માન્ચેસ્ટરના અૉલ્ડ ટૃેફોર્ડમાં આવ્યા દીપક બારડોલીકરના નિવાસસ્થાને, 26 અૅપ્રિલ 2014ની મસ્ત મજાની એ સાંજે મળી એક મજલિસની આ તસ્વીર.
(ડાબેથી) કુંજ કલ્યાણી, અાશા બૂચ, વિપુલ કલ્યાણી, દીપક બારડોલીકર તેમ જ કૃષ્ણકાન્ત બૂચ.
(તસ્વીરકાર નદીમ હાફેસજી)
લેખક અને પત્રકાર બેલડી વિપુલભાઈ કલ્યાણી અને દીપકભાઈ બારડોલીકરની નિશ્રામાં એક સાંજ વિતાવવાની તક મળી એ વાગોળ્યા કરું અને વાચકોને એ મધુ રસનું પાન ન કરાવું તો સ્વાર્થી ઠરું એમ ધારીને કલમ ઉપાડું છું.
વિપુલભાઈ અને કુન્જ્બહેન લાંબા સમયનો આપેલો વાયદો નિભાવવા માન્ચેસ્ટર આવ્યાં. દીપકભાઈને મળ્યા વિના એમની યાત્રા અધૂરી રહે અને અમને પણ, એરડીને સાયે શેરડીને પાણી મળે, એ ન્યાયે એ સત્સંગનો લાભ મળે એ લોભ હતો.
બે-અઢી કલાકના અવિરત વાર્તાલાપ દરમ્યાન બે-ચાર મુદ્દાઓ આવરી લેવાયા. ગુર્જરી ગિરા માટે પોતાની મા પ્રત્યે હોય તેટલું વહાલ અને માન ધરાવતા અમ સહુને એક વાત સરખે અંશે મહત્ત્વની લાગી અને તે એ કે ભારત બહાર વસતા ગુજરાતી અને બીજી તમામ ભાષાઓ બોલનાર લોકોની બીજી પેઢી એમની ભાષાકીય ધરોહરની સાચવણી કરી શકે એની શક્યતા નહીંવત લાગે છે.
મોટા ભાગનાં માતા-પિતા ઇંગ્લિશના વર્ચસ્વથી અભિભૂત થઈને ઘરમાં એક બીજા સાથે અને પોતાના મિત્રો, સંબંધીઓ અને સંતાનો સાથે જાણે માતૃભાષાનો સ-આદર ઉપયોગ કરવાનું ભૂલી જ ગયાં છે. અને જે ગણ્યાં ગાંઠ્યાં મા-બાપ સહજ સ્વભાવથી પ્રેરાઈને કે જાગૃતપણે સ્વભાષાનો મહાવરો ચાલુ રાખી શક્યાં તેમનાં સંતાનો સુંદર રીતે જે તે ભાષા સમજી શકે, બોલી શકે અને કેટલાંક તો થોડું-ઘણું વાંચી-લખી પણ શકે છે. પણ એવા છુટ્ટા-છવાયા બુંદ સમાન દીકરા-દીકરીઓ થકી આપણી સ્વભાષાની સરિતા યાવત્ચંદ્ર દીવાકરો વહેતી રહે એ શક્ય નથી. માતા-પિતા કે ક્યારેક મળતા કુટુંબીઓ સિવાય કોઈની સાથે સ્વભાષાના ઉપયોગની ઉપયુક્તતા નથી રહી એ હકીકત સર્વ માન્ય છે.
ભાષા તો નભે છે પડોશીઓ સાથેના ગપાટાઓમાં, નિશાળમાં મળતા શિક્ષણના પાઠોમાં, મિત્રો સાથેની ધીંગા મસ્તીમાં, પ્રસંગે એકઠા થતા બૃહદ્દ કુટુંબીઓના વાર્તાલાપોમાં, રોજ વંચાતા સમચારપત્રો, સામયિકો અને પુસ્તકોમાં, ટેલિવિઝનના અને ગીત-સંગીત-નાટકો જેવા સાંસ્કૃિતક કાર્યક્રમોમાં.
હવે આ દેશમાં સ્વાભાવિક રીતે જ આપણી બીજી અને ત્રીજી પેઢી આમાંના એક પણ પરિસરમાં સ્વભાષાનો ઉપયોગ ન કરી શકે તેથી સમયાંતરે તેનો લોપ અનિવાર્ય છે. આમ છતાં મદરેસા અને કેટલીક સાંસ્કૃિતક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓમાં ઉર્દૂ, પંજાબી, હિન્દી, ગુજરાતી વગેરે જેવી ભાષાઓ શીખવાય છે એ એક સરાહનીય પ્રયત્ન છે એ પણ નિ:શંક છે. ઘરની અંદર પ્રાદેશિક ઉચ્ચારણો બોલ-ચાલમાં ભલે સચવાઈ રહે પરંતુ ભાષાના વિધિવત્ શિક્ષણમાં શુદ્ધ વ્યાકરણ અને જોડણી શીખવાય તો જ ભાષાના ચારે ય અંગોની તંદુરસ્તી જળવાઈ રહે એ વાત પર અમે બધાં સહમત થયાં.
તળ ગુજરાતીઓ ભેળા મળે અને ભારતની સાંપ્રત સમસ્યાઓ અને તેમાં ય ખાસ કરીને રાજકારણનો ઉલ્લેખ ન કરે તો એમને દીપકભાઈએ પીરસેલો સ્વાદિષ્ટ નાસ્તો જાણે પચે નહીં. ‘કેમ છો?’ પ્રશ્નના જવાબમાં દીપકભાઈએ ‘બસ આ મોદી મેનિયા વિષે સાંભળીને વ્યથા અનુભવીએ બીજું શું ?’ એમ કહ્યું અને પછી તો બસ વાતનો દોર ફરતો ફરતો ઘણા સંવેદનશીલ મુદ્દાઓના ઉંબરે માથું ટેકવી આવ્યો.
બારડોલીના ‘સ્વરાજ્ય આશ્રમ’ની ધૂળમાં સ્વતંત્રતા અને સમાનતાના પાઠ ભણેલા દીપકભાઈને ભારતનું કોમી એખલાસથી, કોમી વિભાજન તરફનું, સંક્રમણ જોવું અત્યંત પીડાકારક લાગે છે, એ અમે જોઈ શક્યાં. કારકિર્દીની તક ઝડપી લેવા કરાંચી ગયેલા ત્યારે તેમણે કેવી રીતે હિંદુ કોમના નવોદિત પત્રકારને પોતાની પાંખમાં લઈને ઘડ્યા અને છેવટ દીપકભાઈએ નિવૃત્તિ લઈને યુ.કે. ભણી પ્રયાણ કર્યું ત્યારે એમના ઉત્તરાધિકારી તરીકે એ સ્થાન શોભાવ્યું એ વિગતો સાંભળી.
પાકિસ્તાનમાં બે કોમ પરસ્પર શાંતિથી રહે છે અને કોમી રમખાણો નથી થતાં અને ભારતમાં એની સંખ્યા વધતી રહે છે એટલું જ નહીં પરંતુ ‘મોદીને મત ન આપનારાઓને પાકિસ્તાન મોકલી આપો’ એવા બી.જે.પી.ના કહેવાતા નેતાઓના અવિચારી વિધાનોથી જરૂર વિચારવંત નાગરિકોને દુ:ખ લાગે. શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલીજીના પ્રચાર અને પ્રસાર છતાં ભારત કેમ કોમવાદની ચુંગાલમાંથી મુક્ત થવાને બદલે એની ઝેરી અસરમાં વધુને વધુ વીંટળાતું જાય છે એ વિષે વિચાર દોહન ચાલ્યું જેમાં દીપકભાઈના પુત્ર નદીમ પણ જોડાયા.
હાજર રહેલા પાસે ચારથી માંડીને નવ દાયકાનું જીવન ભાથું હતું અને અનેકવિધ કાર્યક્ષેત્રનો અનુભવ હતો જેમાંથી ઉપજેલ ડહાપણ ભર્યા દ્રષ્ટિકોણ અમને એક સહમતી પર લાવીને મૂકી ગયો. દરેક ધર્મના અનુયાયીઓએ પોતપોતાના ધર્મના હાર્દને સમજીને અનુસરવા માટે તેના મૂળ ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરીને તેનું સવળું અર્થઘટન કરી તેનો અમલ કરવો જોઈએ. આમ થવાને બદલે અત્યારે લોકો ધર્મ સંસ્થાઓના દોરવાયા અનેક પ્રકારના ક્રિયાકાન્ડોમાં અને અંધશ્રદ્ધામાં ફસાઈને ખરેખર તો ધર્મથી દૂર જઈ રહ્યા છે.
મામલો એટલેથી જ અટક્યો હોત તો હજુ સારું હતું, પણ હવે તો સ્વાર્થપટુ અને લાલચુ રાજકારણીઓ તથા પ્રજા સાથે કોઈ પ્રકારની નિસ્બત ન ધરાવતા સમૂહ પ્રસારણના માધ્યમોની ભય પ્રસરાવવાની ભૂંડી રીતનો ઝેરી કૂપો હાથમાં લઈને ફરતી પ્રજા વધુને વધુ ધર્માંધ અને કોમવાદી બનતી જાય છે જે અત્યંત દુ:ખદ અને આત્મવિનાશની દિશામાં લઈ જનાર છે.
દરેક પ્રજા અને દેશના ઇતિહાસમાં ચડતી અને પડતી આવતી હોય છે એટલે દુનિયા અત્યારે એક કપરા કાળમાંથી પસાર થઈ રહી છે અને નિરાશાની ખાઈમાંથી નીકળીને હવે પ્રકાશ પૂંજ તરફ ચડવા પગથિયાં પર પગલાં માંડ્યાં છે એવી શ્રદ્ધા રાખીએ એવા હકારાત્મક વિચાર સાથે અને હવે પછીના મિલન વખતે કંઈ વધુ આશાવાદી ઘટનાઓ વિધે વાત કરીશું આવું વચન આપી છુટ્ટા પડ્યાં.
e.mail : 71abuch@gmail.com