– સશક્તિકરણ અને વિકાસવાર્તા છતાં…
– અત્યાચારોની આરપાર; સવાલ કાયદાના શાસનની તાકીદનો તેમ સામંતી માનસિકતામાં પરિવર્તનના તકાજાનો પણ છે
શુક્રવારે [06 જૂન 2014] બપોરે આ લખી રહ્યો છું ત્યારે નાને પડદે સૂચનાપટ્ટી દોડતી જોઉં છું કે લંડનમાં ભારતીય હાઈકમિશન સમક્ષ આપણે ત્યાંની બળાત્કારી ઘટનાઓ સબબ દેખાવો યોજાયા હતા. આ પૂર્વે યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી-મુન તો બદાયુંની ઘટનાને પગલે ચિંતા અને નિસબતની લાગણી આંતરરાષ્ટ્રીય અટારીએથી પ્રગટ કરી જ ચૂકયા છે, અને મુલાયમસિંહ યાદવ તરફથી આપણે સૌ એ પ્રતિભાવ પણ સાંભળી ચૂકયા છીએ કે આ બધું શું અમારે યુરોપઅમેરિકા પાસેથી જાણવા સાંભળવાનું છે?
પિતાની સાથે જાણે કે જુગલબંદીનો ખયાલ હોય એમ મુખ્યમંત્રી અખિલેશ યાદવે અજબ જેવી માસૂમિયતથી કહ્યું છે કે ગૂગલે ચડીને મલક આખો સર્ચી વળો ને – બળાત્કારો ઉત્તર પ્રદેશની વિશેષતા નથી. રામગોપાલ-શિવપાલ કાકા મંડળીએ વાતનો બંધ વાળ્યો છે : વાત મુદ્દે અમારી સામે આ બહાને ઘડાઈ રહેલા રાજકીય કાવતરાની છે. બેલાશક, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સ્થળ મુલાકાત બાદ વડાપ્રધાન મોદી જોગ હેવાલમાં કહ્યું જ છે કે જો રાજ્ય સરકાર કારવાઈમાં ઊણી ઊતરે તો કેન્દ્રીય દરમિયાનગીરી જરૂરી બનશે.
દરમિયાન, કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન રાજનાથસિંહે રાજ્યપાલ જોષી સાથે કાયદો અને વ્યવસ્થાની ચર્ચા તો કરી જ લીધી છે. સ્ત્રી સંબંધી હિંસાચાર એ માત્ર કાયદો અને વ્યવસ્થાનો સવાલ અલબત્ત નથી. પરંતુ વ્યવસ્થાતંત્રે કાયદાનું પાલન તો કરાવવાનું રહે જ છે. ઉત્તરપ્રદેશમાં આજની તારીખે સાદી એફ.આઈ.આર. નોંધાવવી એ પણ એક દુષ્કર કામ છે. નિરીક્ષકોએ નોંધ્યું છે તેમ તમારી નાતજાત, આર્થિક દરજ્જો અને દરબારી વગ, આ બધાં પરિબળો એમાં નિર્ણાયક ભાગ ભજવે છે.
ફરિયાદ નોંધનારું તંત્ર અને એની ઉપરનું રાજકીય સત્તામાળખું તેમ જ ચોમેરચોફેરનું સમાજ માળખું, આ બધાં વચ્ચે લાંબા સમયથી એક અપવિત્ર મેળાપીપણું પ્રવર્તે છે. આ વાસ્તવિકતા – અખિલેશ કહે છે તેમ – દેશની આખાની છે. જો કે, તેથી ઉત્તરપ્રદેશની કે કોઈ પણ રાજ્ય સરકારને બચાવછૂટ નથી મળતી. ૨૦૦૨માં ગુજરાતે રોમમર્રાની જિંદગી કરતાં એક વિશેષ સંદર્ભમાં આવો ઘટનાક્રમ મોટે પાયે જોયો હતો. રમખાણોમાં આવું બનતું હોય છે એને લઈને ગુજરાતનો એક ખાસ અભ્યાસ ઓકસફર્ડ થકી થયેલો છે.
તે સુલભ થયો ન થયો ત્યાં તો શિક્ષા બચાવો સમિતિના દીનાનાથ બત્રાની રજૂઆતથી હાલ ઠંડા બકસામાં મુકાયા જેવો બની રહ્યો છે. હમણાં જે માનસિકતાની પેંધેલી વાત કરી તે આપણા સમાજના હાડમાં ગેરબરાબરીની છે. સ્ત્રીઓ, દલિતપછાત વર્ગો બધા જ દબાયેલા ચંપાયેલા રહેતાં આવ્યાં છે અને એકોએક શાસન, સઘળા રાજકીય-શાસકીય અગ્રવર્ગ ઓછેવત્તે ક્રમે આ બાબતે યથાસ્થિતિને મુજરો ભરતા માલૂમ પડયા છે. મુલાયમસિંહનું 'છોકરા તો મુઆ છોકરા જ રહેવાના’ ખાસું ગાજ્યું, પણ બાકીનાઓમાં પણ તમને આવા સહજોદ્દગારો મળવાના.
ખાપ મનોદશા સાથે કામ પાડવામાં 'કાયદાના ભંગ બદલ ચોક્કસ કામ લેવું જોઈએ’ એવું ડાહ્યું વિધાન કરવાથી કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવ ભાગ્યે જ આગળ ગયા હશે. 'છોકરીઓને સોળમે વરસે પરણાવી દો એટલે એમની સેક્સભૂખનો સવાલ ન રહે’ આવો ભવ્ય ઉકેલ સૂચવનારા ઓમ પ્રકાશ ચોટાલા પણ આ જ જમાત માંહેલા છે. કહી શકાય કે એક રસ્તો, અંતે તો, આ વર્ગોના સશક્તિકરણનો છે. રાજકીય પક્ષો મહિલા અનામત અને વિશેષ જોગવાઈની રીતે અગર તો પોતપોતાના સામાજિક પાયારૂપે પણ કંઈને કંઈ કરતા હોય છે.
મુલાયમ, લાલુ, નીતિશની આ પૃષ્ઠભૂ રહેલી છે, તો નમોએ ઉત્તરપ્રદેશ અને બિહારમાં પોતાની ઓ.બી.સી. ઓળખ આગળ ધરી જ હતી. હમણાં ગોપીનાથ મુંડે ગયા જે ઓક્ટોબરની વિધાનસભા ચૂંટણી પછી મહારાષ્ટ્રના કદાચ પ્રથમ ઓ.બી.સી. મુખ્યમંત્રી હોત. એમને અંજલિ આપતાં નમોએ 'પછાત’ જ્ઞાતિમાંથી ઊંચે આવેલા એ ખાસ સંભાર્યું છે. ઓ.બી.સી. મહિમા હિંદુ ભાજપને વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલાસ્ત્ર પછી અને સવિશેષ તો ૧૯૯૨ના ડિસેમ્બરની અયોધ્યા ફતેહ પછી વળતે વરસે માયાવતી-મુલાયમ એ દલિતલઠૈત એકતાને કારણે લખનઉ ખોયાથી સમજાયો હશે.
હાલનો સમય અલબત્ત સશક્તિકરણ અને વિકાસવાર્તાનો છે. સવાલ જો કે એ છે કે આ બધી જ જોગવાઈઓ છતાં દાતાપાતા સમુદાય, લાભ આપનાર અને લાભાર્થી, સામાજિક ઊંચનીચ દલિતપછાતઉજળિયાતઓરત મટીને નાગરિક બને છે કે કેમ. હિંદુ હોવું પૂરતું નયે હોય એ છેલ્લી ચૂંટણીનો એક પાઠ છે. પણ નાગરિક થયા વિના સંધું અપૂરતું છે એ પાઠ કદાચ હજુ દૂર છે. જસ્ટિસ વર્માના જીવનકાર્યરૂપ કાયદાપોથી આપણી પાસે છે. રાજકીય સંકલ્પશક્તિથી એનો ચોક્કસ લાભ મળી શકે. પણ માનસિકતા અને સમાજસુધારો, એ તો એક લાંબી લડાઈ છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 07 June 2014