય છે.
જગદીશભાઈ પી.ટી.આર.સી.નો વાર્ષિક અહેવાલ પણ હિતચિંતકો અને સિવિલ સોસાયટીના સાથીઓને મોકલે છે. સંસ્થાનું સંપર્કસૂત્ર છે jagdish.jb@gmail.com, 98246486855
જગદીશભાઈને અત્યારનું કામ જ ન મળે એવી દુનિયા બને; અને તેમને મનગમતાં પુસ્તકો વાંચવા માટે પુષ્કળ સમય તેમ જ નિરામય દીર્ઘાયુ મળે તેવી શુભેચ્છા !
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર