અમદાવાદમાં, 16 માર્ચ 2024ના રોજ રાત્રે 10.50 વાગ્યે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં, ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમને ફાળવેલ જગ્યામાં રમઝાનની નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે કેસરી ખેસ ધારણ કરેલ એક ટોળું ત્રાટકે છે. મારમારી કરે છે. જેના કારણે 4 વિદેશી વિદ્યાર્થીઓ ઘવાયા. ઘાયલ વિદ્યાર્થીઓને તાબડતોબ SVP – સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કટ્ટર હિન્દુત્વવાદી ટોળાંએ લેપટોપ, મોબાઈલ ફોન, વાહનોની તોડફોડ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે હુમલાખોરો હાજર હતા; પણ પોલીસે તેમને સન્માનપૂર્વક જવા દીધાં !
આવું કૃત્ય ‘જયશ્રી રામ’ના નારા સાથે કરવામાં આવ્યું હતું, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની અને ભારતની છાપ ખરડાઈ છે. ઘટનાની જાણ થતાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાના દેશભરના પડઘા પડ્યા છે. ગૃહ મંત્રીએ તપાસના આદેશ આપ્યા પછી પોલીસ કમિશનરે બીજા દિવસે મોડેથી સ્થળ વિઝિટ કરી હતી અને કહ્યું હતું કે ‘આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે !’
થોડાં પ્રશ્નો :
[1] મુસ્લિમ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીએ ફાળવેલ જગ્યામાં નમાજ પઢે તે શું અસામાજિક કૃત્ય છે? નમાજના કારણે તેમની પર હુમલો કરવો કેટલાં અંશે ઉચિત?
[2] ગૃહ મંત્રીએ અને કેન્દ્ર સરકારે તપાસના આદેશો આપ્યા છે; પરંતુ તેમણે જ હિન્દુ યુવાનોને ગોડસેવાદી બનાવ્યા નથી? કટ્ટરવાદી બનાવ્યા નથી? કોર્પોરેટ કથાકારો અને સ્વામિનારાયણના સંતોએ ગેડસેવાદીઓને નફરતી બનાવ્યા નથી? મારઝૂડ કરનારા અને તોડફોડ કરનારા હિન્દુ યુવાનોનો વાંક છે જ; પરંતુ વધારે વાંક તો ગોડસેવાદી સરકારનો અને ધર્મગુરુઓનો નથી? એક તરફ વડા પ્રધાન નફરત ફેલાવતી એજન્ડા ફિલ્મોને પ્રોત્સાહન આપે છે, બીજી તરફ આવી શરમજનક ઘટના બને ત્યારે તપાસના આદેશ આપી પોતાના હાથ ઉપર કરી લે છે; શું આ પાખંડ નથી? શા માટે યુવાનોને જેલમાં ધકેલી રહ્યા હશે?
[3] આ કૃત્ય કરનાર યુવાનોએ મોરારિબાપુની અપીલના કારણે ‘કાશ્મીર ફાઈલ’ જોઈ હશે અને કટ્ટર બન્યા હશે?
[4] વિદેશી વિદ્યાર્થીઓએ 100 પર જાણ કરી, પોલીસ આવી પણ તેણે જોયું કે આ તો કેસરી ખેસ ધારણ કરેલ ‘લાઇસન્સ વાળા ગુંડાઓ’ છે એટલે તેમણે કોઈને પકડેલ નહીં ! ગુજરાત પોલીસનું ખસીકરણ કરનાર સરકાર પોતે જવાબદાર નથી? શું ગોડસેવાદીઓને પોલીસનો કોઈ ડર જ નથી? પોલીસ પણ કેસરી ખેસ જોઈને ફરજ ભૂલી જાય તેવી સ્થિતિ કરનાર સરકારની જવાબદારી નથી? પોલીસ કમિશનર કહે છે કે ‘ગંભીર નોંધ લીધી છે’ પણ 24 કલાક સુધી એક પણ આરોપી મળે નહીં, એને ગંભીર નોંધ કહેવાય?
[5] ગુનાવાળી જગ્યાએ ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ જઈ શકે તો સત્તાપક્ષના કોઈ ધારાસભ્યોને ગુનાવાળી જગ્યાએ જવાનું કેમ સૂઝ્યું નહીં હોય? શું સત્તાપક્ષના ધારાસભ્યો પણ હુમલાખોર ગોડસેવાદીઓનું સમર્થન કરતા નથી?
[6] આવી ઘટના વિપક્ષની સરકારમાં બની હોત તો ગોદી મીડિયાએ બૂમો પાડી હોત ! વડા પ્રધાને ગળું ફાડીને વિપક્ષની સરકારને ભાંડી હોત; પરંતુ આ ઘટના તો ‘ગુજરાત મોડલ’નું પરિણામ છે; એટલે ગોદી મીડિયા અને વડા પ્રધાન ચૂપ રહેતાં હશે?
અમેરિકામાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓ નવરાત્રિમાં ગરબાનું આયોજન કરે છે. ગણેશ ઉત્સવ ઊજવે છે. પણ કોઈ રોકતું નથી. આવી સહિષ્ણુતા ગુજરાતમાં ગોડસેવાદીઓને દેખાતી નહીં હોય?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર