દિવાળીના તહેવાર પછી હવે માંડ બધા પરવાર્યા હશે. તહેવાર દરમ્યાન થયેલા ખર્ચ વગેરે વિગતનો હિસાબ હવે ઘણાંય ઘરમાં મંડાતો હશે. ઘરમાં નવું શું કરાવ્યું અને જૂનું શું ગયું એનું સરવૈયું મંડાતું હશે. જૂનું વર્ષ જાય અને નવું બેસે ત્યારે ઘરમાં સરવૈયું મેળવવાનો રિવાજ છે. આપણે પણ એવું એક સોશ્યલ ઓડિટ એટલે કે સામાજિક સરવૈયું મેળવી લઇએ કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમાજમાંથી કઈ કઈ વસ્તુઓ ચલણમાંથી ગઈ અને કેટલી ટકી ગઈ
તમે તમારા ઘરથી માંડીને આસપાસના સમાજમાં જોશો તો ગણતરીનાં વર્ષોમાં થયેલા કેટલાંક નોંધપાત્ર ફેરફાર ઊડીને આંખે વળગશે. બદલાવ હવે એટલો ઝડપી બની ગયો છે કે એ કદાચ નોંધાતો પણ નથી. કેટલાંક વર્ષ અગાઉ બદલાવ કે સંક્રમણની ગતિ આટલી તેજ નહોતી. છતાં ય, કેટલીક વસ્તુઓ છે જેના મૂળિયાં તકલાદી નથી હોતાં. તે કાળક્રમે ઝાંખી પડે છે કે સ્વરૂપ બદલે છે. વર્ષ પૂરું થાય ત્યારે નવા વર્ષની શરૂઆતે પાછલા વર્ષનો હિસાબ અને તાળો મેળવવામાં આવે છે. વિક્રમના નવા વર્ષે આપણે પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલા ફેરફારોની નોંધપોથી મેળવી લઈએ.
એક જમાનામાં મઢાવેલાં ડિગ્રી સર્ટિફિકેટ ઘરની ભીંત પર લટકતાં જોવાં મળતાં હતાં. જેમાં ઘરના કોઈ જૂનવાણી વડીલે એમ.એ કે એમ.કોમની ડિગ્રી લીધી હોય તો એનો ફોટો રહેતો હતો. તેમણે કોટ અને ટાઈ પહેર્યા હોય એવો જ ફોટો જોવા મળતો હતો. ફોટામાં તેમની આંખો થોડી ફાટી રહેતી, કારણ કે ફોટો પડાવવો તે એ જમાનામાં મોટી ઘટના ગણાતી હતી. તેથી અચંબાને કારણે આંખ થોડી પહોળી થઈ જતી. દીવાલોને બોલતી કરી ઊઠતાં એ ડિગ્રીવાળા ફોટા ય હવે ગયા. હવે બધાં ઘરની ભીંત કરતાં ફેસબુકની ભીંતે ફોટા ચોંટાડવાનું વધુ પસંદ કરે છે.
ઘરમાંથી ઉંબરા અને ગોખલા ગયા. પીઢિયાવાળાં મકાનો ગયાં. ઘરની ઓળખ ઓટલા ગયા. ઓસરી, ફળિયું, વાડો, ઝરૂખો જેવા શબ્દો તો ગાઉ એક છેટા ચાલ્યા ગયા છે. શહેર જ નહીં નાનાં ગામોમાં પણ જે નવાં મકાનો બને છે એમાં ગોખલા – ઉંબરાનો રિવાજ નથી. જૂનવાણી મકાનોમાં રહ્યાં છે. 'ઉંબરો ઓળંગવો' એ કહેવત નવી જનરેશનને સમજાવવી ભારે પડશે. જેમ 'પાવલી' ચલણમાંથી નીકળીને ગીતમાં જ રહી ગઈ છે એમ ગોખલો શું છે એ સમજાવવા 'ગબ્બર ગોખમાં દીવા બળે રે …' ગરબો જ ગરજ સારશે.
હાકલ નાખીને શેરીએ શેરીએ મીઠું વેચવા નીકળનારા ગયા. ગામ-ગામડાંમાં હજી ય ઓછાવત્તા પ્રમાણમાં વેચનારા નીકળતા હશે, પણ આ વાત ખાસ કરીને શહેરોને લાગુ પડે છે. મુંબઇ જેવા શહેરની આગવી શાન ગણાતી પારસીઓની ઈરાની રેસ્ટોરાં અડધોઅડધ બંધ થઈ ગઈ છે. દરેક ગામ કે શહેરની ફરતે વિકસેલાં નવાં ગામ કે શહેરમાં શેરીમાં ગાયો જોવા મળતી નથી. ગાયો શેરીમાંથી નીકળીને હાઈવે પર વિહરવાનું પસંદ કરવા માંડી છે.
લગ્ન કે અન્ય પ્રસંગોનો જમણવાર જેના વગર અધૂરો રહેતો એ મોહનથાળ ગયા. લગ્નમાં વરરાજા પછી જે આદર અણવરને મળતો એવો જ માભો એક સમયે જમણવારમાં મોહનથાળનો હતો. મોહનથાળ થાળીમાં સેકન્ડ નંબરની મીઠાઈ તરીકે ફિક્સ જ ગણાતો હતો. નિમ્ન મધ્યમવર્ગીય પરિવારોના પ્રસંગમાં તો માત્ર એક જ મીઠાઈ રહેતી અને એ મોહનથાળ જ રહેતો હતો. મોહનથાળે કેટલાં ય લોકોના પ્રસંગ સાચવી લીધા હતા. એ મોહનથાળ હવે તો ગામ-ગામડાંમાંથી પણ ગાયબ થઈ ગયો છે. ઢોકળાં હવે પીળા ઉપરાંત સફેદ, ત્રિરંગી જેવા વિવિધ રંગમાં બનતા થયા છે. જો કે, પીળા ઢોકળાનો વટ હજી અકબંધ છે. જમણવારમાંથી પતરાવળી અને પડિયાં પણ અલોપ થઈ ગયાં છે અને તેને સ્થાને ડિસ્પોઝેબલ થાળી-વાટકા આવી ગયાં છે.
પંગત ભોજનની મજા ગઈ અને ઊભે ઊભે જમવાના બૂફે આવ્યાં. બૂફે ભોજનમાં હજી પણ એવો સિનારિયો જોવા મળે છે કે વયોવૃદ્ધ લોકો ભરબૂફેમાં નીચે જ બેસીને ભોજન લે છે. બૂફેમાં ખુરશી ન મળવાને કારણે પણ કેટલાં ય લોકો પંગત જમાવે છે. એ દૃશ્ય બડું કોમિક હોય છે. પંગતભોજનમાં વ્યક્તિ પિરસવા નીકળે ત્યારે "ચટણી…ચટણી", "લાડુ…લાડુ" જે લહેકામાં બોલતાં એ લહેકા ગયા. કચુંબરને લોકો હવે સેલડના નામે જ ઓળખે છે.
લેંઘો-ઝભ્ભો કે ધોતિયું – ઝભ્ભો પહેરીને પ્રસંગોમાં જમણવારનું ભોજન તૈયાર કરવા આવતા મહારાજો ગયા. તેમની જગ્યાએ કેટરર્સ આવી ગયા છે. એક જમાનામાં જે ઘરમાં લગ્ન લેવાયાં હોય ત્યાં વરરાજા કરતાં ય બે ચાસણી ચઢિયાતો રૂતબો રસોઈના મહારાજ ભોગવતા હતા, કારણ કે મહેમાનો પ્રસંગનું આકલન હંમેશાં જમણવારથી જ કરતા હતા. આજે પણ એમ જ છે. લગ્નના અઠવાડિયા પહેલાં મહારાજને ઘેર બોલાવાતા હતા અને ભાણું (એટલે કે મેનુ) નક્કી થતું હતું. મહારાજનો પડયો બોલ ઝીલવા ઘરના સભ્યો તત્પર રહેતા હતા. ભોજન સમારંભની રસોઈ બનતી ત્યારે રાત્રે છોકરા'વની ટોળી મહારાજને કંપની આપતી હતી. મહારાજ એ ટોળી માટે મોડી રાત્રે ખાસ ભજિયાંનો સ્પેશ્યલ ઘાણ ઉતારતા હતા. એ મહારાજ સાથેની આખી ઘટનાનું એક અલગ રોમેન્ટિસીઝમ હતું. જે હવે ગયું છે. હવે કેટરર્સને ઓર્ડર અપાય છે અને ભોજન સમારંભ બાદ બાકીના અડધા પૈસા ચૂકવાય છે. પેલી જે 'ઘટના' હતીને એ જ ગાયબ થઈ ગઈ છે.
સવારના પહોરમાં લીલા દાતણ ગળે ઉતારીને ઓળ કાઢીને ચિત્રવિચિત્ર અવાજો કરતા લોકો ગયા. એ અવાજ પરથી કયો માણસ ઓળ કાઢે છે એ આખા મહોલ્લાને ખબર પડી જતી હતી. વહેલી સવારે શેરીએ શેરીએ ફરીને હાથમાં અરીસો પકડાવીને હજામત કરતાં વાણંદો ઘટયા છે. સવારે વાંદરા છાપ મંજન ઘસીને કાળું ડાચું કરીને ઘરની બહાર હારબંધ બેઠેલા લોકો ગયા. સવારના પહોરમાં બહાર નીકળો ને પાંચ-સાત લોકો વાંદરા છાપ મંજનથી કાળું મોઢું કરીને બેઠા હોય ને હસતાં હસતાં હોંકારો આપે એ સીન જ કડક કોમેડીવાળો લાગતો. ઘરમાંથી તાંબા પિત્તળનાં વાસણો ગયાં. એની સાથે 'કલઈ … કલઈ …' એવો સાદ પાડીને એ વાસણને વર્ષમાં એકાદ બે વાર ચમકાવવા આવતાં કારીગરો ગયા. સાડી – સેલાની જૂની જરી ખરીદવા આવતા ફેરિયા ગયા. 'ટરર્ … ટરર્ …' એવો અવાજ પીંજવાના યંત્રમાંથી કાઢીને ગાદલાં-ગોદડાં પીંજવા આવતા પીંજારા ઘટયા છે. ગલી-મહોલ્લામાં ઘંટડી વગાડીને સૂતરફેણી વેચવા આવનારા ઘટી ગયા છે. શેરીની વચાળે સાપોલિયાં અને નોળિયા ફેલાવીને ખેલ પાડતાં મદારીઓ ગયા. કરંડિયો ઊઘડે ત્યાં માથું ઊંચકીને ફેણ કાઢીને ઊભા રહી જતા સાપ ગયા. દેશી મકાઈ ગઈ અને એને સ્થાને અમેરિકન સ્વીટ મકાઈ આવી. આ બધી ચીજવસ્તુઓમાંથી ભારતનું એક કિરદાર બનતું હતું.
ઢેણ્ટેણેન …
હિન્દી ફિલ્મોમાંથી કેવા કેવા ડાયલોગ્સ ગયા!? "મૈં તુમ્હારે બચ્ચે કી માં બનનેવાલી હૂં.", 'મૈં ગીતા પર હાથ રખકર કસમ ખાતા(ખાતી) હું કી જો ભી કહુંગા સચ સચ કહુંગા. સચ કે ઇલાવા કુછ નહીં કહુંગા..", "બેટે, કુછ ખા લે ..".
ફિલ્મોમાં હવે કિસિંગ સીન એટલા કોમન બની ગયા છે કે ફિલ્મની હાઈલાઇટ ગણાતા બંધ થઈ ગયા છે. એક સમયે ફિલ્મોમાં હીરો-હિરોઈન નજીક આવતાં અને પડદા પર બે ફૂલ ભટકાવાતાં. બાકીની ઘટના માટે દર્શકોએ કલ્પનાનો જ સહારો લેવો પડતો હતો. એ ભટકાતાં ફૂલોનાં દ્રશ્યો ગયાં. સિંગલ સ્ક્રીન સિનેમાઘરો ઘટતાં ગયાં છે. જોવાની વાત એ છે કે 'સિંગલ સ્ક્રીન' એવો શબ્દ પણ એ પ્રકારનાં સિનેમાઘર ઓછાં થવા મંડયાં ત્યારે જ આવ્યો. હવે તો મલ્ટિપ્લેક્સમાં એટલી બધી સ્ક્રીન પર ફિલ્મ રિલીઝ થાય છે કે ત્રણેક અઠવાડિયાંમાં તો સુપરહિટ ફિલ્મ પણ કરોડોની કમાણી ઉસેટીને પડદેથી ઊતરી જાય છે તેથી 'સિલ્વર જ્યુબિલી' અને 'ગોલ્ડન જ્યુબિલીઓ' ગઈ. ફિલ્મની ટિકિટના કાળા બજારિયા પણ લગભગ ગયા.
… અને હા, ફિલ્મોમાં ફાઇટિંગ અગાઉ હીરો ક્યાંકથી કૂદીને આવે અને ખલનાયકો સામે મોરચે મંડાય ત્યારે બેકગ્રાઉન્ડમાંથી આવતો ઢેણ્ટેણેન … સાઉન્ડ પણ ગયો.
રોમેન્ટિક બંગડીવાળા !
દિવાળી હમણાં જ ગઈ છે. દિવાળી ટાણે ગામ-ગામડાંમાં તો હજીયે ઘણી બહેનો રાતડી, વાનવા, મઠિયાં, ઘૂઘરા બનાવે છે. મોટાં શહેરોમાં તો આ વસ્તુઓ હવે સીધી દુકાનેથી ઘરે આવવા માંડી છે. શહેરમાં ઘણી ય મહિલાઓ પતિની જેમ જ નોકરી પર જતી હોય છે તેથી તેમને આ પકવાનો બનાવવાનો સમય ન રહે એ પણ વાજબી છે.
હાથમાં શોકેસ જેવી પેટી લઈને ગલી ગલીએ ફરતા અને મહોલ્લામાં આવીને યુવતીનો હાથ પકડીને બંગડીઓ પહેરાવીને ટ્રાયલ કરાવતા બંગડીઓ વેચનારા રોમેન્ટિક ફેરિયા ગયા. હિન્દુસ્તાનમાં બંગડીઓવાળા જેવો રોમેન્ટિક વ્યવસાય ભાગ્યે જ કોઈ હશે ! મેંદી હવે હાથ કરતાં માથા પર વધારે લાગવા માંડી છે. સેક્સી શીશીમાં વેચાતાં સોડમદાર અત્તર ગયાં અને ફિગરવંતી બોટલોમાં વેચાતાં સ્પ્રે – પરફ્યૂમ્સ આવ્યાં. ઘરની મહિલાઓ રાત્રે અરીઠા પલાળીને સવારે વાળ ધોતી એ અરીઠાની પરંપરા પણ હવે ધોવાઈ રહી છે. વાસણ ઘસવામાં વપરાતી ચૂલાની રાખ ગઈ અને લિક્વિડ તેમ જ સોપ આવી ગયાં. વાસણ ઘસવામાં વપરાતાં સૂકા નાળિયેરના કૂચા ગયા અને તેને બદલે સ્ક્રબર આવ્યાં.
તણખા ઉડાવીને છરી-ચપ્પાની ધાર કાઢતાં કારીગરો ગયા. મહોલ્લામાં જ્યારે એ ધાર કાઢનારા આવતાં ત્યારે બાળકો એની ફરતે વીંટળાઈ વળતાં અને ધાર કાઢતી વખતે નીકળતાં તણખા ટગર ટગર નિહાળતાં.
ઘરમાં દર કલાકે ટકોરા દેતી ચાવી ભરવી પડે એવી લોલકવાળી ઘડિયાળો ગઈ. એને સ્થાને ક્વાર્ટ્ઝ ઘડિયાળો આવી ગઈ. કેટલાં ય ઘરોમાં ઘડિયાળ ઉપરાંત અલાર્મ (હા, એ જ એલારામ!) ઘડિયાળ પણ હતી. હવે મોબાઇલમાં અલાર્મની સગવડ હોવાથી અલાર્મના બાર વાગી ગયા છે. માથામાં બો પટ્ટી એટલે કે રિબીન બાંધેલી કન્યા છેલ્લે ક્યારે જોઈ એ યાદ કરવું હોય તો માથું ખંજવાળવું પડે. રિબીનનું સ્થાન હવે બટરફ્લાયે લઇ લીધું છે.
સાઇકલના જૂના પૈડાંને લાકડીથી હંકારીને હડિયુ કાઢવાની રમતો ગઈ. વેકેશનમાં બાળકોમાં પૈડાંની રેસ લાગતી હતી. ગરિયા એટલે કે ભમરડા, ગિલ્લી-દંડા, ખૂંચામણી અને લખોટીની રમતો પણ હવે બાળકોની વાટ જોઈ રહી છે. પપ્પાના જૂના પાટલૂનમાંથી બનતી થેલીઓ વપરાશમાંથી જવાને આરે છે. ઘરનું શાકભાજી ખરીદવાથી માંડીને બાળકોનાં સ્કૂલનાં દફ્તર સુધી એ થેલીઓ જ રહેતી હતી. થેલીઓ ઘરમાંથી એ રીતે વિલાઇ ગઈ છે જાણે એના પર કોઇએ મેલીવિદ્યા કરી હોય.
સંયુક્ત કુટુંબ હવે વિભક્ત થઈ રહ્યાં છે. ઘરમાં દાદા-દાદી કહેતાં એ વાર્તાની પરંપરા ગઈ. બાળકની કલ્પનાશક્તિના વિકાસ માટે વાર્તા સાંભળવા જેવું અદ્દભુત એજ્યુકેશન જગતમાં એકેય નથી. સારાં મમ્મી-પપ્પાની વ્યાખ્યા એ પણ છે કે તેમને વિવિધ વાર્તાઓ આવડતી હોય અને એ બાળક થઈને બાળકને કહેતાં આવડતી હોય.
શેરી કે સોસાયટીને નાકે ભેગી મળીને 'તારી, મારી ને માધવની' ચોવટ કરતી મહિલાઓ ગઈ, એકતા કપૂરને પ્રતાપે! બાકી એક તબક્કો હતો કે મહિલાઓ ઓટલે બેસીને ગોસિપની મજા માણતી હતી. હાલમાં જ થયેલા એક સરવેમાં પણ એવું બહાર આવ્યું છે કે ગોસિપ કે ચોવટ કે પંચાત એ સ્વાસ્થ્ય માટે સારી વાત છે. એનાથી દિલ હળવું રહે છે. પણ હવે તો એ ઓટલાપંચાયતો જ નથી રહી.
ગૂંચડાંવાળા વાયર ધરાવતા કાળા ટેલિફોન ગયા. એની સાથે ટ્રીન … ટ્રીનની ઘંટડીઓ ગઈ. એની જગ્યાએ રૂપકડાં અને રણકતાં મોબાઇલ આવી ગયા. મોબાઇલની દુનિયા તો એટલી ઝડપે બદલાઇ રહી છે કે ત્યાં આજે જે છે એ કદાચ કાલે ન પણ હોય. ચાંપ દબાવીને નંબર ડાયલ કરાતાં મોબાઇલ હજી ગઈ કાલની જ ઘટના છે. હવે એની જગ્યાએ સુંવાળા ટચસ્ક્રીન મોબાઇલ આવી ગયા છે.
અમદાવાદમાંથી કાળી-પીળી રિક્સાઓ ગઈ ને લીલી – પીળી રિક્સાઓ આવી ગઈ. મુંબઈમાં પણ કાળી-પીળી ટેક્સીઓનું સ્થાન હવે વાદળી-સિલેટિયા રંગની ટેક્સીઓ લઈ રહી છે. ટેક્સી માટે જ જાણે બની હોય એવી એમ્બેસેડર કાર ગઈ. મુંબઈમાં લાલ ડબ્બાની લોકલ ટ્રેનોને માનભેર વિદાય અપાઈ અને તેને સ્થાને ફેન્સી રંગના નવા ડબ્બા આવી ગયા.
જેની નેગેટિવ કાઢવામાં આવતી એ ફોટા અને રોલવાળા કેમેરા ગયા. કેમેરા ડિજિટલ બની ગયા. 'યે લાલ રંગ કબ મુજે છોડેગા …'ની જેમ જે ફોટાની નેગેટિવ ધોવાતી એ લાલ રંગના ડાર્ક રૂમ ગયા.
લુના, મોપેડ ગયાં અને તેના નવા ગ્લોસી અવતારનાં દ્વિચક્રી વાહનો આવ્યાં. કમ્પ્યુટરની ફ્લોપી તો એવી રીતે આવી ને ગઈ જાણે આ સકળ જગતમાં તેનું માત્ર હાજરી પુરાવવાનું કર્મ જ બાકી રહી ગયું હોય અને એ પૂરું કરવા આવી હોય.
પોસ્ટકાર્ડ જેટલું ઘર અને કોચમેન અલી ડોસો
ટેલિગ્રામને પણ હમણાં માનભેર વિદાય અપાઈ. વાદળી રંગના આંતરદેશીય પત્રો ઓલવાઈ રહ્યા છે. પોસ્ટકાર્ડ પણ હવે ડગુમગુ ચાલી રહ્યાં છે. પોસ્ટકાર્ડની આખી અજબ દુનિયા છે. ગુજરાતીમાં તો એક નાટકનું નામ જ 'પોસ્ટકાર્ડ જેટલું ઘર' હતું. ઘરમાં પોસ્ટકાર્ડ આવે અને સભ્યો કુતૂહલ અને આનંદથી એ જોવા તૂટી પડે એ દૃશ્યો યાદ આવે છે. ઘરની એક વ્યક્તિ મોટેથી પોસ્ટકાર્ડ વાંચે અને અન્ય સભ્યો શાંતિથી સાંભળે એવાં દૃશ્યો ય હજી ય સાંભરે છે. કાળી શાહીથી લખાયેલો કાગળ આવે એટલે વાંચ્યા વગર માત્ર જોતાંવેંત જ ઘરના સભ્યોના ચહેરાનો રંગ ઊતરી જાય એવું પણ યાદ આવે છે. કોઈના મરણનો એ અશુભ કાગળ ઘરમાં ન રખાય અને એને ઘરની બહાર મુકાય એ રિવાજ પણ યાદ આવે છે. હવે તો મરણ કે શુભ પ્રસંગનાં એ પોસ્ટકાર્ડ નથી આવતાં. વસવસો એ વાતનો છે કે વિશ્વની મહાન વાર્તાઓમાં જે સામેલ થાય છે એ ધૂમકેતુની કોચમેન અલી ડોસા અને એની દીકરી મરિયમની બેમિસાલ વાર્તા આપણે એ પેઢીનાં છોકરા – છોકરીને કેમ સમજાવી શકીશું જેણે પોસ્ટકાર્ડ જ નહીં જોયાં હોય. તમારી આગામી પેઢી ધૂમકેતુની એ મહાન વાર્તાથી વંચિત ન રહી જાય એ માટે પણ ઘરમાં એકાદ પોસ્ટકાર્ડ સાચવી રાખજો. જેથી દશ – પંદર વર્ષે ધૂમકેતુની વાર્તા સમજાવવી સરળ પડે. સ્વામી આનંદે લખેલા 'છોટુકાકાના અસીલો'માં પણ પત્રનો અદ્દભુત વૈભવ છે. ગુલઝારે લખેલું અને લક્ષ્મીકાંત-પ્યારેલાલે સ્વરબદ્ધ કરેલું ફિલ્મ 'પલકોં કી છાંવ મેં'નું ગીત "ડાકિયા ડાક લાયા …"ની નજાકત પણ પોસ્ટકાર્ડમાં કેવી નિખરી છે. રોટલી ઉલેચવા માટે વપરાતો ચીપિયો પણ લગભગ ડાબે હાથે મુકાવા માંડયો છે. હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર પ્રસૂન જોશીએ પણ આ સંદર્ભે એક ધ્યાનાર્હ ચિંતા વ્યક્ત કરી હતી. જે રીતે પરંપરાગત શબ્દો બોલવામાંથી લુપ્ત થતા જાય છે એ પ્રત્યે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે નવાં બાળકોને હિન્દીના 'ચિમટા' (એટલે કે ચીપિયો) શબ્દથી એટલાં વાકેફ નથી. જે બાળકોને ચિમટા શબ્દ જ ખબર ન હોય એને મુનશી પ્રેમચંદની મહાન વાર્તા 'ઇદગાહ' કેવી રીતે સમજાશે? એ તેનાં કમનસીબ છે કે એ સંવેદનશીલ વાર્તાથી વંચિત રહે છે.
વાર્તા એમ હતી કે એક ગરીબ પરિવારનો પુત્ર મેળામાં જાય છે. તેની મા તેને ગાંઠના સાચવી રાખેલા પૈસામાંથી થોડા દોકડા આપે છે. મેળામાં જઇને એ પુત્ર કંઈ ખાતો નથી કે નથી કોઈ ચકડોળમાં બેસતો કે નથી કોઈ રમકડાં ખરીદતો. તે પોતાની માતા માટે ચીપિયો ખરીદે છે, કારણ કે પુત્ર રોજ જોતો હોય છે કે રોટલી કરતી વખતે ચીપિયો ન હોવાથી તેની માતાના હાથ કેવા દાઝી જાય છે.
… અને છેલ્લે
ઉપરનું વાંચીને તમે થોડા અતિતરાગી એટલે કે નોસ્ટાલ્જિક થઈ ગયા હોય કે સેન્ટી થઈ ગયા હોય તો એ ભીનાશમાંથી હવે થોડા બહાર આવી જાવ. જૂની ચીજોને માત્ર દુ:ખી થઈને જ થોડી યાદ કરવાની હોય ખુશ થઈને પણ યાદ કરી શકાય.
બદલવું, વહેતા જવું, પરિવર્તન પામતાં રહેવું એ સંસારનો નિયમ છે. નિયમ કરતાં ય એ જ સંસાર છે એવું કહેવું યોગ્ય છે. પોતાનું ગામ કે શહેર છોડીને અન્ય શહેરમાં વસેલી વ્યક્તિ પણ સમયાંતરે પોતાને ગામ આવે ત્યારે તેને એ સ્થળ ક્રમિક રીતે ફેરફાર પામતું લાગે છે. પૃથ્વીનો કેન્દ્રિય સ્વભાવ ચંચળ છે. તે ફરતી રહે છે. સંસારની લીલા પણ પૃથ્વી પર જ ઘટે છે. તેથી બદલાવ એ સંસારનો સ્થાયીભાવ છે.
કેટલીક બાબત આપણા અતીત કે યાદોમાં સચવાયેલી હોય, જેની સાથે આપણા સંભારણાં હોય એનાથી અંતર પડી ગયું હોય કે એ ભૂંસાઈ રહી હોય ત્યારે મનમાં ટીસ ઊઠે છે. એ ટીસ ઊઠવી સ્વાભાવિક છે. એ ટીસ માણસ હોવાની નિશાની છે. સાથે એમ પણ કહેવું રહ્યું કે એ ટીસમાંથી ઉપર ઊઠી જવું. એનાથી મનને સમજણપૂર્વક વારી લેવું એ સવાયા માણસ હોવાની નિશાની છે. તવારિખ એટલે કે ઇતિહાસ કહે છે કે સમય કે સંસાર કોઈ એક કાળ કે સ્થળ પકડીને બેઠા નથી. બદલાવને સ્વસ્થતાપૂર્વક સ્વીકારવો એ સુખી જીવનની નિશાની છે. આપણે પણ ક્યાં પૃથ્વી પર અણનમ આયખું લખાવીને આવ્યા છીએ. આપણી ખુશકિસ્મતી છે કે બદલાવના આ સંક્રમણનો અવસર જોવાનો અને પરખવાનો આપણને મોકો મળ્યો.
મહાન શાયર 'મરીઝ'નો એક શેર છે,
'નવીનતાને ન ઠુકરાવો, નવિનતા પ્રાણપોષક છે.
જુઓ કુદરત તરફથી પણ શ્વાસ જૂના નથી મળતાં.'
e.mail : tejas.vd@gmail.com
http://www.sandesh.com/article.aspx?newsid=3005421
સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામે લેખકની કટાર, “સંદેશ”, 05 નવેમ્બર 2014