આ ફોટો ૪૦ વર્ષ પહેલાંનો છે. − કદાચ ૧૯૭૫ની આસપાસનો.
સરનામું હતું – ૫૪૪, ઝૂંપડીની પોળ, સાંકડી શેરી, અમદાવાદ – ૩૮૦ ૦૦૧ ( ખાડિયા વોર્ડ, માણેક ચોક). પોળની અંદર ખડકી અને લગભગ છેવાડાનું બે માળનું ઘર. નીચે રણછોડકાકા અને શાંતામાસી રહેતાં હતાં, અને મેડા પર અમે – અમે એટલે મારા દાદીમા વિચક્ષણ વિદ્યાબા, મારા પિતાશ્રી રસિકલાલ બેન્કર, કાકા રમણલાલ, મારી બા કમુ, હું અને મારા અન્ય છ ભાઇબહેનો – કોકિલા, દેવિકા, સુષમા, સંગીતા, વીરુભાઈ, અને અન્ય બે જે નાની ઉંમરમાં જ ગુજરી ગયેલા. ઘરમાં કોઈ સોફાસેટ, પલંગ, ડાઇનીંગ ટેબલ નહોતા.
ચિત્રમાં દેખાય છે એ દાદરા પાસેનો કઠેડો … કાચના બારણાવાળું શો-કેઇસ … લાકડાની બેઠક પર સુષમાબહેન … મારી બકુ અને ગુચ્છાદાર વાળવાળો નવીન બેન્કર. મારી સાઈડમાં પાછળ ગોદડા મૂકવાના ડામચિયાની ઝાંખી થાય છે. ઘરમાં ત્યારે ઇલેક્ટ્રીસિટી પણ ન હતી. ફાનસના અજવાળે અમે રહેતા હતાં. રાત્રે એ બેઠક પાસે મેઇન રૂમમાં જ મારી બા, બાપુજી, અને ભાઈબહેનો બાજુબાજુમાં પથારીઓ નાંખીને ફર્શ પર જ સૂઈ જતાં અને સવારે એ પથારીઓ ઉપાડી લઈને ડામચિયા પર ગોઠવી દેતાં. ચાદરો કે ઓશીકાના કવરો હતા કે કેમ એ તો મને યાદ જ નથી. આટલા બધા વચ્ચે જુદા જુદા ટૂવાલ હતા કે નહીં એ પણ યાદ નથી. બાથરૂમ તો હતો જ નહીં.
આગળની ગેલેરીમાં, અગાશી પર જવાની સીડી પાસે, ખુલ્લામાં એક ત્રાંબાનો બંબો હતો જેની પાસે ખુલ્લા આકાશ નીચે, અમે સ્નાન કરી લેતા હતાં. સ્ત્રીઓ નહાવા બેસે ત્યારે પુરુષો નીચે જતા રહેતા. બે નાનકડી ઓરડીઓ હતી જેમાં દાદીમાની સેવા, અનાજ, કરિયાણું, રાંધેલા ધાન મૂકવાનો એક કબાટ, છાજલીઓ, વધારાના વાસણો, અનાજ દળવાની ઘંટી પડ્યા રહેતાં અને મારા દાદીમા ત્યાં જ સૂઈ જતાં. અમે એ ઓરડીને ‘બાની ઓયડી’ કહેતા. બીજી બાજુની ઓરડીમાં એક નાનકડું વા-બારિયું હતું. જ્યાં જમીન પર એક નાનકડી પથારી પર હું અને બકુ સૂઈ જતાં. મોટેભાગે એ ઓરડીનો દરવાજો એકાદ કલાક બાદ કરતાં ખુલ્લો જ રાખવો પડતો નહીંતર ગુંગણામણ થતી. મારા લગ્ન પહેલાં એ ઓરડી ‘મોટાભાઈની ઓયડી’ કહેવાતી. શ્રીરામ .. શ્રીરામ …
અમારી દુનિયા માણેકચોક, રાયપુર, રતનપોળ, ગાંધી રોડ અને ભદ્રકાળીમાતાનું મંદિર કે ધના સુતારની પોળના માતાજીનું મંદિર સુધીમાં જ સમાઈ જતી હતી. મોટે ભાગે અમે બધાં ચાલી ચાલીને જ જતાં. ૧૯૬૦ પછી મેં એક જૂની હરક્યુલિસ સાઇકલ પચાસ રૂપિયામાં સેકન્ડહેન્ડ ખરીદી હતી. એ જમાનામાં નવી સાઇકલ બસ્સો રૂપિયામાં મળતી. સાઇકલ ખરીદવા માટે સરકારી ઓફિસોમાં ૨૦૦ રૂપિયાની લોન મળતી હતી. ૧૯૬૨ના જુલાઈ માસમાં મારો ગ્રોસ પગાર રૂપિયા ૧૬૧ અને ૮૨ પૈસા હતો, જેમાં મારા વિચક્ષણ વિદ્યાબા (દાદીમા) મહિનાનો ઘર ખર્ચ ચલાવતા. ૧૯૮૬ના જાન્યુઆરીમાં મેં વોલન્ટરી રિટાયર્મેન્ટ લીધું, ત્યારે મારો ગ્રોસ પગાર ૧,૪૦૦ રૂપિયા હતો અને મારું માસિક પેન્શન ૮૫૦ રૂપિયા, જે આજે વધી વધીને ૮,૫૦૦ રૂપિયા થઈ ગયું છે.
મારી એ જૂની સાઇકલની યાદોને મેં મારા બ્લોગ પર મૂકી છે. ૧૯૬૦માં લીધેલી એ સેકન્ડહેન્ડ સાઇકલ મેં છેક ૨૦૦૮ સુધી ચલાવી હતી – ટ્યુબ, ટાયર બદલવા પડતાં; બાકી હું સાયકલને હવામાં ઉડાડતો. સેટેલાઇટથી લાલ દરવાજા અને માણેકચોક સુધી, ગવર્નર પર કંતાનની જાડી થેલીમાં ખાંડ, ગોળ અને શાકભાજી ભરીને સીટી વગાડતા વગાડતા, ઝુલ્ફોને હવામાં લહેરાવતો લહેરાવતો, એક હાથ છૂટ્ટો મૂકી દઈને, મસ્તીથી સાયકલ ચલાવતો. ૧૯૭૯માં અમેરિકા આવ્યા પછી યે જ્યારે જ્યારે અમદાવાદ જાઉં ત્યારે ત્યારે પણ ૨૦૧૦ સુધી સાયકલ ચલાવી છે. ૧૯૮૨માં લેમ્બી સ્કૂટર, ચેતક સ્કૂટર પર સજોડે મુસાફરી કરતાં કરતાં પણ સાયકલ તો ચલાવતો જ હતો.
૨૦૧૦માં મેં બેલેન્સ ગુમાવી દીધું. હાલમાં હું સાયકલ કે સ્કૂટર ચલાવી શકતો નથી.
૨૦૧૦માં મેં મારી એ પ્રિય સંગિની હરક્યુલિસ સાયકલ અમારે ત્યાં પ્લમ્બીંગનું કામ કરવા આવનાર એક કારીગરને ગીફ્ટ તરીકે આપી દીધી – અલબત્ત, નવા ટ્યુબ-ટાયર નંખાવી, ઓવરહોલીંગ કરાવીને, નવી બ્રેકો નંખાવીને ચાલુ હાલતમાં. પ્લમ્બર સાયકલ લઈને ગયો ત્યારે હું છુટ્ટે મ્હોંએ રડેલો.
આજે અમેરિકામાં, ટોયોટા કોરોલા ચલાવતા એ આનંદ નથી આવતો જે એ સાયકલ ચલાવતા આવતો હતો. કોઈ હિન્દી ફિલ્મમાં રાજેન્દ્રકુમારને વૈજયંતિમાલાને સાયકલના આગળના ડંડા પર બેસાડીને, ‘બનકે પંછી ગાયે પ્યારકા તરાના’ જેવાં ગીતો ગાતા જોઈને પણ હું આજે ય રડી પડું છું.
આજે જીવનના બધા જ થ્રીલ, એક્સાઈટમેન્ટ્સ ખત્મ થઈ ચૂક્યાં છે. ઇન્ટરનેટ પર ગુજરાતીમાં ઘસડવું …લોકોને ઇ-મેઇલ્સ કરવા … ઢગલાબંધ ફિલ્મો થિયેટરમાં બેસીને જોવી … રાત્રે હિન્દી સિરિયલો જોવી .. લાયબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચવાં … સમાન વિચારસરણીવાળા મિત્રો સાથે ગપાટા મારવા … સિનિયર્સ મંડળ, સાહિત્ય સરિતા, હિન્દી કવિતાગ્રુપ, જેવા સાથે સમય વિતાવવો. હરનિશ જાની, પ્રવીણકાંત શાસ્ત્રી કે ચિમન પટેલ જેવા વિદ્વાનો (સમાન વિચારસરણીવાળી સ્ત્રી મિત્રોનાં નામ નથી લખતો.) સાથે ઇન્ટરનેટ પર ગૂફ્તગો કરી લેવી … એ જ માત્ર પ્રવૃત્તિ રહી ગઈ છે.
બાકી, સાચું કહું ? બે હાથ જોડીને કોઇ રૂપાળીને ‘જય શ્રી કૃષ્ણ’ કહેવું દિલથી નથી ગમતું. કોઈને પણ ગમે ????
લખ્યા તારીખ – ૧૨ ડિસેમ્બર ૨૦૧૪
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.
e.mail : navinbanker@yahoo.com