આજના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની અમદાવાદ આવૃત્તિમાં, ફૂટપાથ પર ચાલતી ત્રણ લાઇબ્રેરીઓની મનને દિલાસો આપે તેવી સ્ટોરી આવી છે. તદુપરાંત એક લાઇબ્રેરી એક કાર્યાલયમાં ચાલે છે. આ ચારેય ઉપક્રમો લોકોમાં વાચન વધે તેવી નિસબત ધરાવતા સામાન્ય નાગરિકો ચલાવે છે.
વડોદરાના પુસ્તકપ્રેમીઓમાં છોટુભાઈ તરીકે જાણીતા પ્રદીપકુમાર અગ્રવાલ, એમ.એસ. યુનિવર્સિટી નજીક, ફતેહગંજ વિસ્તારની એક ફૂટપાથ પર ગયાં બાવીસ વર્ષથી લાઇબ્રેરી ચલાવે છે.
રાજસ્થાનના મૂળ નિવાસી પ્રદીપકુમારે લાઇબ્રેરી તરીકે એક છાપરું કરીને તેની નીચે ઘણાં પુસ્તકો મૂક્યાં અને ધીમે ધીમે વિદ્યાર્થીઓ આવતા થયા. તેમની લાઇબ્રેરી બપોરે ત્રણથી મધરાત સુધી ચાલે છે.
તેમાં છોટુભાઈ ભાડા તરીકે નજીવી રકમ લઈને પુસ્તકો વાંચવા આપે છે. રકમમાંથી તેમણે હજારેક પુસ્તકો ખરીદ્યાં છે, કેટલાંક ભેટમાં મળ્યાં છે. તેતાળીસ વર્ષના છોટુભાઈ અપરિણિત છે અને મોટા ભાગનો સમય પુસ્તકો વાંચવામાં વીતાવે છે.
વ્યક્તિગત કરણોસર પદવી શિક્ષણ લઈ ન શકેલા પ્રદીપકુમાર કહે છે કે ‘મારું એક માત્ર ધ્યેય યુવાનોને વાંચતા કરવાનું છે.’ વળી તેમના જણાવ્યા મુજબ તેમના આટલાં વર્ષોમાં સંગ્રહમાંથી ‘એક પણ પુસ્તક ચોરાયું નથી.’
* * * * *
વડોદરાનાં શિલ્પા શેલત ગયાં તેર વર્ષથી દર રવિવારે સવારે ત્રણેક કલાક માટે તેમની કારની ડેકીમાં પુસ્તકો ગોઠવીને સયાજીબાગ પાસે ઊભાં રહે છે.
સાઠ વર્ષનાં શિલ્પાબહેનનાં સંગ્રહમાં અનેક વિષયો પરનાં આઠેક હજાર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી પુસ્તકો છે. તેમની કાર પાસે જાણે વાચકોની હરોળ થાય છે.
તેઓ નામ નોંધીને પુસ્તક વાંચવા આપે છે, ‘કેટલાક વાચકો પુસ્તકો પાછાં આપી જાય છે, પણ પુસ્તકો નહીં આપનારા ઘણાં છે.’ બીજી બાજુ કેટલાક વાચકો પુસ્તકો દાનમાં પણ આપે છે. થોડાક એવા વાચકો પણ હોય છે કે જે બે-એક કલાક ત્યાં જ ઊભા રહીને પુસ્તકો વાંચે છે.
શિલ્પાબહેનનો પોતાનો નાનો વ્યવસાય છે, ને તેઓ ખેતી પણ કરે છે. તેમની દીકરી ખુશાલીની મદદથી આ લાઇબ્રેરી શરૂ કરનારાં શિલ્પાબહેનને અમિત પ્રજાપતિ અને મનોજ બારૈયા પણ આ કામમાં સ્વેચ્છાથી સહાય કરે છે.
વડોદરાના લોકોને વાંચતા કરવાના ધ્યેય સાથે આ પુસ્તક પરબનો આ ઉપક્રમ ચલાવનારા શિલ્પાબહેન કહે છે : ‘લોકોને વાંચતાં જોઈને મને ખૂબ આનંદ થાય છે.’ વડોદરાને લગતી ઉપરોક્ત બે સ્ટોરીઝ પત્રકાર તુષાર તેરેએ લખી છે.
* * * * *
Footpath libraries, 29 February 2024
રાજકોટના રેસકોર્સ રોડ પર ગયાં ત્રણેક વર્ષથી નમ્રતાબહેન અને કેતનભાઈ ફૂટપાથ લાઇબ્રેરી ચલાવે છે. તેમણે શરૂઆત પોતાના સંગ્રહથી કરી, અને પછી લોકો પુસ્તકો ભેટ પણ આપતાં થયા. તેઓ અનામત રકમ લઈને પુસ્તક આપે છે, અને પુસ્તક પાછું લેતી વખતે રકમ પાછી આપે છે.
જુદા જુદા વિષયો પરના તેમનાં પુસ્તકોમાં મોટા ભાગના ગુજરાતી, અને થોડાંક હિન્દી તેમ જ અંગ્રેજી છે. તેઓ દર રવિવારે આકર્ષક પોસ્ટરો સાથે પુસ્તકો ગોઠવે છે.
તેઓ કહે છે : ‘યુવા વર્ગ પુસ્તકો વાંચે છે એ અમારાં માટે ખુશીની વાત છે. તે પ્રેરણાત્મક સાહિત્ય અને સામાન્ય જ્ઞાનના પુસ્તકો પસંદ કરે છે. પોલીસવાળા પણ વાંચવા માટે અહીંથી પુસ્તકો લઈ જાય છે.’ આ સ્ટોરી રાજકોટના પત્રકાર નિમેષ ખાખરિયાએ લખી છે.
* * * * *
નડિયાદ-ખંભાત ધોરી માર્ગ પર નડિયાદથી દસેક કિલોમીટર પર આવેલા આખડોલની લાઇબ્રેરી ફૂટપાથ પર નહીં, પણ એક કાર્યાલયના ઓરડામાં ચાલે છે. ચારેક હજાર પુસ્તકો ધરાવતી આ લાઇબ્રેરીનો લાભ આસપાસના પાંચ-છ ગામના લોકોને પણ મળે છે.
આ લાઇબ્રેરી આખડોલમાં સર્વ શિક્ષા અભિયાનના સંકુલ સંસાધન કેન્દ્ર સમન્વયક (CRC – Cluster Resource Co-ordinator) મૌલિક ચાવડા ચલાવે છે.
તેમને લાઇબ્રેરી શરૂ કરવાનો વિચાર આવતા તેમણે મિત્રોને સોશ્યલ મીડિયામાં ટહેલ નાખી. નવેક મહિનામાં તો પાંચ-છ લાખ રૂપિયા, બે કમ્પ્યુટર, ખુરશીઓ અને પડદાનું દાન મળ્યું. પછી મૌલિકભાઈએ તેમના કાર્યાલયના એક હિસ્સાને લાઇબ્રેરીમાં ફેરવ્યો.
જાન્યુઆરી 2020માં ગામલોકોના હસ્તે લાઇબ્રેરીનું ઉદ્દઘાટન કરાવવામાં આવ્યું. આ અવસરે ‘આખડોલ ગામનો ઇતિહાસ’ નામના પુસ્તકનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. તેના લેખક આખડોલની પ્રાથમિક શાળના આચાર્યા હેમાંગિનીબહેન ભટ્ટ છે.
લાઇબ્રેરીનો ઉપયોગ ગામના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત વડીલો અને ગૃહિણીઓ પણ કરે છે. મૌલિકભાઈનું ધ્યેય ‘વાચનની સંસ્કૃતિ’ સર્જવાનું છે. આ સ્ટોરી પત્રકાર અશોક અદેપાલે લખી છે.
* * * * *
આ લખનાર એમ માને છે કે આપણા વડા પ્રધાન લોકોને વિશ્વગુરુ બનવાના સપનાં દેખાડે છે. સરકારો વિકાસના માત્ર દાવાની જાહેરખબરો પાછળ કરોડો રૂપિયા ખરચે છે. પણ જાહેર શિક્ષણ અને જાહેર આરોગ્ય કથળતાં જઈ રહ્યાં.
લોકોને જ્ઞાનપ્રાપ્તિ માટે પાયાની જરૂરિયાત સમાં જાહેર ગ્રંથાલયો ઉપેક્ષિત છે. ગ્રંથપાલોની હજારો જગ્યાઓ સરકાર ભરતી નથી. લોકો પુસ્તક વાચનથી વિમુખ થઈ રહ્યાં છે.
આવા હતાશાજનક સંજોગોમાં લોકોને વાંચતાં કરવા માટેની નિસબતથી નિ:સ્વાર્થ ભાવે પોતાના પૈસા-સમય-શક્તિથી ચાલી રહેલાં સાતત્યપર્વક વ્યક્તિગત કામો કોડિયાનો ઉજાસ પાથરે છે. ઉપરોક્ત ચારેય નાગરિકોને ધન્યવાદ.
* * * * *
સૌજન્ય : તુષાર તેરે (વડોદરા), નિમેશ ખાખરિયા (રાજકોટ) , અશોક અદેપાલ (અમદાવાદ)
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર