મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો'ના ચોથા ભાગના ૧૮માં પ્રકરણ 'એક પુસ્તકની જાદુઈ અસર'માં લખ્યું છે, "આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઈરાદો કર્યો … આજ લગી પણ એમ જ કહેવાય કે મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે … પણ જે થોડાં પુસ્તકો વાંચ્યાં છે, તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય. એવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું આ પુસ્તક જ કહેવાય." આ પુસ્તક એટલે જ્હોન રસ્કિનનું 'અન ટુ ધિસ લાસ્ટ'. મહાત્મા ગાંધી પર આ પુસ્તકની જાદુઈ અસર થઈ હતી. તેમણે આ પુસ્તકનો અનુવાદ કરીને દક્ષિણ આફ્રિકાથી પ્રકાશિત થતા 'ઇન્ડિયન ઓપિનિયન'માં તેનો સાર આપ્યો હતો, જેની 'સર્વોદય' નામે પુસ્તિકા પણ તૈયાર થઈ હતી. ગાંધીજીએ આ પુસ્તકનો માત્ર અનુવાદ જ નહોતો કર્યો પરંતુ તેનું તાત્કાલિક ધોરણે અનુકરણ શરૂ કરી દીધું હતું અને ફિનિક્સ આશ્રમમાં મજૂર-ખેડૂત જેવું જીવન જીવવાનું શરૂ કરેલું.
૮ ફેબ્રુઆરી, ૧૮૧૯ના રોજ જન્મેલા જ્હોન રસ્કિનનો આજે જન્મ દિવસ છે. હાલમાં સમગ્ર દેશમાં ગાંધીજીની વતન-વાપસીની શતાબ્દીનું વર્ષ ઊજવાઈ રહ્યું છે, કારણ કે વિદેશ ગયેલા મોહનદાસ મહાત્મા બનીને દેશમાં પાછા ફર્યા હતા અને અહિંસક આંદોલન થકી દેશને આઝાદી અપાવી હતી. મોહનદાસને વિદેશની ધરતી પર મહાત્મા બનાવનારાં અનેક પરિબળોમાં સૌથી મોટો ફાળો જ્હોન રસ્કિનના 'અન ટુ ધિસ લાસ્ટ' પુસ્તકનો પણ ગણવો જ રહ્યો. ગાંધીજીએ રસ્કિનને પોતાના ગુરુ ગણાવ્યા હતા. રસ્કિનની જન્મ જયંતી નિમિત્તે તેમના 'જાદુઈ' વિચારો જાણીએ …
ચિત્રકાર અને કલાકાર એવા જ્હોન રસ્કિન કોઈ અર્થશાસ્ત્રી નહોતા, પણ તેઓ એક વિચારક હતા, દાર્શનિક હતા. લાગણી, માનવજીવનનાં મૂલ્યો, ધાર્મિક સદ્ગુણો વગેરેને ચાતરીને ચાલતું અર્થશાસ્ત્ર તેમને મંજૂર નહોતું. પશ્ચિમનું અર્થશાસ્ત્ર જ્યારે વધુ લોકોના હિતની વાતો કરીને સમાજના કેટલાક વર્ગનાં હિતોની અવગણનાને યોગ્ય ઠેરવતું હતું ત્યારે રસ્કિને પોતાના પ્રખર વિચારો દ્વારા ભલભલા અર્થશાસ્ત્રીઓની બોલતી બંધ કરી દીધી હતી. રસ્કિને તે વખતે આર્થિક અસમાનતામાં સબડતા સમાજને જોઈને ચિત્કાર કરેલો, "જોનારને લાગે કે આ તો સંપત્તિ એકઠી થઈ રહી છે, પણ હોય છે એ તો લાંબા ગાળા સુધી પથરાયેલા વિનાશની કેવળ પારાશીશી. એનો ચળકાટ નકલી છે. મુઠ્ઠીભર સિક્કા માટે તે કપટ કરાવે છે. ખરેખર તો એ છેતરામણી દોજખ જેવી ખતરનાક ખાડી છે. ત્યાં સંપત્તિથી ભર્યું વહાણ ભાંગીને ભુક્કો થઈ જાય છે. મરણ પામતા સૈનિકોનાં કપડાં ખેંચી લેવા જેવી સંપત્તિ એ છે. એ તો માનવ અને માનવતા બન્નેને દફનાવતી ખાઈ છે." તેમના મુજબ તો "આજના અર્થશાસ્ત્રીની રીતે તમારી જાતને ધનવાન બનાવવાની જે કલા છે તે તમારા પાડોશીને ગરીબ રાખવાની કલા પણ છે."
મૂડીવાદી અર્થવ્યવસ્થામાં મૂડી જ કેન્દ્રસ્થાને હોય છે ત્યારે મૂડીપતિઓના હિતનું પોષણ અને મજૂરોનું શોષણ કરવામાં આવતું હોય છે. આ અંગે રસ્કિને લખ્યું છે, "માણસની લાચારી અને ગરજનો લાભ ઉઠાવીને તેની મજૂરી, તેનો શ્રમ, તેનાં માલમિલકત ઓછા ભાવે લેવાં તેનું નામ વેપાર ગણાય છે. સામાન્ય ચોર, ડાકુ કરતાં ઊલટી લૂંટ થઈ. એ કંગાળ છે અને તેથી શાહુકાર-શેઠને લૂંટે છે. જ્યારે અહીં તો આ શાહુકાર-શેઠ પોતે ધનિક છે તેથી લૂંટે છે."
આજે શહેરોમાં લૂંટફાટ સહિતના ક્રાઇમ વધ્યા છે તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં નકસલવાદે નાકે દમ લાવી દીધો છે. સમગ્ર વિશ્વ આતંકવાદ અને મંદી સામે ઝઝૂમી રહ્યું છે અને શાંતિની ઝંખના કરી રહ્યું છે ત્યારે રસ્કિનના આ શબ્દો ભીંત પણ કોતરી રાખવા જેવા છે ઃ "શાંતિ અને ન્યાય એકબીજાનાં સહોદર છે. શાંતિ માટેની ઝંખના સેવનારને હાથે જ ન્યાયની વ્યવસ્થાનાં બીજ રોપાય છે. એવી શાંતિ સ્થાપનાનું આ કામ તો શાંતિનો બંદોબસ્ત રાખનારાને આધારે થઈ શકશે નહીં. તે તો જાતે પોતાની અંદર પામવાની શાંતિ છે … કોઈ ધંધાદારી નિયમો વડે એ પામી શકાતી."
આતંકવાદ અને અંધાધૂંધી પાછળ સામાજિક-રાજકીય-આર્થિક વ્યવસ્થાને કારણે સર્જાતો અન્યાય જવાબદાર છે. રસ્કિને દોઢસો વર્ષ પહેલાં ન્યાયની બાબતે કંઈક આવી ફરિયાદ કરેલી, "ભલભલા પેઢી દર પેઢી સતત એક ભૂલ કરતા જ રહે છે. ગરીબને ભીખ વડે રાહતની મદદ કરવાની, તેને આશ્વાસન વડે આશા અને ધીરજ ધરવાની ઠાવકી શીખ આપવાની ભૂલ તે કરતા જ રહે છે. અન્ય તમામ ચીજ તે આપતા જાય છે, પણ ઈશ્વરે તેમને માટે આદેશપૂર્વક નિર્ધારિત કરેલી એક જ ચીજ એ તેમને આપતા નથી, અને એ ચીજ તે છે, ન્યાય." રસ્કિને ન્યાયના સંદર્ભે પ્રેમની સુંદર વ્યાખ્યા આપેલી છે, "પ્રેમ એટલે ખાલી લાગણીવશતાની વાત નથી. એ તો તમામ વ્યવહારમાં ન્યાય સચવાય તેમાં રહેલો છે, ન્યાયને જ પસંદ કરવામાં અને તેને જ મોખરે રાખવામાં એ સમાયેલો છે."
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય-સંકેત’ નામે લેખકની કટાર, “સંદેશ”, 08 ફેબ્રુઆરી 2015
http://sandesh.com/article.aspx?newsid=3040144