બીજા બધા તો સમજ્યા, દેશના નિવૃત્ત જિલ્લા જજો પણ રાજી નથી. વાત એવી છે કે વર્ષો સુધી જજની સેવા આપ્યા બાદ, નિવૃત્તિ પછી 19થી 20 હજારનું પેન્શન મળે, એમાં એમનું પૂરું નથી થતું. આ વાત CJI ડી.જે. ચંદ્રચૂડે પોતે કહી છે. સુપ્રીમ કોર્ટને, 19-20 હજારનાં પેન્શનમાં નિવૃત્ત જજો કેવી રીતે ગુજરાન ચલાવશે એની ચિંતા થઈ, એટલે પેન્શન વધારવા અંગે કેન્દ્ર સરકારે વિચારવું જોઈએ એવી નુક્તેચીની બાદ, એટર્ની જનરલની મદદ પણ માંગી છે. અખિલ ભારતીય જજ એસોસિયેશનની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશે નોંધ્યું કે સેવા નિવૃત્ત જજોને 19-20 હજારનું પેન્શન મળે છે. આ એવી ઉંમર છે જ્યારે નિવૃત્ત જજો હાઇકોર્ટમાં વકીલાત પણ શરૂ ના કરી શકે. નિવૃત્તિની આવી પીડિત અવસ્થામાં જજોનું પેન્શન વધે એ જ એક ઉપાય છે. સુપ્રીમની આવી ટકોરથી એટર્ની જનરલે પણ કબૂલ્યું કે તેઓ આ મુદ્દાને જરૂર ધ્યાને લેશે. હાઈકોર્ટના કેટલાક જજોના પગાર પણ નથી થયા તે મામલે એસોસિયેશને સુપ્રીમને ગુહાર લગાવી છે. બન્યું એવું કે કેટલાક જિલ્લા ન્યાયાધીશોને પ્રમોશન મળ્યા બાદ, તેમને નવાં જી.પી.એફ. ખાતાં ફાળવવામાં નથી આવ્યાં, તો કેટલાક ન્યાયાધીશો 20-30 વર્ષની નોકરી પછી 19-20 હજારનું પેન્શન મેળવે છે – જેવા મુદ્દે સુનાવણી થઈ. આટલી મોંઘવારીમાં દેખીતું છે કે ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બને. અન્ય સરકારી ખાતાઓમાં જે પેન્શન મળે છે એ વીસેક હજારથી ક્યાં ય વધારે હોય છે. એની તુલનામાં જજોનું પેન્શન ઓછું જ છે તે કોઈને પણ સમજાય એવું છે.
સાધારણ રીતે જજો પાસેથી ન્યાયની અપેક્ષા રખાય છે, પણ એમને અન્યાય થતો હોય તો એ મુદ્દે પણ સરકારે વિચારવાનું રહે જ છે. એવું જ પત્રકારોનું પણ છે. એમની પાસેથી સત્યની અપેક્ષા રખાય છે, પણ એમને મળતું પેન્શન ચીંથરા જેવું જ હોય છે. આજની મોંઘવારીમાં પત્રકારોનાં પેન્શનનો આંકડો જોઈએ તો એ મશ્કરી જેવો જ છે. જેમનો નિવૃત્તિ પછી પેન્શન જ એક માત્ર આધાર છે, એમની સ્થિતિ આટલાં ઓછાં પેન્શનમાં બદથી બદતર જ બને તે કહેવાની જરૂર નથી. સ્વમાનભેર માથું ઊંચું રાખીને, જાતને વેચ્યા વગર જીવનાર જજ કે પત્રકારની નિવૃત્તિ પછી સ્વમાનભેર જીવી શકાય એવી સ્થિતિ હોવી જોઈએ, પણ હોતી નથી ને એવા નિવૃત્તને કોઇની સામે હાથ લંબાવવાનો વારો આવે છે. એક રીતે તો સ્વમાની વ્યક્તિ માટે એ જીવંત મૃત્યુ જ છે. આ શરમ નિવૃત્તની નથી, આખા દેશની છે.
એ તો ઠીક, પણ જે શિક્ષણ દ્વારા બાળકોનાં ભવિષ્યનું ઘડતર કરે છે, એ શિક્ષકોને પેન્શન કઈ રીતે ન મળે એની યુક્તિઓ સરકાર કરતી રહે છે. નિવૃત્તિ પછી પેન્શન અને બીજા લાભો ન આપવા પડે, એટલે સરકાર ગુજરાતમાં શિક્ષકોની કાયમી જગ્યાઓ પર ભરતી નથી કરતી. એને બદલે ફિક્સ પગારમાં જ્ઞાનસહાયકોની કોન્ટ્રાક્ટ પર ભરતી કરે છે. સરકારે તેનાં જુદાં જુદાં ખાતાઓમાં મંત્રીઓને કે તેના અધિકારીઓને અપાતો પગાર અને નિવૃત્તિ પછી અપાનાર પેન્શનની તપાસ કરવી જોઈએ. એ ઉપરાંત અધ્યાપકોને અપાતાં પગાર અને નિવૃત્તિ પછી અપાનાર પેન્શનની પણ ચકાસણી કરવી જોઈએ. એવું જ તમામ સરકારી ખાતાંઓમાં તપાસી શકાય. જો એ બધે પેન્શન અપાતું હોય કે અપાવાનું હોય તો શિક્ષકને જ પેન્શન આપતાં સરકારની ચામડી તતડે કેમ છે તે નથી સમજાતું. પેન્શન ભીખ નથી, હક છે. પેન્શન આપવું પડે એ કારણે સરકાર ત્રીસ હજારથી વધુ કાયમી જગ્યાઓ પર ભરતી નથી કરતી. કેટલી ય સ્કૂલો તો એકાદ શિક્ષક પર જ ચાલે છે ને વધારે શરમજનક તો એ છે કે શિક્ષકોને પણ એનો વાંધો નથી.
તાજા જ સમાચાર મુજબ ટેટ પાસ ઉમેદવારો 2.65 લાખ છે અને ટાટ પાસ 1.18 લાખ છે. એમાં છેલ્લાં બે વર્ષમાં ટેટ-1 પાસ 2,300 અને ટેટ-2 પાસ 3,378 ઉમેદવારોની જ ભરતી કરવામાં આવી છે. મતલબ કે લગભગ 2.60 લાખ ઉમેદવારો બધી પાત્રતા છતાં, નોકરી વગર ઉંમર વીતાવી રહ્યા છે. ઉંમર વીત્યા પછી નોકરીની આશા જ ન રહે એવા દિવસો આવવાના છે. આ કોના વાંકે છે તેમાં ન પડીએ, તો પણ આ એમના વાંકે નથી જ તે સ્વયંસપષ્ટ છે. છેલ્લાં બે વર્ષમાં માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં એક પણ ભરતી કરવામાં આવી નથી. એની સામે માધ્યમિકમાં 4,138 જ્ઞાન સહાયકની ભરતી 24,000ના ફિક્સ પગારમાં 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવી છે. હવે 11 મહિના પછી નોકરી જ ફરી શોધવાની રહેતી હોય, ત્યાં પેન્શનની તો કલ્પના પણ ક્યાંથી આવે? આટલાં યુનિયનો ને તેના હોદ્દેદારો છતાં શિક્ષકોના પ્રશ્નોને મામલે કોઈ અવાજ નથી સંભળાતો. આટલી મરેલી શાંતિ કયાં કારણે છે એ નથી ખબર. જો કે, જૂની પેન્શન સ્કિમને મામલે સળવળાટ થયો છે ખરો, પણ કેટલો ટકશે તે નથી ખબર. કમાલ છે ને કે જેના હાથમાં બાળકોનું ભવિષ્ય છે એમને, એમનું જ ભવિષ્ય ઘડવાનું નથી સૂઝતું.
સીધી ને સોંસરી એક જ વાત છે કે કોઈ પણ સંજોગોમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ થવી જોઈએ ને કાયમી જગ્યાઓ પર કામચલાઉ પગારે નહીં, પૂરા પગારે ભરતી થવી જ જોઈએ. જ્ઞાન સહાયકની નિમણૂકનો સંપૂર્ણ બહિષ્કાર કરીને, સરકારની ખોટી કંજૂસાઈ સામે પ્રચંડ વિરોધ ઊઠવો જોઈએ. હજારો કરોડના પ્રોજેક્ટ્સની લહાણી થતી હોય તો બધી કસર શિક્ષકની નિમણૂકમાં જ કેમ એનો સરકાર પાસે શિક્ષકોએ જવાબ માંગવો જોઈએ. શિક્ષકોને ચામડી હોય તો જરા તપાસી લેવા જેવું છે કે રૂંવાડું ફરકે છે કે કેમ? સંકોચ સરકારને ન થાય તે સમજાય, પણ શિક્ષકોને પણ ન થાય એ દુ:ખદ અને આઘાતજનક છે.
બેન્કોમાં પણ 2010 પછી પરંપરાગત રીતે પેન્શન આપવાની સ્કિમ સરકારે લગભગ નાબૂદ કરી છે. તેને બદલે નવી પેન્શન સ્કિમ દાખલ કરવામાં આવી છે, જે શેર બજારની વધઘટ પર નિર્ભર છે, એટલે પેન્શનની કોઈ ચોક્કસ રકમ જ હાથમાં આવશે એવું નિવૃત્ત બેન્કર્સ ધારી ન શકે. શેર બજારમાં ભાવ વધે તો પેન્શન વધે ને એમાં કડાકો બોલે તો પેન્શનમાં પણ બોલે એ નવી પેન્શન સ્કિમની લાક્ષણિકતા છે. આમાં પણ સરકારે કોઈ જવાબદારી માથે નથી રાખી ને પેન્શનર્સને રામભરોસે જ છોડી મૂક્યા છે.
ખરેખર તો સરકારે એ વિચારવાની તાતી જરૂર છે કે નિવૃત્તિ પછી કોઈ પણ પેન્શન વગરનું ન રહે. એને માટે જે કરવું પડે તે કરીને પણ, સરકારે એ સ્થિતિ ઊભી કરવી જોઈએ કે દરેક નોકરિયાતનું નિવૃત્ત જીવન સરળતાથી ને સ્વમાનથી પસાર થાય. જે વ્યક્તિએ પોતાની જુવાનીનાં મહત્ત્વનાં પચીસ ત્રીસ વર્ષ કોઈ સંસ્થાને આપ્યાં હોય, એના તરફ સરકારને કે સંસ્થાને નગુણા થવાનો કોઈ અધિકાર નથી. આમ તો સરકાર બને ત્યાં સુધી નોકરિયાતોની કોઈ જવાબદારી લેવામાં નાનમ અનુભવે છે, એટલે જાતભાતની યોજનાઓને નામે લોકકલ્યાણની મોટી મોટી વાતો તો કરે છે, પણ નિવૃત્તની બાકી જિંદગી માનભેર વીતે એ તરફ જાણીબૂઝીને બેધ્યાન રહે છે. આ બરાબર નથી. નિવૃત્તના મત ખપે છે, પણ એમનું કલ્યાણ ખપતું નથી એ શરમજનક છે.
એથી વધારે શરમજનક તો છે, સ્વેચ્છાએ સાંસદોના વધતાં પગાર, ભથ્થાં ને પેન્શનમાં થતા વધારાઓ. એક કોર્પોરેટર ટર્મ પૂરી કરીને વિધાનસભ્ય કે મંત્રી બને કે આગળ જતાં તે સાંસદ કે મંત્રી બને ને ટર્મ પૂરી કરે તો વધતાં પગાર-ભથ્થાંનો લાભ તો મળે જ, પણ ટર્મ પૂરી થતાં પેન્શન પણ શરૂ થઈ જાય છે. તે કોર્પોરેટર હોય તો તેનું અને વિધાનસભ્ય હોય તો તેનું પણ પેન્શન, એક સાંસદ, સાંસદ તરીકેનાં પેન્શન ઉપરાંત મેળવે છે. એ મેળવે તેનો કોઈ વાંધો નથી, રડવાનું તેનું નથી, રડવાનું એનું છે જે ત્રીસેક વર્ષ એક સંસ્થામાં કામ કરે છે ને તેને પેન્શન નથી મળતું ! તેને નિવૃત્તિ પછી હાથ લાંબો કરવાની સ્થિતિમાં મુકાય છે તે ચિંત્ય છે. પાંચ વર્ષની ટર્મ પૂરી કરનાર સાંસદને પેન્શન ને ત્રીસ વર્ષની નોકરી કરનારને ટેન્શન એ તો બરાબર નથીને ! એકને ગોળ ને એકને ખોળ એ ન્યાય છે? બનવું તો એવું જોઈએ કે કોઈ પણ નિવૃત્ત આ દેશમાં સ્વમાનભેર જીવી શકે એટલું પેન્શન મેળવે. જજની કક્ષાની વ્યક્તિને પેન્શન ઓછું પડતું હોય ને ખુદ CJIએ તેમની વકીલાત કરીને સરકારને સૂચવવું પડતું હોય તો સાધારણ નિવૃત્તની શી દશા થતી હશે તેની કલ્પના કરવાનું અઘરું નથી. આવું કરવામાં સરકાર લાચાર હોય ને કોઈને જ તે પેન્શનનો લાભ આપવા ઉત્સુક ન હોય તો ભલે તેમ, પણ તેણે શરૂઆત સંસદથી કરવી જોઈએ ને જાહેર કરવું જોઈએ કે હવેથી કોઈ સાંસદને, ધારાસભ્યને ને કોર્પોરેટરને પેન્શન મળશે નહીં. સરકારથી આ થશે? નહીં થાય તો દરેક નોકરિયાતને પેન્શન મળશે, એવી જાહેરાત થવી જોઈએ. એ થશે, સરકારથી? ઈચ્છીએ કે સરકારથી કૈં થાય …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 માર્ચ 2024