શું એક દેશ તરીકે ભારત આ ક્યારે ય પણ સ્વીકારી શકશે કે તેના ગર્વનું કારણ બનનારી આ છોકરીઓની આ હાલ કરવામાં કોઇને પણ બે આંખની શરમ ન નડી? ચેમ્પિયન્સને ઘસડીને લઇ જવાયા એવું સમાચારોમાં વાંચીને કોઇનું પણ રુંવાડું ફરકતું નહીં હોય?

ચિરંતના ભટ્ટ
દિલ્હી – આપણા દેશનું પાટનગર ચર્ચામાં રહે એ સ્વાભાવિક છે અને રહેવું જ જોઇએ, પણ માળું કમનસીબે છેલ્લા કેટલાક વખતથી ત્યાંથી જેટલી તીવ્રતામાં સારા સમાચાર આવે છે એનાથી વધુ તીવ્રતાથી ખરાબ સમાચાર પણ આવે છે. એક તરફ વીરસાવરકરના જન્મદિવસે (ખબર નહીં શા કારણે આ જ દિવસની પસંદગી થઇ) નવા સંસદનું ઉદ્ઘાટન થયું, એમાં રાજદંડ વાળી ચર્ચાઓ ચાલી એમાં કંઇપણ સાચું-ખોટું વાઇરલ થયું, તો બીજી તરફ સોળ વર્ષની છોકરીની લોકોની અવર-જવર હોય એવી જગ્યાએ ગોઝારી હત્યા થઇ. આ બધા સમાચારોની સમાંતર એક બીજી ઘટના ચાલે છે અને એ છે કુસ્તીમાં ભારતનું નામ રોશન કરનારી મહિલા પહેલવાનો – કુસ્તીબાજોના વિરોધ પ્રદર્શનની. જાતીય સતામણીની ફરિયાદ કરનારી ભારતની શાન ગણાતી આ મહિલા પહેલવાનો સાથે દિલ્હી પોલીસે બેહૂદું વર્તન કર્યું, તેમના આ દેખાવો અંગે જાત-ભાતના પ્રતિભાવો આવ્યા કરે છે. દિલ્હી – આપણા દેશની રાજધાનીમાં મહિલાઓ સલામત નથી – અને આ આજકાલની વાત નથી, આ જ દિલ્હીનો મિજાજ છે.
કોઇપણ ખેલાડી માટે અગત્યનું શું હોય? પોતાના દેશ માટે પદક જીતવા. આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું નામ વિજેતા તરીકે બોલાય એટલે આખા દેશમાં જુસ્સો ભરાય. આ જુસ્સા માટે જેમણે લોહી-પાણી એક કર્યાં છે એવી કુસ્તીબાજ મહિલા ખેલાડીઓના ચહેરા પર આજ ગર્વ નહીં પણ નકરી પીડા છે. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વડા બ્રિજ ભૂષણ શરણ સિંઘે તેમની સાથે કરેલી જાતીય સતામણીની વાત જાહેર કરી તેનો વિરોધ કરી, તેની ધરપકડની માંગ કરી ભારતની આ વિજેતા મહિલા ખેલાડીઓ ન્યાય માંગી રહી છે. કિસાન આંદોલનના સમર્થકોએ પણ તેમની સાથે જોડાવાની જાહેરાત કરી છે. એક મહિનાથી આ દેખાવો ચાલી રહ્યા છે. નવા સંસદ ભવનની સામે આ ખેલાડીઓએ મહિલા પંચાયત ભરવાનું નક્કી કર્યું – જે તેમના અહિંસક દેખાવોનો જ હિસ્સો હતો પણ નાગરિક તરીકેના તેમના અધિકાર પર પોલીસની હિંસાનો મુક્કો પડ્યો અને તેઓ આ દેખાવો ન કરી શક્યા. શું એક દેશ તરીકે ભારત આ ક્યારે ય પણ સ્વીકારી શકશે કે તેના ગર્વનું કારણ બનનારી આ છોકરીઓનાં આ હાલ કરવામાં કોઇને પણ બે આંખની શરમ ન નડી? ચેમ્પિયન્સને ઘસડીને લઇ જવાયા, એવું સમાચારોમાં વાંચીને કોઇનું પણ રુંવાડું ફરકતું નહીં હોય? સંગીતા ફોગટ, બબીતા ફોગટ – આ બહેનો પર બનેલી ફિલ્મ દંગલ જોઇને ભલભલા લોકોને જાણે પોતાની દીકરીઓની કિંમત સમજાવા માંડી હતી, પણ અત્યારે તો રાષ્ટ્રનું નામ રોશન કરી ચૂકેલી આ ખેલાડી દીકરીઓ જે પોતાની આબરૂ સાથે થયેલી સતામણી અંગે સવાલ કરી રહી છે કે તેમની કિંમત બે કોડીની પણ ન રહી. એક અગત્યના મુદ્દા પર સવાલ ઉઠાવવા જાહેરમાં ખડી થેયલી આ મહિલા ખેલાડીઓની હાલત પણ એવી જ થઇ જેવી કોઇપણ સાધારણ નાગરિકની થઇ હોત, અથવા થતી હોય છે. વિરોધ પ્રદર્શન કરનારાઓની હાલત આજની લોકશાહીમાં કફોડીને કફોડી જ થતી જાય છે.
ભારત ખેલકૂદમાં – ક્રિકેટ સિવાયની રમતોમાં પાછળ રહ્યો છે-ના વાક્યને બદલનારા, દેશી રમતોમાં કાઠું કાઠનારા આ ખેલાડીઓ માટે સારી સવલતો નથી હોતી, તેમણે સગવડને નામે અનેક જાતના સમાધાનો કરવા પડે છે, એવા સમાચાર કંઇ નવા નથી. શારીરિક અને માનસિક બળનો ઉપોયગ કરીને પોતાના ખેલમાં જીતનારા આ કુસ્તીબાજોને વિરોધ-પ્રદર્શને નહીં પણ તેમની સાથે જે વહેવાર થયો છે એ ઘટનાએ માનસિક રીતે કેટલા તોડી નાખ્યાં હશે તેની તો કલ્પના માત્રથી પણ કંપારી છૂટી જાય છે.
મહિલા પહેલવાનોના વિરોધને ટેકો મળ્યો છે, આંતરરાષ્ટ્રીય સ્પૉર્ટિંગ સંસ્થાઓએ આ બાબતની નોંધ લીધી છે, જેમાં ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી અને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે પણ આ ઘટનાની નોંધ લીધી. આ બધું ચાલી રહ્યું છે પણ જેની તરફ જાતીય સતામણી કરવા માટે આંગળી ચિંધાઇ રહી છે તેવા બ્રિજભૂષણ સિંહની ધરપકડ પણ નથી થઇ રહી કારણ કે દિલ્હી પોલીસનું કહેવું છે કે તેની ધરપકડ કરવા જેવા કોઇ નક્કર પુરાવા હજી સુધી મળ્યા નથી. કેટલીક મહિલા કુસ્તીબાજોએ પોક્સો હેઠળ તેમની ધરપકડ થવી જોઇએ એમ કહ્યું હતું તો પોલીસે એમ શોધી કાઢ્યું કે જે મહિલા પહેલવાને ફરિયાદ નોંધાવી એ તો સગીરા હતી જ નહીં પણ તેના પિતાનો દાવો છે કે તે યુવતી સગીર છે. આ લખાઇ રહ્યું છે ત્યારે દેશના એક રાષ્ટ્રીય અખબારમાં મુખ્ય સમાચાર છે કે બ્રિજભૂષણે જાતીય માંગણી અને સતામણી કરી હોવાના કેસિઝ બે એફ.આઇ.આર.માં વિગતવાર નોંધવામાં આવ્યા છે.
આપણે ત્યાં બિનજરૂરી ચીજોને બહુ ચગાવાય છે, આ જે થઇ રહ્યું છે તે બાબતને જેટલી ગંભીરતા લેવાવી જોઇએ એમાં આપણે, સત્તાધીશો, નાગરિકો બધા જ પાછા પડીએ છીએ. નવા સંસદભવનની બહાર મહિલા મહાપંચાયત ભરાત તો કદાત ઐતિહાસિક ગણાત કારણ કે પંચાયતોમાં મહિલાઓનું સ્થાન નામનું જ હોય છે આ બહુ જ પિતૃસત્તાક ગોઠવણ હોય છે. પરંતુ દિલ્હી પોલીસે આ થવા ન દીધું. નવા સંસદ સાથે જેની સૌથી વધુ ચર્ચા થઇ એ જો સેંગોલ ન્યાયનું પ્રતીક હોય તો આ મહિલા કુસ્તીબાજોને માટે ન્યાય ક્યારે? આવી ઘટનાઓ થાય ત્યારે બેટી પઢાઓ-બેટી બચાઓ અને મહિલા સશક્તિકરણના મુદ્દાઓ સાવ પોકળ લાગે.
વિરોધ કરવા ભેગી થયેલી આ મહિલાઓ મોટેભાગે સાધારણ પરિવારોની દીકરીઓ હોય છે, તેમની ઓળખ ઘડાય એ સાથે તે દેશને પણ ઓળખ આપે છે. દેશની દીકરીઓના અવાજ બહેરા કાને ન અફળાય એ માટે એક રાષ્ટ્ર તરીકે આપણે તેમને ન્યાય આપવો જ રહ્યો, નહિંતર રાજકીય પક્ષો વચ્ચે બંધારણ અને સંસદ અને ધર્મના અનર્થ રાજકારણમાં આપણે આપણા ગર્વના પદક પર ચઢી રહેલો કાટ જોવાનું ચૂકી જઇશું અને પછી વસવસો કરવાથી કંઇ નહીં વળે. ગર્વ કરવો હોય તો એ માટે કંઇ બચવું પણ જરૂરી છે.
બાય ધી વેઃ
આ કુસ્તીબાજો તેમનાં પદકો અને ચંદ્રકોને ગંગામાં વહેવડાવી દેવાનાં હતાં, પછી તેમણે સરકારને મુદ્દત આપીને કહ્યું કે આ મામલે જલદી જ કંઇ થવું જોઇએ. જગજીત સિંઘના અવાજમાં એક બહુ જાણીતી ગઝલ છે જે રજિંદરનાથ રાબહરે લખી છે, તેરે ખુશ્બૂ મેં બસે ખત મેં જલાતા કૈસે … આ ગઝલમાં વાત તો પ્રેમની જ છે પણ પ્રેયસીના પત્રો ગંગામાં વહેવડાવવાની વાત છે જેના કારણે ગંગાના પાણીમાં આગ લાગશે એવી કલ્પના કવિએ કરી છે. ભારતનું નામ રોશન કરનારી મહિલા કુસ્તીબાજોનાં સુવર્ણ ચંદ્રકો જો ગંગામાં વહ્યાં હોત તો તેમાં દાવાનળ ફાટત, કદાચ. વિકાસ અને સમૃદ્ધિની વાતોમાં રાચતા આપણે જે વાસ્તવિક મુદ્દાઓ છે તે અંગે કશું પણ નક્કર કરવામાંથી ચૂકી જઇએ છીએ અને જો આવું જ રહેશે તો આપણા માથા એકવાર નહીં અનેકવાર શરમના માર્યા ઝૂકી જશે અને ઝુકવા જોઇએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 જૂન 2023
cartoon courtesy : E.P. Eunny, “The Indian Express”; 03 June 2023