તમને એવું લાગે છે કે કોઈ છેતરી રહ્યું છે? મને તો લાગે છે. મોટે ભાગે બે પ્રકારના માણસો જોવા મળે છે. એક છેતરે છે ને બીજા છેતરાય છે. છેતરપિંડી એ આજના યુગનો લઘુત્તમ સાધારણ અવયવ છે. એ એક જ ક્ષેત્રમાં છે એવું નથી. કોઈ ક્ષેત્ર એમાંથી બાકાત નથી. જે એમ માનતા હોય કે પોતાને કોઈ છેતરી ન શકે, તો એ ભીંત ભૂલે છે. કોરોનાનો જ દાખલો લઇએ. ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ફતવાઓ બહાર પડી ચૂક્યા છે. એમાં સાચું ખોટું કૈં પરખાય છે? કોરોના હોય અને તેની કાળજી રાખવાની હોય તેની ના નથી, પણ જે રીતે એની લહેર ઊઠે છે તે કૈં લીલાલહેર માટે તો નથી જ ! એ એક પ્રકારનું ટેન્શન ઊભું કરે છે. મોટે ભાગે બે મોઢાંની વાતો ચાલે છે. એક કહે છે એમાં ડરવા જેવું કૈં નથી ને બીજું કહે છે ચિંતા કરવા જેવું તો છે જ ! આ વાતો નિયમિત રીતે થોડે થોડે મહિને આપણા કાન ખોતર્યા કરે છે. જરા સ્કૂલો ચાલવા પર આવે છે કે આ ડર ફેણ પછાડીને બેઠો થાય છે. કોઈ રોગ આટલો નિયમિત જોયો નથી. આ તે રોગ છે કે પ્રીમિયમ લેવા આવતો કોઈ એજન્ટ ! કોરોના આવે છે કે કોઈ લાવે છે તે જ નથી સમજાતું.
કોઈ જાણે નક્કી કરીને બેઠું છે કે ભણતર સરખું ચાલવા ના દેવું. ભણતર હવે માસ પ્રમોશનનું જ બીજું નામ હશે કે શું? આ દેશમાં ધંધાધાપા જરા ગતિ પકડે છે કે કોરોનાની બૂમરાણ મચે છે. લોકો માસ્ક કાઢીને ફરતાં થાય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગની આલબેલ ફરી પોકારાય છે. આ કુદરતી નથી લાગતું. લોકો ડરેલા જ રહે એવી વ્યવસ્થા તો ઊભી નથી થઈને? આમાં કોનો શું ઇરાદો છે તે નથી સમજાતો, પણ એટલું છે કે ઘરથી માંડીને મહાનગર સુધી કોઈ ઠેકાણે ન પડે એવો રાક્ષસી ખેલ ખેલાઈ રહ્યો હોય એવું લાગે છે.
થોડું લાઉડ થિંકિંગ કરવા જેવું છે.
એક તરફ આપણો દેશ અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. દેશવિદેશમાં ભારત નામ કમાઈ રહ્યું છે ને બીજી તરફ ઘણી બધી બાબતોમાં તેનો નંબર વિશ્વમાં પાછળને પાછળ જઈ રહ્યો છે. અન્નક્ષેત્રે ભારત એટલું સ્વાવલંબી થયું છે કે તે બીજા દેશોનું પેટ ભરવા લાગ્યું છે, તો અહીં ઘરનાં ઘંટી ચાટે … એવું કેમ થાય છે? આ અઠવાડિયામાં જ સરકારે દસ લાખ નોકરી ઊભી કરવાનું આશ્વાસન આપ્યું છે, તો સવાલ એ છે કે નોકરી ન હોવાને કારણે કે નોકરી છૂટી જવાને કારણે એ કયા લોકો છે જે આત્મહત્યા કરે છે? એક તરફ સરકાર અગ્નિપથ સ્કિમમાં યુવાનો માટે ચાર વર્ષની નોકરી સૈન્યમાં લઈને આવે છે ને એને એક દિવસ પણ નથી થતો ને બિહાર, હરિયાણા … જેવાં સાત રાજ્યોમાં ટ્રેન રોકવા – સળગાવવાના, રસ્તા રોકવાના હિંસક વિરોધ શરૂ થઈ જાય છે, રોહતકમાં એક વિદ્યાર્થી આ જ મામલે આત્મહત્યા કરી લે છે. ચાર વર્ષ પછી એમને અર્ધલશ્કરી દળોમાં કે આસામ રાઈફલ્સમાં અગ્રિમતા આપવાની સરકાર ખાતરી આપે છે, પણ કોઈ ટાંપીને બેઠું હોય તેમ સ્કિમ જાહેર થાય છે તે સાથે જ વિરોધ પણ શરૂ થઈ જાય છે.
એક જ દિવસમાં બે સમાચાર એવા આવે છે જેમાં મોંઘવારી વધે છે ને મોંઘવારી ઘટે પણ છે. આપણે ટેકનોલોજીમાં, વિજ્ઞાનમાં, કૃષિમાં, ઉદ્યોગોમાં બધી જ દિશાએ પ્રગતિ કરી છે. આ સાચું હોય તો લોકો પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ ન રહે એટલાં કામ હોય. કોઈ કામધંધા ને નોકરી વગરનું જ ન હોય, પણ હકીકત એ છે કે લોકોને રોજગારી નથી ને શિક્ષિત બેકારો આત્મહત્યા કરે છે. સરકાર લાખોની સંખ્યામાં દર વર્ષે જેટલી નોકરીઓ ઊભી કરે છે, એટલામાં તો કોઈ નોકરી વગરનું જ ન રહે, પણ સૌ જાણે છે કે હાલત શું છે? ચિત્ર તો એવું ઉપસે છે કે આપણે પાયામાંથી જ ભ્રષ્ટ અને અપ્રામાણિક છીએ. અહીં કોઈ સરકારની ટીકા કરવાનો હેતુ નથી. સારું પણ આ દેશમાં થાય જ છે, પણ તંત્રો કે મીડિયા જે રીતે સક્રિય છે તે સાચું ચિત્ર લોકો સુધી પહોંચવા નથી દેતાં.
અને લોકો? શું કહેવું લોકોને ! એ જીવે છે કે કેમ એની જ ખબર જ નથી પડતી. પેટ્રોલના ભાવ વધે છે, તો ચૂપ છે. ઘટે છે તો ચૂપ છે. પેટ્રોલની અછત ઊભી થાય છે તો લાઇન લાગવા માંડે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ વધે છે તો અહીં ભાવ વધારાની ચેતવણી અપાયાં કરે છે. કેમ જાણે ત્યાં ભાવ ઘટે તો અહીં પણ ભાવ ઘટી જવાના હોય ! ભાવ વધે કે ઘટે લોકો નિર્જીવની જેમ એ વેઠી લે છે. આ અવાજ વગરની, વિરોધ વગરની પ્રજા છે. આ પ્રજા ઘરમાં પણ ચૂપ છે, પણ એની શાંતિ ભારેલા અગ્નિ જેવી છે. તમે નહીં માનો મારી વાત, પણ આ સાવ નવરી પ્રજા છે. એ માત્ર ટાઈમપાસ કરે છે. આમ તો સમય કોઇની પાસે નથી ને કામ પણ કોઈની પાસે નથી. એમની પાસે એક જ કામ છે ને તે મોબાઈલ મચડવાનું. કામ હોય કે ન હોય, લોકો પાસે મોબાઇલની નોકરી તો છે જ ! લોકો એમાં જોતરાયેલા રહે છે. મોબાઈલને આ લોકો નવરો પડવા જ દેતા નથી.
આમ તો મોબાઇલની નોકરી નથી, તો ય તેની ઘણી ફરજો લોકો બજાવે છે. પોતે તો બહુ મેસેજ કરી શકતા નથી, પણ આવેલા મેસેજ ફોરવર્ડ કરવાની વણલખી ફરજ લોકો એવી રીતે બજાવે છે કે એમ ન કરે તો ગુજરી જાય. કેટલા બધા વીડિયો ઉતારવાના ને વાયરલ કરવાના હોય છે ! કેટલા બધા વીડિયો, એવા જ નવરા મિત્રો, ગ્રૂપ્સમાં મોકલે તે ફોરવર્ડ નહીં કરવાના? નોકરીધંધો ન થાય તો ચાલે, પણ ફોરવર્ડ ન થાય તો જીવવું ઝેર થઈ જાય ! આખા દેશમાં જાણે મોબાઈલ ઇન્ડસ્ટ્રી ચાલે છે ને ઘણાં એમાં જોડાયેલાં છે. એનું આઉટ પુટ આમ જુઓ તો કૈં નથી, છતાં લાખો લોકો એમાં ગાંઠના ખર્ચીને વ્યસ્ત હોવાની ‘પવિત્ર’ ફરજ બજાવે છે.
કેટલાંક ઘરોમાં મોબાઈલને કારણે મરણ થયું હોય એવી શાંતિ પથરાઈ જાય છે. મિત્રો, મોંમાં મોં નાખવા જેટલા નજીક હોય, છતાં વાત કરવાને બદલે તેઓ એક બીજાને મોબાઈલ ‘મારે’ છે. કાનમાં કહેવાના મેસેજ હવે ફોરવર્ડ થયા વિના રહેતાં નથી. ઘરમાં માબાપ અને દીકરો કે દીકરી જ હોય, એક જ રૂમમાં ટી.વી. જોતાં બેઠાં હોય, પણ તેમની વચ્ચે કોઈ વાત નથી થતી ને એ ત્રણે પાછાં બીજાઓ જોડે મેસેજ, વીડિયોની આપલે કરતાં રહે છે. આ ત્રણે પાસે પાસે છે, પણ નજીક કોઈ નથી. નજીક તો દૂરના લોકો જ છે. ઘરનાં લોકો દૂર થઈ ગયા છે ને દૂરનાં લોકો ઘરમાં આવી ગયા છે.
મોબાઈલે બીજું કૈં કર્યું હોય કે ન કર્યું હોય, પણ લોકોએ એકબીજા પરનો વિશ્વાસ ગુમાવી દીધો છે. દરેક જણ કોઈ કાવતરું કરી રહ્યું હોય એવું જ લાગે છે. એ ખરું કે સોશિયલ મીડિયા પર કોઈ રાખડી બંધાવવા આવતું નથી કે માબાપ કે કાકાકાકી શોધવા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર લોકો ડોકાય છે એવું પણ નથી. જે મૈત્રી થાય છે તેમની વચ્ચે જ્ઞાન વિજ્ઞાનની વાતો થાય છે એવું પણ નથી. મોટે ભાગે તો નામ છુપાવીને એકબીજાનો લાભ લેવાની ગણતરીએ જ લોકો સોશિયલ મીડિયામાં મળતાં હોય છે. એમનો હેતુ આમ તો એકબીજાના ઉપયોગનો જ હોય છે. આ બધું જાહેર થાય એવું હોતું નથી એટલે ઘરથી છુપાવવાની ફરજ પડે છે. પતિ, પત્નીને પણ હવે તો બીજા સ્ત્રી, પુરુષ મિત્રો હોય છે. એમની સાથે ચેટિંગમાં ઘણો સમય જતો હોય છે. એટલો સમય પતિ, પત્ની પર કે પત્ની, પતિ પર ધ્યાન આપી શકતાં નથી. પત્ની સામે બેઠી હોય, પણ વ્યસ્ત એ દૂરના પુરુષ મિત્રમાં હોય છે તો એ જ રીતે પતિ પણ સ્ત્રી મિત્ર સાથે ગપાટતો હોય એમ બને. આ પાછું જાહેર ન થઈ જાય તે સાચવવાનું હોય છે. એ સચવાય છે, પાસવર્ડથી. વાત ગુપ્ત છે ને ગુપ્ત રાખવાની છે એટલે પાસવર્ડ નાખવો જ પડે છે. પતિ, મિત્ર સાથે કેવી વાત કરે છે તે જાણતો હોય છે એટલે એવી જ વાત પત્ની પણ કરતી હશે એવું એ ધારી લે છે. એ જાણવાની તેને ઈચ્છા હોય છે, પણ જાણી શકે એમ નથી, કારણ, પત્નીએ પાસવર્ડ નાખેલો છે. એવું જ પતિ પણ કરી બેઠો હોય છે એટલે પત્ની પણ જાણી શકતી નથી. વારુ, કોઈ, કોઈને પાસવર્ડ આપવા રાજી નથી. આપે તો પોતાની વાત પતિ કે પત્ની જાણી જાય એવી શંકા છે. જેમની વચ્ચે સૌથી વધુ વિશ્વાસ હોવો જોઈએ તે પતિપત્ની એક બીજા પર જ વિશ્વાસ ન મૂકે એવી સ્થિતિ છે ને જે દૂરનાં મિત્રો છે, જેમને કદાચ જોયા પણ નથી, તેના પર વિશ્વાસ મૂકીને અંગતમાં અંગત વાત પણ કહી દેવાતી હોય છે. પછી કૈં વાંકું પડે છે તો આ જ મિત્રો એકબીજાને ઉઘાડા પાડવામાં જરા પણ શરમ રાખતા નથી.
પતિ કે પત્ની મોબાઇલમાં વ્યસ્ત હોય, વીડિયો કે મેસેજ વાયરલ કરવામાં પડ્યાં હોય ને એમાં ઘરમાં ધ્યાન ન અપાતું હોય તો પતિ કે પત્નીને વાંકું પડે જ છે. કેટલી ય પત્નીઓએ તેમના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદો કરી છે તો કેટલાક પતિઓએ પણ પત્નીની મોબાઈલ પરની વ્યસ્તતાને મામલે વાંધો ઉઠાવ્યો છે. ફરિયાદો ન થઈ હોય તો પણ, કુટુંબનાં અન્ય સભ્યો પણ મોબાઇલમાં વ્યસ્ત રહેતાં જ હોય છે. બાળકો મોબાઈલ ગેમ્સમાં એટલાં વ્યસ્ત થઈ ગયાં છે કે કેટલીક જોખમી રમતોમાં જીવ પણ ગુમાવે છે. થોડા દિવસ પર જ એક માએ દીકરાને પબજી ન રમવા દેતાં માને ગોળીએ દેવાના સમાચાર હતા. કાલના જ સમાચાર છે કે એક 16 વર્ષની છોકરી મોબાઈલ રીપેર નહીં થાય એમ જાણતાં ફાંસો ખાઈ લે છે. આમાંનું કોઈ, કૈં પણ ન કરે તો મરી જાય એમ નથી, પણ મોબાઇલના વ્યસને નવરાશ એટલી ઊભી કરી છે કે મહત્ત્વનાં કામો બાજુએ મૂકીને પણ લોકોએ મોબાઈલને શરણે જવામાં જ મોક્ષ જોયો છે.
આ કૈં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવાથી અટકવાનું નથી. મોબાઇલના સારા ઉપયોગો પણ છે જ, પણ વાત એટલા પૂરતી જ મર્યાદિત થાય તો ફેર પડે. એ તો થાય કે નયે થાય. ટૂંકો ને સાચો રસ્તો એ છે કે જરૂર પૂરતા ઉપયોગની વાત જે તે વ્યક્તિ પોતે જ શરૂ કરે. એટલું તો જે તે વ્યક્તિના હાથમાં છે જ. બાકી બધાંને સુધારવાનું શક્ય નથી. દરેક જણ પોતાનો વિવેક જાગ્રત કરે તો ય ઘણું છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જૂન 2022