આજે [20 જુલાઈ 2019] પ્રકાશોત્સવ છે, એટલે કે પત્રકારપીઢ, કલમકબીર અને ઉદારોના પૂજાતાપીર એવા પ્રકાશ શાહનો નાગરિક આવકાર-સમારોહ છે. થવો જોઈતો ને મોડેથી થતો ઉપક્રમ છે પણ આવકાર્ય.
પ્રકાશ શાહને તમે જાણતા, વાંચતા કે સમજતા હો તો તમે એમના વિચારની સાથે હો કે સામે, તમને એ પોંખાય એ ગમે જ. સામાન્યતઃ પ્રકાશોત્સવ શીખગુરુઓના ઉત્સવ માટે પ્રયોજાતો શબ્દ છે. એના વાહકોમાં શૌર્યભાવ નિહિત છે. પ્રકાશભાઈ પૂરા શૂરા અને શૂરાપૂરા છે. ગાંજ્યા જાય એવા વાણિયા નથી. ચાંપો વાણિયો ઇતિહાસદર્જ છે. ઇતિહાસ બીજા વાણિયાની રાહ જુએ છે.
પ્રકાશભાઈ ન સમજાય એવું લખનાર ને સમજવામાં કશી તકલીફ ન પડે તેવું બોલનારા છે. એ ગાંધીજીની આજ્ઞા પાળે છે, પણ બોલવામાં, કોશિયો પણ સમજે તેવું સરળ ગુજરાતી બોલીને. પણ ગાંધીનો જ સવિનય આદેશભંગ કરે છે લખીને, કોશિયો (કોશકર્તા) પણ ન સમજે તેવું લખીને. પણ એ સૌ-કોઈને સમજાઈ જાય અને ગમી જાય તેવા હસનારા છે. એ હાસ્યપુરુષ છે. એ સંમતિ લેખે, અસહમતીમાં, પ્રેમ-પ્રગટીકરણમાં અને ગુસ્સે થતા હોય તો એ પણ દર્શાવે તો મધુર હસીને જ. એ પોતાનો અણગમો પણ હસીને જ દર્શાવે નરેન્દ્ર મોદી વિશે એમને વાત કરતા સાંભળ્યા હશે, એ તરત હા કહેશે. એ સાવ અણગમતા બનાવને પણ હસીને લઈ શકે. મોદીના બંને વખતના વડાપ્રધાન બનવાની ઘટનાને તેમણે હાસ્યથી જ સાત્ કરી હશે, હોય જ. હાસ્ય એમનો સ્થાયીભાવ છે. એ જ માણસ હસી શકે, જે સાવ નિખાલસ હોય.
ક્વચિત જ રંગીન વસ્ત્ર પહેરતા અને કાયમ ખાદીધારી પ્રકાશભાઈ ઘણાં વરસોથી ગુજરાતમાં મુખ્યધારાના રાજકારણથી સમાંતરે મૂલ્યનિષ્ઠ અને લોકાભિરામ રાજકારણ, વૈકલ્પિક રાજકારણ ખડું કરવા મથી રહ્યા. સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશવાનો પ્રયોગ પણ સહયોગીઓ સાથે કર્યો, પણ એ સફળ ન થયા એ અલગ વાત છે.
પ્રકાશભાઈ પત્રકારત્વના કર્તવ્યયોગી. એક સમયે ‘જનસત્તા’ના પડ પર એ ગાજતા, કદાચ એમને અભીષ્ટ પત્રકારત્વ પણ વર્તમાનમાં વિસ્તાર પામે કે આ પર્યાવરણમાં પુષ્ટ થાય તેવું ન રહ્યું. વિલાતું લગભગ એકાદી કતાર કે ‘નિરીક્ષક’ પૂરતું રહી ગયું. આ એમની નહીં, ગુજરાતી પત્રકારત્વના પોતાના થઈ રહેલા મસોતાપણાની નામોશી છે. પ્રકાશભાઈ સાહિત્ય, પત્રકારત્વ, ગાંધીવિચાર અને રાજકારણમાં સાધિકાર અને સ્વોપાર્જિત ક્ષમતાથી વિહરી રહ્યા છે. સમૃદ્ધિ છતાં સાદગી દરેક પદ અને પગલે પ્રકાશભાઈએ દાખવી છે. વચન અને વર્તમાનમાં સમાનતા દુર્લભ છે, એ પ્રકાશભાઈને સહજસાધ્ય છે.
રખે, કોઈ આ વાંચી એમને ભટભોળા ધારે, એ શહૂરિયા ખેલંદા છે. કહે છે મગરની દાઢમાંથી મુકાવી ન શકાય. હા, ગજેન્દ્રમોક્ષ જેવા ભાગવતી ચમત્કાર બને. પણ પ્રકાશભાઈએ દાઢે ઘાલ્યો હોય તો ‘નરેન્દ્ર’મોક્ષ કદી શક્ય ન બને. એમની ધ્યેયનિષ્ઠા વિષ્ણુદત્ત જેવી છે. એ શિખા તો નથી રાખતા, પણ ૨૦૦૨થી ઓડિયાં વધતાં રાખી એ મચેલા છે. ચંદ્રગુપ્ત વિના પણ એ મુસ્તાકીથી મચેલા છે.
પ્રત્યેક લેખ-લખાણે એ વાર કરે જ. ભગવાન તથાગત અત્યારે હોત અને કિસાગોતમીનો કિસ્સો બન્યો હોત, તો બુદ્ધ કહેત ‘જા, પ્રકાશભાઈના પાંચ એવા લેખ લઈ આવ જેમાં મોદી, ભાજપ, સંઘ પર એ વરસ્યા ન હોય તો તારો દીકરો જીવતો થશે.’ને કિસાગોતમી દીકરો ન પામી શકી હોત. વિજય તેંડુલકરે તો નરેન્દ્ર મોદીને ગોળી મારી દેવાની એકમાત્ર મંશા પ્રગટ કરી હતી. પ્રકાશભાઈ હિંસાના વિરોધી એટલે એમની એકમાત્ર ખેવના નરેન્દ્ર મોદીને રોળી દેવાની ખરી. ‘નિરીક્ષક’ આ કારણે તો મુક્ત વિચારપત્રની આભા ગુમાવી ચૂક્યું. કોઈ પણ વિચાર સામૂહિકપણે કશાથી યુક્ત બને એટલે એ દૂષિત થાય જ ને લટકામાં દૃષ્ટિવિહોણો. પણ જગતની કોઈ સારામાં સારી વ્યક્તિ બધેબધું સારું કરી શકતી નથી, ભલે એ મો.ક. ગાંધી હોય તો ય, એમ કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ખરાબ હોય તો પણ સંપૂર્ણ ખરાબ કરી શકતી નથી એ નરેન્દ્ર મોદી હોય તો પણ. આ વાત પ્રકાશભાઈથી ચુકાઈ ગઈ છે. દરેકને એના અનુયાયીઓ મળી આવતા હોય છે, જે વિચારઝનૂનીઓ સાગમટે બની રહેતા હોય છે. ‘નિરીક્ષક’ આ નિયમનું સમર્થન કરે છે. નિષ્ઠા, નિસબત અને કર્તવ્ય એકાક્ષ બને એટલે એની સમ્યક્તા, શુચિતા, દક્ષતા અને સૌહાર્દ ખોઈ દે. એમાં દર્શનનું દારિદ્ર અને વર્તનની મોકળાશ ઘટે. સિદ્ધ વ્યક્તિ પણ પોતાનું ઉત્તમ, સાર્વસ્વીકાર ખોઈને પહેલાં જૂથનો અને પછી પક્ષનો થઈ જાય છે. પ્રકાશભાઈની બાબતે પણ આ કમનસીબીએ આકાર લીધો છે. પ્રકાશ થકી જ પડછાયો સર્જાતો હોય છે, ને પડછાયાનો રંગ કાળો હોય છે, એ ઘણાંનો વસવસો છે.
ગુજરાતમાં ભા.જ.પ. અને નરેન્દ્ર મોદીની સામે કૉંગ્રેસ કરતાં તો પ્રકાશભાઈ સબળ, સમક્ષ, સક્રિય અને સાતત્યપૂર્ણ લડનારા સાબિત થયા છે. પત્રકારત્વ આજે સત્તાવિરોધી હોવાની કિનખાબી મલીર ઓઢીને ફરે છે, પણ ઢંકાયેલી મંશાઓ તો અલગ જ છે. માળા લઈ બેઠેલો સિંહ ખરેખર તો શિકારની તાકમાં છે. આ માહોલમાં પ્રકાશભાઈ નાતબહાર છે. એ જે પણ રીતે કરે છે, એમાં નિજહિત નવટાંકભાર નથી. એમની નિષ્ઠા સીતાના અગ્નિતપ્ત સત જેવી છે. તમે એમને ખોટા કહી શકો, ખરડાયેલા હરગીઝ નહીં. એ પોતાના સત્ય માટે ખુવાર થનારાઓમાંના છે. તમે એમની સાથે સહમત ન હો તો ય એ સન્માનીય જ રહે.
આ લખનારના પત્રકારત્વનો પ્રથમ લેખ પ્રકાશભાઈએ તપાસ્યો હતો, ને મતું માર્યું. તું કે ‘હળવાશનો સારો ઉપયોગ’. એનો કેફ આજે ય છે ને અપેક્ષા પણ. પ્ર.ન.શા. જેવી પ્રતિભાઘટનાઓ જૂજ બનતી હોય છે, એનાં પોંખણાં તો દશે આંગળીયે ટચાકા ફોડી કરવા ગમે. ને થાય તો પોરસે ય ચઢેને વારું.
આનંદ અને પ્રકાશ તો અવિરત હોય છે. સદા પ્રકાશો.
**********
‘મધ્યાંતર’ – ખ્યાત જશવંત રાવલનો આ લેખ ઓમપ્રકાશ ઉદાસીના દિલી સૂચનથી અહીં ઉતાર્યો છે : “તા. ૨૦ જુલાઈએ ‘પ્રકાશોત્વસ’ ઊજવાયો. આ ઉત્સવ લોકતંત્ર માટે ‘વિચારોત્સવ’ હતો.”
“લોકતંત્રના પ્રહરી અને માનવમાત્રના પ્રેમી પ્રકાશભાઈની સ્મિત સાથેની ઠંડી તાકાત જાણીતી છે.”
“સમાજમાં એક ગેરસમજ છે. માણસની ઊંચાઈ શરીરના માપથી અને સમૃદ્ધિ ધનસંપત્તિ વડે જ મપાય. પ્રકાશભાઈ વિચારસમૃદ્ધ છે અને મુઠ્ઠીઊંચેરા પણ છે, એ સહુના છે. એમની છાલકો વાગતી નથી, પણ ભીંજવે છે. ક્યારેક મતભેદ છતાં એમની વિચારલેરખી સુખ આપે છે. પત્રકારિતા અને ગુજરાતી સાહિત્યની દુનિયામાં આ (પ્રકાશ ન. શાહ) વિરલ ઘટના છે.
“પ્રકાશભાઈનું એક રળિયામણું આકલન જશવંતભાઈ રાવલે ફેસબુક ઉપર રમતું મૂક્યું. “મુ. શ્રી પ્રકાશભાઈની ના… ના… છતાં પ્રેમાગ્રહે ‘નિરીક્ષક’ માટે જશવંતભાઈ રાવલનો લેખ … સૌજન્યપૂર્વક.”
દરમિયાન, વલ્લભવિદ્યાનગરના કૃષ્ણકાંત પંડ્યાએ પણ આ લેખ તરફ ધ્યાન દોર્યું હતું અને ફેસબુક પર તે વાંચવાનું પણ બન્યું હતું. ડંકેશ ઓઝાની નુક્તેચીનીની જેમ જ આ પણ એકંદર સહવિચાર સારુ પ્રસાદીની સામગ્રી પેઠે …
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 12 તેમ જ 11