વડોદરાસ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ, બ્રિટનની ઉમરાવ સભાના સભાસદ તેમ જ અાંતરરાષ્ટૃીય ખ્યાતિપ્રાપ્ત રાજકીય ફિલસૂફ પ્રૉફેસર ભીખુ પારેખ અૉક્ટોબર 2013 દરમિયાન વડોદરે હતા, ત્યારે સુપ્રતિષ્ઠ રેિડકલ હ્યુમેનિસ્ટ અને નાગરિક ચળવળકાર તેમ જ “વૈશ્વીક માનવવાદ” સામિયકના તંત્રી બિપિન શ્રોફે 15 અૉક્ટોબરના રોજ તેમની ખાસ મુલાકાત લઈ નરેન્દ્ર મોદી, ભા.જ.પ., આર.એસ.એસ. અને આગામી, સને 2014ની, લોકસભાની ચૂંટણી અંગે ફાસીવાદ અને નાઝીવાદના સંદર્ભમાં પ્રશ્નોત્તરી કરી હતી. અા ચર્ચા ગુજરાતના જાહેર જીવન અને બૌદ્ધિક કર્મશીલોમાં વિચારવિમર્શની દૃષ્ટિએ ઉપયોગી થઈ શકે.
“વૈશ્વીક માનવવાદ” તથા “નિરીક્ષક”ના નવેમ્બર અંકોમાં, અા સમૂળી મુલાકાત પ્રગટ પણ થઈ છે. (સમગ્ર ઇન્ટરવ્યૂને ડીજિટલી ટેપરેકોર્ડ કરવામાં આવ્યો હતો.)
ભીખુભાઈ પારેખ (ડાબે) અને બિપિનભાઈ શ્રોફ (જમણે) ચર્ચાવિચારણામાં મશગૂલ
બિપિન શ્રોફ : ભીખુભાઈ ! ઇટાલિયન ફાસીવાદ અને જર્મનીના નાઝીવાદ, શું બંને વૈચારિક રીતે એક જ છે? કે પછી તેમાં વૈચારિક રીતે પણ તફાવત છે ?
ભીખુ પારેખ : બંને ખ્યાલો એક બીજાથી ઘણી બધી રીતે જુદા છે. મોટા ભાગના લોકો આ બે ખ્યાલો એક જ હોય તેમ એક બીજાના પર્યાય તરીકે સહજતા કે છૂટથી( લુઝલી) વાપરે છે. ખરેખર એકબીજાનાં લક્ષણો પણ એક નથી. બીજુ કે આજે વિશ્વમાં લેટિન અમેરિકાના ઘણા દેશોમાં અને અન્ય સ્થળોએ ફાસીસ્ટ સરકારો છે પણ કોઈ દેશમાં નાઝી સરકારો નથી.
નાઝીવાદમાં પોતાના દેશની એક લઘુમતી કોમને, દાખલા તરીકે જર્મનીમાં યહૂદીઓને (જયુઝને) એક રેસ કે જાતિ તરીકે ઓળખાવી તે જાતિનો ફક્ત પોતાના દેશમાંથી જ નહીં પણ સમગ્ર વિશ્વમાંથી સંપૂર્ણ નિકંદન (જીનોસાઇડ) કાઢવા યહૂદી મુક્ત વિશ્વ બનાવવા અન્ય સાથી દેશો સાથે કરાર કર્યા હતા. આવા યહૂદીઓના નિકંદન માટે ફાસીવાદી ઇટાલી રાજ્યના વડા મુસોલિનીએ હીટલરને સહકાર આપ્યો ન હતો.
જ્યારે ફાસીવાદ જે તે રાજય પૂરતી, નિરંકુશસત્તાવાદી, જમણેરી, એક રાષ્ટ્રીય વિચારસરણી છે. તેનો કોઈ આંતરરાષ્ટ્રીય પહેલુ હોતો નથી. ટૂંકમાં, ફાસીવાદને એક વિચારસરણી તરીકે ઉદ્દભવવા માટે પોતાના જ રાજ્યની કોઈ જાતિ કે કોમનું નિકંદન કાઢવા ઓળખી કાઢી તેનો સંપૂર્ણ નિકંદન કાઢવાનો કોઈ એજન્ડા પૂર્વ આયોજિત હોતો નથી. બીજુ, નાઝીઝમમાં પોતાના જેવી શુદ્ધ અને મૂળ જાતિને (પ્યોર આર્યન રેસ) જ બચાવી લેવા અન્ય જાતિઓનું દુનિયામાંથી નિકદંન કાઢી નાંખવા માટે આંતરરાષ્ટ્રીય યુદ્ધને અનિવાર્ય ઐતિહાસિક સત્ય ગણી, તે પ્રમાણે પોતાના દેશ અને સાથી રાજ્યોની બધી માનવીય અને ભૌતિક સંપત્તિનો ઉપયોગ કરે છે. આમ નાઝીઝમ એક આંતરરાષ્ટ્રીય પરિબળ છે. જયારે ફાસીવાદ એક રાષ્ટ્રીય સીમા પૂરતી વિચારસરણી છે. નાઝીવાદના વડા હીટલરએ રશિયા પર આક્રમણ કર્યું ત્યારે ઇટાલીના મુસોલિનીએ તેને સાથ આપ્યો ન હતો.
નાઝીઝમ અને ફાસીવાદ વચ્ચે બીજો અગત્યનો તફાવત એ છે કે નાઝીઝમ વ્યક્તિને રાષ્ટ્રના સમૂહમાં બિન-શરતી જરૂર પડે લશ્કરની મદદથી પણ ભેળવી દેવામાં માને છે. નાઝીઝમમાં દેશને નાગરિકોની જરૂર કાં રાષ્ટ્રના નામે યુદ્ધ મોરચે લડવા માટે કાં તો યુદ્ધના શસ્ત્રો બનાવતા કારખાનામાં મજૂર તરીકે જરૂર છે. ફાસીવાદી રાજ્ય પોતાનો દરેક નાગરિક રાજય માટે મજબૂત (સ્ટ્રોગ) કેવી રીતે બને જેથી આખરે રાજ્ય મજબૂત બને તેવું સ્વપ્ન ફાસીવાદી રાજ્યના વડાનું હોય છે.
હિંસા નાઝીવાદની સમૂહ સંસ્કૃિત (કલેક્ટીવ વાયોલન્સ કલ્ચર) બની જાય છે. નાઝીવાદમાં સત્તા સૌ પ્રથમ પક્ષ પાસે ત્યારબાદ પક્ષની ટોળકી પાસે (સિન્ડીકેટ) અને આખરે તેના નેતામાં અબાધિત સ્વરૂપે મૂર્તિમંત થઈ જાય છે. હીટલરે જે મોટી મોટી રેલીઓ કરી હતી તેવી રેલીઓ મુસોલિનીએ કરી નહોતી.
બિપિન શ્રોફ : હવે ઉપરની થોડી ચર્ચા ફાસીવાદ અને નાઝીઝમની સૈદ્ધાંતિક રીતે કર્યા પછી મારો બીજો પ્રશ્ન આપણા દેશમાં જે રીતે એકાએક નરેન્દ્રભાઈ મોદીને રાષ્ટ્રીય ફલક ઉપર એક વિલક્ષણ ઘટના તરીકે મૂકી દેવામાં આવ્યા છે તે અંગેનો છે. તમે આ એક વિલક્ષણ કે ચમત્કારિક ઘટનાનું મૂલ્યાંકન કેવી રીતે કરો છો ?
ભીખુ પારેખ : મોદીજીને જે આ જાતનો એક રાક્ષસ (Demon), ભારે શક્તિશાળી વ્યક્તિ તરીકે ઊભા કરવામાં આવી રહ્યા છે તેની પાછળ કયા કયા પરિબળો છે તેનું ખરેખર પૃથ્થકરણ કરવાની જરૂર છે. મારી દૃષ્ટિએ તે પોતે તેવી શક્તિશાળી વ્યક્તિ નથી. પણ મોદીજીને તેવી રીતે ઉપસાવવા એની પાછળની જે સોસિયોલોજીનું સર્જન કરવામાં આવ્યું છે, તે મારે સમજવું છે.
હમણાં જ મને દિલ્હીમાં અરુણા રોય મળ્યાં તો તેમણે મને સીધો જ સવાલ પૂછ્યો કે શું મોદીજી સત્તા પર આવશે તો સને ૧૯૭૭માં આવેલું કટોકટી રાજય ફરીથી આવશે? આવો જે ભય લોકોના મનમાં પેસાડી દીધો છે તે કાંતો તે ભય કાલ્પનિક( ઇરેશનલ) છે કે પછી સાચો ભય છે? એક સમયે કટોકટી આવી ફરી શું કટોકટી ન આવે? ખરેખર આ ભય વાસ્તવિક (જેન્યુઇન) કે કૃત્રિમ (આર્ટીફીસિયલ) ભય છે? મારે મોદીજીની સાથેના જે પરિબળો છે તેને મારે સમજવા છે અને તેમની સામેના જે પરિબળો છે તે બધાને પણ મારે સમજવા છે. કારણ કે વર્તમાન કોગ્રેસ પાર્ટી પોતે એવી કક્ષાએ પહોંચી ગઈ છે કે તે પોતે એવો ભય લોકોમાં ફેલાવે કે જો જો બી.જે.પી.ને મત આપશો તો કટોકટી આવશે! મારી દ્રષ્ટિએ કોગ્રેસ પોતે આવો ભય લોકોમાં ફેલાવી ફરીથી સત્તા પર આવી શકે છે. જેથી પોતાના ભ્રષ્ટાચારી કૌભાંડોને દબાવી શકે! કારણ કે કોગ્રેસ સિવાયની કોઈ પણ સરકાર આવે અને વર્તમાન સરકારના મનમોહન સીંઘથી માંડીને ઘણા બધા પ્રધાનો જેલમાં જાય તેટલા ભ્રષ્ટાચારોમાં સંડોવાયેલા છે.
બીજી બાજુએ મોદીજીનું ચારિત્ર્ય કે વ્યક્તિત્વ એવું ગુજરાત બહાર નથી કે તે આખા દેશને હાઇજેક કરી શકે! મને મોદીજીમાં તેવું દેખાતું નથી. હીટલરમાં જે પ્રકારનો ધર્માંધ ઝનૂનીપણું (ફનૅટીસિઝમ) અને હિંસાખોર માનસ (વાયોલન્સ) હતું તેવું માનસ મને આજને તબક્કે મોદીજીમાં દેખાતું નથી. તેમના આંખે ઊડીને વળગે તેવા કેટલાક ગુણોમાં વહીવટી કુશળતા, દેશ માટે કંઈ કરી છૂટવાની તમન્ના અને તે સ્વપ્નોને સાકાર કરવાની અથાગ શક્તિ તેમનામાં છે. સાથે સાથે તેમની મર્યાદાઓને પણ જાણવાની અને સમજવાની જરૂર છે. તેમની સ્વાભાવિક પ્રકૃતિ સરમુખ્તયાર પ્રકૃતિ છે, રાજય અને દેશના મૂડીવાદીઓને વધારે પડતી તરફેણ કરે છે, શાંતિથી પ્રજાનું રાજકીય સશક્તિકરણ (પીસફુલ પોલીટિકલ કેપેસિટી બિલ્ડીંગ) થાય તેવો કોઈ એજન્ડા તેમના લીસ્ટમાં છેલ્લાં બાર વર્ષના મુખ્ય મંત્રી તરીકેના વહીવટમાં મને દેખાયો નથી. તેઓની ભાષાની રજૂઆતમાં ક્યારેક ન બોલવાનું તે બોલી નાંખે છે, તેમ જ તેમના દ્વારા વ્યક્ત થતી ભાષામાં અયોગ્ય અને અપરિપકવ શબ્દોનો ઉપયોગ તેમને ફાયદા કરતાં નુકશાન વધુ કરે છે. સ્વભાવે ટફ માણસ છે. જેને દબાવી શકાય તેમ હોય તેને તેઓ દબાવી શકે છે. તેઓ પોતાના સમકક્ષ માણસને સહન કરી શકતા નથી. તે સહેલાઇથી મિત્રોને દુ:શ્મન બનાવી શકે છે પણ દુ:શ્મનોને મિત્ર બનાવી શકતા નથી. તેમને હીટલર જેવા અત્યંત શક્તિશાળી (Demonize) ગણવાની કે સમજવાની ભૂલ કરવાની જરૂર નથી.
માની લો! કે કાલે મોદીજી દિલ્હીની ગાદી પર આવે, જે શક્યતા મારી દ્રષ્ટિએ એટલી સરળ દેખાતી નથી, (જેની ચર્ચા હું થોડીકવારમાં જ કરું છું) તો પણ મોદીજી ભારત માટે બીજા હીટલર બની શકે તેમ નથી. કારણ કે આજના ભારત અને સને ૧૯૩૦ના મંદીગ્રસ્ત જર્મની વચ્ચે આભ જમીનનો તફાવત છે. નાઝીઝમ અને ફાસીઝમ આપ મેળે બીલાડીના ટોપની માફક રાતોરાત ફૂટી નીકળતા નથી. અથવા તે એક જ નેતાના પ્રયત્નથી પણ પેદા થતા નથી.
નાઝીઝમના જન્મ માટે મોટે પાયે હતાશા,નિરાશા (ડિસીલ્યુઝન,ડિપ્રેશન એન્ડ સિનીસીઝમ) સમગ્ર પ્રજામાં ફેલાઈ જાય અને કોઈ તારણહાર જ તેમને બચાવી શકે તેવી માનસિકતાથી પ્રજા પીડાતી હોય તો હીટલર જેવા નેતાને રાષ્ટ્રીય ફલક પર આવવું સરળ બને છે. જર્મનીની પહેલા વિશ્વયુદ્ધમાં જે હાર થઈ હતી, અને ત્યારબાદ જે એક રાષ્ટ્ર તરીકે જર્મની બીજા યુરોપીયન રાષ્ટ્રો સમક્ષ બિલકુલ ગૌરવહીન (હ્યુમીલેશન) સ્થિતિમાં વર્સેલ કરારને આધારે મુકાઈ ગયું હતું તેવી પરિસ્થિતિમાંથી ભારતની પ્રજા પ્રસાર થઈ રહી નથી.
બીજું હીટલરે જે રીતે જર્મન લોકતંત્ર (Weimer Republic) સામે વિદ્રોહ કરીને (putsch) પોતાની એડી નીચે લાવી દીધું, તેવું ભારતીય સંસદીય લોકશાહી પ્રથાને નાબૂદ કરવી મોદીજી માટે શક્ય નથી. તે ડર મને નથી. શા માટે નથી ? તેનું કારણ એ નથી કે હિંદુઓ અહિંસક છે. મારી દ્રષ્ટિએ બીજી કોમોથી હિંદુઓ સહેજ પણ ઓછા હિંસક નથી અથવા હિંદુઓ બીજી કોમો જેટલા જ હિંસક (વાયોલન્ટ) છે. તેના કારણો મારી દ્રષ્ટિએ નીચે મુજબના છે.
એક, ફાસીવાદ કોઈ એક નેતાથી આવતો નથી કે પેદા થતો નથી. તે મોટે ભાગે મેં કહ્યું તે પ્રમાણે પ્રજામાં મોટા પાયે ફેલાયેલી નિરાશા, હતાશા અને દિશાહીનતાનું પરિણામ છે. આવી દયનીય અને દિશાહીનતાની સ્થિતિ ફાસીસ્ટ વિચારસરણી અને તેવા નેતાને પેદા થવા માટેનું ફળદ્રુપ વાતાવરણ પેદા કરે છે. આપણા દેશની પ્રજાનું માનસ આજને તબક્કે હીટલરની જર્મન પ્રજામાં હતું તેવું નથી. તેવી આપણી પ્રજાની માનસિક,નસામાજિક અને આર્થિક સ્થિતિ નથી. એક જ દાખલો તમને જર્મનીનો આપું, તે સમયે જર્મનીમાં ફુગાવાનું પ્રમાણ બેહજાર ગણું થઈ ગયું હતું.
બીજું, હીટલર ટાઇપની સરમુખત્યારશાહીને આપણે ત્યાં વિકસવા માટેની સંસ્થાકીય મર્યાદાઓ(Institutional constrains) ઘણી છે. એક, કોઈ પણ નિર્ણય બંધારણની વિરુદ્ધ લઇ શકાય નહીં. બંધારણને નામશેષ કરી નાંખવું કોઈ પણ વ્યક્તિ કે પક્ષ માટે સરળ અને સહેલું નથી. એવા બંધારણને સસપેન્ડ કરવાના કોઈ પણ પગલાંને વિના અડચણોથી માન્ય રખાવવું શક્ય નથી.
ત્રીજું, જર્મની કે અમેરિકાની ફેડરલ કોર્ટની સરખામણીમાં ભારતીય સુપ્રીમ કોર્ટ બંધારણનાં મૂલ્યોના સંરક્ષણ માટે અને કાયદાનું રાજ્ય જેવા અન્ય મૂલ્યો ટકાવી રાખવા સક્રિય દરમ્યાનગીરીનો (Active Intervention list Role) રોલ ભજવે છે. સુપ્રીમ કોર્ટના આવા નિર્ણયોની વિરુદ્ધ સતત જઈને હીટલર જેવા સરમુખત્યાર બનવું મોદીજી જેવા નેતા માટે સરળ નથી.
ચોથું, ભારતીય રાજયવ્યવસ્થા એ સમવાયીતંત્રી (ફેડરલ સ્ટેટ સ્ટક્ચરર્સ) રાજ્યવ્યવસ્થા છે. ભારતમાં નાનામોટા બંધારણીય રીતે અસ્તિતવમાં આવેલ ૨૮ રાજ્યો છે. તે બધાને તમે કેવી રીતે સમૂળગા નામશેષ કરી, સમગ્ર દેશમાં એકચક્રી (ફેડરલ ફોર્મ ઓફ ગવર્નમેંટમાંથી યુનિટરી ફોર્મ ઓફ ગવર્નમેંટ જેવી) રાજ્ય વ્યવસ્થા ઊભી કરી શકવાના હતા?
પાંચમું, આપણા દેશની રાજય વ્યવસ્થામાં એક યા બીજા પ્રકારની નાગરિકોની સક્રિય ભાગીદારી (Civil Activism) છે. રાજ્યકર્તા નાગરિકોના મૂળભૂત હકોનો ધ્વંસ કરીને લાંબા સમય સુધી રાજય ચલાવી શકે નહીં. ઇંદિરા ગાંધીને છેલ્લે કટોકટી ઉઠાવી લેવી પડી હતી. આ ગાંધીજીની એક અગત્યની દેશના માટેની દેન છે. જેને કોઈ સરમુખત્યાર નેતા પોતાની સત્તા અને પદના ભોગે જ નજર અંદાજ કરી શકે!
આવા બધા બંધનો કે મર્યાદાઓ સાથે મોદીજી જેવા નેતા હીટલરની માફક સર્વસત્તાધીશ દેશની કક્ષાએ બની શકે નહીં તેવું મારું તારણ છે. તે રીતે રાજ્ય કરવું સહેલું પણ નથી અને શક્ય પણ નથી.
બિપિન શ્રોફ : ભીખુભાઈ ! નાઝી રાજ્યવ્યવસ્થાને તેના કોર્પોરેટ જગતે સર્વપ્રકારનો ટેકો આપ્યો હતો. ગુજરાતમાં મોદીજીએ તેવી જ નીતિઓ અને પગલાં લઈને ગુજરાતના અને દેશાના અૌદ્યોગિક જગતના માંધાંતાઓને પોતાની ગ્રાન્ડ ડિઝાઇનના ભાગ રૂપે કબજામાં લઈ લીધા છે. બંને પરિબળો જાણે એકબીજાના હિતોના સંરક્ષણ અને વિકાસ માટે જ કામ કરતા હોય તેવાં જોઇએ તેટલા પુરાવા ગુજરાત રાજ્યમાં મળે તેમ છે. ગુજરાતનો વિકાસ એટલે ગુજરાતની છ કરોડની પ્રજાનો વિકાસ નહીં, પણ મોદી સરકારે પસંદ કરેલા છ ઉદ્યોગ બેરોનનો જ વિકાસ.
ભીખુ પારેખ : સામાન્ય રીતે તમારું તારણ ખોટું નથી. કારણ કે કોર્પોરેટ હિતોવાળા પોતાના હિતો સાધવા રાજય પર દબાણ કરે છે કે અમારા હિતો (ઇન્ટરેસ્ટ) મજૂરોના હિતોથી (લોકશાહી હિતોથી) વિરુદ્ધના છે માટે તમારે અમારો સાથ જોઇતો હોય તો લોકશાહીને સસ્પેન્ડ કરો. જેથી મજૂરો મજૂર કાયદાનો આધાર લઇને અમારા હિતોની સામે ન આવે ! દેશના કમભાગ્યે કે સદ્દભાગ્યે આપણી લોકશાહી એવી રોજબરોજના કાર્યો માટે મજબૂત નથી કે તે કોર્પોરેટ હિતોને મોટા પ્રમાણમાં નુકશાન કરનારી હોય. હું ઇચ્છું અને મને ચોક્કસ આનંદ થાય જો ભારતની લોકશાહી એટલી વાયબ્રન્ટ હોય કે જે સ્થાપિત હિતો સામે સામાન્ય નાગરિકોના હિતોનું રક્ષણ કરતી હોય. બીજું કોર્પોરેટ ઇન્ટરેસ્ટથી પેનિકી થવાની જરૂર એટલા માટે નથી કે ભારતીય કોર્પોરેટ જગતના વૈશ્વીકરણને કારણે હિતો એટલા વૈશ્વીક બની ગયા છે કે તે ઘર આંગણે ફાસીવાદી પ્રવૃત્તિને ટેકો આપી શકે તેમ નથી. તેવું કરવા જાય તો તેમના વૈશ્વીક હિતો જોખમાય તેમ છે. ભારતીય ઉદારમતવાળી લોકશાહી વ્યવસ્થામાં જ દેશના કોર્પોરેટ જગતનું હિત છે.
ઉપરની ચર્ચાને આધારે મારું માનવું છે કે બી.જે.પી.વાળા કે આર.એસ.એસ. ઝાઝું નુકસાન કરી શકે તેમ નથી. આ બધા માણસો સત્તા પર આવીને લોકશાહીને હલાવી નાંખે, પાંગળી બનાવી દે, પ્રજા માટે રાજ્ય તરફથી લેવામાં આવતાં કલ્યાણકારી પગલાં બંધ કરે કે કરાવી દે, આવું ચોક્કસ બની શકે. પરંતુ લોકશાહીનો સંપૂર્ણ નાશ કરીને કે લોકશાહીને સંપૂર્ણ હાઇજેક કરીને ફાસીસ્ટ રાજ્ય પ્રજાને માથે થોપી દે તેવું બનવાની મને શક્યતા દેખાતી નથી. બીજું તમારા પ્રશ્નના સંદર્ભમાં ભારતીય મધ્યમવર્ગનો જે રોલ કે ફાળો છે તેને નજરઅંદાજ (અન્ડર એસ્ટિમૅટ) કરવા જેવો નથી. ભારતીય મધ્યમવર્ગ અમુક જાતની જે પાયાની સ્વતંત્રતાઓ પોતાના કૌટુંબિક અને સામાજિક વ્યવહારોમાં માંગે છે, પરદેશી વસ્તુઓ માટેનો તેમનો જે ક્રેઝ અને જરૂરિયાત છે, પરદેશ સાથેનું જે આદાનપ્રદાન કૌટુંબિક અને સામાજિક સ્તરે છેલ્લાં પચાસ કરતાં વધુ વર્ષોથી મજબૂત બન્યું છે, તેવાં હિતોને નુકસાન કરનારી રાજ્ય વ્યવસ્થા મારું માનવું છે કે આપણો મધ્યમ વર્ગ પસંદ નહીં કરે.
હું તમારી લોકશાહી માટેની ચિંતાને ખરેખર ગંભીરતાથી જોઉં છું. કારણકે દેશની લોકશાહી આંતરિક રીતે અથવા અંદરથી બિલકુલ ખોખલી, કે પોલી (હોલો) થઈ ગઈ છે. આપણે ત્યાં લોકશાહી એટલે ચૂંટણી તેનાથી વિશેષ કાંઈ નહીં. બે ચૂંટણી વચ્ચે જે રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે જે બૌદ્ધિક સંવાદ દેશના પ્રશ્નો ઉપર થવો જોઇએ તે બિલકુલ થતો નથી. પ્રજાનું જે પોત આ બધી બાબતોમાં દરેક જનરલ ઇલેક્શન પછી સતત કેળવાવું જોઇએ (લેવલ અૉફ પોલોટિકલ લિટરસી) કે પરિપક્વ બનવું જોઇએ તેવું બિલકુલ દેખાતું નથી. જે ચૂંટણીઓ થાય છે અને ભવિષ્યમાં થશે તેમાં મની-પાવર, મસલ્સ-પાવર અને કુટુંબ, જ્ઞાતિ અને ધાર્મિક પરિબળોનું જે પ્રભુત્વ છે તેના આધારે જ ચૂંટણીનાં પરિણામો આવે છે. લોકશાહી ઉપરનાં કારણોના પરિણામ સ્વરૂપે સતત નબળી પડતી ચોક્કસ જાય છે. પણ દેશમાં લોકશાહીનું માળખું (ટોટલ હાઉસ ઓફ ડેમોક્રેસી) તૂટી પડે તેવું મને દેખાતું નથી.
બિપિન શ્રોફ : નરેન્દ્ર મોદી અને તેમના આર.એસ.એસ. સાથેના સંબંધો જે રીતના છે, તે જોતાં દેશના ફલક ઉપર આર.એસ.એસ.ની રાજકીય અસરોને તમે કેવી રીતે નજર અંદાજ કરી શકો ? આર.એસ.એસે. તો મોદીની વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પસંદગીની મહોર મારી છે.
ભીખુ પારેખ : મારી પાસે આર.એસ.એસ.ની એક સંસ્થા તરીકે વ્યવસ્થિત અને ઊંડી માહિતી નથી. હું મારી જાતને પૂછું છે કે હું આ સંસ્થાના કેટલા માણસોને મળ્યો છું, જેને આધારે તેના વિષે આધારભૂત રીતે ચર્ચા કરી શકું? આ સંસ્થા દેશને ક્યાં લઈ જવા (ડ્રાઇવ કરવા) માંગે છે? તેના સાહિત્યનો અભ્યાસ કરવાથી એમ લાગે છે કે તેની અંદર આંતરિક વિરોધાભાસ (ઇન્ટરનલ કોન્ટ્રાડિકશન) છે. તે એક બાજુ સ્વદેશી અને રાષ્ટ્રઅભિમાનની વાત કરે છે અને સાથે વૈશ્વીકરણ(ગ્લોબલાઇઝેશન)ની તરફેણ કરે છે. એક બાજુ તેનો અભિગમ સંપૂર્ણ મુસ્લિમ વિરોધી (અૅન્ટિમુસ્લિમ) છે જયારે મોદી સત્તા મેળવવા લઘુમતી સેલ (માઇનોરિટી સેલ) ઊભો કરવાના પ્રયત્નો કરે છે. આપણે ત્યાં મુસ્લિમ મતદારો દેશના એવા જુદા જુદા વ્યૂહાત્મક (સ્ટૃેટેજિક) ભાગોમાં વહેંચાઈ ગયેલા છે. દા.ત. ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે દેશભરમાં આવી લોકસભાની આશરે ૨૦૦ જેટલી બેઠકો પર આ મુસ્લિમ ૧૪ ટકા મતદારો પોતાની ઇચ્છા મુજબની ધારી અસરો ઉપજાવી શકે તેમ છે. દેશમાં કોઇપણ રાજકીય પક્ષે સત્તા પર આવવું હોય તો આ ૧૪ ટકા મુસ્લિમ મતદારો અને તેમનું વ્યૂહાત્મક બેઠકો પરના અસરકારક અસ્તિત્વને નજર અંદાજ કરી શકે નહીં. તે બધાએ પોતાની ચૂંટણીની વ્યૂહરચના મને કે કમને તે વાસ્તવિક પરિબળોને ધ્યાનમાં રાખીને જ ગોઠવ્યા સિવાય છૂટકો નથી. જો આર.એસ.એસ. ફક્ત હિંદુ આક્રમક વલણ રાખીને ચૂંટણીનો વિચાર કરે તો એકલે હાથે સત્તા મેળવવાનું તેનુ સ્વપ્ન સ્વપ્ન જ રહી જશે. ભારતીય રાજકીય મતદાર પ્રથાનું પોત જ એ પ્રકારનું છે કે તેણે સત્તાના રાજકારણનાં વાસ્તવિક સમીકરણોને આધારે સમાધાનકારી આધુનિક કે મોડરેટ સ્ટેન્ડ લીધા સિવાય છૂટકો નથી. આ પ્રકારનો પરિવર્તન પામેલો અભિગમ આપણે નરેન્દ્ર્ભાઈ મોદીમાં જે રીતે તે બિહાર કે યુ.પી.માં જઈને વાતો કરે છે તે પરથી ખબર પડે છે. તેથી આર.એસ.એસ.ને તમારે એક જ વૈચારિક પ્રભાવવાળી કે એકરૂપ (‘હોમોજીનીઇટી’ ધરાવતી) સંસ્થા ગણવાની નથી. તેની અંદર પણ સત્તાના રાજકારણે આંતરિક રીતે ઘણા જુદા જુદા પ્રવાહો અને પરિબળો પેદા કર્યા છે. કારણ કે આ સંદર્ભમાં આજ મોદીજીએ ગુજરાતમાં આર.એસ.એસ.ને હાંસિયામાં (મારજીનલાઇઝ) ધકેલી દીધું છે. એટલી હદ સુધી મોદીજીએ કહી દીધું કે આ બધા નકામા માણસો છે અને મારે ન જોઇએ. બીજી બાજુએ તે જ આર.એસ.એસ. મોદીજીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરી ટેકો આપે છે. તે સૂચવે છે કે સદર સંસ્થામાં જુદા જુદા ગ્રૂપ હોવા જોઇએ અને એટલું જ નહીં પણ જુદી જુદી વિચારસરણીવાળા અસરકારક જૂથો હોવા જોઇએ. જેને હું મારો રાજકીય દુ:શ્મન (એનીમી) ગણું છું તેને સમજવા માટે મારે તેની અંદરના વિરોધાભાસો(ઇન્ટરનલ કોન્ટ્રાડિક્શન)ને સમજવા પડશે.
દાખલા તરીકે અટલવિહારી બાજપાઈ એક સમયે આર.એસ.એસ.ના પ્રાથમિક સભ્ય હશે પણ સત્તામાં આવવા માટે અને મેળવેલી સત્તાને ટકાવી રાખવા બાજપાઈએ આ સંસ્થાની મર્યાદા કેટલી છે (કન્ટેન્ડ) તે બતાવી દીધી હતી. તેવી જ રીતે નરેન્દ્રભાઈ મોદીએ પણ સત્તા મેળવવા આ સંસ્થાના ખભાનો ઉપયોગ કરીને તેને તદ્દન ફેંકી નહીં દે કારણ કે તે શસ્ત્રનો રાજકીય રીતે ઉપયોગ કરવાની તેમને જરૂર છે. પણ તે જ સંસ્થાના આંતરિક વિરોધી પરિબળોનો લાભ લઈને કે તેમાં ભાગલા પાડીને (સ્પ્લીટ કરીને) કોઈને પૈસાથી ખરીદીને તો કોઈના પ્રભુત્વની ખસી કરી નાંખીને (ઇમૅસ્ક્યુલેટ) પછી આર.એસ.એસ.ને કહે કે બોલો ! સત્તા પ્રાપ્ત કરવા મારે આટલા ફેરફારો કરવાની જરૂર છે ? હું તે રીતે આગળ વધું છું !
મારે બીજી વાત આર.એસ.એસ. અંગે કરવી છે. જો તે સંસ્થા પોતાને મૂળભૂત રીતે રાષ્ટ્રવાદી કહેવડાવતી હોય તો તે એવું તો ન ઇચ્છે કે દેશ તૂટી જાય કે છિન્નભિન્ન થઈ જાય ! અથવા તે એવું પણ ન ઇચ્છે કે દેશ હિંદુ – મુસ્લિમ રમખાણોમાં દેશ તૂટી જાય કે તેના ભાગલા પડી જાય ! આ સંદર્ભમાં મારે એક અગત્યની વાત કરવી છે. જેવી રીતે કૉંગ્રેસ એક પાર્ટી તરીકે એકસો વર્ષ જૂની પાર્ટી રહી નથી, જેવી રીતે સામ્યવાદી પક્ષ એક પક્ષ તરીકે બદલાઈ ગયો છે. તેવી જ રીતે મારે તે માનવાને કોઈ કારણ નથી કે આર.એસ.એસ.ને એક સંસ્થા તરીકે ગોળવલકર અને સાવરકર જેવી બનાવીને મૂકી ગયા હતા તેવીને તેવી જ હજુ અપરિવર્તનશીલ રહી છે. તેને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા બદલાવું પડશે. આર.એસ.એસ.ને તમે પૂછો કે ભારતમાં મુસ્લિમ પ્રજાનું સ્થાન શું? શું તમે દેશની સવા અબજની આબાદીમાં આશરે ૧૪ ટકા લેખે આશરે સાડા સત્તર કરોડની વસ્તીને તમે દેશમાંથી કોઇ દિવસ હાંકી કાઢી શકવાના છો? તે શક્ય છે ખરુ? તે બધા ભારતના નાગરિકો તો છે જ. ધર્મ આધારિત આપણા પોતાના જ નાગરિકોનું સ્થળાંતર કયાં અને કોની સાથે કરવાના હતા? ખરેખર દેશના બધા નાગરિકોને સાથે રાખીને જ આપણે દેશને એક મજબૂત રાષ્ટ્ર – આર.એસ.એસ.ના સ્વપ્નાનું પણ – બનાવવું હશે તો તે સિવાય ભાગલા પાડીને કે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા કરીને બનાવાશે નહીં. કટોકટી સામે આર.એસ.એસ.ના કાર્યકરો લડયા હતા, જેલમાં પણ ગયા હતા. મોદીજી પોતે પણ કટોકટી સામે લડયા હતા જે ખૂબ જ નજીકનો જ ઇતિહાસ છે. તેમને પૂછો તો ખરા કે તેઓ કટોકટી સામે કેમ લડયા હતા? નાગરિક સ્વાતંત્ર્યો (સિવિલ લિબરર્ટીઝ) માટે જ લડ્યા હતા. મારી દ્રષ્ટિએ તે લોકો વૈચારિક રીતે રાષ્ટ્રીયતાના મુદ્દે એક અનિર્ણયના કેદી (એ કન્ફુયઝ્ડ લોટ) છે. ખાસ કરીને મુસ્લિમ લઘુમતીને જો તમારા વિચારો અને વર્તન સામે સતત ટકરાવશો તો, બહારનાં પડોશી રાજ્યોને આપણા દેશમાં આંતરિક અંધાધૂંધી ફેલાવવાનું મોકળું મેદાન મળશે અને લાંબે ગાળે દેશ પોતે જ છિન્નભિન્ન થઈ જશે. આર.એસ.એસ. માટે આ સંદર્ભમાં એક જ વિકલ્પ બાકી રહે છે કે દેશના વિકાસમાં દરેક લઘુમતીને સાથે રાખીને ચાલવું. જો તમારો રાષ્ટ્રવાદ ખરેખર સાચો હોય તો તમારે દેશમાં રહેતી દરેક લઘુમતીના દિલ જીતવાં પડશે. તે માટે તમારી ધર્મઆધારિત અન્યધર્મીઓ સામે ધિક્કારની લાગણી, વલણ અને રોજબરોજનાં કાર્યો અનિવાર્ય રીતે બદલવાં પડશે. શું તે પ્રમાણે તમારી કેડરને તૈયાર કરી શકશો? મને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે આવતાં પાંચ–સાત વર્ષોમાં આર.એસ.એસ.માં મોટા પાયે પરિવર્તન આવશે તેવું મને દેખાઈ રહ્યું છે. તે બધાએ એ પણ સ્વીકારવું પડશે કે આ દેશમાં લોકશાહી વ્યવસ્થા રાજકીય અને સામાજિક રીતે તેનો મૂલ્યો સતત વિકસતાં રહે તે સ્વરૂપે રહેવાની છે. દેશની તમામ લઘુમતીઓને તમામ પાયાના અધિકારો આપ્યા સિવાય દેશ આગળ જઈ શકે તેમ નથી.
બિપિન શ્રોફ : આપના ખૂબ જ અભ્યાસુ અને તાર્કિક પૃથક્કરણના આધારે ભીખુભાઈ! હું એ જાણવા માંગું છું કે સને ૨૦૧૪ની ચૂંટણીનાં પરિણામ કેવા આવશે અને તે પરિણામને આધારે દેશનું ભાવિ કેવું હશે?
ભીખુ પારેખ : બિપિનભાઈ, સને ૨૦૧૪ના ભારતના ભવિષ્ય વિષે કહેવું કે તારણો કાઢવાં સરળ નથી. મારા માટે મુશ્કેલ છે. કારણ કે મને કોણ સત્તા પર વ્યક્તિ તરીકે આવશે કે નહીં આવે તેમાં બિલકુલ રસ નથી. જો કે લોકશાહીમાં વ્યક્તિગત નેતૃત્વ પોતાના નેતૃત્વની ઘણી સારી કે ખોટી અસરો રાષ્ટ્ર માટે પેદા કરી શકે તેમ છે. હમણાં નવેંબર –ડિસેમ્બર ૨૦૧૩માં પાંચ રાજ્યોની ચૂંટણીઓ આવે છે. તેનાં પરિણામો આપણને ઘણું માર્ગદર્શન આ મુદ્દે આપશે તેવું મારું માનવું છે.
તેમ છતાં કેટલીક વસ્તુઓ બનવાની છે. દા.ત. મોદીજી ધીમે ધીમે રાષ્ટ્રીય સ્તર પર નેતા તરીકે આવતા જાય છે. હવે મોદીજીની વિચારસરણી, તેમણે ગુજરાતમાં ખેલેલું પોલિટિક્સ અને તેમનું ગુજરાત મોડેલ અને અન્ય મુદ્દાઓ બાબતે જે અત્યાર સુધી તાર્કિક મૂલ્યાંકન થતું ન હતું તે હવે થશે. ખાસ કરીને મોદીજીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે છેલ્લાં બાર વર્ષોમાં શું શું કર્યું છે તે બધી હકીકતો રાષ્ટ્રીય ફલક પર મૂલ્યાંકન સાથે ચર્ચાના એરણ પર મુકાશે. તેથી કરીને મોદીજીનું જે ઊભું કરાયેલું ગ્લેમર અને શાઇનિંગ છે તે ક્રમશઃ ધીમે ધીમે ઓછાં થતાં જશે. મોદીજી તેના સાચા રંગે ઓળખાતા થઈ જશે.
મારી દૃષ્ટિએ કોંગ્રેસને તેની નરેગા યોજના કે ફુડ સિક્યોરીટી બીલ વગેરે બચાવી શકશે નહીં. કોંગ્રેસ ગઈ અને મારી દ્રષ્ટિએ તે જાય તે જરૂરી છે. બી.જે.પી.એ એક પક્ષ તરીકે પોતાનું ભવિષ્ય એક જ મોદી જેવા વ્યક્તિને ત્યાં ગીરવે મુકી દીધું છે. મોદીજી ઝાઝું કરી શકે તેમ નથી. મોદીજીની સફળતા કે નિષ્ફળતા એ સમગ્ર બી.જે.પી. જેવા રાષ્ટ્રીય પક્ષની સફળતા કે નિષ્ફળતા! વિશ્વ ફલક પર કોઈ એવો દેશ નથી કે જ્યાં કોઈ રાષ્ટ્રીય પક્ષે આવો જુગાર ખેલ્યો હોય!
ઉપરના પૃથક્કરણ પરથી બે શકયતાઓ ઊભરી શકે છે. એક, સમગ્ર લોકસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને કે માન્ય જૂથને પણ સગવડભરેલી બહુમતી ન મળે અને રાજકીય સત્તાનું અનેક નાના એકમોમાં વહેંચણી (પોલિટિકલ ફ્રેગમેન્ટેશન) થઈ જાય. અને બીજા વિકલ્પમાં લોકો મોદીજી અને તેના પક્ષને તારણહાર તરીકે જોઇને એકલે હાથે બહુમતી આપે ! મને સને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનું પરિણામ અને ત્યાર પછીનું ચિત્રમાં દેશની પહેલી સ્થિતિમાં રાજકીય સત્તાનું સ્થાનિક નાના એકમોમાં વહેંચાઈ જવાની સ્થિતિ પેદા થવાની શક્યતા મને વધુ સંભવિત નજરે પડે છે. મને મોદીજીની બાબતમાં કોઈ આશા નથી. પુનરાવર્તનના ભોગે પણ ફરી કહું છું કે મોદીજીએ કામ કરવાની સ્ટાઇલ બદલવાની જરૂર છે. તેમના નેતૃત્વની ઘણી મર્યાદાઓ છે. તે સહેલાઈથી દુ:શ્મનો ઊભા કરી શકે છે, મિત્રોને સહેલાઈથી દુ:શ્મનો બનાવી શકે છે, પણ દુ:શ્મનોને મિત્રો બનાવી શકતા નથી. હું તેમને ન અટકાવી શકાય તેવું રાષ્ટ્રીય કક્ષાનું પરિબળ( ઇરેઝિસ્ટેબલ ફોર્સ) ગણતો નથી. મોદીજી! પોતે ભાષામાં ઘણી વખત એવા શબ્દો બોલી નાંખે છે જે ખરેખર રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વ પાસેથી આપણે અપેક્ષા ન રાખીએ તેવા શબ્દો તે બોલી નાંખે છે. પરદેશ કે વિદેશનીતિની બાબતમાં જેટલું ન બોલે કે પોતાનો અભિપ્રાય ન આપે તે તેમના હિતમાં છે. બી.જે.પી., આર.એસ.એસ. કે મોદીજીનો પોતાનો હિંદુ સંસ્કૃિતનો ખ્યાલ કે અભ્યાસ છે તેના કરતાં ભારતીય સંસ્કૃિતનો ખ્યાલ અને વ્યાપ ઘણો વિશાળ છે. આપણી સંસ્કૃિત અંગે આ બધાનો અભ્યાસ બૃહદ્દ અને ઘનિષ્ઠ નથી પણ સંકુલ છે. તે બધાનો હિંદુ સંસ્કૃિતનો ખ્યાલ મોગલ સલ્તનતની સામેના ધિક્કારથી શરૂ થઈને અને સને ૧૯૪૭ના સુધીની ગોરી સલ્તનતની આસપાસ આજે ય ગૂંચવાયેલો રહ્યો છે. મોદીજી સહિત બી.જે.પી. અને આર.એસ.એસ.વાળાઓની ભારતીય સંસ્કૃિત અંગે જે ઊંડી સમજ જોઇએ તે આ બધામાં મને દેખાતી નથી તેથી મારી દ્રષ્ટિએ રાષ્ટ્રીય કક્ષાએ તે અટકાવી ન શકાય તેવું(ઇરેઝિસ્ટેબલ ફોર્સ) પરિબળ હોય તેમ હું માનતો નથી.
હા, કદાચ સને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ની પક્ષ તરીકે થોડીક સીટો વધે, કારણ કે કોંગ્રેસની ઘટશે. પણ મને સ્પષ્ટ રીતે લાગે છે કે ૨૦૧૪ પછી દેશમાં રાજકીય અસ્થિરતા (પોલિટિકલ ઇનસ્ટબિલિટી) વધશે! આવી રાજકીય અસ્થિરતામાંથી કોઈ નવું વૈચારિક (આઇડિયોલૉજિકલ રિએલાઇનમેન્ટ) ગઠબંધન થાય તેવી શક્યતા પણ મને દેખાતી નથી. આપણા દેશમાં રાજકીય વૈચારિકતા એટલી બધી અસ્પષ્ટ અને ગુંચવાડાભરેલી (હાઇલી ક્નફુઝ્ડ)અને બૌદ્ધિક રીતે પ્રાથમિક કક્ષાની છે કે તેમાંથી રાજકીય રીતે વૈચારિક સ્પષ્ટતાવાળી કોઈ વિચારસણી પેદા થાય તેવી જગ્યા મને દેખાતી નથી. દાખલા તરીકે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો હવે હાંસિયામાં ધકેલાઈ ગયેલા પક્ષો છે. જેને આપણે સમાજવાદી પાર્ટી કહીએ છીએ તે ખરેખર ભયંકર જ્ઞાતિવાદી, કાસ્ટીસ્ટ (Castists) પાર્ટી છે. જ્ઞાતિના મતો ઉપર જીવે છે અને મરે છે. ભારતીય રાજકારણમાં પ્રામાણિક રીતે કોઈ સમાજવાદી પાર્ટી નથી કે કોઈ રુઢિચુસ્ત (Conservative) પાર્ટી પણ નથી. લગભગ બધા જ રાજકીય પક્ષો એકાદ વ્યક્તિની આગળ–પાછળ જ જોડાયેલા છે. આ દેશનો રાજકીય રેકોર્ડ એવો છે કે તમે જો કોઈ રાજકીય પક્ષ ઊભો કરવા જાવ છો તો ઓછામાં ઓછા વીસથી પચ્ચીસ વર્ષ લાગે છે. કાંશીરામની બહુજન સમાજવાદી પાર્ટીને યુ.પી.માં સત્તા ઉપર આવતાં અઠ્ઠાવીસ વર્ષ થયાં. આગામી વર્ષોમાં ભારતનો આર્થિક વિકાસ, “હિંદુ ઇકોનૉમિક ગ્રોથ રેટ” પ્રમાણેનો છે તેવો જ મારો એક રાજકીય શબ્દસમૂહ “હિંદુ સ્ટાઇલ અૉફ પોલિટિકસ” છે. જે કોઈ સંગઠન ઊભું કરવામાં આવે તેનું સતત નાના રાજકીય એકમોમાં રૂપાંતર થઈ જાય. ભારતની રાજકીય સ્થિતિ બહુ ઝડપથી મોગલ સામ્રાજ્યના પતન અને અંગ્રેજોના આવતા પહેલાં હતી તેવી અસંખ્ય નાના રાજકીય એકમોમાં સત્તાનું રૂપાંતર થઈ જાય તેવી સ્થિતિ તરફ દેશ ધકેલાઈ રહ્યો છે. આ બધાં નાનાં નાનાં રાજકીય સત્તા કેન્દ્રો ઉપરાંત મુલાયમ, મમતા, નીતિશકુમાર, જયલલિતા જેવા પ્રાદેશિક સુબાઓ તો ખરા જ. આ બધાઓને પોતાના રાજકીય સ્વાર્થ સિવાયની કોઇ વિચારસરણી જ નથી. સતત અંદર અંદર ઝઘડ્યા કરે, બહારના માણસ સામે દેશના હિતમાં તે ભેગા થઈ શકે તેવી સૌજન્યશીલતા અને બૌદ્ધિક પરિપકવતા એ કોઈ લોકોમાં મને દેખાતી નથી. આ દેશની કેન્દ્રમાંની છેલ્લી સરકારના પાંચ–છ મહત્ત્વનાં નિર્ણયો જુઓ. શું ખરેખર આ બધા નિર્ણયો મનમોહનસિંહની સરકારે દેશના હિતમાં લીધા છે? જ્યારે સંસદમાં ગુનો સાબિત થઈ ગયેલા સંસદ કે વિધાનસભ્યો અંગેના બિલની ચર્ચા ચાલતી હતી, અને મારી દ્રષ્ટિએ અગાઉથી આયોજીત નાટકના ભાગરૂપે રાહુલ ગાંધી તૂટી પડ્યા, ત્યારે ચાલુ સંસદે મનમોહનસિંહે અમેરિકા ન્યુક્લીયર ડીલના મુદ્દે ત્યાં જવાની શી જરૂર હતી? અમેરિકાની કઈ કંપનીને તમે કૉન્ટ્રાક્ટ આપ્યો છે? તેની શરતો કઈ કઈ છે? ઓબામા સરકારે આ બાબતમાં તમને કેવું દબાણ કરે છે કે તમારે ચાલુ સંસદે ત્યાં જવું પડે છે? અમેરિકાને તે મુદ્દે આપણી શરતો જો માન્ય ન હતી તો તમારી પાસે શું વિશ્વના અને ખાસ કરીને યુરોપના દેશો વિકલ્પ તરીકે ન હતા? આ પાર્ટીએ નાટક જાણી જોઇને કરાવ્યું હોય તેમ મને લાગે છે જેથી રાષ્ટ્રનું ન્યુક્લીયર ડીલના મુદ્દે જે શરતો સાથે અને જે અમેરિકન કુંપની સાથે આ ડીલનો સોદો કરવામાં આવ્યો છે અને તેમાં કઈ કઈ શરતો કોના હિતમાં છે તે પ્રજાને ખબર જ ન પડે ! પ્રજાનું ધ્યાન જ બીજે દોરવાઈ જાય.
બીજો મુદ્દો તેલંગાણાના અલગ રાજયનો મુદ્દો. આ ઘડીએ, આટલા વિપરીત અને સ્ફોટક મુદ્દાને હાથમાં લેવાની કઈ મજબૂરી હતી? ત્રીજો મુદ્દો ફુડ અૅન્ડ સિક્યોરિટી બિલનો લઇએ. ગરીબ પ્રજાને એક લાખ એંસી હજાર કરોડની સબસિડી નાણાં આપવાથી કયા પ્રશ્નો ઉકેલાશે? મારું સ્પષ્ટ મંતવ્ય છે કે આ રીતે નાણાં વેડફી દેવાથી સત્તા મળશે કે નહીં તે નક્કી ન કરાય! પણ આ જ ગરીબોને મેડિકલ સગવડો, શિક્ષણ, મકાન બીજી અન્ય સગવડો છે? કાયમ માટે તેની ગરીબાઈ દૂર થાય તેવા શસક્તીકરણ માટેનું કોઈ આયોજન છે?
મારી દૃષ્ટિએ આ દેશમાં બે પ્રકારનું રાજકારણ ચાલે છે. એક તમાશાનું રાજકારણ. જે મોદીજી જેવા ચલાવે છે. અને બીજુ પ્રજાની સર્વપ્રકારની ક્ષમતા વધારવાનું રાજકારણ (પોલિટિક્સ અૉફ કેપેસિટી બિલ્ડીંગ). સંસ્થાઓ ઊભી કરવી, વ્યક્તિઓને તૈયાર કરવી જેથી તે બધા પોતાની શક્તિથી પોતાના પ્રશ્નો ઉકેલી શકે તેવું રાજકારણ દેશનો કોઈ એક પક્ષ પણ ચલાવતો નથી. ગરીબાઈ સામે આપણે વાંધો ઉઠાવીએ છીએ પણ તે કાયમ માટે દૂર થાય તેવું કાયમી માળખું ઊભું કરવામાં કોઈ રાજકીય પક્ષને રસ નથી. સરકારી કર્મચારીઓને પોતાના વિસ્તારમાં ટોળાં ભેગાં કરવાના હુકમો કરવાથી કોઈ રાજ્ય કે દેશના પાયાના પ્રશ્નો ઉકેલાયા નથી. ખરેખર પ્રજાના પ્રશ્નો તમાશા કરવાથી નહીં જ ઉકેલાય. શાંત અને ઠંડા ચિત્તે ગંભીરતાથી આ બધાં કામો કરવા પડે! દા.ત વિદ્યાર્થીઓ કેમ શાળાએ આવતા નથી, તેમનું શાળા છોડી દેવાનું પ્રમાણ કેમ આટલું બધું છે ? તે ઘટે કેવી રીતે? શિક્ષણના ક્ષેત્રે કેમ સારા માણસો આવતા નથી અને જે સારા માણસો આવી ગયા છે તે કેમ શિક્ષણનું ક્ષેત્ર છોડી દે છે? આવા દરેક રાજ્ય ચલાવવાના ક્ષેત્રોમાં પ્રશ્નો હોય છે. શું તે બધા પ્રશ્નો મોદીજીની રેલીઓ અને તમાશાથી ઉકેલાઈ જશે? આ દેશમાં પોલિટિક્સ અૉફ કેપેસિટી બિલ્ડીંગને બદલે પોલિટિકસ અૉફ ગિમિક (ચાલાકીભરી યુક્તિઓથી પ્રજાનું ધ્યાન બીજે ખેંચવા) થાય છે. આ દેશમાં તમને દેશ માટેની બૌદ્ધિક ગંભીરતા (ઇન્ટેલેક્ચ્અલ સિરિયસનેસ) ક્યાં દેખાય છે? મને એક બહારના (આઉટસાઇડર) અને એક અંગત વ્યક્તિ (ઇનસાઇડર) તરીકે જે લાગે છે તે આ છે કે આ દેશ ક્યાં જઈ રહ્યો છે? દેશનું આવી દિશામાં સતત સરકી જવું તે હું એક નિસ્બત ધરાવતા નાગરિક તરીકે મારાથી સહન થતું નથી. (આઈ કાન્ટ બેર ધીસ) આવી પ્રતિબદ્ધતા અને નિસ્બત ધરાવતી (જેન્યુઇન)) વ્યક્તિઓ ક્યાં છે? નથી તો કેમ નથી?(સુડો પેઇન નહીં, જેન્યુઇન પેઇન થવું જોઇએ.) જે ગંભીરતા આપણા રાવજી મોટામાં (બરોડા યુનિવર્સિટી ટીચર્સ યુનિયનના પ્રથમ પ્રમુખ) હતી. સિન્થેટીક કે પ્લાસ્ટીક વિંટાળેલી ગંભીરતા ન ચાલે! કેળવેલી, મૂળભૂત, સતત ગંભીર પ્રતિબદ્ધતા (સિસ્ટમેટીક, રેડિકલ, ડીપ, પરસિસ્ટન્સ કે કન્ટીન્યુઅસ સિરિયસ પૅશન) જોઇએ. જો કોઈ પણ દેશની પ્રજામાં એક રાષ્ટ્ર તરીકે ઉત્થાન થવાની ઊંડી અને ગંભીર પ્રતિબદ્ધતા ન હોય તે દેશનું ભાવિ અંધકારમય જ હશે. આ બધા સિવાય દેશમાં વૈચારિક રીતે ગુંચવાડા પેદા થશે, મેં અગાઉ કહ્યું તે પ્રમાણેની મોટા પાયા પરની ઘોર નિરાશા, હતાશા અને હિન્દુ સ્ટાઇલ ઓફ પોલિટિક્સ અૉફ ડિસઇન્ટિગ્રેશન આવશે. દેશ હજુ નાના નાના રાજકીય સત્તાઓનાં કેન્દ્રોમાં વહેંચાઈ જશે ! બીજી ઘણી બધી નવી જ્ઞાતિઓ રાજકારણમાં પેદા થશે.
આપણા દેશની સંસ્કૃિતએ શરૂઆત તો ખૂબ જ સારી કરી હતી. તેણે આપણને વિશ્વમાં ગૌરવ અપાવે તેવા મહાન બૌદ્ધિકો, કલાકારો અને સર્જકો પેદા કર્યા હતા. આવા ગૌરવમય ઇતિહાસની શરૂઆત પછી તે સંસ્કૃિત જુદી જુદી નાની હેતુવિહીન અને સમજણ વિનાની સામાજિક ઓળખોમાં વિભાજિત થઈ ગઈ. કલા, સાહિત્ય અને બૌદ્ધિકતામાં તેની જે વિશેષતાઓ હતી, તે ક્રમશઃ નામશેષ થવા માંડી. ખરેખર એક દેશની એકરૂપ થયેલ સંસ્કૃિત તરીકેની જે ઓળખ હતી તે નાની નાની જ્ઞાતિઓ અને સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગઈ. કોઈ પણ દેશની પ્રજાની હોય તેવી સામૂહિક સ્પષ્ટ હેતુસરની ઓળખ જ મટી ગઈ હતી …. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે લગભગ તેવું જ અત્યારે દેશમાં થઈ રહ્યું છે. આજે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને તેને આધારિત સમાજ વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે તેનો અંદાજ આવતો નથી. મને ક્યાં ય કોઈ પણ પ્રકારનું દૂરંદેશીપણું કે દ્દઢ નિશ્ચય શક્તિને આધારે રાજ્યનું સુકાન ચાલતું હોય તેમ બિલકુલ દેખાતું નથી. આ ચંચલ (વૉલેટાઇલ) અને સ્ફોટક વિશ્વમાં આપણા દેશની સદર સ્થિતિ બિલકુલ સર્વે બાજુએથી વિચાર કરતાં દિવસે દિવસે વધુ જોખમકારક બનતી જતી દેખાય છે. હું આશા રાખું કે આપણા દેશનું એવું ન થાય પણ તે શક્યતાને હું નકારી શકતો નથી.
વૈશ્વીક દૃષ્ટિએ એક રાજકીય વિચારક તરીકે મારું તારણ છે કે યુ.એસ.એ. જેવો દેશ અંદરથી તૂટતો (ફ્રેક્ચરિંગ ફ્રોમ વિધીન) જાય છે. આવતી સાલ જો ગ્રેટ બ્રિટનનું સમવાયી એકમ સ્કોટલેંડ, ગ્રેટ બ્રિટનમાંથી સમવાયી એકમ તરીકે સ્વતંત્ર થવું છે તેવું મતદાનથી પસંદ કરશે તો ગ્રેટ બ્રિટનનું પણ વિભાજન થઈ જશે! ચીનની અંદર પણ આવા જ પ્રકારના આંતરિક ભાગલાના પ્રવાહો અને ઊંડા ઉદ્વેગો (ટેન્શન્સ) ઊભરી રહ્યા છે. વૈશ્વીક સ્તર પર આ રાજકીય વિઘટનની પ્રક્રિયા અટકાવવી હશે તો આપણી પાસે આર્ષદ્રષ્ટા કે દીર્ઘદ્રષ્ટિવાળા હિંમતવાન નેતાઓ (એનલાઇટન્ડ અૅન્ડ કરેજીયસ લીડર્સ) જોઇશે જે સાચા અર્થમાં માનવમૂલ્યો આધારિત ક્રાંતિકારી રાજકીય અને સાંસ્કૃિતક ચળવળો ચલાવવાની આગેવાની લે.
આપણા દેશના વડાપ્રધાન મનમોહનસિંહ આ સંદર્ભમાં ખૂબ જ ઊણા અને નિરાશાજનક સાબિત થયા છે. તેમની પાસે કોઈ રાજકીય અને વહીવટી કુશળતા હોય તેવું પણ તેમની વડાપ્રધાન તરીકેની બે ટર્મમાં દેખાયું નથી. તેમની ભ્રષ્ટાચારવિહીનની છાપ (ઇનકરપ્ટેબિલિટી) પણ શંકાસ્પદ બની ગઈ છે. રાહુલ ગાંધીને પણ વહીવટીતંત્રનો અનુભવ હોય તેવું તેના નેતૃત્વમાંથી ઊભરી આવતું નથી. તેમનામાં પણ દૂરંદેશિતાનો અભાવ અને રાષ્ટ્રીય કક્ષાના નેતામાં જોઇએ તેવી રાજકારણની ગંભીરતા કે પરિપક્વતા મને દેખાતી નથી. બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે જયાં સુધી અનુકૂળ અને સાનુકૂળ ફાવ્યું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષો સુધી સહશયન કરી, સત્તા ભોગવી. અને હવે પોતાની જાતને રાજકીય રીતે “સિક્યુલર” નેતા તરીકે ઓળખાવે છે. તેમના રાજ્યમાં મધ્યાહ્ન ભોજનમાં ફૂડ પોઇઝનિંગથી જે નાનાં બાળકો મૃત્યુ પામ્યાં તે બનાવ પ્રત્યે નીતિશકુમારનો પ્રતિભાવ બેજવાબદાર, લાગણીવિહીન, બરછટ અને અસંવેદનશીલ હતો.
નરેન્દ્રભાઈ મોદી પાસે તાકાત છે પણ તેમની ઘણી બધી અગાઉ જણાવ્યું તે પ્રમાણેની મર્યાદાઓ છે. તેમણે સત્તાકાંક્ષી રાજકારણી બનવાને બદલે પરિપક્વ રાજનીતિજ્ઞ (સ્ટેટસમેન) બનવાની જરૂર છે. તેમની પાસે આજે જે ભારતનું રાજકીય દર્શન છે, તે આર.એસ.એસ.ના પાયા પર ઊભું થયેલું છે તેને બદલે ધર્મનિરપેક્ષ નીતિ (સિક્યુલર મોરાલિટી) અને ફ્રાંસની ક્રાંતિને આધારે માનવજાતને મળેલાં માનવ મૂલ્યો “સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ” આધારિત પોતાનું દર્શન અને તેના આધારિત દૂરંદેશીપણું પ્રાપ્ત કરવાની જરૂર છે. ગુજરાત અને દેશના કોર્પોરેટ હિતોના હાથા બની તેમને પંપાળવાના ના હોય તથા હિંદુત્વના ઉગ્ર દિવાસ્વપ્નો (હિંદુ ફેન્ટેસીઝ) જોનારા પરિબળોના પ્યાદા બની તેમના પ્રત્યક્ષ અને પરોક્ષ કાર્યોના ટેકેદાર કે છડીદાર બનવાનું ન હોય.
આપણે એક વૈચારિક અને માનવીય મૂલ્યો આધારિત ક્રાંતિકારી નેતૃત્વની ભયંકર ઊણપ કે અછત ખૂબ જ મોટા પાયે ભોગવી રહ્યા છીએ.
જે ભૂતકાળમાં હિંદુ સંસ્કૃિતનું થયું તેવું ભારતનું એક દેશ તરીકે થવાની પૂરેપૂરી શક્યતા છે − જો આપણે આવા રાજકીય રીતે છિન્નભિન્ન કરનારા ભાગલાવાદી પરિબળોને સમયસર નિયંત્રણમાં ન રાખી શકીએ તો!
મને આશાના કિરણો દેખાય તો ચોક્કસ આનંદ થાય. હું નિરાશાવાદી (પેસીમિસ્ટિક) નથી. પણ દેશનું ભાવિ મને આ પૃથક્કરણથી આશાસ્પદ દેખાતું નથી. બિપિનભાઈ, તમારા જેવાની નાગરિક સક્રિયતા(અૅક્ટિવિઝમ)માં મને આશા (રિઝન્સ ફોર હોપ) માટેનાં કિરણો દેખાય છે.
e.mail : shroffbipin@gmail.com