
દીપક મહેતા
દી.મ. : વાછા શેઠ, એક વાત પૂછું?
વાછા શેઠ : એમાં વલી પૂછવાનું સું? માલુમ હોસે તો જરૂર જવાબ આપીસું.
દી.મ. : આય પુસ્તકનું નામ આપે ‘મુંબઈનો બહાર’ એવું કેમ રાખ્યું?
વાછા શેઠ : તમે બંજર, ઉજ્જડ, વગડાઉ જમીન જોઈ છે? આય મુંબઈ બી પ્હેલાં એવું જ હુતું. જાત મહેનત કરીને, ખાતર-પાણી નાખીને, પસીનો રેડીને, બાગબાન જેમ એક ગુલજાર બગીચો બનાવે છે, તેમ આય મુંબઈને ઝીરોમાંથી હીરો બનાવનાર લોકોના ખાનદાનોની તવારીખ આય ચોપરીમાં આપવાની કોશિશ કીધી છે એટલે એને નામ આપ્યું ‘મુંબઈનો બહાર.’
દી.મ. : પણ આ ગ્રંથમાં ફક્ત પારસી ખાનદાનોની જ વાત છે?
વાછા શેઠ : ના, જી. તેમાં પોર્ટુગીઝ, મરાઠી અને ગુજરાતી બોલનારા હિંદુ, અને પારસી ખાનદાનોની મળી તેટલી માહિતી મેં આપી છે.
દી.મ. : આજે તો માગો તે આપે એવા ગુગલદેવાના અમારા પર ચાર હાથ છે. પણ એ જમાનામાં તો એ હતા જ નહિ. તો આપે આટલી બધી માહિતી ભેગી કઈ રીતે કરી?
વાછા શેઠ : હા, અમારા વખતમાં અખબાર સિવાય બીજું કોઈ બી સાધન હુતું નૈ. એટલે પહેલું કામ કર્યું તે મુંબઈના અખબારોમાં લાંબી લચક જાહેરાત છપાવી. તમારે એ વાંચવી છે? તો આપું નકલ.
દી.મ. : હા જી. પણ હું મોટેથી વાંચીશ અને વાંચતી વખતે ઘણા પારસી બોલીના શબ્દો બદલી નાખીશ.
વાછા શેઠ : જેવી તમારી મરજી. લો, વાંચો.
દી.મ. : (વાંચે છે) “મુંબઈ મધે વસનારા સઘળી જ્ઞાતના હિંદુઓ તથા મુસલમાનો, ઉપરાંત પારસીઓ, યહૂદીઓ, તથા ઈસાઈ કોમના શેઠ શાહુકારો, સોદાગરો, શાસ્ત્રીઓ, તથા બીજા ધંધાદારીઓની સેવામાં અરજ છે કે આ આબાદ શહેર જ્યારથી નેકનામદાર અંગ્રેજી રાજમાં પહેલવહેલું જોડાયું ત્યારથી તે હમણાંના વખત સુધીની હકીકત એકઠી કરીને એક પુસ્તકના આકારમાં બહાર પાડવાની ખ્વાહીશ એક ગૃહસ્થે રાખીને કેટલીક બાબતો મહેનત લઈ મેળવી છે, અને બીજીની શોધમાં પણ તે મશગુલ રહેલો છે, માટે ઉપર જણાવેલી વર્ણોના સાહેબોના વડવાઓ જે ઠેકાણેથી આવીને પહેલવહેલા મુંબઈમાં વસ્યા તેમના નેકીભર્યા કામોની યાદી તથા બીજી વિગતો જેમ બને તેમ તાકીદથી લખીને આજથી માસ એકની મુદત સુધીમાં જે કોઈ સાહેબ મોકલી આપશે તો તેમનો ઘણો અહેસાન માનીને નોંધવામાં આવશે.”
વાછા શેઠ : અરે બાવા, આય તો તમે મારી પારસી બોલીને ‘શુદ્ધ’ ભાષાની અંગરખી પહેરાવી દીધી.
દી.મ. : પણ એ કહોને વાછા શેઠ, કે તમારી આ જાહેરાતનો રિસ્પોન્સ કેવો રહ્યો?
વાછા શેઠ : રૂપિયે બે આની બી નહિ. આ જાહેરાત છપાવેલી ૧૮૭૦ના ડિસેમ્બરની ૨૦મી તારીખે. દોઢ-બે મહિના રાહ જોઈ. પછી પેલી કહેતી યાદ આવી : હિંમતે મર્દા તો મદદે ખુદા. પહેલાં થોડા મિત્રોને મળિયો, થોડી વાતો મળી. પછી તેમના મિત્રો, પછી … એમ સાંકળ થતી ગઈ. પૂરાં તન વરસ આ રીતે ખબરો મલતી ગઈ. સાથોસાથ એ બધીને ગોઠવતો ગયો. પછી લખવાનું કામ. જે વારે હું લખતો હૂતો તે વારે એક દોહરો મારા મનમાં રમતો હૂતો:
ઉજડેલું ફરી વસે, ને મુફલીસ ઘર ધન જાયે,
ગયું જોબન નહિ આવે પાછું, મૂવો ન જીવતો થાયે.
આય આપરું મુંબઈ શહેર બી એક વેલા ઉજ્જડ જેવા સાત ટાપુનું બનેલું હુતું. બધી કોમના નબીરાઓએ પસીનો પાડીને, બુદ્ધિ લડાવીને, પૈસો બનાવીને અને તેને સારી અને સાચી રીતે વાપરીને એ ઉજ્જડ જાગાને એક સુંદર બગીચા જેવી બનાવી.
દી.મ. : વાછા શેઠ! તમુને જાણીને ઘન્ની ખુશી ઉપજશે કે તમારી આ ચોપડીનો અંગ્રેજી અનુવાદ છપાઈને બહાર પડ્યો છે.
વાછા શેઠ : આવું કામ કરવાનું તે વલી કોને સૂઝ્યું?
દી.મ : હોમી દી. પટેલને. અને એવને કરેલો અનુવાદ ત્રણ ત્રણ જાણકારોએ ‘એડિટ’ કિધેલો છે: ઝેનોબિયા દુમાસિયા, આબાન મુખર્જી, અને રશના પોન્ચા. અને આ બધાને ચાનક ચડાવનાર છે ડો. નવાઝ મોદી.
વાછા શેઠ : પન આવરૂં મોટું થોથું છાપિયું છ કોન્ને?
દી.મ. : મુંબઈમાં લાયન ગેટ સામે આવેલી કે.આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટે. અને વાછા શેઠ, જરા દિલ થામ કે સાંભળજો : એની કિંમત છે ચાર હજાર રૂપિયા. ૧૪મી માર્ચ ૨૦૨૪ના દિવસે એ જ જગ્યાએ પુસ્તક રીલીઝ કરવાનો કાર્યક્રમ હતો તેમાં આ નાચીઝને બી બોલવા કહેલું. તે વારે મેં તમારી ચોપડી વિષે તો વાત કરેલી જ, પણ સાથોસાથ કહેલું કે હવે બમનજી બહેરામજી પટેલના ‘પારસી પ્રકાશ’ના પહેલા ત્રણ ભાગનું બી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન જલ્દીથી થવું જોઈએ. કારણ આ બે પુસ્તકો ઉથલાવ્યાં ન હોય તેમને ૧૯મી સદીના મુંબઈના ઇતિહાસ વિષે લખવાનો અધિકાર ન હોવો જોઈએ એમ અમારું માનવું છે.
વાછા શેઠ : થેંક યૂ મિસ્ટર મહેતા, થેંક્યું કામા ઇન્સ્ટિટ્યૂટ.
XXX XXX XXX