સર મંગળદાસ નથુભાઈના દીકરાનાં લગ્ન અને પ્રિન્સ ઓફ વેલ્સ
સ્થળ : કોટ વિસ્તારમાં બનાજી સ્ટ્રીટ પર આવેલી બનાજી લીમજી અગિયારી.
પાત્રો : રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ.
દી.મ. : વાછા શેઠ, આપને ફરી મળીને આનંદ થયો.
વાછા શેઠ : અમુને બી ઘન્ની ખુશી ઊપજી!
દી.મ. : આજે જેમનાં નામ પણ ભુલાઈ ગયાં છે એવાં કેટલાં બધાં કુટુંબોની વાતો આપે ‘મુંબઈનો બાહાર’ પુસ્તકમાં નોંધી છે. તેમાંની થોડી વાતો કહો ને!
વાછા શેઠ : જુઓ બાવા! તમને તો માલમ છે કે તવારીખની નોંધ રાખવામાં આપના દેશના લોકોએ ઝાઝું ધીયાન આપ્યું નથી. પણ જે બી બાબતો નોંધાઈ છે તે ઉપરથી એમ કહી સકાય કે મુંબઈ આવીને વસેલા પહેલવહેલા હિંદુ ગુજરાતી હતા શેઠ રૂપજી ધનજી. કાઠિયાવાડના કિનારે આવેલા દીવ બંદરે તેઓ નાનોમોટો વેપાર કરતા હુતા. દીવમાં એ વખતે પોર્તુગીઝોનું રાજ, અને મુંબઈમાં અંગ્રેજોનું રાજ હજી નવુંસવું હતું એટલે દીવ કરતાં મુંબઈમાં વેપાર-વણજ માટેની તક વધારે. એટલે વિક્રમ સંવત ૧૭૪૮માં, એટલે કે ઈ.સ. ૧૬૯૧માં, પોતાના કબીલા સાથે તેઓ મુંબઈ આવી વસ્યા.
દી.મ. : એ જમાનામાં આટલી લાંબી મુસાફરી કેવી રીતે કરી હશે?
વાછા શેઠ : શઢવાલા દેશી વહાણમાં.
દી.મ. : ઓહો! તો તો ઘણો લાંબો વખત લાગ્યો હશે!
વાછા શેઠ : એક વાત સમજવા જેવી છે, મહેતા! એ વખતે આસપાસના મુલક સાથે આય મુંબઈ શહેર જમીન રસ્તે જોડાયેલું હુતું જ નહિ. એટલે બહારથી જે બી લોક આવિયા તે દરિયા રસ્તે જ આવિયા. એટલે સુરત, ભરૂચ, ઘોઘા, દીવ જેવાં બંદરો પરથી પહેલા ગુજરાતી અહીં આવિયા. અને જમીન રસ્તા જ નહોતા તો પછી વાહનની સગવડ તો ક્યાંથી જ હોય?
દી.મ. : અચ્છા! હવે સમજાયું કે કવિ નર્મદ બાળપણમાં માતા સાથે સુરતથી મુંબઈ આગબોટમાં કેમ આવતા. ‘મારી હકીકત’ નામે લખેલી આત્મકથા(૧૮૬૬)માં નર્મદ લખે છે : “સુરતથી મુંબઈ જતાં આગબોટમાંથી કુલાબો દેખાતાં મારા અંગમાં જોર આવતું ને પછી બંદર પરથી ઘેર જતાં ચાંદની રાતે કોટમાંનાં મોટાં મકાનો જોઈ મને નવાઈ લાગતી તે, અને મુંબઈથી આગબોટમાં સુરત આવતાં વલસાડ આગળથી જે હવા બદલાતી લાગતી તે, હજી મને સાંભરે છે.”
વાછા શેઠ : મહેતા, તમોને તો માલુમ હોસે જ પણ કવેસર દલપતરામભાઈ ૧૮૫૦ના માર્ચમાં એલેક્ઝાન્ડર ફોર્બ્સ સાથે પહેલી વાર અમદાવાદથી મુંબઈ આવ્યા ત્યારે એ બધાં પહેલાં અમદાવાદથી ખંભાત બળદ ગાડામાં ગયેલા અને ત્યાંથી ફોર્બ્સે અલાયદું સુવાંગ શઢવાળું વહાણ ભાડે રાખેલું. અને એવનને ખંભાતથી મુંબઈ પહોંચતાં પાંચ-છ દિવસ લાગીયા હુતા.
દી.મ. : અને કવિ નર્મદ પહેલી વાર આગગાડી કહેતાં ટ્રેનમાં બેઠા તે પછી તેમણે એ મુસાફરી વિષે કવિતા લખેલી. તેની થોડી લીટી સંભળાવું?
વાછા શેઠ : ઈર્શાદ, ઈર્શાદ.
દી.મ. : (નર્મકવિતા’માંથી વાંચે છે)
ગાડીમાંથી રચના જોતાં હરખ્યું મન મુજ.
ડુંગર મોટા પડેલ લાંબા, અજગર જેવા દેખાયા તે,
રંગરંગના, કેટલાકના કળોઠી જેવા રંગ ચળકતા
કેટલાક તો કાળા બલ્લક, કેટલાક તો ભૂરા–રાતા
જેની માંહે વચ્ચે વચ્ચે લાલ માટીના ઢળતા લીટા,
શોભે સારા, કો લીલા પર કાળી વાદળી ઝૂમી રહેલી
આગળ જાતાં ખેતર, તેમાં ઝાડો વચ્ચે કંઈ કંઈ અંતર
જે માંહેથી આરપાર ખૂબ નિરખતાં
તો ચકચકતો બહુ દરિયો દીસે.
ગાડી જ્યારે જાય ટનલમાં ચિંઈઈ કરીને
તારે સહુ જન થાય અજબ બહુ
એવી વેળા થોડી વારના અંધારામાં
નિજ પ્રિયજનને છાતીસરસું ખૂબ ચાંપવું,
એ સુખડું તો સ્વર્ગનું સાચે.
દી.મ. : વાછા શેઠ, હવે રૂપજી ધનજી શેઠ વિષે થોડી વાત કરો ને!
સર મંગળદાસ નથુભાઈ
વાછા શેઠ : શરૂઆતમાં બહારથી જે લોકો મુંબઈ આવી વસ્યા તે મોટે ભાગે સરકારને, અને ખાસ કરીને તેના લશ્કરને જોઈતો માલ-સામાન પૂરો પાડવાનું કામ કરતા. રૂપજી શેઠે બી એ જ કામ કર્યું હુતું. તેવણને ત્રણ બેટા હતા. પણ તેમાંના બે વિષે કંઈ બી જાણવા મલતું નથી. વડા બેટા મનોરદાસ રૂપજીએ પહેલાં તો બાપીકો ધંધો જ ચાલુ રાખીયો. તેમાં બે પાનરે થિયા પછી સરાફીનો ધંધો શુરુ કરી ઘન્નું કમાયા અને નગર શેઠ જેવું માન મેળવવા લાગીયા. પછીના વારસોએ બી કુટુંબનું નામ રાખ્યું. પણ તેને સૌથી વધારે ઉજાળ્યું તે તો શેઠ મંગળદાસ નથુભાઈએ.
દી.મ. : ઓહો! હિંદુ ગુજરાતીઓમાં ‘સર’નો ઈલ્કાબ પહેલવહેલો મેળવનાર સર મંગળદાસ નથુભાઈની વાત કરો છો આપ?
વાછા શેઠ : બીજા કોઈ મંગળદાસની મુને તો ખબર નથી. ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૫મી તારીખે મુંબઈમાં જ એવનનો જનમ થિયો. ગુજરાતી ધૂડી નિશાળમાં શીખ્યા પછી થોડો વખત અંગ્રેજી સ્કૂલમાં ભણ્યા. પણ કુટુંબની મિલકતના ટ્રસ્ટી બનેલા વકીલોની દાનત ખોરી છે એમ જણાતાં ભણવાનું છોડી અદાલતના દરવાજા ખખડાવ્યા અને ઉંમરલાયેક થતાં બધી મિલકત પોતાને સ્વાધીન કીધી. પછી ફરી અંગ્રેજી શીખવાનું શુરુ કીધું, ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર વિનાયકરાવ વાસુદેવની પાસે.
દી.મ. : આ મંગળદાસ શેઠ તો એ વખતે ચાલતી સમાજ સુધારાની ચળવળના પણ મોટા ટેકેદાર હતા, ખરું?
વાછા શેઠ : બિલકુલ ખરું. છોકરીઓને શીખવવા માટે એવને પાયધોણી નજીક કન્યાશાળા શુરુ કીધી અને તેના નિભાવ માટે દર વરસે ૧૫૦૦ રૂપિયા આપવાની બાહેધરી આપી, ને ઉપરાંત વીસ હજાર રૂપિયાની ગવર્નમેન્ટ પ્રોમીસરી નોટ બી લખી આપી હુતી. આપરે જે વારની વાત કરીએ ચ તે વારે રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના સભ્ય થવું એ બહુ મોટું માન મનાતું. ૧૮૦૪માં આય સોસાયટી શુરુ થઈ તે પછી ઘન્નાં વરસ તો કોઈ બી ‘દેશી’ તેનો સભ્ય થઈ જ સકતો નહિ હૂતો. મંગળદાસ શેઠ ૧૮૬૩માં આય સોસાયટીના મેમ્બર બનિયા હુતા. એ જ વરસે એવને યુનિવર્સિટી ઓફ બોમ્બેને ૨૦ હજાર રૂપિયાની સખાવત કરી, જેના વ્યાજમાંથી હિંદુ ગ્રેજ્યુએટોને બ્રિટન જઈ ભણવા માટે તેમના નામની ટ્રાવેલિંગ ફેલોશિપ આપવાનું ઠેડવ્યું હુતું.
દી.મ. : આ શેઠ સાહેબ આટલી સખાવત છુટ્ટે હાથે કરતાં તે એમનો કારોબાર શો હતો?
વાછા શેઠ : તમે મંગળદાસ માર્કેટનું નામ તો સાંભળ્યું જ હોસે.
દી.મ. : અરે, જોઈ પણ છે.
વાછા શેઠ : બસ તો, શેઠનો વેપાર હૂતો કાપડનો. ૧૮૬૦થી ૧૮૭૪ સુધી એવન બોમ્બે યુનાઈટેડ મિલના એજન્ટ હુતા. તેમની યાદગીરીમાં જ આય માર્કેટનું નામ.
દી.મ. : અને તેમણે છેક કલ્યાણમાં હોસ્પિટલ બંધાવેલી એ વાત સાચી?
સર મંગળદાસ નથુભાઈએ વાલકેશ્વરમાં બંધાવેલાં મંદિર અને ધરમશાળા
વાછા શેઠ : હા. મંગળદાસ શેઠનાં ઘરવાળાં રુકમણી ગુજરી ગિયાં તે પછી ૫૦ હજાર રૂપિયાના ખર્ચે શેઠે કલ્યાણમાં હોસ્પિટલ શુરુ કીધી, જે આજે બી ચાલુ છે. મુંબઈ સરકારે પોતાની ‘લેજિસલેટિવ કાઉન્સિલ’ના એકુ મેમ્બર તરીકે ૧૮૬૬માં એવનની નિમણૂક કીધી હુતી. અગાઉ ‘ધી બોમ્બે એસોસિયેશન’ શુરુ થઈ હુતી તે વખત જતાં નબળી હાલતની થઈ ત્યારે ૧૮૬૭માં મંગળદાસ શેઠે તેને ફરી બેઠી કીધી અને તેના સરનશીન બન્યા. તેમની સેવાઓને ધ્યાને લઈને ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ ૧૮૭૨માં એવનને ‘ઓર્ડર ઓફ ધ કમ્પેનિયન ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા’ના ખિતાબથી નવાજ્યા હુતા. અને પછી ૧૮૭૫માં નાઈટનો માનવંતો ઈલ્કાબ આપતાં તેઓ સર નથુભાઈ મંગળદાસ બનિયા હુતા. એ જ વરસે એવને ૨૫ હજાર રૂપિયાને ખર્ચે વાલકેશ્વરમાં મંદિર અને ધરમશાળા બંધાવ્યાં હુતાં. દેશમાં તાજનું રાજ શુરુ થિયું તે વારે કાયદા ઘડવા માટે ‘કાઉન્સિલ’ સરકારે શુરુ કીધી તે વારે તેના પહેલા ‘દેશી’ મેમ્બર જગન્નાથ શંકરશેઠ બનિયા હુતા. પણ એવન ગુજરી ગયા પછી એ માન શેઠ મંગળદાસ નથુભાઈને મળિયું હુતું એટલું જ નહિ, ચાર-ચાર વખત તેઓ આય કાઉન્સિલના મેમ્બર બનિયા હુતા.
દી.મ. : વાછા શેઠ, એક વાત પૂછું?
વાછા શેઠ : પૂછો, પૂછો. માલુમ હોસે તો જનાવિસું.
સર મંગળદાસ નથુભાઈએ પ્રિન્સ ઓફ વેલ્સને ભેટ આપેલાં ચિત્રોમાનું એક ચિત્ર
દી.મ. : સાંભળ્યું છે કે ૧૮૭૫માં પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ આવેલા ત્યારે નથુભાઈને ઘરે ગયેલા.
વાછા શેઠ : એક સો ને એક ટકા સાચી વાત. એ દિવસ હૂતો ૧૮૭૫ના નવેમ્બરની ૨૫મી તારીખ. પ્રિન્સ ઓફ વેલ્સના મુંબઈ મુકામનો છેલ્લો દિવસ. એ જ દહાડે સર મંગળદાસ નથુભાઈના દીકરાનાં લગન હુતાં અને સરસાહેબે પ્રિન્સને લગ્નમાં હાજર રહેવા નોતરું મોકલ્યું. અને પ્રિન્સ ઓફ વેલ્સ એ લગ્નમાં હાજર રહ્યા. એ વખતે સરસાહેબે પ્રિન્સને ચિત્રોના ત્રણ આલ્બમ ભેટ આપેલાં. આય પ્રિન્સ ઓફ વેલ્સ પછીથી સાતમા કિંગ એડવર્ડ બન્યા. એટલે આય આલ્બમો આજે બી લંડનના રોયલ કલેક્શન્સ ટ્રસ્ટમાં સચવાયાં છે.
દી.મ. : પોતાના ભૂતકાળની યાદગીરી સાચવી રાખવા બીજા દેશના લોકો કેટલી મહેનત કરે છે! અને આપણે ત્યાં તો મંગળદાસ શેઠનો એકાદ ફોટો મેળવતાં પણ નાકે દમ આવી જાય છે!
વાછા શેઠ : જુઓ મહેતા. તમે નર્મદાશંકરની કવિતા વાંચી. તેઓ બહુ મોટા કવિ હુતા એની ના નહિ. પણ અમારા પારસીઓમાં તો દલપતરામભાઈ વધારે પોપ્યુલર. તમને તો માલુમ છે જ કે ૧૮૫૭માં આખા હિન્દુસ્તાનમાં સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક ગુજરાતી ભાષામાં અને મુંબઈથી પારસીઓએ શુરુ કીધેલું. એનું નામ હુતું ‘સ્ત્રીબોધ.’ તેના પહેલા જ અંકથી દર મહીને દલપતરામભાઈ ખાસ નવી નવી કવિતા લખીને મોકલતા અને વાચનારીઓ તે હોંસે હોંસે વાંચતી. દલપતરામભાઈએ સર મંગળદાસ માટે બી દોહરા લખિયા હુતા. તેમાંથી થોડા સંભળાવું?
દી.મ. : ઓહોહો! જરૂર સંભળાવો વાછા શેઠ!
વાછા શેઠ : અમદાવાદથી નીકળતા ‘બુદ્ધિપ્રકાશ’ ચોપાનિયાના ૧૮૬૨ના એપ્રિલ અંકમાં છપાયેલા દોહરામાંથી થોરાક :
મંગળ કરવા મનુષ્યનું, ઈચ્છે મંગળદાસ,
તેનું મહામંગળ થવા, ઈશ્વર પૂરે આશ.
જશ તારો આ જગતમાં, પૂરણ થયો પ્રકાશ,
કામ અધિક જે તેં કર્યું, મંગળ મંગળદાસ.
તારા સારા કામમાં, કશી નહિ રહી કચાશ,
જગકર્તા તારું કરે, મંગળ મંગળદાસ.
ભગવાને સોંપ્યા ભલે, પૈસા તારી પાસ,
તેથી મોટું તે કર્યું, મંગળ મંગળદાસ.
તે જનનીને ધન્ય છે, ઉદર ધર્યો નવ માસ,
માત–પિતાનું તેં કર્યું, મંગળ મંગળદાસ.
તુજથી સૌ સારું થશે, વિશેષ છે વિશ્વાસ,
તું સૌનું કરનાર છે, મંગળ મંગળદાસ.
દિલ સાચે દલપત કહે, વસો અચલ સુખવાસ,
ત્રિલોકમાં તારું થજો, મંગળ મંગળદાસ.
દી.મ. : વાછા શેઠ : આપનું પુસ્તક ‘મુંબઈનો બાહાર’ ૧૮૭૪માં છપાયું ત્યારે તો મંગળદાસ શેઠ હયાત હતા. પણ તે પછી ૧૮૯૦ના માર્ચ મહિનાની નવમી તારીખે તેઓ સ્વર્ગવાસી થયા.
વાછા શેઠ : અમુને તો ખાતરી છે કે ખોદાયજીને ત્યાં ગયા વેરે બી મંગળદાસ શેઠે બીજાનાં ભલા માટેનાં કામ કીધાં હોસે.
દી.મ. : વાછા શેઠ. આજે તો વાતોમાં ટાઈમ ક્યાં પૂરો થઈ ગયો તેની ખબર પણ ન પડી. હવે આવતા શનિવારે થોડી વધુ વાતો કરવા ફરી મળીશું.
વાછા શેઠ : ખોદાયજી તમોને સલામત રાખે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 30 સપ્ટેમ્બર 2023)