(વજેસિંહે લખેલું સંસ્મરણ)
વાત છે ફાટેલી ચડ્ડીના ખિસ્સામાં મકાઈનો ચોથિયો રોટલો ઘાલીને ઉધાડા પગે ઘરથી (ઈટાવા, તાલુકો – દહોદ) નિશાળ ને નિશાળથી ઘર ચાર દૂની આઠ કિ.મી.ની પદયાત્રા કરવાના દિવસોની. અમારે મન ઢોરાં ચારવા જવું ને નિશાળે જવું બંને સરખું. અમારાં માબાપ ને માસ્તરોની પણ એક જ મંછા – છોરાને લખતાં-વાંચતાં આવડે એટલે પત્યું. આપણે ક્યાં ભણીને રાજ લેવાનું છે! આવી વૃત્તિ ને માહોલમાં અમારે નિશાળે જવાનું. ત્યારે હું છઠ્ઠામાં. ગામમાંથી નિશાળે જનારી અમારી પાંચની ટણકટોળી. આઠથી બારની વય. આજુબાજુનાં ગોમોને પાંચ-સાત કિ.મી.ના અંતરે પડે એવી એકથી સાત ધોરણની એકમાત્ર પ્રાથમિક શાળા કઠલા ગામે. કઠલા મારું મોસાળ. ઘણા મને ઓળખે, ઘણાને હું મામા કહું. બાર-પંદર ગામના છોકરા આ શાળમાં ભણે! એ કાળે થોડાં ઝાડી-જંગલ. શિયાળાના ટૂંકા દિવસોમાં સાંજે નિશાળેથી પાછા ફરતાં અંધારું ઊતરી પડે ને સાપ શિયાળવાંની બીક પણ લાગે!
ચોમાસામાં છત્રી વગર હેરાન થઈએ. વરસતી ઝડીમાં પલળતાં-પલળતાં ઘરે આવવું પડે. ચોમાસું પણ કેવું! ભાદરવાના દિવસોમાં હેલી થાય ત્યારે ત્રણ-ચાર દિવસ ઘરમાં ગોંધાઈ રહેવું પડે, એવો વરસાદ એ જમાનાનો. આવા ભાદરવા મહિનામાં એક દિવસે નિશાળમાં હતા ને ઘનઘોર મેઘાંડબર છવાયો. ગાજવીજ ને કડાકાભડાકા સાથે બારે મેઘ ખાંગા થયા. નજર પૂગે ત્યાં લગી પાણી જ પાણી. અમારો ડુંગરાળ વિસ્તાર પણ જળબંબોળ લાગે! માસ્તરોએ નિશાળ છોડી મૂકી. દફતરો નિશાળમાં છોડીને અમે ઘર તરફ દોટ મૂકી! અમારા દફતરમાં હોઈ હોઈ ને હોય પણ શું? ફાટેલી થેલીમાં ફૂટેલી સ્લેટ, સ્લેટપેન-પેન્સિલના ટુકડા ને ફાટેલી એકબે ચોપડી ને નોટ. નિશાળ ને આમારા ગામ વચ્ચે કાળી નદી. નદી બે વડે અકાંછકાં (બે કિનારે છલકાય), ભલભલા તરવૈયાના હાંજા ગગડી જાય એવો નદીનો ઘુધવાટ. કાંઠે ઊભા ઊભા વિમાસીએ. શું કરવું, ક્યાં જવું? ઉઘાડા માથે મુશળધાર વરસાદ ને ઉપરથી પવનના સુસવાટા. હિક્કળ લાગવાથી માતા આવી હોય એમ ધ્રૂજીએ. હિક્કળથી દાંતની કટકટી વાગે, ધરે કોઈ લેવા આવશેની થોડી વાર રાહ જોઈ. પણ એ આશા ય પૂરમાં તરણું તણાય એમ તણાઈ ગઈ! કોઈ આરોઓવારો ન દેખાયો. પાછા વળ્યા. શેરીના પાસે પડતા એક ઘરમાં માથું મારીને ઘૂસી ગયા. ઘરધણીએ હેતથી આવકારો આપ્યો. અંગેટી (તાપણું) કરીને બેસાડ્યા. લથબથ ખમીસો નિચોવીને વાંસની વળગણીએ નાખ્યા. થેલા ઓઢવા આપ્યા. થોડાં હૂંફ ને ગરમાવો મળ્યાં. માંડ-માંડ જીવમાં જીવ આવ્યો. અમને મીઠો આવકારો આપનારા ઘરધણીનું નામ, જોખો ડામોર. ભાદરવો એટલે અમારા લોકો માટે ભૂખમરાનો મહિનો. દાણોપાણી ખૂટી ગયાં હોય, ખેતરોમાં ધાન પાક્યું હોય પણ હજુ લીલું હોય, એટલે છતે ધાને ભૂખે મરવાનું કરમમાં લખાયેલું. તે વખતના લોકો ભૂખથી ચીમળાય પણ આજની પેઢીની જેમ ઘર-ગામ છોડીને મજૂરી કરવા ગુજરાતમાં ન આવે. (હા, અમે ગુજરાતમાં જ આવીએ, પણ અમારે મન ગુજરાત એટલે ખેડા, વડોદરા ને અમદાવાદ જિલ્લો) ભાદરવામાં કોઈક જ ઘરમાં સવારસાંજ ચૂલા સળગે. પાછલું વરસ કાળદુકાળનું હોય તો, કેટલાં ય ઘરોમાં મહુડાં શેકીને કે બાફીને ખાઈ લેવાનું ને કપરા દિવસો કાપવાના એવી દારુણ ગરીબીનો અભિશાપ લઈને જન્મેલી અમારી કોમ.
આવા ભૂખમરાના દિવસોમાં વેરી વરસાદે અમને એક અજાણ્યાના ઘરે પામળા (અતિથિ) બનાવી દીધા. ઘરધણીનું આઠ જણનું વસ્તારી કુટુંબ. અમારાં પેટમાં બિલાડાં બોલે, મોઢાં નિમાણાં થઈ ગયાં. અભણ પણ વખો વેઠેલો જોખો અમારા દીદાર જોઇ બધું કળી ગયો. ‘છોરા ભૂખ્યા છે!’ ઘરવાળી સાથે ખૂણામાં જઈને ગુપસુપ કરી. જોખો માથે થેલાની ઘૂમટી ઓઢી ધોધમાર વરસાદમાં ઘરની બહાર નીકળી ગયો. કલાકેકમાં પાછો આવ્યો. સંતાડેલી કપડાની પોટલી ઘરવાળીને આપી. ઘરવાળીએ ચૂલો સળગાવ્યો. કોઈકને ત્યાંથી ઉછીઉધારો લાવેલા લોટના પાંચ રોટલા થયા. મરચાની મીઠું નાખી ચટણી વાટી. રાતી જુવારનો એકએક રોટલો અમને પાંચેયને ભાવથી ધર્યો. ‘ખાઓ બેટા! આખા દાડાના ભૂખ્યા ઓહે (હશો). ડુંગર બળે તો તો હૌ કોઈ દેખે, પેટ બળે તો કોણ દેખે!’ અમને તો પકવાન પીરસાયા જેટલો રાજીપો થયો. બે-ત્રણ કોળિયા ઊતર્યા હશે ને જોખાના સૌથી નાના અમારી હામીદામી(સમવયસ્ક)ના છોકરાના મોંમાંથી રૂંગું નીકળ્યું. એની માએ મોઢે હાથ દાબ્યો છાં દબાયેલો અવાજ મારા કાનમાં શીશાની જેમ ઊતરી ગયો. ‘આઈ, મને પણ રોટો આલને હું ય હવારનો ભૂખ્યો છું.’ અમે બે મોટા છોકરા મામલો સમજી ગયા. અડધો-અડધો રોટલો ભાગીને એ છોકરાને આપવા લાગ્યા ત્યારે જોખો કહે, ‘ખાઓ બેટા, એ તો દુત્તુ (જુઠ્ઠું) બોલે છે. હમણાં જ એણે ખાધું છે.’ પાછળથી ખબર પડી કે આખું ઘર સવારથી જ ભૂખ્યું હતું! આજે સાત પેઢી ખાતાં ન ખૂટે એટલું ધાન હોવા છતાં કોઈ ભિખારીને એક રોટલી નથી આપતું; ત્યારે એક ગરીબ આદિવાસી પોતાની ને પોતાના વસ્તારના પેટની આગ ઠારવાને બદલે ડુંગર ઠારવા (અમારી ભૂખ ભાંગવા) મુશળધાર વરસાદમાં નીકળી પડે એ ઘટના કલ્પનાતીત જ લાગે! પણ આ ઘટના આજે ત્રીસ વરસે ય મારી આંખના ખૂણા ભીંજવી જાય છે.
(નિર્ધાર, પેજ નં. ૪, ઑક્ટોબર ૨૦૦૯)
‘નિર્ધાર’ નામનું એક સામયિક પ્રકાશિત થતું. એના એકવીસેક અંક પ્રકાશિત થયા હશે. વજેસિંહ પારગીએ લખેલું આ સંસ્મરણ ‘નિર્ધાર’માંથી મળ્યું)
સૌજન્ય : ઉમેશભાઈ સોલંકીની ફેઇસબૂક દીવાલેથી સાદર