નવસારી આવ્યું અને એ મારી સામે આવીને ગોઠવાઈ. પહેરવેશ ચાડી ખાતો હતો કે આ બાઈ પારસી છે. બારી પાસે જગ્યા મળી ગઈ એટલે એ તો ખુશખુશ થઈ ગયેલી.
‘વાહ આજે ટો સિદ્ધી બાળી પાસે જગા મળી ગઈને કંઈ…?’ હજુ તો ટ્રેન શરૂ નહીં થઈ હોય ત્યાં એણે વાતોનો પટારો ખોલ્યો.
આજુબાજુવાળાને તો જાણે ઓળખતી જ હોય એમ એ સીધી મુદ્દા પર આવી ગઈ. તેણે હાથમાં કોઈક છાપું પકડ્યું હતું અને તેની કોઈ ખબર તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘આ બઢા આઈવા કરે, પણ આપણને એમાં હુ ફાયડો ઠવાનો …’
એણે કઈ ખબર પર આંગળી ચીંધી એ જાણવાની મને પણ ઉત્સુક્તા થઈ. એટલે મેં અખબારમાંની એ ખબર તરફ જોયું.
અખબારમાં ફલાણાં પક્ષનો ઢીંકણો નેતા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યો છે એના સમાચાર હતા.
‘એ ટો બઢા આઈવા કરે ને આપણને લડાઈવા કરે …’ તેણે તેની વાત આગળ ચલાવી.
‘આ જ જોવની પેલો હાર્ડિક ને અલ્પેશ ને એ બઢા … કેટલી તોડફોડ કરેલી ત્યારે આંડોલન વખટે … બાપ … બસની બસ સળગાવી મૂકેલી …’
એ બોલતી હતી પણ, આજુબાજુવાળા એમનામાં જ ગુલતાન હતા. મારા સિવાય કોઈ એને સાંભળતું નહોતું. એને ખરાબ ન લાગે એટલે મેં અમસ્તા જ ડોકું ધૂણાવ્યું,
‘તે જ ને.’
આંદોલન પરથી એ ફરી ચૂંટણી પર આવી.
‘ચાલની આગલી ચૂંટણી વખટે જ કેટલું બધું કેઈ ગેલા … એમાંનું કાંઈ કઈરું કે? ગરીબ માણસને હુ કામ દોડાઈવા કરે? ને એ લોકોના ટો કરોડોના બંગલા … હમને જ અમારા ફલાણાં નેતાએ એક જણને બાર કરોડનો બંગલો ગિફ્ટ આઈપો … આટલા બઢા પૈહા એ લોકો કાંથી લાઈવા ….? તે હો લોકને ગિફ્ટ આપવા?’
પારસીઓને સામાન્ય રીતે આવી વાતો કરતા મેં સાંભળ્યા નહોતા એટલે એ બાઈને આવા વિષયો પર બોલતી સાંભળીને મને આશ્ચર્ય થયું.
નવસારી ગયું અને મરોલી આવ્યું, પરંતુ એ બાઈનું બોલવાનું નહોતું પત્યું. એને ય ખબર હતી કે, મારા સિવાય એને કોઈ સાંભળનારું નથી તો ય એ બોલ્યે જ જતી હતી.
‘ભાઈલા, ગરીબ માણસનું કોઈ ની મલે … ગરીબ માણસને બઢ્ઢા છેટરી જાય … એમાં નેતા લોકો ટો ખાસ …’
‘હં …’
‘કોરટ કચેરીના કારભારમાં હો એવું જ … બીચારા ડોડી ડોડીને મરી જાય …’ એણે આગળ ચલાવ્યું.
‘બીચારી અમારી કામવાલી લોકો વર્ષોથી જે જગ્યા પર રેતા તે જગ્યા ખાલી કરાવી નાંઈખી … કામવાલી તો એટલી રડે કે નો પૂછો વાત … બીચારા લોકો સાથે આવું શું કામ કરે?’
એવામાં એણે મને એક સવાલ પૂછ્યોઃ ‘એ ય તારી પાહે ઉપરવાળાનો મોબાઈલ નંબર છે કે?’
આટલું બોલીને એ ખડખડાટ હસી પડી.
પહેલા તો મને સમજાયું જ નહીં કે એ બાઈ કોનો નંબર માગે છે. પછી ખ્યાલ આવ્યો કે એ ભગવાનનો નંબર માગે છે!
‘જો કે તાંહો ફોન લગાળા તો કોઈ ઉંચકે એવું લાગતું નઠી … મને ટો અવે ઉપરવાળાના હારુ હો એમ જ થીયા કરે કે એ છે જ ની … ની તો આ બીચ્ચારા લોકો સાથે આવું થોડી થાતે … ’
એ ફરી ખડખડાટ હસી. એ વાત જરૂર ઉદાસીની કરી હતી, પરંતુ એના હાસ્યમાં જરા સરખી ઉદાસી નહોતી વર્તાતી. જો કે એ વાત પણ એટલી જ સાચી હતી કે એનું હાસ્ય ઉપહાસ નહોતું. એ બાઈ પોતે જરૂર ખાધેપીધે સુખી હતી, પરંતુ તેને તેની આસપાસના લોકો સાથે નિસ્બત હતી. બીજાને માટે ચચરાટ થવો એ કંઈ નાનીસૂની વાત નથી. આખરે એકલપેટા થઈ ગયેલા આપણને બધાને માહોલથી અલિપ્ત રહેવાની કળા હાથવગી થઈ ગઈ છે. ઘણા કિસ્સામાં તો લોહીની સગાઈ છે એવા લોકોની પીડા પણ આપણને સ્પર્શતી નથી. એવામાં અભાવમાં જીવતા લોકોની સમસ્યાઓ માટે ભગવાનને ફોન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા લોકોને નોખી માટીના ન કહી શકાય?
સૌજન્ય : “કૉકટેલ ઝિંદગી”, 04 નવેમ્બર 2017
https://cocktailzindagi.com/guj/tarin-tales-five/