મધોકે હકાલપટ્ટી સમયે કહ્યું હતું કે સંઘનીમ્યા સંગઠનમંત્રીઓની પક્ષ પર ફાસિસ્ટ પકડ છે
ભાજપના પૂર્વ અવતાર જનસંઘના એક કાળના લોકપ્રિય એટલા જ વિવાદાસ્પદ પ્રમુખ પ્રો. બલરાજ મધોક 96 વરસનું પૂર્ણાયુષ ભોગવીને સવિશેષ તો, પોતે જેને વાજપેયી અને અડવાણીના વિકલ્પે કદાચ વધુ પસંદ કરે એવી શખ્સિયતને સુવાંગ બહુમતીથી દિલ્હીમાં સત્તારૂઢ થયેલી જોઈને ગયા. જો કે ક્યારેક એમનું હોવું અને જવું બેઉ જેટલું દબદબાભર્યું હોઈ શક્તું હતું તે હવે સ્વાભાવિક જ શક્ય નહોતું, કેમ કે પોતાની છાપ અને પ્રતિભા છતાં સંઘ પરિવારના નાભિકેન્દ્રથી જમાત ખારિજ જેવી જિંદગી એ છેલ્લા પાંચેક દાયકાથી બસર કરી રહ્યા હતા. બાકી, ભાજપના મુકાબલે યુવાલાભાર્થીઓને કે નવી પેઢીના મતદારોને ભાગ્યે જ ખયાલ આવી શકે કે 1967માં લોકસભામાં જનસંઘના 35 સભ્યોના નોંધપાત્ર પ્રવેશ સાથે મધોકનો કેવોક સિક્કો પડતો હશે. 1967માં જ અમદાવાદમાં જુદા જુદા રાજકીય પક્ષોના અગ્રણીઓનાં વક્તવ્યની શ્રેણી યોજાઈ ત્યારે સાંભળનારાઓની બહુમતીને મધોકની રજૂઆત ઉત્તમ લાગી હતી. પક્ષના સત્તાવાર ઇતિહાસમાં મુખર્જી, દીનદયાલ, અટલ, અડવાણી, મોદી વચ્ચે આજે મધોક ભલે વિસ્મૃતવત હોય!
મધોકનું મનોવિશ્વ અને ઉગ્ર અભિવ્યક્તિ કેવાં હશે એનો ખયાલ આપવા સારુ એક બીજું સ્મરણ કરવા જેવું છે અને તે 1969ના સપ્ટેમ્બરમાં અમદાવાદમાં રાઇફલ એસોસિએશનના ઉપક્રમે એમણે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની આક્રમક ધમકી સંદર્ભે આપેલું વક્તવ્ય. પાકિસ્તાનની રચનામાં મુસ્લિમોએ ભજવેલો ભાગ અને મુસ્લિમોના ‘ભારતીયકરણ’ની તાકીદ એ એમના મુખ્ય મુદ્દા પૈકી હતા. ગમે તેમ પણ, 1969ના સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં અમદાવાદમાં જે રમખાણો શરૂ થયાં એનો યશ પાછળથી રેડ્ડી પંચ સમક્ષની રજુઆતમાં કેટલેક અંશે આ વક્તવ્યને પણ આપવામાં આવ્યો હતો. (2002માં ભાજપનાં તે બીજાં કોઈ કોઈ વર્તુળો 1969નો હવાલો આપીને કહેતાં પણ હતાં કે તે કૉંગ્રેસ શાસનમાં બન્યું હતું.)
અહીં આ પૂર્વરંગ ચર્ચવાનો હેતુ ભાજપ જનસંઘના જનતા અવતારથી આજ સુધી પહોંચતા શેમાંથી પસાર થયો હશે તે સમજવાનો છે. એનડીએ-1માં વાજપેયીના નેતૃત્વમાં ભાજપે એની આગવી ઓળખ રૂપ કેટલીક બાબતો બાજુએ રાખી હતી (‘બેક બર્નર’ પર મૂકી હતી). એનડીએની સરકાર તો 1998-99માં બની હતી, પણ તે પૂર્વે 1975-79 દરમ્યાન જનતા મોરચા અને જનતા પાર્ટીના ભાગ રૂપે (જયપ્રકાશના આંદોલનની આબોહવામાં) જનસંઘનો રાષ્ટ્રીય ધારામાં પ્રવેશ શક્ય બન્યો હતો. દેખીતી રીતે જ આ પ્રક્રિયામાં મધોકની ‘મુસ્લિમોના ભારતીયકરણ’ની ઘાટીએ વાત કરવાનું શક્ય કે ઇષ્ટ નહોતું. પણ જનતા મોરચાની દિશામાં જવાનું શરૂ થયું તે પૂર્વે જ પક્ષમાંથી મધોકની હકાલપટ્ટી થઈ ગયાને કારણે એક સરળતા પણ હતી.
એક ઇતિહાસ વસ્તુ તરીકે અહીં એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે મધોકની હકાલપટ્ટીમાં અડવાણી-વાજપેયીની સીધી હિસ્સેદારી હતી. શિસ્તભંગ આદિ જે પણ કારણો ત્યારે અપાયાં હોય, મધોકની તે વખતની એક જાહેર ફરિયાદનું સ્મરણ આજની તારીખે પણ સુસંગત અને સમયસરનું ગણી શકાય એવું છે. એમણે કહ્યું હતું કે સંઘ નીમ્યા સંગઠન મંત્રીઓની પક્ષ પર ‘ફાસિસ્ટ પકડ’ છે. નવા પ્રમુખ તરીકે અડવાણીએ મધોકને પક્ષબહાર કર્યા ત્યારે થયેલી આ ફરિયાદ, પાછળથી, અડવાણીને ખુદને જે રીતે બાજુએ હટવાની ફરજ પડી અગર પાડવામાં આવી ત્યારે કેટલી સુસંગત ને સાચી લાગે છે, નહીં ? અન્યથા, વિચારધારાની રીતે તો મધોકની વાતો કરતાં અડવાણીનો ‘સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’ તત્ત્વત: જુદો નહોતો. બલકે, રામ જન્મભૂમિનો પ્રશ્ન લોકસભાની ચર્ચામાં પહેલી વાર પ્રત્યક્ષ ઉપસ્થિત તો મધોકે જ કર્યો હતો !
પાકિસ્તાન અને મુસ્લિમ પ્રશ્ન વિશે મધોકની ઉગ્રતા, અન્ય સંજોગોમાં પક્ષપરિવારના સાથીઓ પરત્વે પણ, અલગ રીતે પ્રગટ થતી સાથીઓ બાબતે શંકાની એમની મન:સ્થિતિને પેલી ફાસિસ્ટ પકડના અનુભવે ખાસી બઢાવી હશે એમ લાગે છે. પક્ષનું અત્યારનું નેતૃત્વ દીનદયાલ ઉપાધ્યાય ગમે એટલું માન આપતું હોય કે ઊંચા આકતું હોય, મધોકની એમની વૈચારિક પ્રતિભા માટે એવો ને એટલો ઊંચો ખયાલ નહોતો. માત્ર, વાજપેયી-નાના દેશમુખ વગેરે કોઈક રીતે દીનદયાલને ખસેડવા માગતા હતા તે મધોકની પ્રતીતિ હતી, અને દીનદયાલની હત્યામાં કોઈ અકસ્માતનું તત્ત્વ એ સ્વીકારતા નહોતા. પક્ષને જ્યારે સત્તાસુવિધા મળી ત્યારે પણ ખરી ને પૂરી તપાસ નહીં થયાની એમની તીવ્ર લાગણી હતી.
કટોકટી વખતે લાંબો મિસાવાસ ભોગવનારાઓમાં મધોક પણ હતા અને એ રીતે ઈંદિરા ગાંધી અને એમની વચ્ચે ચોક્કસ ટકરાવ સ્વાભાવિક હતો. પણ 1980ના અરસામાં એમનું ‘રેશનલ ઑફ હિંદુ સ્ટેટ’ વાંચી ઇંદિરા ગાંધીએ કોઈક અધિકારી મારફતે આનંદ લાગણી પાઠવી હતી અને કદાચ મધોક કેબિનેટમાં જોડાવા રાજી થાય કે કેમ એવો દાણો પણ ચાંપી જોયો હતો. મધોકનો પ્રતિભાવ પ્રથમ તો ચોક્કસ નહોતો પણ જ્યારે સંજય ગાંધીએ રૂબરૂ મળવાનું આગ્રહપૂર્વક ગોઠવ્યું ત્યારે એ કદાચ આ માટે મન બનાવવા પણ લાગ્યા હશે. જો કે નિર્ધારિત મુલાકાતને દિવસે જ સંજય ગાંધીનું અકસ્માત મૃત્યુ થયું અને આ મુલાકાત રહી ગઈ. આ ઘટનાક્રમને કેવી રીતે જોશું ? બને કે પુનરાગમન પછી ઇંદિરા ગાંધી હિંદુ મતને ઓર સાથે રાખવાના વિકલ્પ પર કામ કહી રહ્યાં હોય. સંજય ગાંધીનાં વલણો સાથે એ બંધબેસતું પણ હતું. હાલના ભાજપ સાંસદ વરુણ ગાંધીની સંજય બજરંગ ચેષ્ટાઓ આ સંદર્ભમાં કાબિલે ગૌર છે. એક તબક્કે જમ્મુ અને બીજી ચૂંટણીઓમાં આરએસએસે ભાજપને બાજુએ રાખીને કૉંગ્રેસ જોડે ગોઠવણ કર્યાના સાડા ત્રણ દાયકા પરના હેવાલો પણ અહીં સાંભરે છે, અને ત્રીજા સરસંઘચાલક દેવરસે કોઈક તબક્કે ઇંદિરાજી સાથે કાર્યગોઠવણ વિચાર્યાની વાત પણ સાંભરે છે. ગમે તેમ પણ, ઇંદિરા ગાંધીની હત્યા પછી સહાનુભૂતિ મોજા સાથે જે હિંદુ કોન્સોલિડેશન થયું તે રાજીવ ગાંધીને સૂંડલા મોંઢે ફળ્યું અને ભાજપ કેવળ બે જ બેઠકોમાં સમેટાઈને રહી ગયો એ ઇતિહાસ હજુ બહુ જૂનો નથી. કથિત વાજપેયી લાઇનને બદલે અડવાણી લાઇન તરફ અયોધ્યાને બહાને વળ્યાનું એક રહસ્ય આ ધક્કામાં પડેલું છે. ફરી પાછા એનડીએ-1ના વારામાં વાજપેયી લાઇન આગળ ધરવામાં આવી તે પણ આપણે જોયું છે. નમોનું વિકાસગાન અને શૌરીના શબ્દોમાં ‘કૉંગ્રેસ વત્તા ગાય’ જેવું શાસન એ જરૂર પ્રમાણે વાજપેયી-અડવાણી મિક્સમાં માત્રાની વધઘટ સૂચવે છે.
ગમે તેમ પણ, મધોકની ભાજપ સામેની ફરિયાદોમાંથી વ્યક્તિગત અંશ કાઢી નાખ્યા પછી પણ કેટલાક મુદ્દાઓ રહે છે. ઉલટ પક્ષે મધોકથી મોદી સુધીની વિચારધારાકીય ભૂમિકાનું સાતત્ય ભાજપ બાબતે આમૂલ પુર્નવિચાર પણ પ્રેરે છે, જેમ કટોકટીવાદે કૉંગ્રેસ વિશે પુર્નવિચાર પ્રેર્યો હતો. મધોકને વિશે આ થોડી વાતો, વૈકલ્પિક નાગરિક મથામણમાં ઉપયોગી થવા સારુ.
સૌજન્ય : ‘ચક્રગતિ’, “દિવ્ય ભાસ્કર”, 14 મે 2016