બે મહિનાથી ચાલતું ખેડૂતોનું આંદોલન લોહિયાળ બન્યું ને એનાથી સરકારનો હાથ ઉપર રહ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલી એક્ટર રેલી હોય તેમ તેનાં વરવાં ચિત્રો બહાર આવ્યાં છે. રેલીમાં અસામાજિક તત્ત્વો ઘૂસી ગયાં અને હિંસા તેણે ફેલાવી એવો બચાવ કામ લાગે એમ નથી. આવાં આંદોલનો કે રેલીમાં આવું બનતું જ હોય છે ને એનો ખ્યાલ રેલીના આયોજકોને હોવો જ જોઈએ. જાહેર આંદોલનોમાં ન થવાનું થાય તો તેનો વિચાર પહેલાં કરવાનો રહે. બે મહિનાથી શાંત રીતે ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન 26 જાન્યુઆરીના, 72માં ગણતંત્ર દિવસે જ હિંસક બન્યું એ દુખદ છે ને એથી ય વધુ દુખદ એ છે કે આને કારણે ખેડૂતોએ જનતાની સહાનુભૂતિ ગુમાવી દીધી છે.
ખેડૂતોને ગણતંત્ર દિવસની પરેડને દિવસે જ સમાંતરે ટ્રેક્ટર રેલી યોજવાની મંજૂરી આપવાનું જોખમી હતું, છતાં ખેડૂતો પર વિશ્વાસ મૂકીને પોલીસે રેલીની મંજૂરી આપી ને ખેડૂતોએ વિશ્વાસઘાત કર્યાનું પોલીસનું માનવું છે. ખેડૂતો તલવાર સાથે પોલીસો પર ધસી ગયા હોય એવાં ચિત્રો બહાર આવ્યાં છે જે ખેડૂતોની તરફેણમાં જતાં નથી.
રેલીના આયોજકો ને આંદોલનના અગ્રણીઓએ કેટલીક ભૂલો કરી છે.
1. સરકાર કૃષિકાનૂનોની કલમ દીઠ ચર્ચા કરવા તૈયાર હતી ત્યારે કાયદાને રદ્દ કરવાની જીદ વધારે પડતી હતી.
2. ખેડૂતોનું આંદોલન ઉત્તર ભારતના ખેડૂતો પૂરતું જ સીમિત જણાઈ રહ્યું છે. ભારતના બધા ખેડૂતો એમાં સંકળાયા નથી. એ સ્થિતિમાં સરકાર બધા ખેડૂતોને ધ્યાનમાં રાખીને કાયદા કરી બેઠી હોય તો તે રદ્દ કરવા તૈયાર ન થાય તે સમજી શકાય તેવું છે. એ સંજોગોમાં પણ કાયદા રદ્દ કરાવવાની હઠ કેટલી યોગ્ય છે તે વિચારવાનું રહે.
3. સુપ્રીમકોર્ટની દખલથી સરકાર ત્રણે કૃષિ કાનૂનો દોઢ વર્ષ માટે લાગુ ન કરવા તૈયાર થઈ, તો એ વાત ફગાવવાની ખેડૂતોને કઈ અનિવાર્યતા હતી તે સમજાતું નથી. આ પ્રસ્તાવ સ્વીકારાયો હોત તો આવનારા દોઢ વર્ષમાં કાનૂનો રદ્દ કરાવવાનો પૂરતો સમય મળ્યો હોત અને આખા દેશના ખેડૂતોને વિશ્વાસમાં લઈને કાનૂનો રદ્દ કરાવવાનું સરળ થઈ શક્યું હોત, પણ ખેડૂતોએ એ તક ગુમાવી ને સુપ્રીમનો અનાદર કરવા જેવું થયું. ખેડૂતોને કદાચ એવો ભય હોય કે દોઢ વર્ષમાં આંદોલન નરમ પડે ને સરકારનો કદાચને એવો હેતુ હોય તો પણ, ખેડૂતોએ ક્યારેક તો આંદોલન સમેટવાનું જ હતું ને દોઢ વર્ષ, નાનો સમયગાળો ન ગણાય, પણ કાયદા રદ્દ કરાવવાની હઠમાં અત્યારે હાલત એ છે કે આંદોલન હટી જવાની સ્થિતિમાં છે.
4. રેલી નક્કી કરેલા સમય કરતાં વહેલી કાઢવાનું કારણ શું હતું તેની સ્પષ્ટતા નથી.
5. સૌથી મોટી ભૂલ તે રેલીનો માર્ગ બદલાયો તે છે. લાલ કિલ્લા તરફ જવાનું જ ન હતું ને રેલી એ માર્ગે આગળ વધી ત્યારે આયોજકો એને રોકી ના શક્યા. એનો અર્થ એ થયો કે કેટલાક ખેડૂતો પર આયોજકોનો કાબૂ ન હતો. આવું હતું તો રેલી કાઢવાની જરૂર હતી ખરી? જે બબાલ થઈ તે રૂટ બદલાયા પછી થઈ છે. રેલીનો માર્ગ બદલાયો એને કારણે લાલ કિલ્લામાં તોડફોડ થઈ, પોલીસ પર આક્રમણો થયાં અને લાલ કિલ્લા પર ત્રિરંગા ઉપરાંત અન્ય ધ્વજો ફરક્યા. રાષ્ટ્રધ્વજનું માન જાળવવાનું પણ 26મીએ જ ન બન્યું એ દુખદ છે. આ રોકી શકાયું હોત તો મીડિયાને, ખેડૂતોને આતંકવાદી કહેવાનું બહાનું ન મળ્યું હોત.
6. રેલી કે આંદોલનો હિંસક બનવાની સંભાવનાઓનો વિચાર આયોજકોએ કરવો જોઈતો હતો, એમને એ પણ ખ્યાલ આવવો જોઈતો હતો કે આવાં ઉપક્રમોનો અસામાજિક તત્ત્વો કે રાજકીય પરિબળો લાભ લેતાં જ હોય છે. સરકાર નથી ઇચ્છતી હોતી કે આંદોલન કે રેલી સફળ થાય એટલે એને અસફળ કરવા એ પણ સામ, દામ, દંડ, ભેદ અજમાવતી જ હોય છે. આ ઉપરાંત આંદોલનના સૂત્રધારોમાંના કોઇકે રેલી દરમિયાન લાઠી સાથે રાખવાની વાત કરી હોવાનું પણ વાયરલ થયું છે. આમ હોય તો રેલી હિંસક બને એવું કદાચ આયોજકો જ ઇચ્છતા હતા એવું નહીં?
આનું પરિણામ એ આવ્યું છે કે ખેડૂત સંગઠનો અલગ થવા લાગ્યા છે. બે સંગઠનોએ રેલી દરમિયાન ઘટેલી હિંસાને કારણે આંદોલનમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે. પહેલી ફેબ્રુઆરીએ સંસદકૂચ નીકળવાની હતી તે પણ હવે મોકૂફ રખાઈ છે. દિલ્હીની સરહદો નજીક રહેતા ગ્રામવાસીઓએ પણ સરહદો ખાલી કરવાનું ખેડૂતોને કહી દીધું છે. તેમણે આંદોલન અહિંસક રહ્યું ત્યાં સુધી ખેડૂતોને નભાવ્યા છે, પણ હવે તેઓ ઇચ્છે છે કે સરહદો ખાલી થાય. એટલે સરહદી ગ્રામજનોની સહાનુભૂતિ પણ ખેડૂતોએ ગુમાવી છે.
ટૂંકમાં, કૃષિ કાનૂનોની વિરુદ્ધમાં શરૂ થયેલું આંદોલન તેનો મિજાજ ગુમાવી ચૂક્યું છે ને હવે સરકાર તેનો મિજાજ બતાવે તો નવાઈ નહીં.
સરકારને પક્ષે પણ પૂરતી જોહુકમી જોવા મળી છે.
1. કૃષિકાનૂનો ખેડૂતો માટે જ ઘડાયા છે તો તેમને વિશ્વાસમાં ન લઈને અને ઉદ્યોગપતિઓને વિશ્વાસમાં લઈને સરકારે શું સિદ્ધ કરવું હતું તે સ્પષ્ટ નથી.
2. સરકારે બહુમતીને જોરે કાયદાઓ ધ્વનિમતથી ઉતાવળે પસાર કરાવીને મનમાની કરી છે તેની ના પાડી શકશે નહીં.
3. જેને માટે કાયદાઓ ઘડાયા હોય તેમને એ મંજૂર ન હોય ને બબ્બે મહિનાથી દિલ્હીની સરહદો પર સખત ટાઢમાં આંદોલન ચાલુ રહ્યું હોય ત્યાં કૃષિ કાનૂનો કોઈ પણ સંજોગોમાં રદ્દ નહીં થાય એવી જાહેરાત સરકારને શોભતી નથી.
4. સરકારે એ સ્પષ્ટ કરવું જોઈએ કે આ કાયદાઓ રદ્દ કરવાથી તેને કે અન્યને શું નુકસાન છે?
5. રેલી ફંટાઈ એ પછી દીપ સિધ્ધુ નામના એક ફિલ્મી કલાકારના સમર્થક અને પ્રચારકનું નામ ચર્ચામાં છે. એણે રેલીને ઉશ્કેરવાનું કામ કર્યું અને લાલ કિલ્લા પર ત્રિરંગાની પાસે અન્ય વાવટાઓ ફરકાવ્યા. જો કે પેલા ફિલ્મી સાંસદે દીપ સિધ્ધુ સાથેના સંબંધોને નકાર્યા છે, એ સાચું હોય તો પણ તે ભા.જ.પ.નો વગવાળો સમર્થક તો છે જ. એને આંદોલનના કોઈ નેતાએ બોલાવ્યો નથી, તો એ ત્યાં કેમ હતો ને કોના કહેવાથી હતો તે સ્પષ્ટ થવું ઘટે.
6. સરકાર એવું પણ માને છે કે ખેડૂતો વિપક્ષોનો હાથો બની ગયા છે અને ખેડૂતોને નામે વિપક્ષો પોતાના હેતુઓ સિદ્ધ કરી રહ્યા છે. એ સાચું હોય તો પણ ખેડૂતોને કાયદાઓ સામે જે વાંધા છે તેની સચ્ચાઈ સામે આંખ આડા કાન કરી શકાય નહીં. એવું તો ન જ હોય કે માત્ર વિપક્ષોનો હાથો બનવા ખેડૂતો કૃષિ કાનૂનોની સામે પડે. એટલી સમજ તો સાધારણ ખેડૂતોમાંયે હોય કે કૃષિકાનૂનોના લાભ જતાં કરીને વિપક્ષોના હાથા ના બનાય. એટલું સ્પષ્ટ છે કે નવા કૃષિ કાનૂનોમાં સંગ્રહખોરીને ઉત્તેજન છે અને ખેડૂતોને ઉદ્યોગપતિઓ કે વેપારીઓની શરતે પોતાની ઉપજનું મળવું જોઈતું વળતર મળે એમ નથી.
એમ લાગે છે કે ટ્રેક્ટર રેલી અહિંસક રહેવાના ઇરાદાથી શરૂ થઈ હોય અને પછી લાલ કિલ્લામાં ઉપદ્રવ કરવાને ઇરાદે કેટલાંક તત્ત્વો સક્રિય થયાં હોય. કેટલાંક અસામાજિક તત્ત્વો આમ પણ રેલીનો કબજો લેવા માંગતા હતા અને તેઓ આગલે દિવસથી જ પોલીસે સૂચવેલા રેલીના રૂટનો વિરોધ કરતાં હતાં. આ તત્ત્વો અંદરનાં હતાં કે કોઈ રાજકીય ઈશારે બહારથી સક્રિય હતાં તે ચોક્કસ નથી. અત્યારે તો આ અટકળ જ છે, પણ દીપ સિધ્ધુ અટકળ નથી ને તેની ભૂમિકા પૂરેપૂરી શંકાસ્પદ છે.
સાધારણ રીતે પોલીસ આંદોલનમાં કડકાઈથી વર્તતી હોય છે, પણ લાલ કિલ્લા પ્રકરણમાં તે ભારે સંયમથી વર્તી છે, એટલું જ નહીં, પોલીસના હાથમાંથી ટીયરગેસની ગન આંચકી લેવાઈ હોય અને પોલીસ શાંત રહે એવું ભાગ્યે જ બને. લાલ કિલ્લામાં એ બન્યું. આ ઉપરાંત લગભગ ચારસો જેટલા પોલીસો ખાઈમાં ફેંકાવાને કારણે કે અન્ય રીતે ઘવાયાની વાત પણ છે. 40 થી વધુ એફ.આઇ.આર. નોંધાઈ છે ને 200થી વધુની અટકાયત થઈ છે. દિલ્હી પોલીસે ધાર્યું હોત તો લાલ કિલ્લો વધુ લાલ થયો હોત, પણ તેમ ન થયું તેનો યશ પોલીસને આપવો ઘટે.
એ તો જે હોય તે, પણ ખેડૂતોનું આંદોલન હાલ તરત તો ઘોંચમાં પડ્યું છે ને સરકાર હવે કૃષિકાનૂનો લાગુ કરવામાં ઝડપી બને તો નવાઈ નહીં. એ દુખદ છે કે બે મહિનાથી ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન, તેમાં આવેલાં હિંસક વળાંકને કારણે એકાએક જ નિરર્થક થઈ ગયું છે. હા, એ એટલું નિરર્થક ન હતું તે ખરું !
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જાન્યુઆરી 2021