– આટલી વિશાળ રોજગારી આવશે કયાંથી?
– ઠાલાં વચનો; ૨૦૦૩-૦૪થી ૨૦૧૩-૧૪ સુધીના દસ વરસમાં ૨૮ મોટા ઉદ્યોગગૃહોએ માત્ર ૬૧,૦૦૦ નવી રોજગારી પેદા કરી છે
પાછલા દિવસોમાં પ્રિન્ટ મીડિયામાં લાંબી રેલવેના ડબાના છાપરા પર હજારો યુવાનો મુસાફરો બતાવાયા હતા. રેલવેના તંત્રની ખામી બતાવવા નહીં પણ સિક્યોરિટી ગાર્ડની ભરતી માટે હજારો અરજદાર યુવાનો નોકરી માટે જઈ રહ્યાં છે. ભારતમાં રોજગારીના સવાલને ઉકેલવા આવતાં નવ વર્ષમાં પ૦ કરોડ રોજગારી ઊભી કરવી પડશે. કારણ દર વરસે ૧૨૦ લાખ યુવકો રોજગારીને લાયક બને છે. એક અર્થમાં આ યુવાન ભારત, વિશ્વના કોઈ પણ રાષ્ટ્રને હરીફાઈમાં હંફાવી શકે એમ છે. પણ, ભારતમાં રોજગારી એટલી ધીમી ગતિએ વધે છે કે, યુવાન ભારત, સર્જકને બદલે બેરોજગારીનો બોમ્બ બની જઈ સ્ફોટક બની શકે છે.
ભારતમાં ૧૦થી ૧૯ વર્ષની ઉંમરની વસ્તી ૨પ કરોડ છે. જ્યારે ૧પ-૨પ ઉંમરના નાગરિકો જેને યુવક કહેવાય છે એની સંખ્યા ૨૩ કરોડ છે. ભારતની મીડિયન (સરેરાશ) ઉંમર ૨પ વરસ છે. જ્યારે વિશ્વના સમૃદ્ધ રાષ્ટ્રોની આ ઉંમર ૪૦ વર્ષની છે. આ અર્થમાં ભારત જરૂર ગાઈ શકે કે 'અભી તો મૈં જવાઁ હું’ પણ યુવાનીનું આ ગીત બેરોજગારીની પીડામાં ઘૂંટાય છે. એમ કહેવાય છે કે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનો વિજય પ્રાપ્ત કરવામાં ભારતના ર્કોપોરેટજગતે ઘણો મોટો ભાગ ભજવ્યો છે. રતન તાતા, મુકેશ અંબાણીથી માંડી ગૌતમ અદાણી સુધીના સહુએ પૂરું જોર લગાવ્યું હતું. પણ કોઈ વિચારક, રાજનેતા, ઉદ્યોગપતિ જવાબ આપશે ખરો કે, ભારત માટે આ વિશાળ રોજગારી કયાંથી આવશે?
ખેતીમાં રોજગારીનો ગ્રાફ કહે છે કે, ૨૦૦૪-૦પનું વર્ષ ઇતિહાસમાં એવા વર્ષ તરીકે નોંધાયું છે કે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રોજગારી મેળવવા સૌથી વધુ ભારતીયોએ કૃષિક્ષેત્ર છોડી દીધું હતું. બીજી તરફ, ભારતમાં ૯૦ ટકા રોજગારી અસંગઠિત અને સેવાક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે જ્યારે ઉત્પાદન (મેન્યુફેકચરિંગ) ક્ષેત્રમાંથી માંડ ૧પ ટકા રોજી પ્રાપ્ત થાય છે. આ ૧પ ટકામાં, નાણાંકીય વહીવટ અને ઊંચાં પદો પરની રોજીને બાકાત કરીએ તો બહુ ઓછા ટકા સામાન્ય રોજગારી માટે બચ્યા હશે.
એક સર્વેક્ષણમાં એવું જણાયું છે કે, ૨૦૦૩-૦૪થી ૨૦૧૩-૧૪ના પૂરાં ૧૦ વર્ષમાં ભારતના ૨૮ ઉદ્યોગગૃહોએ વાર્ષિક સરેરાશ. ઉત્પાદનમાંથી ૧૭.૮૯ ટકાના દરે આવક મેળવી છે જ્યારે માનવીય રોજગારીમાં માત્રને માત્ર પૂરા ત્રણ ટકા પણ નહીં. એટલે ૨.૮૭ ટકાના દરે વધારો થયો છે. સાદી ભાષામાં કહીએ તો આ ૨૮ ઉદ્યોગગૃહોએ ૧૮ ટકાના આવક વધારા સામે, આવકના વધારાના છઠ્ઠા ભાગની ત્રણ ટકાની રોજગારી વધારી છે. આ ઉદ્યોગગૃહો – ઓટોમોબાઈલ, મૂડીગત માલસામાન, સિમેન્ટ, રસાયણ, ખાતર, ફાર્માસ્યુટિકલ અને કાપડ ક્ષેત્રના છે.
આવા મુખ્ય ગણાતા ૨૮ ઉદ્યોગગૃહો એ ૧૦ વર્ષમાં એમની કુલ કર્મચારીઓની ૧,૮૮,૭૦૨ની સંખ્યામાં માત્રને માત્ર ૬૧,૦૦૦નો વધારો કર્યો છે. એટલે એક વર્ષમાં ૨૮ ઉદ્યોગગૃહોમાં ૬૧૦ વધારાના કર્મચારીને નોકરી મળી છે. એટલે જ આ વિકાસને રોજગારી વગરનો વિકાસ કહેવાય છે. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણમાં દુનિયામાં લગભગ બધે જ રોજગારી વગરનો વિકાસ થયો છે. આમાં નામી ગણાતા ઉદ્યોગગૃહો જેવા કે અશોક લેલેન્ડ, હીરો મોટર્સ ર્કોપોરેશન, સુંદરમ કલેટન, તાતા મોટર્સ, એશિયન બ્રાઉન બાવેરી, ભેલ, સિમેન્સ, ગ્રેફાઈટ ઈન્ડિયા, બિરલા ર્કોપોરેશન ચેટ્ટીનાડ સિમેન્ટ, રેમકો સિમેન્ટ, અતુલ, બીએએસએફ, કેસ્ટોલ, ગોદરેજ, પિડિલાઈટ, જીએનએફસી, મેંગલોર કેમિકલ્સ, નેશનલ ફર્ટિલાઈઝર્સ, આરસીએફ, અરબિન્દો ફાર્મા, રેનબેક્સી લેબ, આદિત્ય બિરલા નુવો, ગ્રેસીમ અને વર્ધમાન ટેકસ્ટાઈલનો સમાવેશ થયો છે.
૬૧,૦૦૦ રોજગારીના આ વધારામાં અડધાથી વધારે વધારો તો કેપિટલ ગુડ્ઝ અને કાપડ ક્ષેત્રે નોંધાયો છે. જ્યારે કેટલાકે તો 'ગોલ્ડન હેન્ડ શેક’ યોજના નીચે ઘટાડો કર્યો હશે. આ વિગતો એમના વાર્ષિક અહેવાલના આધારે એકઠી કરાઈ છે. રોજગારીમાં કમી કરવામાં મુખ્ય ચાર સિમેન્ટ ઉદ્યોગોએ ૩૧પ અને પાંચ કેમિકલ કંપનીએ ૧૨૦૦ નોકરી ઘટાડી છે. અલબત્ત, કેટલીક કંપનીઓએ નવી રોજગારી પણ પેદા કરી છે. પણ એકંદર વધારો ૬૧,૦૦૦ જ છે. બધા ઉદ્યોગગૃહો રિઝર્વ બેંક પાસે વિકાસ માટે વ્યાજમાંના ઘટાડાની માગ કર્યા કરે છે અને નવી સરકાર ઉદ્યોગોની મિત્ર બની મેન્યુફેકચરિંગ ક્ષેત્રની થીજી ગયેલી વિધ્ધીને ઝડપી બનાવવા પગલાં લેનાર છે.
આવાં પગલામાં સરળ ઓછા દરે બેંકધિરાણ; સસ્તી જમીન; કરરાહત; પર્યાવરણની સરળ મંજૂરી વગેરે હશે. તો વધુ રોજગારી પેદા થશે જ નહીં એવું નથી. અર્થવ્યવસ્થામાં બે પ્રકારના ઉદ્યોગો હોય છે. મોટા મૂડીરોકાણ છતાં રોજગારલક્ષી ઉદ્યોગો હોય છે. એવા ઉદ્યોગોને પ્રાધ્યાન્ય આપવું પડશે. આમાં કાપડ, પગરખાં, બાંધકામ અને પ્રવાસન ઉદ્યોગનો સમાવેશ થઈ શકે છે. રોજગારીના સિક્કાની બીજી બાજુ તાંત્રિક શિક્ષણ છે અને શિક્ષિત બેકારો – પછી તે સામાન્ય સ્નાતક હોય, એન્જિનિયર હોય કે બીજાની એટલી મોટી ફોજ કોઈને ય ગભરાવી મૂકે તેવી છે.
એટલે બેરોજગારીના ચિત્રને હળવું ફૂલ બનાવવા પાંચેક વરસથી સ્કીલ ફોર્મેશનની વાત કરાય છે. ૨૦૦૯માં ભારત સરકારે ૨૦૨૨ સુધીમાં પ૦ કરોડ યુવકોને વોકેશન અને ટેક્નિકલ તાલીમ આપવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું. રાતોરાત વોકેશનલ અને સ્કીલ યુનિવર્સિટીની જાહેરાતો અખબારોમાં ચમકવા માંડી છે. એક જમાનો હતો જ્યારે કર્મચારીઓને પોતાનાં ઉત્પાદન માટે જરૂરી ટૂંકી રિટ્રેનિંગ આપવાની જવાબદારી ઉદ્યોગોની હતી. પણ હવે એ જવાબદારી સમાજ અને સરકાર પર નંખાઈ છે.
પરિણામ એ આવ્યું છે કે, ચીનમાં ૮૭ ટકા ઉદ્યોગો પોતાના કર્મચારીને ઓનજોબ તાલીમ આપે છે. જે ભારતમાં માત્ર ૨૦ ટકા છે. પણ, એ ભૂલવું ન જોઈએ કે તમે ટેક્નિકલ તાલીમનું પ્રમાણપત્ર આપી શકશો પણ રોજગારીનો નિમણૂકપત્ર નહીં આપી શકો. એટલે સવાલ એ જન્મે છે કે, 'સ્કીલ ફોર્મેશન’ની વાત રોજગારી આપવાના વચનને વિલંબિત કરવા તો નથી કરાતી ને? ભારતમાં બેરોજગારીનું પ્રમાણ નીચું લાવવું એની પ્રતિબદ્ધતા હોય તો પણ રોજગારીમાં મોટા ઉદ્યોગો દ્વારા રોજગારી વધારવાની વાત એ નરી છેતરપિંડી સિવાય કશું જ નથી.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 12 જૂન 2014