જિંદગીની ગડમથલમાં ગાંધી, ટાગોર અને બુદ્ધ મળ્યા એ મારું સૌભાગ્ય : પ્રબોધ પરીખ
જિંદગીમાં ઉત્સાહ, ઉત્તેજના અને ઉમળકો સતત જળવાયેલો હોય એવા માણસો દુનિયામાં કેટલા? આપણા જીવનમાં એકાદ-બે વ્યક્તિઓ પણ એવી હોય તો જીવન જીવવા જેવું લાગે. પ્રબોધ પરીખ એ એવું જીવંત અને હર્યુંભર્યું વ્યક્તિત્વ છે જેમની સાથે કલાકોના કલાકો અને દિવસોના દિવસો સુધી વાતો કરો તો ય તમને કંટાળો ન આવે. સાહિત્ય, સંગીત, સૌંદર્યશાસ્ત્ર, ફિલ્મો, ફિલોસોફી, ફૂડ અને ફ્રાન્સના તત્ત્વચિંતકોનો ઘેરો રંગ જેમના જીવન પર ચડેલો છે, એવા બહુરંગી પ્રબોધભાઈ કવિ, લેખક, પેઈન્ટર છે. મીઠીબાઈ કોલેજમાં ફિલોસોફીના અધ્યાપક-હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રહી ચૂકેલા પ્રબોધભાઈનો લાઈફ લોન્ગ લવ અફેર છે જાઝ, બિયર અને સાદા ઢોસા. દેશ વિદેશમાં સમકાલીન ભારતીય સાહિત્ય, કલા અને ફિલ્મો વિશે તેઓ પ્રવચનો આપે છે. સુભાષ ઘઈની વ્હિસલિંગ વૂડ્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ઈન્સ્ટિટયુટમાં ઈન્ટરનેશનલ આર્ટ, લિટરેચર એન્ડ કલ્ચરના ફેકલ્ટી ઈનચાર્જ છે.
પ્રબોધ પરીખના ઘરની એકે એક દિવાલ પર પુસ્તકો વટભેર બિરાજમાન હોય છે અને ફિલ્મ ડીવીડીનો મોટો ખજાનો છે, એવું સાંભળ્યું હતું તેથી એ જ લાલચે એમના ઘરે મુલાકાત લેવા મળવાનું નક્કી કર્યું. સાચે જ, મેઈન હોલ, બેડરૂમ, દીકરી અનન્યાની રૂમની મુખ્ય દીવાલો એક છેડેથી બીજા છેડા, અને ઉપરથી છેક નીચે સુધી, અઢળક પુસ્તકોથી સજાવેલી છે. વચ્ચે ક્યાંક ક્યાંક એમણે પોતે દોરેલાં ચિત્રો, ક્યાંક રાજા રવિ વર્માનું ઓરિજિનલ પેઈન્ટિંગ, ક્યાંક અતુલ ડોડિયા કે ભૂપેન ખખ્ખરનાં ચિત્રો પણ ગૌરવભેર સ્થાન પામ્યાં છે. સરસ મજાની ખુલ્લી બાલ્કનીની બે મોટી દીવાલો પર ડીવીડીઝનું જબરજસ્ત કલેક્શન છે અને એમના ૮૦ જીબીના આઈપોડમાં ૮૦,૦૦૦ ગીતો સમાવવાની ક્ષમતા છે! બૌદ્ધ મોનેસ્ટ્રી સાથે ગાંધી અને ટાગોર તેમને સદા વ્યસ્ત રાખે છે. આહા! જીને કો ઔર ક્યા ચાહિયે!
આટલાં બધાં પુસ્તકો અને વૈવિધ્યપૂર્ણ ફિલ્મોના પ્રેમમાં ક્યારથી પડ્યા?
આમ તો હું પૂરેપૂરો કાલબાદેવીનો સામાન્ય માણસ. ચાલીનો જીવ. ત્યાં જ જન્મીને મોટો થયેલો. ચાલી સિસ્ટમની અસર આજે ય જતી નથી. હવે તો અદ્યતન ફ્લેટમાં રહેતો હોવા છતાં, દરવાજો ખુલ્લો રાખવાની ટેવ જતી નથી. વાટકી વહેવારમાં પણ રસ પડે. બાજુના ઘરનાં ઢોકળાં કે હાંડવો ચખાડવા માટે આવતાં એનો સ્વાદ હજુ ય યાદ આવે. સાચું કહું તો બહુ નાની ઉંમરથી હું ઊંધા રવાડે જ ચડી ગયો હતો. કંઈક વિચિત્ર ઘટનાઓ બનતી મારા જીવનમાં. નવ વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી ગયો હતો, અમદાવાદ ફોઈને ત્યાં જવું છે કેમ કે એમણે બનાવેલો બાફલો બહુ ભાવે છે એ બહાનું કાઢીને. અહીં તો કંઈ ખોટું કરીએ તો મા છૂટ્ટું વેલણ મારે. આ બધાથી છૂટવા માની પર્સમાંથી પૈસા લીધા ને ચોથા ધોરણમાં હતો ત્યારે ઘર છોડી દીધું. બહાર નીકળીને માના પર્સમાંથી ચોરેલા પૈસામાંથી પહેલા, બીજા અને ત્રીજા શોમાં ત્રણ જુદી જુદી ફિલ્મો જોઈ. છેલ્લા શો પછી તો રાતે બાર વાગી ગયા હતા, એટલે ફિલ્મ જોવા આવેલા હરિજન છોકરાઓ સાથે જઈને હરિજનવાસમાં સૂઈ ગયો. એમને ત્યાં જિંદગીમાં ચા પહેલીવાર પીધી. મારા દીદાર જોઈને તેઓ અંદરોઅંદર વાત કરવા માંડ્યા કે સારા ઘરનો છોકરો લાગે છે, ઘરે મુકી આવીએ, તેથી ત્યાંથી ભાગ્યો. જો કે છેવટે તો ઘરે જવા સિવાય છુટકો નહોતો પણ પતંગ ચગાવવા, અગાશીઓમાં વિહરવું અને ગલીઓમાં ભટકવું એ મારાં પ્રિય સ્થળો. બાપુજી મોટી પ્રિન્ટિંગ પ્રેસના માલિક પણ રહે ચાલીમાં. ગાંધીજીના સંસ્કારો હોવાથી સાદગીમાં રહે. તેઓ થોડા એકલવાયા. અમુક પ્રકારની માનસિકતાને કારણે અજંપામાં રહે. જાત સાથે એકલા રહેવા તેમણે અનેક શોખ કેળવ્યા. રેડિયો પર બીથોવન બાક સાંભળે, રાતે દસથી અગિયાર પોપ મ્યુિઝકનું શ્રવણ કરે. મેટ્રોમાં અંગ્રેજી પિક્ચકર જોઈ આવે. ચર્ચની રેકર્ડ સાંભળે જે બધું મારામાં પણ થોડું ઘણું આત્મસાત થતું જાય. જ્યાં દોઢસો માણસ કામ કરે એવી પ્રિન્ટિંગ પ્રેસના માલિકનો દીકરો તેથી શેઠના દીકરા તરીકે પાછો આપણો વટ. આ બધાનો સરવાળો થઈને પ્રબોધ પરીખ નામનો એક સંમિશ્રિત માણસ ઘડાતો જઈ રહ્યો હતો. જીટી હાઈસ્કૂલમાં સાતમા ધોરણમાં હતો ત્યારે લાઈબ્રેરીનો ચાર્જ લઈ લીધો. પુસ્તક ચોરવાની તક મળે એ પ્રલોભન પણ ખરું. સાહિત્યને પ્રેમ કરે એવા દોસ્તારો થયા પણ એનો અર્થ એવો નહીં કે મારામાં કોઈ વિશેષ સાહિત્યિક પ્રતિભા હતી. એક તરફ પુસ્તકોનું આકર્ષણ વધતું હતું ને બીજી બાજુ, જુઠું બોલવું, સિગરેટ ફૂંકવી, ચોરી કરીને પિક્ચર જોવું એ બધાં કારનામાં પણ ચાલુ જ હતા. એકવાર કલાપી પર વ્યાખ્યાન સાંભળ્યું ત્યારે થયું કે આપણે કલાપી જ થવું જોઈએ. આમ અનાયાસે પુસ્તક તરફ ખેંચાતો હતો ને નવ વર્ષની ઉંમરે ઘરેથી ભાગીને જે છોકરો ત્રણ શોમાં પિક્ચર જુએ એ ફિલ્મોના પ્રેમમાં કેટલો બધો હોય!
ચાલીના વાતાવરણમાં કવિતાઓ કેવી રીતે પ્રગટતી?
અરે, ચાલીના અનુભવો પર તો પુસ્તક લખી શકાય. ચાલીમાં કૌટુંબિક વાતાવરણ જ હોય. બધાં આપણાં સગાં અને વહાલાં. દરેક ચાલીમાં હોમોસેક્સ્યુઅલ્સ પણ હોય જ જે નાનાં બાળકોને પોતાની બાજુમાં સુવાડે. ભૈયાઓ ક્યારેક ઝાડ પાછળ લઈ જાય. આ બધાની વચ્ચે પુસ્તકો વાંચવાનાં, ફિલ્મો જોવાની અને રખડપટ્ટી કરવાની. પ્રાણ વિલન એટલે બહુ ગમે. દિલીપ કુમાર, દેવાનંદ અને અશોક કુમાર એક જ ફિલ્મ હોય તો એ જીવનની સૌથી મોટી ઘટના લાગે. સાથે કિશોરાવસ્થામાં દૂરના મામા કાકાની દીકરીઓના પ્રેમમાં પડી જવાનું ચાલુ હતું, ને પછી એમને લખવાનું કે તારા વિના હું બહુ ઉદાસ છું વગેરે વગેરે. કવિતા લખવાની શરૂઆત એમ જ થઈ હતી. છોકરીઓ વિશે વિચારતા રહેવાનું, ગુરુદત્ત જેવા લાગવાનું અને મનમાં તો ‘પ્યાસા’ જેવો માહોલ. એવી નવલકથા જ વાંચવી ગમે જેમાં મામાની દીકરીને પરણી શકાય એવી સિચ્યુએશન હોય. એ વખતે કવિતા સાવ સામાન્ય લખાતી તેથી બાપુજીએ એક વાર કહ્યું કે આ જોડકણાં લખે છે તો આપણી બાજુમાં જેમનું પ્રેસ છે એ રાજેન્દ્ર શાહને તારે મળવું જોઈએ, એ તને કવિતા શીખવાડશે. પિતાએ સાંખ્ય દર્શન, સંસ્કૃત, ગણિત, સંગીત શીખવાડવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ કંઈ આવડ્યું નહોતું તેથી રાજુભાઈને ત્યાં જવા માંડ્યું. ભાલ મલજી તથા અનેક સાહિત્યકારોની સાથે ત્યાં ગોષ્ઠિ થાય એટલે મજા પડવા લાગી. ત્યાં સિતાંશુ યશશ્ર્ચંદ્ર સાથે દોસ્તી થઈ. એમની સાથે એકદમ જામી ગયું, બધી ગલત પ્રવૃત્તિઓ સાથે. સતત નપાસ થઉં. એક વખત તો સોમાંથી છ માર્ક આવ્યા હતા. સિતાંશુ મિત્રભાવે ભણાવવા આવે પણ આપણો કંઈ મેળ ન પડે. એવામાં કવિ દિલીપ ઝવેરીએ કહ્યું, દાહોદમાં જ્ઞાનસત્ર છે ત્યાં કવિતા લઈને આવ. ગયો. લાભશંકર ઠાકર, ચિનુ મોદીએ પ્રશંસા કરી એટલે થયું કે આપણને કવિતા લખતાં આવડી ગયું છે.
અંગ્રેજી સાહિત્યના સત્સંગમાં કેવી રીતે આવ્યા?
મારા બાપુજી રોજ લાયબ્રેરીમાં જાય એટલે હું પણ જાઉં. અંગ્રેજી વાંચતા લગભગ આવડતું નહોતું પણ અઘરી અઘરી ચોપડીઓ હાથમાં રાખવી બહુ ગમે. એકિઝસ્ટન્શિયલિઝમ, સીમોન દ બુવા, સાર્ત્ર જેવાં નામો યાદ રાખવાં બહુ ગમે અને એમને વિશે વિચારતાં આખું પેરિસ મનમાં ઝળકી ઊઠે. “ક્ષિતિજ”માં અંગ્રેજી પુસ્તકોનો અનુવાદ આવે તે વાંચીએ એટલે થાય કે આપણે તો અંગ્રેજી સાહિત્ય વાંચ્યું જ છે. અંગ્રેજી તો કાચું જ ને ગુજરાતી પણ કાચું. કાલબાદેવીમાં દોઢ રૂમનું ઘર, છતાં પચીસ ચોપડી લઈ આવું. સ્ટ્રેન્ડના માલિક કહે કે આ બુક તો લેવી જ જોઈએ એટલે લઈ લેવાની. “એન્કાઉન્ટર” મેગેઝીન લઈને ડબલા સાથે ચાલીની સંડાસની લાઈનમાં ઊભા રહીએ તો વટ પડે એવું લાગે, એટલે અંગ્રેજી મેગેઝીનો બગલમાં દાબીને ઊભા રહી જવાનું. મોટાં નામો ભેગાં કરવાની જે કવાયત હતી એમાંથી હવે થોડાં નામ આત્મસાત થયાં છે. વર્લીમાં એક ફિલ્મ સોસાયટી હતી જેમાં અંગ્રેજી ફિલ્મો બતાવાતી. જમીન પર બેસીને ફિલ્મ જોવાની. યુરોપની છોકરીઓ, ટૂંકા સ્કર્ટ, લાંબા વાળ. આપણને તો અંગ્રેજી ફિલ્મોની પણ જાદૂઈ દુનિયા મળી ગઈ. વર્લ્ડ સિનેમા સાથે નાતો જોડાતો ગયો.
ઠોઠ નિશાળિયામાંથી ‘હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ’ સુધીની સફર સુધી કેવી રીતે પહોંચ્યા?
હું અઢારનો અને સિતાંશુ ૨૧ વર્ષના. એ ઉંમરે એક મેગેઝિન પણ કાઢ્યું હતું. ભણવામાં ચિત્ત નહીં પણ જ્ઞાન મેળવવાની પિપાસા હંમેશાં રહે. બી.એ. કરવાનું શરૂ કર્યું ત્યારે લોજિક આવડ્યું જ નહીં. એનાલિટીકલ સૂઝ નહીં તેથી સ્માર્ટ, શબ્દોની રમત સાથેની જ ફિલોસોફી ગમે. તેથી જ સાહિત્યિક ચિંતકો ગમતા, નિત્શે, પ્લેટો વગેરે. એરિસ્ટોટલ કદી ન ગમે કેમ કે એમાં આવડવું જ જોઈએ. શંકરાચાર્ય આવડવા જ જોઈએ. પ્લેટો એટલે એવા ચિંતક જેમાં તમને એની ફિલોસોફી ન આવડે તો ય એમના વિશે વાત કરી શકો. કવિતા જેવું આભાસી હોય તે બધું ગમે. માંડ બી.એ. થયો. એમ.એ.માં લેકચર ભરવાને બદલે પેઈન્ટિંગ શરૂ કર્યું. મોટાં મોટાં કેન્વાસ પર પેઈન્ટિંગ્સ કરીને જહાંગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન કર્યું. ટાઈમ્સમાં અદ્ભુત રીવ્યૂ આવ્યા એટલે થયું કે આપણે તો હવે ચિત્રકાર. પણ ભણવાનું રખડી ગયું હતું. એમ.એ.માં માંડ ૩૫ ટકા આવ્યા. એવામાં એક દોસ્તારે અમેરિકા ભણવાનું સૂચન કર્યું. સિતાંશુ એ વખતે અમેરિકા હતો. એ મને કાગળ લખે, ‘તારું શું થવાનું છે? બધી બાજી હારી જવી છે?’ તેથી જ્યાં કોઈ ભણવા ન જાય એવી ભરવાડો(કાઉબોય્ઝ)ની યુનિ. ઓકલાહોમામાં એક મિત્રે અરજી કરાવી મારી પાસે. એ શરતે એડમિશન મળ્યું કે કંઈક સિદ્ધ કરી બતાવીશ તો ચાલુ રાખીશું તને. બસ, અમેરિકામાં મારે માટે નવું વિશ્વ ખૂલ્યું. કેમ્પસમાં જે મળે તેના હાથમાં બ્રધર્સ કારામાઝોવ કે એ કક્ષાનાં પુસ્તકો હોય. મને થયું કે બહુ સારા દેશમાં આવી ગયો, જ્યાં વિદ્યાર્થીઓ દોસ્તોવસ્કી વાંચે છે. એક મહિનો કંઈ બોલ્યો જ નહીં. માત્ર ફિલોસોફીનાં લેકચર્સ સાંભળું ને એ પછી બોલવાનું અટક્યું નથી. સારા ગ્રેડ આવ્યા. પહેલીવાર વિદ્યાર્થી તરીકે જરાક જાગ્રત થયો. સારા મિત્રો મળ્યા. અમેરિકાના ચાર વર્ષે જિંદગી ઘણી બદલી. જો કે ત્યાં ચરસ-ગાંજા ટ્રાય કર્યા, જલસા કર્યા, દુ:ખી થયો, ગામેગામ નોકરી કરી, ફેક્ટરીમાં કામ કર્યું, કદી કોઈ ગુજરાતી ન જાય તેવી તેવી જગ્યાઓએ ગયો, મેકડોનલ્ડમાં ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવ્યાં, ત્યાં જ વાસણ ધોતાં નરસિંહ મહેતાનાં ભજનો ગાયાં. ડીટ્રોઈટમાં હરે કૃષ્ણ મંદિરમાં ગયો, થયું કે અહીં જ ઉદ્ધાર છે. સખત ગડમથલ મગજમાં ચાલ્યા કરતી. અમેરિકાથી આવ્યા પછી સિતાંશુએ મીઠીબાઈના પ્રિન્સિપાલને મારું નામ સૂચવ્યું કે અમેરિકાથી એક ‘હોંશિયાર’ છોકરો આવ્યો છે, લેકચરર તરીકે લઈ લો. એ વખતે હું લાંબા વાળ રાખતો. થ્રી પીસ સુટ પહેરતો. વિદ્યાર્થીઓ માટે ‘ચિંતક’નું ક્લાસિક ઉદાહરણ. ભૃગુરાય અંજારિયાએ ઘર આપ્યું. નૌશિલ મહેતા, પરેશ રાવલ બધા સાથે એ ઘરમાં ખૂબ જલસા કર્યા. અધ્યાપક તરીકે મારો જાદૂ પ્રસરતો ગયો વિદ્યાર્થીઓ ઉપર. કોલેજના લેક્ચરમાં ગાંઠિયા-જલેબી લઈ જઉં, સાથે ચાલે સાર્ત્ર, નિત્શેની ચર્ચાઓ. મૂડ હોય તો ભણાવવાનું નહીં તો દુનિયાભરની વાતો કરવાની, છતાં બધાને ફર્સ્ટ ક્લાસ આવે એવી આપણી શિક્ષણ પ્રથા! પરંતુ, મારી વાતોમાંથી પણ જ્ઞાન પ્રગટતું એવું વિદ્યાર્થીઓને લાગતું. એમ કરતાં ફિલોસોફી વિભાગનો અધ્યક્ષ બન્યો. પત્ની મિત્રા પણ ત્યાં જ મળી. મીઠીબાઈમાં જોડાઈને પહેલું કામ ફિલ્મ સોસાયટી સ્થાપવાનું કર્યું. આશુતોષ ગોવારીકર, ફિરોઝ, મહેન્દ્ર જોષી હંમેશાં કહેતા કે તમારે કારણે અમે ફિલ્મ જોતાં શીખ્યા.
તમે ખૂબ પ્રવૃત્તિઓ બહુ શોખથી કરી છે, આર્થિક અસલામતી ક્યારે ય અનુભવી છે?
પહેલાં નહોતી અનુભવી કારણકે મારી બધી અવળચંડાઈ પૈસેટકે થોડા સુખી ઘરને કારણે પોષાતી રહેતી. હવે આ ઉંમરે ક્યારેક વિચાર આવે છે, પણ ટાગોર એમના એક પત્રમાં સરસ લખ્યું છે કે માત્ર આર્થિક સવાલોમાં અટવાઈ જઈએ તો આપણો ‘સોલ’-આત્મા અથવા અંદરનું તત્ત્વ ભૂંસાઈ જાય છે, જે ટકાવી રાખવું સંતોષપ્રદ જીવન જીવવા માટે અગત્યનું છે.
વ્હિસ્લિંગ વૂડ્સમાં કોઈ ઔપચારિક લાયકાત વિના ફિલ્મ વિભાગના અધ્યક્ષ બનવાની કથા પણ રોચક હશે, નહીં?
અમેરિકન ફિલ્મ સોસાયટીમાં અનેક ફિલ્મો જોઈ હતી. ચર્ચા-વિચારણા આયોજનોમાંથી ફિલ્મ વિશે જ્ઞાન વધી ગયું. દિલ્હીમાં અને એ પછી એશિયન ફિલ્મ ફેસ્ટિવલ કર્યો. એ બધા અનુભવોના નિચોડરૂપે સુભાષ ઘઈએ તેમની ફિલ્મ સંસ્થામાં જોડાવા આગ્રહભર્યું નિમંત્રણ આપ્યું. મીઠીબાઈમાંથી નિવૃત્ત થઈ ગયો હતો એટલે ત્યાં વ્યાખ્યાતા તરીકે જોડાઈ ગયો, ફૂલટાઈમ નહીં, હોં! નિવૃત્તિ પછી ફરજિયાત કશું નહીં કરવાનું, જે ગમે તે જ પ્રવૃત્તિ કરવાની.
તમે ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત છો. એમની પાસેથી શું પ્રાપ્ત થયું છે?
માનસિક ગુંચવાડા એવા હતા કે એક સમયે ગાંધીજી, ટાગોર અને બુદ્ધિઝમમાં રસ પડવા માંડ્યો. ગાંધી વિશે વાંચું તો નશો ચડે. ગાંધી આપણાથી સાવ જુદા. એ સંયમી અને આપણે અસંયમી, એ સત્યવાદી ને આપણે જુઠ્ઠા. છતાં એ માણસની પારદર્શકતા, એમના સત્યના પ્રયોગોથી આકર્ષાતો જતો હતો. રવીન્દ્રનાથ મળ્યા એ મારું સૌભાગ્ય. એમની સર્જકતાને કારણે એક ખૂબ રસભર્યું જીવન સતત મળતું રહ્યું. અંગત મૂંઝવણોની વણઝારમાં ખળભળાટને સમાંતર એમનું ચિંતન અને ઉત્સાહપ્રેરક ઉત્તેજના મને દિશા બતાવતાં હતાં. એમના પત્રો, નિબંધો, પ્રવચનો, કવિતાઓ, નાટકો, વાર્તઓ, નવલકથામાંથી સતત મળતું રહ્યું છે. એમનાં વ્યાખ્યાનો, નિબંધો અને પત્રોમાં એમણે સંવેદનશીલ વિચારજગત રચ્યું છે, જેમાં સમગ્ર માનવજાત સાથે થઈ રહેલું ચિંતન છે. અંદરના ગુંચવાડા માટે બુદ્ધિઝમનો સાથ મળ્યો અને થયું જીવનમાં સમતા કેળવાવી જ જોઈએ. અભ્યાસ, મનોમંથનને કારણે મને રસ પડે એવું વાંચવાની યાત્રા શરૂ થઈ. વિગતે ગોવર્ધનરામ ખૂબ વાંચ્યા. આધુનિકો ઓછા વંચાતા. જીવનમાં એક આદર્શ મળી આવ્યો. બ.ક ઠાકોરમાં આદર્શ, ગાંધીજીમાં પડકાર, કિશોરલાલ મશરૂવાલામાં સ્પષ્ટતા, કેદારનાથમાં ચિંતન મળી આવ્યાં. બુદ્ધિઝમ દ્વારા બધી કુટેવો નીકળી જાય અને ફરીથી ચોખ્ખો થઈને જન્મું એવી સમજ કેળવાઈ. ભાયાણીસાહેબ અંગત મિત્ર બની ગયા. પુસ્તકો સાથેની મમત વધતી ચાલી.
તમારી સાંજના સાથીદાર તમને ગમતા નાટ્યકાર સેમ્યુઅલ બેકેટ અને દોસ્તાર તરીકે ગૌતમ બુદ્ધ હોય તો તમે એમની પાસેથી શું મેળવ્યું હોત અને મિત્ર તરીકે શું આપ્યું હોત?
બેકેટને બહુ ધ્યાનથી સાંભળનાર મિત્ર મળ્યો હોત. એ કહેત કે, પ્રબોધ, યુ આર અ ગુડ લિસનર, તું સહેલાઈથી પ્રેમમાં પડી જાય છે, ઉમળકો વ્યક્ત કરી શકે છે. બેકેટનાં લખાણમાં એમણે કશુંક અશક્ય સિદ્ધ કર્યું. એમણે લખ્યું છે કદી ય લખી ન શકાય એવી મન:સ્થિતિ વિશે. એમને કંઈ કહેવું નથી, છતાં અંદરથી લાભશંકરની જેમ સતત બબડાટ છે, જે ઓછેા ને ઓછો થઈને નિર્ગુણની અવસ્થાએ પહોંચે છે. સગુણથી નિર્ગુણની એમની યાત્રા એટલી સભર છે કે વાંચો તો જ સમજાય. બુદ્ધની સાથે મારે માથે કોઈ હાથ મુકનારું કોઈ મળી ગયું છે એમ લાગે. અનિશ્ચિતતા, અજંપો સતાવે, કોઈ સ્થિતિ ભયભીત કરે ત્યારે થાય કે આપણા જ મકાનમાં નીચે ગૌતમભાઈ રહે છે એટલે વાંધો નહીં આવે. મદદ માટે સદાય હાજર હશે જ. ગૌતમ બુદ્ધે મનુષ્યના ચાર મદની વાત કરી છે યુવાનીનો, શરીરનો, અસ્તિત્વનો અને પૈસાનો. પણ છેવટે તો માણસે મૃત્યુ જ પામવાનું છે. બુદ્ધ પાસે ઘણા પ્રશ્ર્નોના જવાબ છે અને કાઉન્સેિલંગ માટે તેઓ કંઈ ચાર્જ કરતા નથી (હસીને કહે છે)!
ભગવદ્દ ગીતાને સમાંતર પશ્ચિમના કયા સાહિત્યને મુકી શકાય?
ગીતાના ખૂબ અવતાર થયા છે. રવિશંકરે ગામઠીમાં ગીતાનું અવતરણ કર્યું છે તો સ્વામી આનંદની ગીતા જુદી છે. બાઈબલ કે કુરાન કદાચ એની નજીક આવી શકે. પશ્ચિમની પ્રભાવક અને ઉત્તમોત્તમ કૃતિઓ સમગ્ર જીવન પર છવાઈ હોય એવું નથી. એ માત્ર અભ્યાસુઓ સુધી જ પહોંચે છે. ભગવદ્દ ગીતાનો પ્રભાવ દરેક ભારતીયના ચિત્તમાં છે. એવો પ્રભાવ ભાગ્યે જ બીજી કોઈ સંસ્કૃિતમાં જોવા મળે છે. ગીતાની ૬૦ લાખ આવૃત્તિ ગામેગામ મળે એ કૃતિની તોલે કોને મુકી શકાય?
ઓછી મદિરા ને ગળતા જામ જેવી આ જિંદગીમાં કરવું જ પડે એવું કોઈ કામ બાકી છે?
રવીન્દ્રનાથને માત્ર બંગાળીમાં સડસડાટ વાંચી શકું એવી ઇચ્છા છે. બાળપણના અનુભવેલા ગૂંચવાડા વિશે સ્પષ્ટતા થાય એ પણ ઇચ્છા છે. મારી સમજણનો હિસાબ નથી માગ્યો જાત પાસે. એ કામ થાય તો ય ઘણું. નિકટની વ્યક્તિઓ તથા સમસ્ત વિશ્વ સાથે કારણ-અકારણ મતભેદ ચાલે છે, અનેક ભૂમિકાએ રાગદ્વેષ ચાલે છે એમના પ્રત્યે પ્રતિક્રિયાથી પર થઈને સમતા જાળવીને વ્યવહાર કરી શકું એવું ઇચ્છું છું. એ જ રીતે વ્હીસલિંગ વૂડ્સમાં દા.ત. મને રૂ. પાંચ હજાર મળતા હોય ને બીજે છ હજાર મળે ત્યાં હું ના પાડી શકું તો જગત જીતી જાઉં!
સૌજન્ય : ‘ઈન્ટરવ્યુ ઓફ ધ વીક’, ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 28.04.2013