'ફેરફાર’, ‘28 પ્રેમકાવ્યો' અને હવે ત્રીજા વર્ષે 'માટી’ આપીને ઉમેશ સોલંકીએ નવો ચીલો ચાતરવાનું વલણ દાખવ્યું છે, સાવ સ્વાભાવિક રીતે.
સમજી-વિચારીને પણ ઉમેશ આવું લખી શકે. પૂરતું ભણેલા છે અને શોધકાર્યમાં સક્રિય છે, પણ એમનું લેખન પાણીના રેલાની જેમ ચાલે છે. પાછળ પુરવઠો હોય તો પાણી આગળ ચાલે, એને એનો ઢાળ મળી જાય.
'માટી’ પંચોતેર પૃષ્ઠની નાનકડી ચોપડી છે. એમાં નવ રેખાચિત્રો છે. એકબે રચનાઓને બાદ કરતાં આ રેખાચિત્રો આદિવાસી વ્યક્તિઓનાં છે. લેખકે પ્રત્યક્ષ અનુભવ પછી આ રેખાચિત્રો લખ્યાં છે. પોતે ઓશિંગણ હોય એવું જણાવી પુસ્તક આ શબ્દોમાં અર્પણ કર્યું છે. 'ભલે ભણેલી નથી, પણ ગણેલી આદિવાસી બહેનોના બનેલા દેવગઢ બારિયા (દાહોદ) અને ઘોઘંબા (પંચમહાલ) તાલુકામાં આદિવાસી ગામોમાં કાર્યરત ‘દેવગઢ મહિલા સંગઠન'ને અર્પણ.”
આઝાદી પછી ઝીણાભાઈ દરજી, સનત મહેતા, ઇન્દુફુમાર જાની, ભીખુભાઈ વ્યાસ અને દર્શક-લોકભારતીના વિદ્યાર્થીઓએ સગવડ વિનાના સરહદી વિસ્તારોમાં જાગૃતિ અને સંગઠનનું કામ કર્યું છે. મહિલા સંગઠનો પણ રચ્યાં છે. એમણે પોતાની કારકિર્દી ઊભી કરી છે, આરામમાં પડ્યાં નથી, જાગે છે ને જગાડે છે. ઉમેશ સોલંકી મૂળ સાબરકાંઠાના વડાલી ગામના. ગ્રામવિસ્તારનાં નિરીક્ષણો એમના લેખનમાં અગાઉથી છે. અહીં ‘માટી’ સાથે જીવતર જોતરતા અને જોખમ ઉઠાવી સુખે-દુઃખે ટકી રહેતા અદના માણસો માટે સહજ લાગણી વ્યક્ત થઈ છે. કોઈ રેખાચિત્ર લંબાવ્યું નથી, આદિવાસી પાત્રોને અનુરૂપ ભાષા અને રચનારીતિ અપનાવી છે, એમની બોલચાલની લઢણો દાખવી છે. ક્યારેક એમ લાગે કે ધ્વનિમુદ્રિત કરેલું અહીં લિપિમાં ઊતર્યું છે. પહેલું રેખાચિત્ર 'શોભુ’ ('શૉન્તુ') દલિત યુવક્ની વીતકકથા જેવું લાગે. બાકીનાં આઠ મુખ્યત્વે આદિવાસી પરિવારો અને એના મુખ્ય આધાર સ્ત્રીઓની યાતના અને એમાંથી બહાર આવવાનો નિર્દેશ કરે છે. મિત્સ્કાબહેને ‘ગિરાસમાં એક ડુંગરી’નાં રેખાચિત્રોમાં સ્ત્રીઓના યૌન શોષણનું આલેખન ભારપૂર્વક કર્યું છે. અહીં આર્થિક-સામાજિક સ્થિતિનું આલેખન છે. આદિવાસી સમાજના આંતરિક વ્યવહારોનો નિર્દેશ છે. એમાં બુરાઈ છે તો ભલાઈ પણ છે. ઉત્કર્ષમાં મહિલા સંગઠન નિમિત્ત બન્યું હોય તો એનો ઉલ્લેખ પણ છે. લેખકે જોયું અને જાણેલું લખ્યું છે. ‘અંધારું’નો આરંભ જોઈએ.
‘ઢેડી, ઠેસ પહોંચાડતો શબ્દ. ઢેડીબહેન, ઠેસમાં આશ્ચર્યનું ઉમેરણ કરતું નામ. ઢેડીબહેન નાયક, આશ્ચર્યયાં વિચારને દાખલ કરતી જ્ઞાતિ. મન કાઠું કરીને રવીકારીએ, તો આ નામ કોઈ દલિત બહેનનું હોવું જોઈએ, પણ ના, પચીસ વર્ષનાં આદિવાસી બહેનનું નામ ઢેડી, એ પણ સરકારી ચોંપડે નોંધાયેલું. (પૃ. 20)
નવાં જન્મેલાં સંતાનો જીવતાં ન હોય તો આવું તેવું નામ રાખવાની અંધશ્રદ્વા છે. ક્યારેક બાળકનાં કપડાં માગીને પહેરાવવાં તો ક્યારેક અન્ય સ્ત્રીના દૂધનો સહારો લેવા જેવી ઘટનાઓ બનતી હોય છે. ઢેડીબહેનના પતિનું ચાલ્યા જવું, પછી પિયરમાં મા-બાપ સાથે રહેવું, એ વિગતો વર્ણવીને લેખકે એક સહન કરતી નારીનું ચિત્ર આપ્યું છે.
કેટલીક વિગતો ધ્યાન ખેંચે છે. કેટલાં બાળકો ઢોર ચારે છે આ વિસ્તારોમાં? લાલો નથી ભણતો કેમ કે ગોવાળિયો છે.
'દાહોદ અને પંચમહાલ જિલ્લાના આદિવાસી ગ્રામીણ વિસ્તારમાં બકરાં ચરાવતા છોકરાને ગોવાળિયો અને છોકરીને ગોવાળિયણ કહેવામાં આવે છે. સરકારી આંકડા મુજબ ખેતી અને બકરાં ચરાવવાના વ્યવસાયમાં દાહોદ જિલ્લામાં 423 બાળકો જોડાયેલાં છે, પરંતુ વાસ્તવિકતા જરી જુદી છે. અનુભવે જણાયું છે કે આદિવાસી વિસ્તારમાં દરેક ગામમાં ઓછામાં ઓછા પાંચ ગોવાળિયા છે એટલે કે દાહોદ જિલ્લાનાં 696 ગામોમાં 3480 ગોવાળિયા છે.’ (પૃ. ૩7)
‘સૂકી માટી ભીની માટી’નાં નંદાબહેનનું જીવન બે ભાગમાં વહેંચાયેલું છે. ઉત્તર જીવન લીલી માટી જેવું છે. નંદાબહેન અન્ય સ્ત્રીની આગેવાની કરે છે. અરજીની નોંધ લેવા તલાટી તૈયાર નથી. નંદાબહેન સંગઠનના બળે સફળ થાય છે. પછી તલાટી ધમકી આપે છે.
‘બીજા દિવસે નંદાબહેનને તલાટીનો ગ્રામપંચાયતના દરવાજે ભેટો થઈ ગયો. તલાટીએ વખત ઓળખ્યો. વિચાર્યું નંદા એકલી છે. કાલ તો ટોળું હતું એટલે મોં ફાડી ફાડીને બોલતી હતી. આજે ધમકાવીને એની બોલતી બંધ કરી નાખું, ને પોતાનું મોં ફાડ્યું, ‘આંય કેમ આવે લિયો કે રસ્તા ઉપર ગાડી ચડાવીને મારી નાખીશ.’ નંદાબહેન થોડું મલકયાં, કશું બોલ્યાં નહીં. બીજા દિવસે તલાટીએ જે રસ્તા પર ગાડી ચડાવવાની વાત કરી હતી એ રસ્તે જ઼ઈને ઊભાં રહ્યાં. તલાટી ભોંઠા પડી ગયા. ગામમાં પછી નરેગા અંતર્ગત કામ શરૂ થયું. (પૃ.50, માટી)
પ્રકાશન નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચનું છે. સરનામું છાપ્યું નથી.
(“દિવ્ય ભાસ્કર”ની 'રસરંગ' પૂર્તિમાં રઘુવીર ચૌધરીનો લેખ, પૃષ્ઠ – 5; 30 જૂન, 2019)