પોલીસ પાસે અપેક્ષિત કામગીરી તો પ્રજામિત્ર તરીકેની છે, સરકાર કે સ્થાપિત હિતોના હાથા તરીકેની નહીં
બેસતે સત્તાવનમે બિલકુલ પહેલા જ અઠવાડિયામાં ગુજરાત એક અર્થમાં નવતર ઘટના જોશે: મુખ્ય ન્યાયમૂર્તિ સુભાષના વડપણ હેઠળની ખંડપીઠ સમક્ષ બે પોલીસ અધિકારીઓ (અલબત્ત, નિવૃત્ત) એક એવી ભૂમિકામાં રજૂ થશે જે પોલીસની ઓછી અને નાગરિકની વધુ હશે. તમે આ બે અધિકારીઓ, નામે રિબેરો અને રાહુલ શર્મા, બાબતે પૂર્વ પોલીસકર્મી કરતાં વધુ તો મળતાં મળે એવા નાગરિક સમાજ કર્મશીલો તરીકે પણ વિચારી શકો.
યશસ્વી પોલીસ કારકિર્દીના ધણી, નિર્વિવાદ પદ્મભૂષણ રિબેરોએ જે મુદ્દે જનહિત યાચિકા (પી.આઈ.એલ.) સાથે ધા નાખી છે તે એ છે કે રાજ્યના પોલીસ વડા તરીકેનો અખત્યાર (ચાર્જ) સરકારે પી.પી. પાંડેને ભળાવ્યો છે તે બરાબર નથી. આ પાંડે જેના પર હત્યાનો આરોપ લાગ્યો હોય એવા ગુજરાતના પ્રથમ પોલીસ વડા લેખે પ્રકીર્તિત છે. અઢાર માસના જેલવાસ પછી તેઓ જામીને અલંકૃત બહાર આવ્યા છે.
રિબેરોનું કહેવું એમ છે કે જેની સામે ચાર્જ ઊભો હોય એટલે કે કામ ચાલ્યું કે ચાલવાનું હોય એ પોલીસકર્મી ઑલ ઇન્ડિયા સર્વિસીઝ (કન્ડક્ટ) રુલ્સને અન્વયે વસ્તુત: સસ્પેન્શનમાં હોવો જોઈએ, અને સિવાય કે તે બાઈજ્જત બરી થાય એણે નોકરીમાંથી જવાની પણ નોબત આવી શકે છે. પી.પી. પાંડે હાલની ઇન્ચાર્જ પાયરીએ મુકાયા તે પૂર્વે ક્યારે ચમક્યા હતા એ માટે આ લખનારે મગજને જરી તસ્દી આપી તો એને ખયાલ આવ્યો કે વણઝારાના વધામણાં ઓચ્છવમાં તેઓ હતા.
આ વણઝારા વળી એક જુદું પાત્ર છે. તેઓ સાહિત્યસેવી (મૅન ઑફ લેટર્સ) છે, અને આસારામ બાપુ સરખા ગુરુજનની જેલ યાત્રા સબબ આ ધરતી પરના હાજરાહજૂર જીવતાજ્યોત ભગવાનને લખેલો એમનો પત્ર જેલની દીવાલોને લાંઘીને જનમોઝાર ઝળકેલ છે. આટલેથી જ અટકું અને પી.પી. પાંડેને મુદ્દે રિબેરો અદાલત સમક્ષ ધા નાખી આવતે અઠવાડિયે એમને અઠ્યાસીમો જન્મદિવસ ઉજવી રહ્યા છે, એટલું જ નોધું છું.
5 મે 1929ના રોજ, એટલે કે લાહોરના મુકમ્મલ આઝાદી પ્રસ્તાવના થોડા જ મહિના પૂર્વે જન્મેલા રિબેરોની હેસિયત બાબતે ખરું જોતાં ગુજરાતમાં કશું જ કહેવાની જરૂર હોવી જોઈએ નહીં. સોલંકી શાસનમાં, 1985માં, અનામતવિરોધી ઉત્પાતને કોમી વળાંક અપાયો એ મહિનાઓમાં રિબેરો રાજ્યના પોલીસ વડા હતા. અને જે રીતે મામલો કાબૂમાં લીધો એથી ચિરસિનિક વાસુદેવ મહેતાએ બિલકુલ હેરત અંગેજ માસૂમિયતથી દૂરદર્શન પર એમને અજબ જેવો સવાલ પૂછી પાડ્યો હતો કે સાહેબ, એવું તો કેવી રીતે બન્યું કે જાણે તમે એક ચાંપ દાબી અને પડદો પડી ગયો!
રિબોરેએ મનમાં કહ્યું હશે કે એલિમેન્ટરી, માય ડિયર વાસુદેવ. પણ પ્રગટપણે બે જ ટૂંકા વાક્યોમાં મામલો સમજાવી દીધો કે તોફાની તત્ત્વો (અને એમની સાથે રાજકીય સાંઠગાંઠ ધરાવતી વ્યક્તિઓ)ની યાદી પોલીસ પાસે હોય જ છે. મેં કહ્યું કે એમને અંદર કરી દો. (પછી એમના રાજકીય આકાઓનું શું ચાલવાનું હતું.) કદાચ બધાને ખયાલ ન પણ હોય પણ ગોધરાની ગોઝારી ઘટના વખતે કલેક્ટર જયંતી રવિએ ત્યારે સેવાનિવૃત્ત રિબેરો સાહેબને ફોન કરી માર્ગદર્શન માગ્યાના હેવાલો હતા. અલબત્ત, આપણી પાસે એની વિગતો સ્વાભાવિક જ ન હોય. પણ 2002 વખતે મુંબઈસ્થિત નાગરિક સમાજ કર્મશીલ રિબેરોએ પ્રગટપણે કહ્યું હતું કે પોલીસ ઈચ્છે તો અઠવાડિયું તો આ બધું ઠારવા માટે બહુ થઈ ગયું.
બેશક, પોલીસની ઈચ્છા અનિચ્છાની પૂંઠે રાજકીય-શાસકીય સંકલ્પશક્તિ અભિપ્રેત હતી અને છે. આ કિસ્સામાં સત્તાપક્ષના મળતિયાઓને ખાળવાનો (અટકાયતમાં લેવાનો) મામલો હતો. જ્યાં તે શક્ય બન્યું ત્યાં સારું પરિણામ આવ્યું તે આપણે 2002માં, દાખલા તરીકે, ભાવનગરમાં જોયું જ હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અડવાણી અને સ્પીકર સોમનાથ ચેટર્જીનાં સંસ્મરણોમાં તે વખતની જે રક્ષા કામગીરી નોંધાઈ છે એનું એક રહસ્ય પોલીસ અધિકારી રાહુલ શર્માએ સત્તાપક્ષનાં મળતિયા તોફાનીઓ સાથે નો-નોન્સેન્સ ઢબે કામ લીધાની હકીકતમાં છે. જો કે, પરિણામે, શર્માને બદલીમાન મળ્યું એ ઇતિહાસવસ્તુ છે.
આ જ રાહુલ શર્મા હવે વકાલત કરી રહ્યા છે, અને ખંડપીઠ સમક્ષ જુલિયો રિબેરો વતી તે જ હાજર થવાના છે. શર્માએ કૉલ ડિટેલ્સની જે સીડી નાણાવટી પંચને આપી તેને કારણે ઘટનાસ્થળ અને તોફાની તત્ત્વો સાથે સત્તાપક્ષના મંત્રીઓ ને ધારાસભ્યોના સતત સંપર્કનો એક આખો સિલસિલો આળસ મરડી ફણા માંડતો ઊભો થયો હતો એ સૌ જાણે છે.
રિબેલો-રાહુલ શર્માને એમની પોલીસ પૃષ્ઠભૂ છતાં નાગરિક સમાજ કર્મશીલો તરીકે ઉપસાવવા પાછળ અહીં એ એક વાનું અભિપ્રેત છે કે પોલીસ પાસે અપેક્ષિત કામગીરી છેવટે તો પ્રજામિત્ર તરીકેની છે. સરકારના, સત્તાપક્ષના કે સ્થાપિત હિતોના હાથા તરીકેની નથી તે નથી.
આમ કરતાં વેઠવા વારો આવે એને પણ મુબારક ગણીને ચાલે એ માંહેલા રિબેરો છે. પંજાબમાં આતંકી તત્ત્વો (ખાલીસ્તાની શીખો) સાથે એમણે જાનના જોખમે કામ પાડ્યું હતું. પછી, મોડેથી, એ રુમાનિયામાં ભારતનાં એલચી હતા ત્યારે ઝનૂની શીખ હત્યારાનું નિશાન બનતા રહી ગયા હતા. આ આતંકી તત્ત્વોને એ હકીકતની કદરબૂજ ક્યાંથી હોય કે 1984માં મુંબઈમાં શીખવિરોધી રમખાણોને કાબૂમાં રાખી શકાયાં તે પ્રતાપ પોલીસ કમિશનર રિબેરોની કામગીરીની હતો. આ જ રિબેરોએ એમનાં નિવૃત્તિવર્ષોમાં મોટી સરકારી કામગીરી (પોલીસ સલાહકારું કે એવું તેવું) નહીં સ્વીકારતા સક્રિય મહોલ્લા સમિતિઓની રચના મારફતે શાંતિપ્રયાસની ગ્રાસરુટ કામગીરીને અગ્રતા આપી તે એમનો અગ્રતાવિવેક દર્શાવે છે.
મુદ્દે, જયપ્રકાશે ભરઆંદોલને ‘હમલા ચાહે જૈસા ભી હોગા, હાથ હમારા નહીં ઉઠેગા’ એ સૂત્ર સાથે આપેલા બે નિર્દેશો આપણા નાગરિક વિમર્શની દૃષ્ટિએ ચિર મહત્ત્વના છે. એક તો એમણે યુવા નાગરિક સૌ મિત્રોને શીખવ્યું કે પોલીસસે નહીં લડાઈ …. પોલીસ હમારા ભાઈ!
બીજી વાત એમણે પોલીસને સંબોધીને એ કહી હતી કે તમે ગેરકાનૂની, ગેરબંધારણીય હુકમો માનવા બંધાયેલા નથી. તમારા મેન્યુઅલમાં એ સાફ લખેલું છે. સરકાર અને સત્તાપક્ષના મનસ્વી હુકમોના હાથા બની તમે તમારું વજૂદ ગુમાવો છો, અને પ્રજાનો વિશ્વાસ પણ ગુમાવો છો.
જુલિયો રિબેરો અને રાહુલ શર્મા આજે એ જ દોર પર આગે બઢી રહ્યા છે. ગુજરાતના અને દેશનાં આઈ.પી.એસ. મંડળો જરી જાતમાં ઝાંખી લગરીક પણ દિલખુલાસ બહસ કરશે તો એમને સમજાઈ રહેશે કે પથસંસ્કરણની પળ કે’દીની પાકી ગઈ છે.
સૌજન્ય : ‘વિશ્વાસમાં વજૂદ’, “દિવ્ય ભાસ્કર”, 30 અૅપ્રિલ 2016