નહોતા એ સર્જક, નહોતા વિવેચક, નહોતા અધ્યાપક, અરે! એ પત્રકાર પણ નહોતા. અને છતાં ગુજરાતી ભાષાને એકવીસમી સદીમાં લઇ જવા માટે તેમણે એ સૌ કરતાં વધુ પુરુષાર્થ કર્યો. એમનું નામ રતિલાલ ચંદરિયા. ૧૯૨૨ના ઓક્ટોબરની ૨૪મી તારીખે નાયરોબીમાં જન્મ. ગયે અઠવાડિયે ૧૩મી ઓક્ટોબરે અવસાન. કોલેજનો અભ્યાસ પણ પૂરો કર્યો નહોતો. કુટુંબનો ધંધો સંભાળીને તેને ખૂબ વિકસાવ્યો, ઉદ્યોગપતિ બન્યા. દુનિયાના ૬૨ દેશોમાં તેમની કોઈ ને કોઈ કંપનીની શાખા છે. પણ એમની શાખ તો પ્રસરેલી છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં. ખાસ્સી મોટી ઉંમરે તેઓ પ્રેમમાં પડયા – ના, ના. કોઈ વ્યક્તિના પ્રેમમાં નહિ, કમ્પ્યુટરના પ્રેમમાં. બીજાની થોડી અને પોતાની ઝાઝી મહેનતથી કમ્પ્યુટર વાપરતા થયા. પણ સ્ક્રીન પર બધું અંગ્રેજીમાં જ જોવા મળે, એ જમાનામાં. રતિભાઈને થયું : મારી ગુજરાતી ભાષા કમ્પ્યુટરના સ્ક્રીન પર કેમ નહિ? આજે તો માન્યામાં ન આવે તેવા ખાંખાંખોળાં કર્યાં, મથામણો કરી, પરસેવો પાડ્યો. પણ ધીમે ધીમે સાથીઓ મળતા ગયા. દિશા સૂઝવા લાગી. અને જન્મ થયો ‘ગુજરાતીલેક્સિકન ડૉટ કોમ’નો. આપણી ભાષાનો પહેલો ઓનલાઈન શબ્દકોશ. કોઈ પણ ગુજરાતી શબ્દની જોડણી જાણવા, અર્થ જાણવા, તેનો અંગ્રેજી પર્યાય શોધવા હવે મોટાં મોટાં થોથાં ઉથલાવવાની જરૂર નથી રહી. માઉસની એક ક્લિક કરો, જોઈતી જોડણી, અર્થ, પર્યાય જાણો. કહેવાય છે કે સંતોષી નાર સદા સુખી. પણ રતિભાઈનો જીવ જરા ય સંતોષી નહિ. એક ડીક્ષનરીથી કેમ ચાલે? ગુજરાતીનો સૌથી મોટો, સર્વગ્રાહી શબ્દકોશ કયો? ભગવદ્ગોમંડળ કોશ. તે આખેઆખો તેમણે મૂકાવી દીધો વેબસાઈટ પર. પછી પણ વખતો વખત તેમાં નવો ને નવો ઉમેરો થતો જ ગયો છે. હજી થોડા દિવસ પહેલાં જ, તિથિ લેખે રતિભાઈના જન્મ દિવસે ‘જંબલ-ફંબલ’ નામની રસપ્રદ કહેવત–રમત અને ગુજરાતી સુવિચારો ઉપરાંત ગુજરાતી-જાપાનીઝ અને ગુજરાતી-ચાઈનીઝ શબ્દકોશની મોબાઇલ ઍપ્લિકેશન રજૂ કરવામાં આવી છે.
આપણી સાહિત્યની સંસ્થાઓ, તેનાં સત્તાસ્થાનો પર બેઠેલાઓ, હજી ગઈ કાલ સુધી કમ્પ્યુટર માટે સૂગ ધરાવતા હતા, આજે ય ખુલ્લા દિલે ને હાથે તેને આવકારનારા બહુ ઓછા. એટલે તેમનો સાથ-સહકાર ધારેલો તેટલો મળ્યો નહિ. ઘણા તો ભોળા ભાવે પૂછતા: પણ કમ્પ્યુટરના સ્ક્રીન પર કાંઈ પુસ્તકો ઓછાં જ વાંચવા બેસવાનું છે કોઈ? આવડું મોટું પીસી સાથે કોઈ રાખવાનું છે? ચોપડી તો બગલ થેલામાં લઇ જવાય. આજે એ જ બગલથેલામાં એક ડિવાઈસમાં લોડ કરીને ૨૦૦ પુસ્તકો સાથે ફેરવી શકાય છે. આ બધી શક્યતાઓ રતિભાઈએ વર્ષો પહેલાં પારખી લીધેલી. એ વખતે હજી ઇન્ટરનેટ તવંગરોની મોજશોખની વસ્તુ હતી. પણ આવતી કાલે નાનું છોકરું પણ નેટ સેવી હશે એ તેમણે જોઈ લીધું હતું. અને ૨૧મી સદીના નાગરિકો સાથે જો વાત કરવી હોય તો જમાનાઓ જૂનાં સાધનોથી નહિ, તેમનાં સાધનોથી જ કરવી જોઈએ એ વાત રતિભાઈ સમજી શક્યા હતા. તેમના જવાથી આપણને એક નિત્ય યુવાન ભાષાના ભેખધારીની ખોટ પડી છે. તેમના કામને આગળ ને આગળ ધપાવતા રહીએ એ જ તેમને સાચી અંજલી હોઈ શકે.
e.mail : deepakbmehta@gmail.com