જ્યોત ૯ : નાટ્યકેન્દ્રી સાહિત્ય (‘નાટ્યશીલ’ પણ કહી શકાય) :
નાટ્યકેન્દ્રી સાહિત્ય વિશેની સમજનો પ્રારમ્ભ બે કે વધુ વ્યક્તિઓ વડે થતા સંવાદથી કરવો જોઈએ. એટલે, સૌ પહેલાં, સંવાદ.
પહેલાંની શાળાઓમાં ‘ગામડું સારું કે શહેર?’ જેવા સંવાદના કાર્યક્રમો થતા. બે વિદ્યાર્થીઓ સામસામે દલીલો કરીને પોતાનો મત જીતવા મથે. ત્યારે એ બન્ને જણા નાટકનાં પાત્રો લાગતા … હું ‘શહેર સારું’ – પક્ષે બોલતો ને સ્પર્ધા જીતી જતો; ઇનામમાં પિત્તળનું પવાલું મળતું.
એ પછીના ક્રમે મૂકી શકાશે : ઓપેરા. ૧૦-મિનિટનું નાટક. એકોક્તિ. એકાંકી. ત્રિ અંકી. અનેકાંકી – શૂદ્રકકૃત “મૃચ્છકટિક” ૧૦ અંકનું નાટક છે.
સંસ્કૃત સાહિત્ય 1500 BC-થી આશરે AD 1100 દરમ્યાન વિકસ્યું મનાય છે.
સંસ્કૃત સાહિત્યમાં પહેલા નાટ્યકાર મનાય છે ત્રીજી સદીમાં થઈ ગયેલા, ભાસ.
એમણે ૧૩ નાટકો લખ્યાં છે એ હવે સ્પષ્ટપણે સ્વીકારાયું છે; એમાં “સ્વપ્નવાસવાદત્તા” શ્રેષ્ઠ મનાયું છે. નાટ્યોચિત અનેક કથાવસ્તુ ભાસે “રામાયણ” અને “મહાભારત”-માંથી મેળવ્યાં છે.
કેટલાક વિદ્વાનોએ પાંચમી સદીમાં થઈ ગયેલા નાટ્યકાર કાલિદાસ પર ભાસનાં નાટકોનો પ્રભાવ હોવાના નિર્દેશ કર્યા છે. કેટલાક એમ જણાવે છે કે કાલિદાસ ઇસવી સનની પહેલી સદીમાં થઈ ગયા હોવાની સંભાવના છે, અને ભાસ પાંચમીમાં થઇ ગયાની સંભાવના છે. તો કોનો પ્રભાવ કોના પર કે કોઇનો કોઇના પર નહીં એમ ગણીને ચાલવું.
આ ક્ષણે મને યાદ આવે છે ધોતી-ઝભ્ભામાં સજ્જ સાહેબો જેઓ કાલિદાસ કઇ સદીમાં થઇ ગયેલા તેની આવી સંભાવનાઓની કેટલા ય પીરિયડો લગી એવી તો ચૂંથાચૂંથ કરતા કે ન પૂછો વાત. "શાકુન્તલ" ક્યારે ભણાવશે એની ચિન્તાથી માથું દુ:ખી જતું. ભાસ કે કાલિદાસ સાહિત્યકલારસિકોના ચિત્તમાં જન્મે છે ને ચિર કાળ માટે ત્યાં જ વસે છે.
ભાસના જેટલો જ મહિમા ભરત મુનિનો છે. એમનો સમય 200 BCE અને 200 CE વચ્ચેનો મનાય છે, પણ એમ પણ મનાય છે કે અંદાજે 500 BCE અને 500 CE વચ્ચેનો હોઈ શકે.
ભારતીય નાટ્યકલાને સુગઠિત શાસ્ત્રરૂપ આપનાર ભરત છે, એમના જગવિખ્યાત ગ્રન્થનું નામ “નાટ્યશાસ્ત્ર” છે. એમાં, નાટક ઉપરાન્ત કવિતા રંગભૂમિ નૃત્ય અને સંગીતને વિશેની પણ પાયાની સિદ્ધાન્તસરણીઓ જોવા મળે છે. એમાં, ભરતે આપેલું રસસૂત્ર ‘વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાત્ રસનિષ્પત્તિ:’ અને એથી વિકસેલો રસ-ધ્વનિવિચાર સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો પ્રાણ છે.
અલંકાર, રીતિ, વક્રોક્તિ, રમણીયતા વગેરે સૌ સમ્પ્રદાયોમાં રસતત્ત્વની સર્વોપરીતા સ્વીકારાઇ છે. રસ વ્યંજિત કે ધ્વનિત થઈને જ હોઇ શકે છે. ધ્વનિવાદના પ્રવર્તક આચાર્ય આનન્દવર્ધન ધ્વનિનો ઘણો મહિમા કરે છે, પરન્તુ એમ ઠેરવવા કે રસ સર્વથા સ્પૃહણીય છે અને સર્જકે તેમ જ સહૃદયે એની હમેશાં આશાઅપેક્ષા સેવવી જોઇએ અને તદનુસાર વર્તવું જોઈએ.
ભરત સમેતના સૌ પ્રાચીનો ટૂંકમાં એટલું જ કહેવા ચાહે છે કે રસાનુભૂતિ અને અ-લૌકિક આનન્દ જ સાહિત્યકલાની સર્વોચ્ચ લબ્ધિ હોઈ શકે, ન કશું બીજું.
એ ટૂંકમાં કહેવાયેલાનો સાહિત્યના કોઈ પણ અધ્યેતાએ એના પૂર્ણ સ્વરૂપમાં સાક્ષાત્કાર કરવો જોઇએ. એટલે કે, સંસ્કૃત નાટક (શૂદ્રક, ભાસ, કાલિદાસ, ભવભૂતિ વગેરેની કૃતિઓ) અને કાવ્યશાસ્ત્રને જાણવાં તેમ જ સમજીને આત્મસાત્ કરવાં એના માટે અનિવાર્ય છે. બાકી એને ‘અધ્યેતા’ કહેતાં પહેલાં વિચાર કરવો.
ટ્રેજેડી અને કૉમેડીના પ્રકારો નાટ્ય-સાહિત્યની પૂરા કાળથી ચાલી આવેલી પરમ્પરાઓ છે.
‘ટ્રેજેડી’-ને ‘કરુણાન્ત નાટક’ કહીએ તે ખોટું તો નથી પણ એથી એમ સૂચવાઈ જાય છે કે ટ્રેજેડીમાં કરુણ, અન્તે હોય છે, અથવા ‘એકલો, અન્ત કરુણ’ હોય છે ! હકીકત એ છે કે સમગ્ર નાટકમાં કરુણનો ક્રમે ક્રમે ઉપચય થતો હોય છે, શોકાદિ ભાવોની કિંકિણી અવારનવાર બજતી હોય છે.
ત્રણ ગ્રીક નાટ્યકારો ઍસ્કેલિસ (c. 525/524 – c. 456/455 BC), સૉફોક્લિસ (c. 497/ 6 – 406/5 BC) અને યુરિપિડિસ (c. 484 BC – 406) મહાન ટ્રેજેડીકાર મનાયા છે.
ઍસ્કેલિસ તો ‘ટ્રેજેડીના પિતા’ કહેવાય છે. એમ પણ કહેવાય છે કે એમનાં નાટકોનાં અધ્યયનોની ભૂમિકાએ ટ્રેજેડીની એક નાટ્યપ્રકાર તરીકેની સ્થાપના-પ્રતિષ્ઠા થઈ હતી. પોતા માટે એમણે ‘નાટ્યત્રયી’ લખવાનો શિરસ્તો અપનાવેલો. એક પછીનું બીજું અને તે પછીનું ત્રીજું નાટક કશા એક કથાતન્તુએ બંધાઈ જાય – કાઇન્ડ ઑફ સિકવલ. “ઑરેસ્ટિયા” ત્રયીના “ઍગેમેમ્નૉન”-માં ક્લિટેમ્નેસ્ટ્રા ઑરેસ્ટિસની હત્યા કરે છે એ, તેમ જ ઑરેસ્ટિસ ક્લિટેમ્નેસ્ટ્રાની હત્યા કરે છે એ, બન્ને કથાવસ્તુ વણાયેલાં છે.
ઍરિસ્ટોટલ જણાવે છે કે ઍસ્કેલિસે રંગભૂમિ પરનાં પાત્રોની સંખ્યામાં વધારો કર્યો અને તેમની વચ્ચે સંઘર્ષનું તત્ત્વ ઉમેર્યું; બાકી તો બધું કોરસથી – વૃન્દગાનથી – નભી જતું’તું. ઍસ્કેલિસે ૯૦ નાટકો લખ્યાં છે, બધાં નથી સચવાયાં, પણ એમાં “પ્રોમિથિયસ બાઉન્ડ” ખૂબ વખણાયું છે.
સૉફોક્લિસે ૧૨૦થી વધુ નાટકો લખેલાં પરન્તુ માત્ર ૭ એના પૂરા સ્વરૂપમાં બચ્યાં છે -“એજૅક્સ”, ખૂબ જાણીતું “ઍન્ટિગની”, એટલું જ જાણીતું “ઇડિપસ રૅક્સ”, “વીમેન ઑફ ટ્રેચસ”, “ઇલેક્ટ્રા”, “ફિલૉક્ટીટીસ”, “ઇડિપસ ઍટ કોલોનસ”.
યુરિપિડિસે ૯૫ નાટકો લખ્યાં છે, એમાં “મીડીઆ” સર્વોત્તમ ગણાય છે. મીડીઆ રાજકુંવરી હતી, જેસન સાથે એનાં લગ્ન થયાં હતાં. પરન્તુ જેસન બેવફા નીકળ્યો, ગ્રીસના કોરિન્થની રાજકુંવરીથી લલચાયો ને મીડીઆને છોડી ગયો. મીડીઆએ વૅર વાળ્યું. શી રીતે? પેલી કોરિન્થવાળીની હત્યા કરી, તેના બે પુત્રોની પણ હત્યા કરી ! ઍથેન્સ પાછા ફરીને એણે નવજીવન શરૂ કર્યું.
આ નાટકમાં જગજાણીતું કથાવસ્તુ છે – સ્ત્રી સાથે બેવફાઈ. એમાં, સનસનાટીનું તત્ત્વ છે, બદલો લેવાય છે અને તે પણ હત્યાથી બલકે એ જ સ્ત્રીને હાથે ! સ્વાભાવિક છે કે પ્રાથમિક કક્ષાના નારીવાદીઓને એમાં ‘ન્યાય’ દેખાયો અને નાટક આપણા સમયમાં યે ઊપડ્યું. એનાં ૩૫થી પણ વધુ ઍડેપ્ટેશન થયાં છે, કેટલાક તો પદ્યમાં ! ટીવી-શોઝ તેમ જ એકથી વધુ ફિલ્મો બની છે, જો કે સૌથી નૉંધપાત્ર હકીકત એ છે કે આ નાટક અનેકાનેક વાર રંગમંચ પર ભજવાયું છે.
નાટ્યસાહિત્યમાં ‘ક્લોસેટ ડ્રામા’ નામનો એક પ્રકાર વિકસ્યો છે. મૂળ નાટક તો ભજવણી માટે જ હોય પણ ક્લોસેટમાં તેને વાચન કે પઠન માટે બદલી નાખવામાં આવે છે. અભિનેતાઓ અને નાટકના જાણતલો તેનો સમુચિત પાઠ કરીને નાટકના હાર્દને પકડતા હોય છે.
આ સંદર્ભમાં મારે “સેનેકન ટ્રેજેડી”નો નિર્દેશ કરવો જોઇએ. સેનેકાએ સવિશેષે એ ત્રણ ટ્રેજેડીકારોનાં નાટકો પર કામ કર્યું છે. એમાં ૯ ‘ક્લોસેટ' નાટકો સંઘરાયાં છે, પઠનાર્થે નવેસર લખાયાં છે, બ્લૅન્ક વર્સમાં પદ્યાવતારે રચાયાં છે ! સેનેકા પહેલી સદીમાં થઇ ગયેલા. તેઓ રોમન હતા, ફિલસૂફ હતા. મૂળ કૃતિઓના નાટ્યપટને એમણે ટુંકાવી નાખ્યો છે, ઍક્શનને ઓછું કરી નાખ્યું છે, વાગ્વૈભવને પણ આછો કરી લીધો છે. “સેનેકન ટ્રેજેડી” ૧૬મી સદીમાં ફરીથી ઉપલબ્ધ થઈ અને તેને પ્રતાપે, કહે છે કે રૅનેસાંસ સમયમાં ટ્રેજેડીનો નવ્ય અવતાર પ્રગટ્યો અને તેથી ‘ફ્રૅન્ચ નીયોક્લાસિકલ ટ્રેજેડી’ તેમ જ ‘ઍલિઝાબેથન ટ્રેજેડી’ જેવી નાટ્યધારાઓ જન્મી.
જાણીતું છે કે ૧૬મી સદીમાં શેક્સપીયર થઇ ગયા અને ‘શેક્સપીયરિયન ટ્રેજેડી’-નું નૉંધપાત્ર ઉમેરણ થયું. છેલ્લી સદીમાં બૅકેટ અને આયોનેસ્કો થઈ ગયા અને “ટ્રેજી-કૉમેડી” જેવા આધુનિક પ્રકારનો આવિર્ભાવ થયો. બૅકેટે પોતાના “વેઇટિન્ગ ફૉર ગોદો”ને ‘એ ટ્રેજીકૉમેડી’ કહ્યું છે.
મને કહેવું ગમે છે કે “પોએટિક્સ”-ના કર્તા ઍરિસ્ટોટલે ટ્રેજેડીની વ્યાખ્યા કરી તેની ભૂમિકામાં આ ગ્રીક ટ્રેજેડીકારોની કૃતિઓનું ભાવન-અનુભાવન હતું. ઍરિસ્ટોટલ કે કોઈપણ સન્નિષ્ઠ સિદ્ધાન્તકાર કલાનુભવ વિના નથી બોલતો. બાકી, બીજાના સિદ્ધાન્તોને પોતાને નામે ચડાવનારા ખોખલા ઘણા હોય છે, આજુબાજુ ઝીણી નજર નાખવાથી દેખાઈ જતા હોય છે.
મૂવિ અથવા ફિલ્મ અથવા ચલચિત્ર ભલે અલગ કલાપ્રકાર ગણાય છે, એના હાર્દમાં નાટક છે. જે ફિલ્મમાં નાટ્ય-નામી ઍક્શન નથી હોતી, એને ઝાઝી વાર લગી જોઈ શકાતી નથી, સિવાય કે એ કશો ધીંગો પ્રયોગ હોય. બાકી એવી રચનાઓને ‘ટૉકેટિવ’ કહેવાય છે. અને એ એમ છે એવી પ્રામાણિક જાહેરાત પણ કરાય છે.
સર્વોપરી સત્ય એ છે કે નાટક પ્રેક્ષક સામે ઘટવું જોઈએ, બનતું જોઈ શકાવું જોઈએ, ઇટ મસ્ટ હૅપ્પન ! પાત્રો વાતો જ કર્યા કરે, તે ન ચાલે. વાતો માટે કે કથન કરવા માટે નાટક નથી, એ એના ઉત્તમોત્તમ અર્થમાં નાટ્ય છે, કાર્ય છે, ઍક્શન છે. આ જરૂરતને આપણે ત્યાં ‘મંચનક્ષમતા’ કહેવાય છે.
આપણે જો યાદી બનાવીએ તો કેટલાં ગુજરાતી નાટકો મંચનક્ષમ નીકળે?
અરે ! કૉમેડીના નાટ્ય-સાહિત્ય વિશે કહેવાનું તો રહી જ ગયું ! ફરી કોઈવાર.
= = =
(May 29, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર