(હીરાબાઈનો જીવનકાળ સાલ 1905થી 1989નો જોવા મળે છે. વડોદરાનાં રાજમાતાના ભાઈ સરદાર મારુતિરાવ રાણે. તેમના દીકરી તારાબાઈ માને. તેઓ રાજગાયક ઉસ્તાદ અબ્દુલ કરીમખાંસાહેબ પાસે સંગીત શીખતાં. એ દરમ્યાન બન્ને વચ્ચે પ્રણય થયો અને લગ્નમાં પરિણમ્યો. પણ આ લગ્ન તારાબાઈનાં કુટુંબીજનોને મંજૂર ન હોવાથી તેઓ મુંબઈમાં સ્થાયી થયાં. થોડાં વર્ષો પછી તે બન્ને છૂટા પડ્યાં. સંતાનોમાં તેમને સુરેશબાબુ માને, ક્રિષ્ણરાવ માને નામના બે પુત્રો હતા તેમ જ હીરાબાઈ બડોદેકર, કમલાબાઈ બડોદેકર અને સરસ્વતીબાઈ રાણે નામે ત્રણ પુત્રીઓ હતી.
મોટા પુત્ર સુરેશબાબુએ એમના વાલિદ ઉસ્તાદ અબ્દુલ કરીમખાંસાહેબ પાસેથી સંગીતશિક્ષા લીધી. એમની પાસેથી હીરાબાઈએ તાલીમ મેળવી. હીરાબાઈને ઉસ્તાદ અબ્દુલ કરીમખાંસાહેબ પાસેથી બહુ ઓછી તાલીમ મળી પણ તેમણે ઉસ્તાદ અબ્દુલ કરીમખાંસાહેબના પિતરાઈ ઉસ્તાદ અબ્દુલ વહીદખાંસાહેબ પાસેથી તાલીમ લીધી. હીરાબાઈએ તેમનાં બહેન સરસ્વતીબાઈ રાણે – છોટુતાઈ – સાથે જુગલબંધીના ઘણા કાર્યક્રમો કર્યાં.
હીરાબાઈનું પદ્મભૂષણ, સંગીતનાટક અકાદેમી જેવા દસેક પુરસ્કારોથી સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત તેમને ગાનહિરા, ગાન કોકિલા, ગાનસરસ્વતીના નામે બિરદાવવામાં આવ્યાં. – અ)
*
કોઈએ મને હમણાં જ કહ્યું કે હીરાબાઈને સાઠ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. મેં કહ્યું કે હોય નહીં ! પણ હું એમની ઉંમર સૂરના હિસાબે ગણી રહ્યો હતો. સાલ 1930થી માંડીને આજે ’65 સુધીમાં એક પણ વર્ષ એવું ગયું નથી કે મેં એમની એકાદી બેઠક પણ સાંભળી ના હોય. આમ તો ઉપમા કે દૃષ્ટાંત વડે કાંઈ સિદ્ધ થઈ શકે નહીં પણ એના સિવાય અંદરનો ભાવ રજૂ પણ કઈ રીતે કરવો? હીરાબાઈનો સૂર મને મંદિરના ગભારામાં ધીમેધીમે બળતા અખંડ દીવા જેવો લાગ્યો છે. કેસરબાઈનો સૂર ઝગમગતા ઝુમ્મર-હાંડી જેવો. સિત્તેર વટાવી ગયેલાં આ મહોદયાનો સૂર એવો લાગે જાણે એમના સ્વરમાં ‘સજિયો કોટિચંદ્ર પ્રકાશ’(જ્ઞાનેશ્વરી)નો ભાસ થયા કરે. હીરાબાઈના સ્વરમાં રહેલો સ્નેહ પણ છેલ્લાં ચાળીસ-પચાસ વર્ષોથી ટકી રહ્યો છે. હકીકતે તો આ બન્નેની તાસીર સાવ જુદી. પણ બન્નેમાં એક વાતે સરખાપણું. એમનું ગાન સાંભળતી વખતે ઇસવી સનનું કયું વર્ષ ચાલુ છે, એ વાત હું કાયમ જ ભૂલી જાઉં.
હું પહેલેથી જ સૂર અને લયનો ચાહક છું, તેથી કોઈ પણ એક જ ગાયક કે ગાયિકાની મહેફિલનો શરાબી કે નમાજી થઈને ક્યારે ય રહ્યો નથી. હું તો મારા હૈયાનું ભિક્ષાપાત્ર ખુલ્લું રાખીને ગાન-મહેફિલમાં જતો રહું છું, જે કોઈ આ પાત્રને નિર્મળ સૂરોથી આકંઠ ભરી દે, તેમને દૂઆ દેતો પાછો ફરું છું. જે કોઈ નથી ભરતા તેમણે આ પાત્રને સાબૂત રાખ્યું એટલું જ ઘણું એમ કહેતો પાછો ફરું છું. સૂરસંગતમાં આધિવ્યાધિને ભૂલાવી દેનારા કલાકારો મને કાલે મળ્યા છે, આજે ય મળી રહ્યા છે અને આવતી કાલે ય મળશે. કલાના ક્ષેત્રમાં ભરતી-ઓટ ભલે આવ્યા કરે પણ ‘પહેલાં ભરતી હતી અને આજે ઓટ જ છે’ – એવું મને ક્યારે ય લાગ્યું નથી. ચાળીસ ચાળીસ વર્ષો સુધી અખંડ સૂરસંગત કરનારા હીરાબાઈ જેવાં કે વાર્ધક્યને પણ પાછળ પાડી દેનારાં ગાયિકાઓએ જ નહીં પણ મલ્લિકાર્જુન, કુમાર ગંધર્વ, ભીમસેન જેવા નવાજૂનાઓએ હંમેશાં ભરતીનો જ સાક્ષાત્કાર કરાવ્યો છે. સચ્ચો સૂર કોઈ પણ સાલમાં લાગે તો પણ એ સચ્ચો જ.
દરેક સારો કલાકાર પોતાનો મૂળ રંગ લઈને આવતો હોય છે. શરીર થાકી જાય, ગળું જોઈએ એવું કામ આપે નહીં પણ એ મૂળ રંગ ડોકાયા વિના ક્યારે ય રહેતો નથી. ખંડેર બતાવે છે કે હવેલી કેવી બુલંદ હતી તે. ઠેકઠેકાણે ઉખડેલા મહેરાબની એકાદી વેલપત્તી એના પૂરા વૈભવની વાત કહી જાય છે. આવા થાક્યાપાક્યા વઝેબુવાનું ગાન મેં સાંભળેલું. ગળું દાંડાઈ કરી રહ્યું છે એનો એમનો પોતાને પણ ખ્યાલ છે, એ જણાઈ આવતું હતું પણ ગાતાં ગાતાં જ ફડાક દેતોક એક સૂર એવો લાગ્યો કે આખી મહેફિલ ચોંકી ઊઠી. હમણાં દોઢેક વર્ષ પહેલાંની જ વાત. કોકે મને કહેલું કે હવે હીરાબાઈનો અવાજ હવે પહેલાંના જેવો લાગતો નથી ને મેં એ પછી તરત જ હીરાબાઈનું ‘ફૂલવન સેજ’ ગાતાં સાંભળ્યાં અને મને થયું કે હજી એમના ષષ્ઠીપૂર્તિ-સમાંભમાં જવાને ખાસ્સી પંદર-વીસ વર્ષની વાર છે જ. એમનું ગાન સાંભળું એટલે મને પેલી એક જૂની અંગ્રેજી કવિતા સાંભરી આવે ‘લોકો આવે ને જાય, હું મારે વહ્યે જાઉં છું, વહ્યે જ જાઉં છું.’ ભારતીય સંગીતની દુનિયામાં હીરાબાઈનું ગાન આમ જ મંદ મંદ વહ્યે જ જાય છે, પોતાના વહેણમાં વહ્યે જાય છે.
ગાયનની બેઠકમાં જવા જેવડો થતાં પહેલાં જ એ ગાયન મારાં બાળપણના વાતાવરણમાં ફેલાયેલું હતું. મારી મા તો ખરી જ પણ ઘરના નાનાંમોટાં સૌને મોંએ હીરાબાઈનું મેસ્મેરાઈઝ કરી દેતું ‘રાધેકૃષ્ણ બોલ’ ભજન રમતું જ હોય. આંગણે તુલસીક્યારો અને ઘરમાં બાલગંધર્વ કાં તો હીરાબાઈ. અમારા દિવાનખાનામાં હજી રેડિયોની પ્રાણપ્રતિષ્ઠા થઈ નહોતી. ઘરમાં બિનાકા..ની પધરામણી પણ થઈ નહોતી. ઘરેઘરે બા-બહેનો ઓવી, પ્રભાતિયાં કે દ્રૌપદીનો ધા જે ગાતાં, એમાં જ હીરાબાઈનાં ગીતડાં હળવેકથી આવીને બેસી ગયાં. ઘરની બહાર ગવાતાં ગીત એક મોટી શાલીનતાથી રસોડામાં આવી પહોંચ્યાં, આંગણામાંનાં તુલસીજી પરથી આવતી લહેરખી તુલસીજીનાં માંજર પરથી ફોરતી સુગંધ લઈ આવે તેમ.
જો કે હીરાબાઈનું ગાન એટલે પણ આંગણામાંનાં તુલસીજી જ. ખીલી ઊઠ્યા પછી પણ માંજરની સાત્ત્વિક સુગંધ લઈને પાછાં ખીલી ઊઠનારાં. ભડક રંગનાં ફૂલોથી આંખો પર આક્રમણ કરનારાં નહીં. હોવાંપણાનો અણસાર પણ ન આપનારાં. સંગીતની જ દુનિયામાં નહીં પણ આ દુનિયામાં તેઓ ‘ઉંવા ઉંવા’ કરતાં પોતાનાં આગમનની જાણ કરતાં નહોતા આવ્યાં, ચૂપચાપ આવ્યાં. એટલી શાંતિથી કે દીકરી તો મરેલી અવતરી છે એમ કહીને વીંટાળીને એકબાજુ મૂકી રાખેલી. પણ એટલામાં જ ડૉક્ટરને કે કોકને આ વીંટાને હાથ લગાડી જોવાની સદ્દ-બુદ્ધિ થઈ, જોયું તો એમાં જીવ હતો અને એ દીકરી ઘોડિયામાં પડી. પોતાની હોહા કર્યા વગર આવવાની હીરાબાઈને જન્મજાત પડેલી એ ટેવ આજે ય એવી જ અકબંધ છે. ‘નિગાહ રખો મહારાજ’ કહેનારા શિષ્યગણોનાં કે હજૂરિયાઓનાં ટોળાંને આગળ રાખીને તેઓ ક્યારે ય મહેફિલમાં ગયાં નથી.
કલકત્તાની એક મહેફિલમાં ખુદ કેસરબાઈ કેરકર એમનો હાથ પકડીને લઈ ગયાં, ત્યારે હીરાબાઈ માંડ પચીસેકનાં. વળી, ત્યારે જ કેસરબાઈને સામ્રાજ્ઞીપદ મળેલ. આ મહોદયા એટલે સંગીતકલાનો હરતુંફરતું જામદારખાનું જ. હીરાનો હાર ફેંકતા હોય તેવી એમની અકેકી તાન. કાન માંડીને એ ગાન સાંભળવા જવાનું અને મોં ફાડીને પાછાં આવવાનું. એમનો રૂઆબ ખાસ્સો. હશે એમના કુટુંબની કોક, એમ વિચારીને કલકત્તાના રઈસ શ્રોતાઓએ આ દૂબળીપાતળી છોકરડી સામે જોયું પણ નહીં. પણ કેસરબાઈએ પોતે એ કૉન્ફરન્સમાં હીરાબાઈને ઇન્ટ્રોડ્યૂસ કર્યાં અને પછી આગળનું કામ હીરાબાઈના નિર્મળ સૂરોએ પાર પાડ્યું. કેસરબાઈની કેવી મોટાઈ કે સંગીતના દરબારમાં સાવ અજાણી એવી એક છોકરીને પોતાની આંગળીએ વળગાડીને લઈ જાય અને એ દરબારમાં ગાયિકા તરીકે એને માનમોભાથી બેસાડે.
ત્યારથી માંડીને આજસુધીમાં કેટલાં ય વર્ષોથી તેઓ ગાઈ રહ્યાં છે. છેલ્લાં પિસ્તાળીસ વર્ષોમાં સામાજિક, રાજકીય કે સાંસ્કૃિતક જીવનમાં કેટકેટલી ઉથલપાથલ થઈ ગઈ ! ફક્ત સંગીતની જ વાત કરો તો એમાં ય કેટલા ફેરફાર ! પણ ‘આજે ય હોરી ખેલો મોસે નંદ’ ગાઈને એમણે તાનપુરાના તારનો જરા જોરથી ઝંકાર કર્યો અને એમને સિદ્ધ એવો એ ઉપરનો ષડ્જ એમાં ભળ્યો કે કેટકેટલાયના પ્રાણપંખીડાઓ પોતાના હૂંફાળા માળામાં વિસામો લેવા લાગતાં. ઉપરનો ષડ્જ એ તો એમની સ્વરસાધનાની મોંઘેરી મિરાત. એમણે ગાયિકા તરીકે ખૂબ કીર્તિ મેળવી પણ એનાથીયે મોટી એક ક્રાંતિ એમણે આ ક્ષેત્રમાં કરી બતાવી.
સામાન્ય રીતે ક્રાંતિ કહીએ એટલે ધૂમધડાકો સંભળાય. પણ સતત ધાર વડે મસમોટી શિલાનું અંતઃકરણ ભેદીને એમાં પ્રવેશ કરવો તેમ એમણે પોતાના સૌજન્યથી અને એટલા જ સૌજન્યશીલ સૂરોથી એક અનિષ્ટ રિવાજનો ખડક ફોડી નાંખ્યો. સ્ત્રીઓનાં ગાન સાંભળવા જવું અને સ્ત્રીઓએ ગાન-મહેફિલોમાં જવું એ એક જમાનામાં .. અબ્રહ્મણ્યમ્ … કહેવાતું, જે ગાવાવગાડવાની સૂગ સાથે સંકળાયેલું હતું. ભારતીય સંગીતકલાને લાગેલું આ લાંછન હીરાબાઈએ ભૂંસી કાઢ્યું. વિષ્ણુ દિગંબર પલુસ્કર જેવાઓએ સંગીતને પવિત્ર દરજ્જો અપાવ્યો. એક જમાનામાં ગણેશોત્સવમાં સ્ત્રીઓની ગાનબેઠકો થતી નહીં. પહેલી વાર જ્યારે હીરાબાઈ પુણેના રાસ્તા પેઠના ગણેશોત્સવમાં ગાયાં ત્યારે ધમાલ થશે કે શું એમ લોકો ગભરાયેલા. પણ અફાટ જનમેદની સામે એ રાતે હીરાબાઈનું ગાન થયું અને ભારતીય સંગીતકલાની આ ‘વિરાટ ઘરે દાસી’ તરીકે રહેલી સૈરંધ્રી જેવી જે અપમાનજનક હાલત હતી તેનો અંત આવ્યો હતો. અસભ્ય ગણાતી મહેફિલો માટે તો જાણે દૈત્ય ઘરે પ્રહલાદજીનો જન્મ થયો.
પહેલાં થિયેટરના જલસા જોવા જવું એટલે ગુપચુપ જવું એવો મામલો હતો. હીરાબાઈએ સાલ 1925માં આર્યભૂષણ થિયેટરમાં ટિકીટ કાઢીને અભિજાત સંગીતનો પહેલો જલસો આયોજ્યો, ત્યારે થોડાંક જણાને પરસેવો વળી ગયેલો. એમાંના સુજ્ઞજનોએ પારખી કાઢ્યું કે સ્ત્રીઓનાં ગાનનો અંધારી ગલીઓમાંનો વનવાસ હવે પૂરો થયો છે. લોકો પોતાની વહુદીકરીઓને લઈને પહેલી જ વાર સ્ત્રીઓની જે ગાનમહેફિલોમાં ગયા, તે હીરાબાઈની. હીરાબાઈએ કરેલી આ સામાજિક ક્રાંતિ અમૂલ્ય કહી શકાય. આજે ઘરે ઘરે બહેનોદીકરીઓ ખુલ્લાં મને જે સંગીત શીખી રહ્યાં છે કે મહેફિલોમાં ગાઈ રહ્યાં છે, એમને કહેજો, “તમારાં આવા સદ્દ-ભાગ્યનો યશ હીરાબાઈને જાય છે.” બહુ મોટો કાંટાળો રસ્તો હતો એ. હીરાબાઈના પવિત્ર સૂરો અને તેનાથીયે પવિત્ર એવાં એમના વર્તનનો છંટકાવ આ રસ્તા પર થયો અને એ રસ્તો નરમ બન્યો.
નાનપણમાં એમને વહીદખાંસાહેબની તાલીમ મળેલી. પછી આગળ જતાં એમના સગા ભાઈ સુરેશબાબુની મળી. સુરેશબાબુને તો ખુદ અબ્દુલ કરીમખાંસાહેબે જ તાલીમ આપેલી. મેં વહીદખાંસાહેબને સાંભળ્યા નથી પણ અબ્દુલ કરીમખાંસાહેબને સાંભળ્યા છે. સુરેશબાબુને તો ખૂબ જ સાંભળ્યા છે. પણ મને હીરાબાઈનું ગાન એ મને હીરાબાઈનું જ લાગ્યું છે. એમની ગાયકીમાં તેમણે સામાન્ય શ્રોતાથી માંડીને અસામાન્ય શ્રોતા સુધીના સૌ કોઈના અંતઃકરણમાંનો દુર્લભ એવો પટારો શોધી કાઢ્યો છે કે જેમાં એ ગાન સંઘરાઈ રહે અને ઘરાનાનો ગર્વ મહાલનારા પળભર એ અહંકાર એક કોરે મૂકી દે ! એટલું જ નહીં ગાનસંગીતના ઔરંગઝેબો પણ ધીમેથી ‘ઉપવને ગાયે કોકિલા ..’ ગણગણી જુએ. જાણકાર અને નવાસવાને એકસરખા જ પ્રસન્ન કરનારાં બે જ જણ જોયાં, એક તો બાલગંધર્વ અને બીજા હીરાબાઈ. આમ જુઓ તો માસ્ટર કૃષ્ણરાવ એટલે ઑલ રાઉન્ડર, બેઠકને હસતીરમતી રાખનારા પણ એમની ખયાલની માંડણી માટે પણ મતમતાંતર હોય એવા લોકો ક્યારેક મળી આવતા. પણ બાલગંધર્વ અને હીરાબાઈ જેવા ખેલાડીને ક્યારે ય રમવા મોકલો.
તુલસીજી જેવો જ શામળો વર્ણ, કાનમાં મોતીના કાપ, હાથમાં બંગડી, ગળામાં મોતીની એક સેર. એ સેરમાંનાં મોતીનું પાણી લીધેલી ભાવવાહી આંખો, કોઈ પણ જાતના ભડકતડક વગરની સાડી, બેઠકમાં થતો પ્રવેશ પણ એકદમ સહજ. હાથમાં તાનપુરો લઈને શાલીનતાથી બેસવાની એમની રીત, સામેના શ્રોતાઓને કુલીનતાથી થયેલાં નમસ્કાર કે જેમાં ક્યાંયે અતિ નમ્રતાનું નાટક નહીં, કોઈ જાતનો દેખાડો નહીં, એક બાજુએ હારમોનિયમ પર સુરેશબાબુ, સારંગી પર બાબુરાવ કુમઠેકર અને શમસુદ્દીનખાંસાહેબ તબલાં પર. ગાતાં ગાતાં તર્જની અને મધ્યમા ભેગી કરીને સૂર દર્શાવવાની એ શૈલી જે દૃશ્ય કેટલાં ય વર્ષો સુધી મેં જોયું છે. એ ગાનમાં કોઈને મહાત કરવાની જરાયે જિદ નહીં, કોઈ ચમત્કારનો દેખાવ નહીં, નખરાં નહીં, તબલચી પર ડોળા ફાડવાનાં નહીં, સ્ત્રીસ્વભાવ સાથે વિસંગત એવો લયકારીની ધમાચકડી નહીં. છે તો ફક્ત એક મોહક, સ્નેહાર્દ્ર, શીતળ સ્વર અને શી વાતે અછો અછો કરતો લય.
એવું કહેવાય છે કે ગાયકોનો સ્વભાવ એમના સ્વરમાં દેખાઈ આવે. બીજા બધાનું તો હું કહી ના શકું પણ હીરાબાઈનો સ્વભાવ અને સ્વર, ફક્ત એમનું ગાન જ નહીં પણ એમનું દર્શન અભેદ જ છે. બાકી કેટલાક ગાયકોનું ગાન પણ એમના સ્વભાવની જેમ કજિયારું જ લાગતું હોય છે એ વાતની નવાઈ નહીં. ગાવા બેસે એટલે જાણે મરઘાની મૂંડી મરડવા બેઠેલા ખાટકી જેવું. કોક ગળા કરતાં આંખના ખેલ જ વધારે કરે, તો કોકની તાન સમ પર આવી પડે તેને બદલે એમની ગરદન જ પડી ગઈ હોય. પણ હીરાબાઈએ પોતાની મહેફિલમાં ક્યારે ય આવી એકે ય વાત આવવા દીધી નહીં. છીછરાપણાનો ચેપ તેમને લાગ્યો નહીં. જન્મતી વખતે જ તેઓ એવું તે સુસંસ્કૃત મન લઈને આવ્યાં અને તેથી જ એક સૂરીલા ઘરને પોતાના ઉંવા ઉંવાથી ત્રાસ તો નહીં થાય ને, તેથી જ કોણ જાણે તેઓ રડ્યાં નહીં કે શું? એમનું આખું ય ઘર ગાતું હતું, આજે ય ગાય છે. ગાજતું ઘર. અમ્માની ધાક પણ ખરી અને હૂંફ પણ ખરી. એમના ગયા પછી આર્થિક જવાબદારીઓની સાથે બીજી કૌટુંબિક જવાબદારીઓ પણ હીરાબાઈ પર આવી પડી. પચીસ પચીસ જણાંનો ભાર તેમણે તાનપુરાના ચાર તારનો સાથ લઈને ખેંચ્યો હતો.
પોતાના જ ઘરમાં સૌથી ઓછું રહેનારો ફેમિલી મેમ્બર એટલે એ પોતે. પંદરમાં વર્ષથી જ. બૅગ-બિસ્તરાં બાંધેલાં તૈયાર જ હોય, પસ્તાનું પણ કાયમનું જ. એમની અરધી ઉપર જિંદગી રેલગાડીમાં જ ગઈ હશે. ભારતીય રેલવે ખાતાએ એમનો એક મહાન પ્રવાસી તરીકે સત્કાર કરવો જોઈએ. ફર્સ્ટ ક્લાસ મળ્યો તો એ નહીં તો થર્ડક્લાસની ભીડમાંથી આજે ય તેઓ સામાન્ય પ્રજાની જેમ મુસાફરી કરતાં રહે છે, સ્ટેશન પર મળતું ‘ચા’ નામનું ભીષણ પીણું પણ કચકચ કર્યા વગર પીએ છે. એ ભીડમાંથી સાચવીને તાનપુરો લઈને પોતાના સ્ટેશન પર ઊતરે છે અને તંબૂરાના તાર મેળવતાં મેળવતાં મુસાફરીનો થાક ભૂલીને ગાવા લાગે છે. એમની સાથે હંમેશાં એમનાં નાનાં બહેન છોટુતાઈ એટલે સરસ્વતીબાઈ હોય પણ એ એવાં તે બીકણ કે હીરાબાઈને તાનપુરો અને છોટુતાઈ એમ બે જોખમી સામાન સંભાળવાના. છોટુતાઈનો બીકણિયો સ્વભાવ એટલે એમના આખાય ઘર માટે એક મજાકનો વિષય. આમ તો છોટુતાઈનો અવાજ હીરાબાઈ કરતાં તેજ છે પણ આટઆટલી મુસાફરી પછી પણ એમણે ટિકીટબારી પાસે જઈને ટિકીટ લાવાની હિંમત કરી હોય એ હું નથી માનતો. હીરાબાઈ એટલે આખાય કુંટુંબનો આધાર. સંગીતના કાર્યક્રમો માટે તેઓ ભારતમાં બધે ફર્યાં, મહારાષ્ટ્રના તો એકેક તાલુકામાં તેઓ ફર્યાં છે. સાંસ્કૃિતક મંડળના પ્રતિનિધિ તરીકે પરદેશમાં પણ જઈ આવ્યાં છે. છેલ્લાં પિસ્તાળીસ વર્ષોમાં એમણે કેવી વિવિધરંગી મહેફિલોમાં પોતાના ગાનથી રંગ ભર્યો હશે! કેવી ચિત્રવિચિત્ર સેક્રેટરી-મંડળી સાથે સંતુલન જાળવીને વર્તવું પડ્યું હશે..
ત્રીસેક વર્ષ પહેલાંના મુંબઈના ગણેશોત્સવમાંનું સંગીત મને સાંભરે છે. ગાનપ્રેમીઓની ત્યારે ભારે ખેંચમતાણ થતી. એક ફક્ત ગિરગામની જ વાત કરો તો ત્યાંના જુદા જુદા વિસ્તારોમાં ગવૈયા ગાતા. શનિવારની રાત એક અને એમાં આટલા બધા કાર્યક્રમો. આંબાવાડીમાં મલ્લિકાર્જુન મન્સૂર કાં તો કાગલકરબુવા, બ્રાહ્મણસભામાં માસ્ટર કૃષ્ણરાવ, શાસ્ત્રી હૉલમાં સવાઈ ગંધર્વ, તારા ટેંપલ લેનમાં ગંગુબાઈ, ચુનામ લેનમાં હીરાબાઈ બડોદેકર – મૂંઝવણ થતી, ક્યાં જવું ..
એમાંયે હીરાબાઈનું ગાન સાંભળવા માટે બહુ મોટી કિંમત ચૂકવવી પડતી. આખી ચુનામ લેન હકડેઠઠ ભરાઈ જાય. રાતના સાડા નવના કાર્યક્રમ માટે સાડા સાતથી જગ્યા રાખવી પડતી. વહેલાં જઈને કોક આગેવાનનું ‘સદ્યસ્થિતિ’ કે ‘હે ભારત, તું ક્યાં જઈ રહ્યો છે ?’ જેવા કંટાળાજનક વ્યાખ્યાનો સાંભળવા પડતાં. પેલો પોતાની બકબક પતાવીને જાય કે પાછું જગ્યા બરાબર પકડી રાખીને ક્યાંયે સુધી સ્ટેજ સામે મોં વકાસીને જોયાં કરવાનું. રખે જગ્યા જતી રહે એ બીકે પરચૂરણ દેહધર્મ માટે પણ ઊભું ના થઈ શકાય. લેમિંગ્ટન સુધીનો રસ્તો ખીચોખીચ ભરાયેલો. આ ભીડ જ્યાં પૂરી થાય, ત્યાંથી તારા ટેંપલમાંના ગંગુબાઈના ગાનની ભીડ શરૂ. આ જ ગાળામાં ગાંધારી હંગલના ‘ચમકે કોર ચંદ્રની’ એવી લલિત પ્રકૃતિમાંથી ગંગુબાઈ નામે ઠસ્સાદાર ગાયિકા થયેલાં. ત્યાં કોક બાતમી લાવે કે અરે ચાલો, શાસ્ત્રી હૉલમાં સવાઈ ગંધર્વનો સૂર લાગ્યો રે. ચાલો શેનું? અહીં હીરાબાઈની ‘સુંદર સ્વરૂપ જાકો’ ભૈરવી શરૂ થયેલી હોય અને ‘પૂજતી મહાદેવ’ કહીને તાનપુરાના ઝંકાર સાથે જ ઉપલા ષડ્જનો ‘આ’કાર લાગે કે આખાય જનસમુદાયના મુખ પર તૃપ્તિ જ તૃપ્તિ દેખાય. રાતના દોઢેક વાગ્યે. ઠસોઠસ ભરાયેલી એ શેરી. હીરાબાઈના ઉપલા ષડ્જનો ‘આ’કાર લાગેલો. બાબુરાવ કુમઠેકરનો સારંગી પરનો ષડ્જ. શમસુદ્દીનખાંસાહેબની બારીક સૂરીલી કરામત. એ કરામત માટે ષડ્જ પરથી સૂરોની એકાદી સેર વહેવા લાગે એટલે હજારો મુખમાંથી બેહોશ દાદ નીકળી પડતી, વાહ વાહ વાહ. પછી ધીમેકથી સ્પેક્યુલેશન શરૂ : ‘જગે આભાસ આ’ ગાશે કે નહીં બોલ ? અને ‘જગે આભાસ આ’.. શરૂ થાય કે સીધાસાદા શ્રોતાની એવી જ સીધીસાદી પણ જોરદાર તાળીઓ.
એ ભૈરવી કાનમાં સંઘરીને રામભાઉના તપેલા (જામેલા) અવાજવાળા ‘તુ હૈ મહંમદસા દરબાર.’માંના સટ્ટા સાંભળવા માટે દોડાદાડી શરૂ. નસીબ જોરદાર હોય તો ‘રામરંગે રંગાયો’…ની રેશમી કરામત કાનમાં પડે અને ‘લગત કલેજવા’ મેં ખોળામાં પડે. આ બાજુ આંબાવાડીમાં મલ્લિકાર્જુને ‘મત જા…’ શરૂ કર્યું હોય. પેલી બાજુ બ્રાહ્મણસભામાં માસ્ટરની ‘દેખો મોરી ચુરિયા કરકે ગય્યા’..ની નટખટ ફરિયાદ ચાલતી હોય. એટલે પછી ત્યાં સામેની દુકાનના આગલા પાટિયા પર અડ્ડો જમાવવાનો. ચુનામ લેનથી માંડીને કોળીવાડી સુધીના ગિરગામના બધા જ રસ્તા ગાનલુબ્ધોનાં ટોળાંથી ભરાઈ ગયા હોય.
આમ તો આ બધી વાતો જાણે કાલની જ લાગે. પણ ગણવા બેસીએ તો ત્રીસ વર્ષો વહી ગયેલાંનું જણાઈ આવે. આ સૂરલોભી કાન માટે થઈને માધુકરી માગતો ફર્યો. હીરાબાઈ જેવાંઓએ લો .. લો કહીને આપ્યે રાખ્યું. આ ઋણ કયા હિસાબમાં ફેડવું? પૈસાના કે ટિકીટના દરમાં? પરોઢિયે ત્રણસાડાત્રણે આ દોડધામ પતે એટલે પછી ગુડમૅન, પર્શિયન, ઇંડિયન, મેરવાન, વાઈસરૉય ઑફ ઇન્ડિયા જેવા ઇરાની બાંધવોને બારણે – એમની દુકાનોનાં પાટિયાં ક્યારે સરકે એની – રાહ જોતાં એ બ્રુન-મસ્કાની પ્રતિક્ષા કરતા ઊભા રહેવાનું. સંગીતના આવા ઉજાગરાની સમાપ્તિ ઇરાનીના ચાનો ‘નાઈટ કૉપ’ ચઢાવ્યા સિવાય થતી નહીં. એલચી અને જાયફળ નાંખેલી કૉફી પીવી એ સંગીતના સચ્ચા શોખીનોનું વ્યવચ્છેદક લક્ષણ નથી જ. ત્યાં જ કોક એકાદો મુંબઈકર બ્રુનમસ્કાને સાથેની ચામાં બોળતા કહેશે કે મારી વાત સાંભળો, “હીરાબાઈનું ગાન અને આ ઇરાનીની ચા, આકાશ તૂટી પડેને તો ય એમની ક્વૉલિટી સેમ ટુ સેમ, સમજ્યા ..?”
ગયાં વર્ષોમાં કેટલી જગ્યા ખાલી પડી અને કેટલી ભરાતી પણ ગઈ પણ એ જમાનામાં પાછી લઈ જનારી એક જ વાત — ખસની સુગંધવાળી, ક્યારે ય જૂની ન થનારી, અસલ જરીકસબની ચંદ્રકળા (સાડી) જેવી રહી — અને તે એટલે હીરાબાઈનું ગાન. છેલ્લાં ચાળીસ-પિસ્તાળીસ વર્ષોમાં તુકાના અભંગોની જેમ તરતું રહ્યું. સાંભળનારના સ્વાદ બદલાયા, પેઢીઓ બદલાઈ પણ હીરાબાઈનાં ગાનને એવી જ દાદ મળતી રહી છે. આજે એમના કરતાં ચાર ગણી તૈયારીવાળા કલાકારો છે પણ આંખો આંજી નાંખે એવું પોતાની પાસે કશું ય ન હોવાં છતાંયે હીરાબાઈની લોકપ્રિયતા આજે ટકી રહી છે. ઠંડી હવાની લહેરખીને માણતા હોય તેમ લોકો ‘સ્વસ્થ’ થઈને બેઠા હોય. સૂર-લયના એ શાંત આવિષ્કારમાં લોકો રાજીખુશીથી ડૂબી જતા. એમની મહેફિલમાં જે દાદ નીકળતી એ પણ ભાવભરી. આ ગાન માથામાં ઝનઝનાટી પેદા નથી કરતું પણ એમના સૂર કાનમાંથી મનમાં ઝમતા રહે છે.
આ ગાનનું પોત બારીક છે પણ જર્જરિત નથી, ભાવભર્યું છે પણ લાગણીવેડા નથી, માપમાં છે પણ લૂખું નથી, ખાસ છે પણ એમાં પંડિતાઈ નથી. એમાં પોતાની એક આગવી શૈલી છે પણ પાછી ઘરાનાના કુળાચાર સાચવેલી. આવી એમની ગાનપ્રતિમા. સામેની ભીડ જોઈને રંગ જમાવવાની માથાકૂટમાં કરતાં નથી, કરવીયે નથી પડતી. સામેનો શ્રોતા જાણકાર હોય તો સારું જ પણ ના હોય તોયે એમનાં ગાન પર એની કોઈ વિપરિત અસર પડતી નથી. એમની પાસેથી તબિયતદારીની વાતો મેં સાંભળી નથી, તાનપુરાના તાર મળ્યા કે હીરાબાઈનું જામ્યાં. એમની આંખો સૂર નિહાળવા લાગતી, સૂર નિહાળવાનો આવો વારસો સુરેશબાબુને પણ મળેલો. એમનો એ બારીક સ્વર પહેલાં એમની આંખોમાં દેખાતો અને પછી ગળામાંથી આવતો. અંતઃચક્ષુને દેખાતી એ રાગમૂર્તિને હળવે હળવે સજાવતા આ ભાઈબહેનો ગાતાં આવ્યાં છે.
હીરાબાઈનો આ વિનમ્રભાવ જે દેખાવ પૂરતો નથી, એ તો અંતરનો છે. પુણેના એમના બંગલામાં જુઓ તો તમને એ એક ગૃહિણીનાં ઘરકામ કરતાં જોવા મળશે. વસંતરાવ દેશપાંડે તો એમનાથી કેટલા નાના .. તોયે એમની પાસેથી પણ હીરાબાઈ સંગીત શીખતાં હોય. વસંતરાવનું ગળું એટલે દિનાનાથ (મંગેશકર) માંહેનું. એ તાન રસ્તામાં ક્યાંયે થોભે નહીં. એકવાર હીરાબાઈ એમની પાસેથી નવા નિશાળિયાની જેમ સંગીત શીખી રહ્યાં હતાં. વસંતરાવના ગળામાંથી એક અઘરી તાન નીકળી તો હીરાબાઈએ તરત જ કહ્યું કે વસંતરાવ, આવી અઘરી તાન તો મારું ગળું કઈ રીતે ખમી શકે?
તાનપુરા પાસે પોરો ખાનારા હીરાબાઈને નાટકમાં કામ કરતાં જોવામાં મને મજા આવતી. મુંબઈમાં એમણે ‘નૂતન સંગીત વિદ્યાલય’ નામે એક સંગીતશાળા ખોલી હતી. એની ક શાખા તરીકે તેમણે એક નાટક કંપની પણ ખોલી. પ્રેક્ષકોને એમની પાસેથી નાટક નહોતું જ જોઈતું. એ નાટક કંપનીને લીધે તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ ગયાં. એમના ધૂર્ત વકીલે એમને નાદારી નોંધાવવાની સલાહ આપી પણ એ તેમણે માની નહીં અને પોતાની મહેફિલોમાંથી એ દેવાની પાઈએ પાઈ ચૂકતે કરી, ત્યારે જ એ જંપ્યાં.
આ બધી જવાબદારી પાર પાડતાં પાડતાં સાંસારિક જવાબદારીઓ પણ વધતી જતી હતી. પણ હીરાબાઈના સૂરોએ કાળને તો મહાત કર્યો જ હતો પણ કાળત્વને પણ મહાત કર્યું કે કેમ પણ એમના ઘરનું વાતાવરણ હંમેશાં આનંદી અને સૂરીલું. માણિક વર્મા, પ્રભા અત્રે, માલતી પાંડે જેવી અનેક આશાસ્પદ ગાયિકાઓને તેમણે પ્રેમપૂર્વક તાલીમ આપી. એ તાલીમની ફીનો વિચાર પણ એ મનમાં લાવતાં નહીં. નવા કલાકારોને શાબાશીથી નવાજતાં. કલાના ક્ષેત્રમાં આવું અજાતશત્રુત્વ મળવું બહુ મુશ્કેલ. આ ક્ષેત્રમાં કોઈએ વાંસે થાબડવું એ ખૂબ મહત્ત્વનું બની રહે છે. એમણે પોતે અતિ વિકટ માર્ગે યાત્રા કરી એટલે બીજાએ પણ પોતાનાં ઢીંચણ છોલાવી લેવા એવું એમણે સપનામાંયે વિચાર્યું નહીં. એમનાં મોંઢેથી મેં આજ સુધીમાં ક્યારે ય કોઈની સફળતા માટેના ઈર્ષ્યોદ્ગાર સાંભળ્યા નથી. પોતાની સાલસાઈ અને ભલમનસાઈને લીધે તેમણે સંગીતવિશ્વમાં એક એવું સ્થાન નિર્માણ કર્યું કે કોઈપણ ગાયક-વાદકની મહેફિલમાં એમની વાત નીકળે તો તરત જ લોકો એક માયાળુ સ્વજનની રૂએ એમનું નામ લે. તેમાં ય કલકત્તા જેવી કલાનગરીમાં રસિકો ઊભા થઈને તેમને માન આપે, તેમની કલાને બિરદાવે ત્યારે એક મરાઠી માણૂસ તરીકે અમારા જેવાને ગર્વ થઈ આવે, અમારી ગરદન ઊંચી થઈ જાય. હીરાબાઈના ગાનમાં અભિજાત સંગીતકલા કુળવાન સોહાગણની જેમ બિરાજેલી જોવા મળે છે.
ત્રીસેક વર્ષ પહેલાંની એ રાત સાંભરે છે. એ રાતે હીરાબાઈ રેડિયો પર વસંત ગાઈ રહ્યાં હતા અને ત્યારે જ દૂરના કોક ગામના રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં હાથમાં તાનપુરો લીધેલા અબ્દુલ કરીમખાંસાહેબનું નિધન થયેલું. ગુરુજીનો સ્વર અનંતમાં વિલીન થયો તે વખતે એ જ સંપ્રદાયની આ મહાન શિષ્યાના સૂરથી આખું ય વાતાવરણ ભરાઈ ગયું હતું.
હવે તો હીરાબાઈ દાદીમા થઈ ગયાં છે. પૌત્રને ખોળામાં બેસાડીને ગાય છે. એ ભાવભરી આંખો પર ચશ્માં ચઢાવીને વાંચે છે. વહુરાણીને લાડ લડાવે છે. ત્રણચાર વર્ષના એ પૌત્રનો ઠેકો સાંભળે અને આવનારને સંભળાવે. આ યાત્રિકાની જિંદગીમાં હવે માંડ કાંઈ ઠરીને બેસવાનો, છૈયાંછોકરાં સાથે ઘરસંસાર માણવાની વેળા આવી છે. એવા આનંદમાં ડૂબી ગયેલાં હીરાબાઈને મેં જોયાં છે, પણ સાથોસાથ પેલા ખૂણામાં બૅગબિસ્તરો બાંધીને પડ્યો છે એ પણ તરત જ ધ્યાનમાં આવે છે. એ ઘરને આનંદથી આમ જ ગાજતું રાખવા માટે એમને પક્ષિણીની જેમ ભ્રમણ કરવું પડે છે પણ મોટા-મોટા કાર્યક્રમોમાંથી પાછા આવીને ઘરમાં પગ મૂકતાં જ તેઓ ગાન-હીરામાંથી ચંપુતાઈ થઈ જાય છે. ખોળ ચઢાવેલો તાનપુરો મૂકાય એક ખૂણામાં અને બીજા ખૂણામાંની લક્ષ્મી (સાવરણી) લેવાય હાથમાં અને શરૂ થાય ઘરની સાફસફાઈ. ઘરમાં ભત્રીજી સુવાવડ માટે આવેલી હોય છે તો બીજી બાજુ મહેમાનોની અવરજવર ચાલુ જ છે, તોયે એમનું ઘર એકદમ ચોખ્ખુંચણાક. આંતરભારતીય કીર્તિ પ્રાપ્ત આ ગાયિકા રસોડામાં કામે લાગે છે. વસંતરાવ દેશપાંડેની ગોષ્ટિ જામેલી હોય છે, ત્યાં જ વામનરાવ એમને કહે છે કે ચંપુતાઈ, આ જરા ગાઈને બતાવો તો. સૌ કોઈ ઉત્તમ ભોજન આરોગે છે અને અન્નદાત્રી સુખી ભવ કહેતા વિખેરાય છે. રાતની ગાડીમાં મદ્રાસ-કલકત્તા જેવા મોટાં શહેરોમાં કે કોક અંતરિયાળ નાનકડા ગામની મુસાફરી શરૂ થાય છે. જે મળે એ ગાડીમાં, જે વર્ગમાં જગા મળે એમાં.
(‘સમીપે’ના સૌજન્યથી)
એ-1, સરગમ ફ્લૅટ્સ, ઈશ્વરભુવન રોડ, નવરંગપુરા, અમદાવાદ-380 014