આ જૂન મહિનાની ગઈ 5થી 9 તારીખ લગી, અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીને સાફ કરવાના સરકારી અભિયાનનો આરંભ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે થયો. મુખ્યમંત્રીએ આગામી ગાંધી જયંતીએ સાબરમતીમાં ચોખ્ખું પાણી હશે તેવો સંકલ્પ પણ જાહેર કર્યો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો કે આ સફાઈ અભિયાનમાં 60 હજાર લોકો જોડાયા અને પાંચસો ટન કચરો પાંચ દિવસમાં નદીથી કઢાયો અને અમદાવાદમાં આવેલા કચરાના પહાડો સમા પીરાણા ખાતે ઠલવાયો !
લોકોને સાથે લઈને, જનભાગીદારીથી નદીમાં સફાઈ અભિયાન કરવું જરૂરી તો છે જ. કારણ કે ધાર્મિક વિધિઓના ભાગ તરીકે ગણપતિની મૂર્તિઓથી માંડી માતાજીની મૂર્તિઓ – ચૂંદડીઓ, નારિયેળથી માંડી અનેક પ્રકારનાં પ્રસાદો, ફૂલો, પ્લાસ્ટિકની કોથળીઓ; જેને નદીમાતા કહેવાય છે તેમાં લોકો બેફામ પણે ઠાલવતા જ હોય છે. લોકો આ સફાઈ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જોડાયા. અને અમદાવાદની જેમ સુરતમાં તો સ્થાનિક સંસ્થાઓએ જ યુવાનો, કોલેજિયનો, નાગરિકોને જોડી તાપી નદી સફાઈ અભિયાન આ જ દિવસોમાં કર્યું.
આ સફાઈકામ કરતાં કરતાં અમદાવાદ શહેરના લોકોને જાણ થઈ કે માત્ર અમદાવાદ શહેરની પાસેથી જ પસાર થતી, જ્યાં રીવરફ્રન્ટ યોજના છે એટલા વિસ્તારમાંથી પાંચસો ટન જેટલો પોતે જ નાંખેલો કચરો વીણાયો, ભેગો કરાયો ને નદીમાંથી બહાર કઢાયો.
પણ સવાલ તો મોટો એ જ છે કે શું સાબરમતી નદી અમદાવાદ શહેરના ચાર પુલોની વચ્ચે જ મહત્ત્વની છે ? રીવરફ્રન્ટ પરથી દેખાતી નદી સાફ કરો એટલે શું નદી સાફ થઈ ગણાય ?
રાજસ્થાનમાં અરવલ્લીની હારમાળામાંથી નીકળતી આ સાબરમતી નદી ખંભાતની ખાડીમાં પહોંચે છે ત્યાં સુધી માં 371જેટલા કિલોમીટરની સફર કરે છે.
અમદાવાદમાં નદી પ્રવેશે છે એ પહેલાં તેનાં પર 6 જેટલા નાના-મોટા ડેમ આવેલા છે.
બારમાસી નહીં પણ મોસમી આ સાબરમતી નદીની હાલની કડવી વાસ્તવિકતા એ છે કે નદી જ્યારે અમદાવાદમાં પ્રવેશે છે ત્યારે તેમાં લગીરે એક બુંદ સમું ય પાણી આગળથી આવતું નથી ! અમદાવાદમાં રીવરફ્રન્ટ યોજના બનાવી અને નદીમાં પાણી દેખાય ને લોકો માટે ઉજાણી ને હરવાફરવાનું સ્થાન બને એ રીતે તેમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે. આ નદીનું ઉછીનું આવતું પાણી તળાવનાં જેવું સ્થિર છે. હવે સાબરમતી વહેતી નદી તો છે જ નહીં.
પાંચ દિવસ ના સાબરમતી સફાઈ અભિયાનનાં છેવટના દિવસે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નદીમાંથી કચરો કઢાવી પૂર્ણાહુતિ કરાઇ. આ પ્રસંગે ટીવી ચેનલોને ઈન્ટરવ્યુ આપતા તેમણે કહ્યું કે 'આપણે લોકો જ પ્લાસ્ટિક જેવો કચરો નદીમાં નાંખીએ છીએ, જેનાં થરનાં થર અહીં નદીમાં જામી ગયાં છે. હવે તમે જ કહો કે પાણી પછી જમીનમાં કેવી રીતે ઊતરે ?તમારે ત્યાં પછી ભૂગર્ભમાં પાણી ક્યાંથી આવે ?'
ગુજરાતના શિક્ષણપ્રધાનના આ વિધાનો સાંભળતાં – વાંચતાં સવાલો તો મહત્ત્વના એ ઊઠે જ કે શું આ રીવરફ્રન્ટ પર નંખાતા ખાણીપીણીને ધાર્મિક કાર્યક્રમોના કચરાને લઈને જ, જામેલા થરને કારણે જ સાબરમતીમાંથી ભૂગર્ભ જળ ઊતરતાં રોકાયાં છે કે પછી આ મોજમજાને નદીકાંઠાની જમીનોને વેચવાને જમીનોના ભાવ ઊંચકાવવા બનાવવામાં આવેલા સિમેન્ટ કોન્ક્રીટના રીવરફ્રન્ટને કારણે નદીનાં જળ ભૂગર્ભમાં ઊતરતાં રોકાયાં ?નદીનો પટ સાંકડો કરી નંખાયો. જેને લઈ અગાઉથી જ નદી નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આ રીવરફ્રન્ટનાં ચમકદમકવાળા કહેવાતા વિકાસ કરવાથી શહેરને માટે જરૂરી ભૂગર્ભ જળ ઊતરતાં રોકાશે.
તો બીજો મહત્ત્વનો સવાલ એ થાય છે કે તો પછી ગુજરાત રાજ્યના એક જવાબદાર વરિષ્ઠ પ્રધાન આવું અર્ધસત્ય તે કેમ બોલે છે ? નદીના કચરા માટે, ભૂગર્ભ જળ અવરોધવા માટે લોકોનો જ વાંક, આમ જનતાની જવાબદારી એમ કહીને છટકી જવાની આ ચાલ છે ? કે પછી નદીના કચરા માટે જવાબદાર મહત્ત્વના ગુનેગારો ને છાવરવાની પેંતરાબાજી ?
આ દિશામાં જ સવાલો તો પ્રદૂષણની ચિંતા કરનારા ગુજરાતના કર્મશીલો સરકારને પૂછતાં રહ્યા છે, તે અંગે સરકાર સામે સતત રજૂઆતો કરતા રહ્યા છે.
નદી સફાઈ અભિયાન તો અમદાવાદ શહેરમાં પુલ પરથી દેખી શકાય એવી અને એટલી નદીનું થયું પણ અમદાવાદ પછી ખંભાતની ખાડી સુધી નદીની લંબાઈ દોઢસો કિલોમીટરથી વધુ છે અને તે નદીના કિનારે સેંકડો વર્ષોથી વસેલાં ગામડાંઓમાં જે હાલત પાણીની અને સાબરમતી નદીની થઈ છે તે ભારે જોખમી અને ચિંતાજનક છે. લોકો, પશુઓ જાતભાતના પાણીજન્ય રોગોમાં સપડાઈ ચૂક્યાં છે. ધીમા ઝેરે રોજેરોજ લાખો લોકોને મોત તરફ ધકેલી દેવાનો જાણે કે આ ખેલ બની ચૂક્યો છે.
અને તેનું કારણ છે અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારો, જેમાં મહત્ત્વના કેમિકલ ઉદ્યોગો આવેલાં છે તેમાંથી જે ઝેરી શુદ્ધિકરણ કર્યા વિનાના કેમિકલયુક્ત કચરા, રગડા નીકળે છે તે બધાં જ બેરોકટોક, ગેરકાયદેસર રીતે નદીમાં જ વર્ષોથી ઠલવાતાં રહ્યાં છે. તેને રોકવાના, ટોકવાના કડક પગલાં નથી મ્યુનિસિપલ કોર્પોરેશન લેતું કે નથી લેતી સરકારી પ્રદૂષણ વિભાગની કચેરી કે નથી લેતાં સરકારના જવાબદાર પ્રધાનો – આગેવાનો !
આ સાબરમતી નદી સફાઈ અભિયાન દરમિયાન એક પણ નેતા કે સરકારી અધિકારી નદીમાં ઠલવાતાં આ પ્રદૂષિત કેમિકલ કચરાને રોકવા કડક હાથે કામ લેવાશે એ અંગે બે શબ્દો પણ બોલ્યા નથી એ પણ હકીકત છે.
સૌથી હાસ્યાસ્પદ વાત આ અભિયાન વખતની એ રહી કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે હવે શહેરમાં નદી કાંઠે સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવશે અને નદીમાં કચરો નાખનારને ઝડપી લઈ દંડ વસૂલ કરવામાં આવશે !
પણ એવી જાહેરાત ક્યાં ય જોવામાં ના આવી કે શહેરના અને શહેર બહાર જ્યાં જ્યાંથી ઔદ્યોગિક કચરો, કેમિકલ કચરો ઠલવાઈ રહ્યો છે તે બધાં માટે દોષિતોને તાત્કાલિક પકડીને તેમની સામે પોલીસ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે !
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ એટલી વાત કરી કે મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ ગટરના જે ગંદાં પાણી નદીમાં સીધાં જ છોડે છે તેના બદલે શુદ્ધિકરણ પ્લાન્ટમાં શુદ્ધ કર્યા બાદ જ નદીમાં છોડશે.
વળી સરકાર દ્વારા જ્યાં જ્યાં કેમિકલ ઉદ્યોગો છે તે દરેકને કડક રીતે, ફરજ પાડીને ખાસ પ્રકારના જરૂરી કેમિકલ્સ શુદ્ધિકરણનાં પ્લાન્ટ નાખવાનું ય હજી લગી કહેવાતું નથી. કેમિકલ ઉદ્યોગવાળા હમ્મેશાં એવું કહેતા રહ્યા છે કે આવાં પ્લાન્ટ નાખવાં અમને ખૂબ મોંઘાં પડે. અને તે દલીલને માની લઈ સરકારે આ બધાં ઔદ્યોગિક એકમોને સંયુક્ત-સહિયારા પ્લાન્ટ ઊભા કરવાની મંજૂરી આપેલી છે.
હવે સવાલ એ છે કે ગંદા પાણીને શુદ્ધ કરવા સહિયારો શુદ્ધિકરણ પ્લાન્ટ હોઈ શકે પણ જુદા જુદા કેમિકલ્સનો સહિયારો શુદ્ધિકરણ પ્લાન્ટ કેવી રીતે હોઈ શકે ? કેમિકલયુક્ત કચરા -પ્રવાહીને તો અલગ-અલગ જ સાફ કરવાની જે તે કેમિકલ પ્રમાણે પ્રક્રિયા-પદ્ધતિ હોય ! એ બધાં કેમિકલ્સને સામૂહિક રીતે એકત્ર કરી તે કેવી રીતે એક જ ધોરણથી સાફ કરી શકાય ?
પણ સરકાર હંમેશાં દેખાડો કરવામાં હોંશિયાર હોય છે. જે ખરેખરા સમાજના ગુનેગારો છે, જેઓ સમૃદ્ધ છે અને તેમના સહિયારાપણામાં જ સરકારો ચાલતી હોય છે એટલે તેમના પર લાલ આંખ કરવાની કોઈ સરકારો હિમ્મત કરતી નથી.
પર્યાવરણના ગંભીર સવાલો જ્યારે આજે ઊભા થયા છે, ત્યારે ઉપરચોટિયા મલમપટ્ટા લગાડવાનાં કામો કરીને સરકાર ધન્યતા અનુભવે છે.
આ નદી સફાઈ અભિયાનની જેમ જ વૃક્ષો વાવવાનું અભિયાન આજથી સાત-આઠ વર્ષ પહેલાં ગુજરાત સરકારે કરેલું અને એક જ દિવસમાં પચાસ લાખ વૃક્ષો વાવવાનો વિક્રમ નોંધાવ્યો એવો કૂદી કૂદીને પ્રચાર ગુજરાત સરકારે ટીવી છાપાંમાં કર્યો હતો. પણ એ પચાસ લાખ વૃક્ષોમાંથી કેટલાં ઊછર્યાં અને આજે હયાત છે તેની વાત કોઈ કરતું નથી. રાત ગઈ ઔર બાત ગઈ જેવો ઘાટ ઘડાય છે !
ગયા વર્ષે જ તળાવો ઊંડા કરવાનું અભિયાન આપણા ગુજરાતમાં સરકારે ચલાવ્યું હતું ને કરોડો રૂપિયા ખર્ચી ગામેગામ આવાં શામિયાણા બાંધી પ્રધાનોની આગેવાનીમાં કાર્યક્રમો થયેલાં. ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્રેક્ટર પર બેસીને, સૂકાં તળાવમાં જઈને તળાવ ઊંડા કરાવવાનો શુભારંભ કરાવેલો તેનાં જોયેલાં ફોટા -વીડિયો અત્યારે યાદ આવે છે.
પરંતુ આજે નદી સ્વચ્છતા અભિયાન વખતે ગુજરાતમાં ગયા વર્ષે કેટલાં તળાવો ઊંડા થયાં અને આ કારમા ઉનાળે એ ઊંડા થયેલાં તળાવોમાં કેટલું પાણી છે યા પાણી છે કે નહીં તેની કોઈ વાત કરતું નથી.
પણ ભૂગર્ભ જળ ની ભારે કટોકટી હોવાં છતાં આ વર્ષ દરમિયાન જ આપણાં ગુજરાતમાં 678 પાણીના બોર ખોદવાની મંજૂરી આપી છે એ વાત ય સરકારની પાણી વિષયક ઢીલીપોચી નીતિને ઊઘાડી પાડનાર વાત બની રહે છે.
સાબરમતી નદીનું આ અભિયાન એટલા માટે પણ કરવાની સરકારને ફરજ પડી કે નદી શુદ્ધિકરણ માટે સુપ્રીમ કોર્ટે 2017ના એક ચુકાદામાં ગુજરાત સરકારને કડક ચેતવણી પણ આપેલી છે.
સાબરમતી સૌથી વધુ પ્રદૂષિત નદી છે અને તે અંગેના નિષ્ણાતોના રિપોર્ટોને લઈ સુપ્રીમ કોર્ટે વારંવાર ફટકાર તો સરકારને લગાવી જ છે તે ઉપરાંત જે ઝેરી કચરો નદીમાં ઠલવાય છે તેને તાત્કાલિક બંધ કરવાનાં, તે માટે જરૂર પડે તો જે – તે કેમિકલ ફેક્ટરીઓને બંધ કરી દેવા માટેના હુકમો પણ સુપ્રીમ કોર્ટે કરેલા છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આપણી નદીઓનાં પાણી પીવા માટે ભારે જોખમી બની ચૂક્યાં છે પરંતુ તેથી ય વિશેષ નદી કાંઠે વસતાં ગામોના કૂવા-તળાવો ને ભૂગર્ભ પાણી ઝેરી બની ચૂક્યાં છે જે માત્ર મનુષ્ય નહીં, પ્રાણીઓ, પંખીઓ ને માછલીઓ ને ય જીવવા દે તેવાં નથી. કંઈ કેટલા ય ખેડૂતોનાં ખેતરે પહોંચતા પાણી ઝેરી હોવાને કારણે ભારે નુક્સાન ઉઠાવનારા દહાડા આવી ગયા છે યા આવતા થઈ ગયા છે.
આ બધા ખેડૂતોને વળતર ચૂકવવાની વાત તો બાજુએ રહી, પરંતુ કેમિકલ ફેક્ટરીઓના દૂષિત કચરાને ઠલવાતાં રોકવાના કોઈ ગંભીર પ્રયત્નો સરકાર કરતી નથી.
સરકાર લાંબા ગાળાના પગલાં લેવામાં માનતી જ નથી એવું જાણે કે લાગે છે. જેમ જડમૂળથી રોગ મીટાવવા ને બદલે માત્ર પીડામાંથી આંશિક રાહત આપવા પેઈનકીલરની ટીકડીઓ ડૉક્ટર આપ્યા કરે એવું જાણે કે સરકાર કરતી હોય એવું લાગે છે.
પીવાનું પાણી કયું યોગ્ય ગણાય ? – તે માટે પાણીમાંનાં તત્ત્વોનું નિશ્ચિત એવું આંતરરાષ્ટ્રીય ધોરણ છે. જે સરકારે માન્ય કર્યું છે પરંતુ નિષ્ણાતો ના જણાવ્યા અનુસાર ચોંકાવનારી વાત એ છે કે તે ધોરણોમાં,પીવા યોગ્ય પાણીના ધોરણોમાં પણ આપણી સરકારે ખુદ છૂટછાટો ઊભી કરી તેને બદલી નાખ્યાં છે.
ગુજરાત પાણી પુરવઠા બોર્ડનો 2017-18ના વાર્ષિક અહેવાલ જણાવે છે કે પીવાનાં પાણીમાં ટી.ડી.એસ.નું પ્રમાણ એક લીટર દીઠ 500 મીલીગ્રામ સુધી સ્વીકાર્ય છે, પણ રાજ્ય સરકારે પાણીના વૈકલ્પિક સ્રોતની ગેરહાજરીમાં આ પ્રમાણ 2000 ટી.ડી.એસ. કરી નાખ્યું છે. ‘પર્યાવરણ મિત્ર’ નામનાં સામયિકના જણાવ્યા પ્રમાણે કુલ 13 ધોરણોમાંથી 10 ધોરણોમાં સરકારે સ્વીકાર્ય મર્યાદા કરતાં માન્ય મર્યાદા વધારી દીધી છે !
આવાં છૂટછાટવાળા ધોરણોને પણ પાર કરીને આપણી નદીઓનાં પાણી દૂષિત થઈ ગયાં છે અને જેને પીવા લાખો લોકોને ફરજ પડી રહી છે.
પાણીજન્ય રોગોમાં રોજેરોજ લોકો સપડાતા રહે છે અને તેની માત્રા સરકારની ઢીલીઢાલી નીતિને લઈ વધતી જશે અને પીવાનાં પાણીની આવતીકાલ કેવી વસમી હશે તેની કલ્પના કરવી ય હવે તો મુશ્કેલ છે.
સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”,19 જૂન 2019
https://www.facebook.com/manishi.jani/posts/2500475446638279