સ્ત્રીઓ માટેનું પહેલું ગુજરાતી સામયિક
તેનાં તંત્રી પુતળીબાઈ કાબરાજી
એ તો હેમ જડેલા હીરા છે
ના, જી. એ જમાનામાં આંતરરાષ્ટ્રીય નારી દિવસનો તો કોઈને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો. કારણ નારીવાદનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું. છતાં મુંબઈના પારસીઓએ ૧૮૫૭માં એક પહેલ કરી હતી. આવું કામ કરનારા તેઓ માત્ર મુંબઈમાં જ પહેલા નહોતા, માત્ર ગુજરાતી ભાષામાં જ પહેલા નહોતા, પણ આખા હિન્દુસ્તાન દેશમાં અને તેની બધી ભાષાઓમાં પહેલા હતા. ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે આપણા દેશની બધી જ ભાષાઓમાં સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું માસિક પ્રગટ થયું. અને એ પ્રગટ થયું હતું આપણી ગુજરાતી ભાષામાં, અને આપણા મુંબઈથી. એ માસિકનું નામ ‘સ્ત્રીબોધ’. ૧૯મી સદીમાં સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં મુખ્યત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ પારસી સમાજ સુધારકોના ધ્યાનમાં એ વાત ઝટ આવી ગઈ કે આ પ્રવૃત્તિમાં સ્ત્રીઓને ભાગીદાર નહિ બનાવીએ તો સુધારો ઊંડાં મૂળ નાખી નહિ શકે. એટલે તેમણે ખાસ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખ્યાં અને આ ‘સ્ત્રીબોધ’ જેવું માસિક શરૂ કર્યું.
જરા વિચાર કરો, એ વખતે હજી યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ નહોતી, બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં ભણનાર છોકરીઓની સંખ્યા સાવ નાની, એટલે આપણા દેશમાં માંડ એક ટકો સ્ત્રીઓ વાંચી-લખી શકતી. દેશમાં નહોતી વીજળી આવી, વાહન વહેવાર અને સંદેશ વ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. એવે વખતે સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો સવાલ જ નહોતો, પણ ખોટ જાય એ કેમ કરી પૂરવી? ડોસાભાઈ ફરામજી કામાજી નામના એક ઉદાર સખાવતીએ કહ્યું કે ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું ચલાવવા માટે પહેલાં બે વર્ષ હું દર વર્ષે ૧,૨૦૦ રૂપિયા આપીશ. ૧૮૫૭ના બાર સો એટલે આજના નહિ નહિ તો ય બાર લાખ. અને ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે પહેલો અંક બહાર પડ્યો. તેમાં લખાણનાં વીસ પાનાં. ચિત્રો અને જાહેર ખબરનાં અલગ. કેટલાંક લખાણો સચિત્ર – એ વખતે ચિત્રો લંડનમાં તૈયાર કરાવવાં પડતાં હતાં છતાં. બને તેટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકે એ હેતુથી વરસના બાર અંકનું લવાજમ રાખ્યું હતું માત્ર એક રૂપિયો! આ પહેલા અંકમાં શું શું હતું? સૌથી પહેલાં બે પાનાંનો દિબાચો. પછી પાંચ પાનાંનો લેખ ‘મા દીકરાની અરસપરસની ફરજો.’ પહેલા જ અંકથી એક લેખમાળા શરૂ થઈ હતી : લાયકીવાળી ઓરત. જેમાં જાણીતી સ્ત્રીઓનો પરિચય અપાતો. પહેલા અંકના લેખમાં રાણી વિક્ટોરિયાનો પરિચય લગભગ ત્રણ પાનાંમાં આપ્યો છે ઉપરાંત એક પાનાનું તેમનું રેખાંકન પણ મૂક્યું છે. પછી એક કથા છાપી છે, મારા દોસ્તારની બાયડી. પછીનો લેખ છે માહોમાહેના ફિસાદથી થતી ખરાબી : પંજાબનું રાજ. પછીનો લેખ છે રેતીનાં રણ. પછી પરચૂરણ બીનાઓ એવા મથાળા નીચે ઉપદેશાત્મક ફકરાઓ છાપ્યા છે. છેલ્લે કવિ દલપતરામે સ્ત્રીબોધ માટે ખાસ લખેલા ગરબા/ગરબી છાપ્યાં છે. તેમાંની પહેલી કૃતિમાં મુંબઈ શહેર અને તેના વિકાસમાં પારસીઓએ આપેલ ફાળાની પ્રશંસા કરી છે અને પારસીઓ માટે કહ્યું છે : “એ તો હેમ જડેલા હીરા છે.”
પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું. પણ ત્રીજા વરસથી ૧,૨૦૦ રૂપિયાનું દાન મળવાનું નહોતું. અને તે વગર માસિક ચાલી શકે તેમ હતું નહિ. પહેલા અંકથી જ ‘સ્ત્રીબોધ’ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાતું હતું. તેના માલિકો બહેરામજી ફરદુનજીની કંપનીને ‘સ્ત્રીબોધ’ સોંપી (વેચી નહિ) દેવામાં આવ્યું. આ દફતર આશકારા પ્રેસ એટલે માત્ર ગુજરાતી છાપકામ કરતા પહેલવહેલા પ્રેસની ૧૮૧૨માં મુંબઈમાં સ્થાપના કરનાર ફરદુનજી મર્ઝબાનજીના ત્રણ દીકરાઓનું ૧૮૪૧માં શરૂ થયેલું છાપખાનું. ‘સ્ત્રીબોધ'ના પહેલા તંત્રી બેહરામજી ખરશેદજી ગાંધી. પછી થોડા થોડા વખત માટે સોરાબજી શાપુરજી બંગાળી, જાંગીરજી બરજોરજી વાચ્છા, જજ નાનાભાઈ હરિદાસ, કરસનદાસ મૂળજી, નાનાભાઈ રૂસ્તમજી રાણીના તંત્રી બન્યા. પણ ‘સ્ત્રીબોધ’ને એક આગવું સામયિક બનાવ્યું તે તો કેખુશરૂ કાબરાજી(૧૮૪૨-૧૯૦૪)એ. ૧૮૬૩થી જિંદગીના અંત સુધી તેઓ ‘સ્ત્રીબોધ’ના તંત્રી રહ્યા. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શિરીન, તેમના પછી પુત્રવધૂ પુતળીબાઈ, અને પુતળીબાઈના અવસાન પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં.
પુતળીબાઈ કાબરાજી
કાબરાજીની જેમ તેમનાં પુત્રવધૂ પુતળીબાઈ કાબરાજીએ પણ તંત્રી તરીકે લાંબો વખત ‘સ્ત્રીબોધ'ને સંભાળ્યું. ૧૯૧૨થી ૧૯૪૨ સુધી તેઓ તેના તંત્રી રહ્યાં, અને તેમણે પણ ‘સ્ત્રીબોધ’ માટે પુષ્કળ લખ્યું, પણ તેમાંનું ભાગ્યે જ કશું પછીથી ગ્રંથસ્થ થયું. મૂળ નામ પુતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆ. અદરાયા પછી બન્યાં પુતળીબાઈ જાંગીરજી કાબરાજી. પિતા ધનજીભાઈ પહેલાં પૂનામાં અને પછી મુંબઈમાં શાળા-શિક્ષક. પછી બન્યા મુંબઈની મઝગાંવ મિલના સેક્રેટરી. એલ્ફિન્સ્ટન નાટક મંડળી શેક્સપિયરનાં નાટકો અંગ્રેજીમાં ભજવતી ત્યારે તેમાં ભાગ લેતા અને અભિનેતા તરીકે જાણીતા થયેલા. ‘ગુલીવરની મુસાફરી’ નામનું અનુવાદિત પુસ્તક ૧૮૭૩માં પ્રગટ કરેલું. આ ધનજીભાઈને ઘરે ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પૂનામાં પુતળીબાઈનો જન્મ. જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે પુતળીબાઈ ફક્ત અંગ્રેજીના પેપરમાં જ બેઠાં. બાકીના પેપરમાં જાણી જોઈને ગેરહાજર. કેમ? અંગ્રેજીની આવડત અંગે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિષે નહિ! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’માં તેમનું પહેલું લખાણ છપાયું. ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ૧૮૫૭માં શરૂ થયેલા ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. અમદાવાદના જાણીતા લેખક અને સમાજ સુધારક મહિપતરામ રૂપરામ નીલકંઠનાં પુત્રવધૂ શ્રુંગારનું સોળ વર્ષની ઉંમરે ૧૮૮૧માં અવસાન થયું. મહિપતરામની સૂચનાથી તેણે ‘ચેમ્બર્સ શોર્ટ સ્ટોરીઝ’ નામના પુસ્તકમાંની ટૂંકી વાર્તાઓનો અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું. પુત્રવધૂના અવસાન પછી મહિપતરામે આ અનુવાદ ‘ટૂંકી કહાણીઓ’ નામે પુસ્તક રૂપે પ્રગટ કર્યો. પણ મૂળ પુસ્તકના માત્ર પહેલા ભાગનો અનુવાદ શ્રુંગારે કર્યો હતો. એટલે મહિપતરામે બીજા ભાગના અનુવાદ માટે ‘હરીફાઈ’ જાહેર કરી. તેમાં જે અનુવાદ મળ્યા તેમાં સૌથી સારો હતો પુતળીબાઈ વાડિયાનો. અને ૧૮૮૩માં પ્રગટ થયો ‘ટૂંકી કહાણીઓ’નો બીજો ભાગ. તે માટે મહિપતરામ તરફથી ૬૦ રૂપિયાનું ઇનામ પુતળીબાઈને મળ્યું. એ સમાચાર લંડનના ‘ઇન્ડિયન મેગેઝીન’માં છપાયા. કેપ્ટન આર.સી. ટેમ્પલે એ સમાચાર વાંચ્યા. ડો. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરેલ ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’નામના પ્રતિષ્ઠિત માસિકના ડો. જે.એસ. ફ્લીટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી હતા. ટેમ્પલને પુતળીબાઈને મળવાની ઇચ્છા થઈ. સર જ્યોર્જ કોટનની મદદથી ધનજીભાઈને બંગલે જઈ મળ્યા. તે વખતે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. બાળપણમાં દાદા-દાદી અને બીજાં મોટેરાંઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પુતળીબાઈએ એવી વીસ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોકલોર ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી તે ઇન્ડિયન એન્ટીક્વેરીમાં હપ્તાવાર છપાઈ. જેનું લખાણ આ પ્રતિષ્ઠિત માસિકમાં છપાયું હોય તેવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પુતળીબાઈ.
કેખુશરૂ કાબરાજી અને પુતળીબાઈ
ઇન્ડિયન એન્ટીક્વેરીનાં બારણાં એક વાર ખુલી ગયાં એટલે પુતળીબાઈની કલમ અંગ્રેજીમાં ચાલવા લાગી. પારસીઓ અને હિન્દુઓનાં ગુજરાતી લગ્નગીતોના અંગ્રેજી અનુવાદ કર્યા જે ‘પારસી એન્ડ ગુજરાતી હિંદુ ન્યુપિટલ સોંગ્સ’ નામથી હપ્તાવાર પ્રગટ થયાં. તેની સાથે ગીતોનો ગુજરાતી પાઠ પણ દેવનાગરી લિપિમાં છાપ્યો હતો. ગુજરાતી લગ્નગીતોનો આ પહેલવહેલો અંગ્રેજી અનુવાદ. જાણીતા ઇટાલિયન કવિ પ્રોફેસર માર્કો એન્ટોનિયોના જોવામાં આ અનુવાદો આવ્યા અને તેમણે હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાનાં લગ્નગીતો અને પ્રેમગીતોના અનુવાદ માટે પુતળીબાઈને આમંત્રણ આપ્યું. એન્ટોનિયોએ આ અનુવાદોને ૧૪૦ ભાષાઓનાં ત્રણ હજાર જેટલાં ગીતો સમાવતા પોતાના પુસ્તકના પાંચ ભાગમાં સમાવ્યાં એટલું જ નહિ, તેને આખા સંગ્રહના ‘સૌથી સુંદર આભૂષણ’ તરીકે ઓળખાવ્યાં. પણ પુતળીબાઈનો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને મહત્ત્વનો અનુવાદ તે તો કવિ પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનો અંગ્રેજી અનુવાદ. તે પણ આ જ માસિકમાં ૧૮૯૫ અને ૧૮૯૬ દરમ્યાન ચાર અંકોમાં હપ્તાવાર છપાયો હતો અને તે અનુવાદની સાથે પણ આખ્યાનનો ગુજરાતી પાઠ દેવનાગરી લિપિમાં છાપ્યો હતો. ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રેમાનંદના એક મહત્ત્વના આખ્યાનનો અનુવાદ અંગ્રેજીમાં થાય, અને તે પણ એક પારસી સ્ત્રીને હાથે થાય, અને તે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી સામાયિકમાં પ્રગટ થાય એ એક અસાધારણ ઘટના ગણાય.
ટૂંકી કહાણીઓ માટે પુતળીબાઈને મળેલા ઇનામની નોંધ પરદેશમાં લેવાય તો ‘સ્ત્રીબોધ’ માસિકમાં ન લેવાય એવું તો ન જ બને. વળી પુતળીબાઈ તો આ માસિકનાં લેખિકા હતાં. ૧૮૮૩ના મે અંકમાં નોંધ લેતાં ‘સ્ત્રીબોધે’ લખ્યું’: ‘પુતળીબાઈની સહી હેઠળ ‘સ્ત્રીબોધ’ના વાંચનારાઓનું મનરંજન કરનારી અમારી ચંચળ લખનારી બાઈને વાંચનારી બાનુઓ સારી પેઠે પિછાને છે.’ મહિપતરામ રૂપરામે જાહેર કરેલું ૬૦ રૂપિયાનું ઇનામ ‘અમારી એ ચંચળ મદદગાર બહેનીને મળ્યું છે તેથી અમે મગરૂરી માની લઈએ છીએ અને અમારી મગરૂરીમાં વાંચનારી બાનુઓ ભાગ લેશે એવી આશા રાખીયે છીએ.’ નોંધ સાથે પુતળીબાઈના પુસ્તકમાંથી એક વાર્તા ‘ભોળાનો ભરમ ભાંગ્યો’ પણ ‘સ્ત્રીબોધે’ છાપી હતી. જેને ‘સ્ત્રીબોધે’ ‘એક મદદગાર બહેની’ તરીકે ઓળખાવ્યાં હતાં તે પુતળીબાઈ ૧૮૯૪ના ડિસેમ્બર મહિનાની ૧૬મી તારીખે જાંગીરજી કાબરાજી સાથે અદારાયાં અને કેખુશરૂ કાબરાજીનાં પુત્રવધૂ બન્યાં. જાંગીરજી મુંબઈ સરકારના સ્ટેટ્યુટરી સિવિસ સર્વન્ટ હતા અને અમદાવાદ, સુરત, નાશિક, મુંબઈ, બીજાપુર, ખંભાત, ખાનદેશ વગેરે જગ્યાએ તેમની બદલી થતી રહી. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પુતળીબાઈએ સમાજસેવાનાં કામો ઊલટભેર શરૂ કર્યાં. અને સાથોસાથ ‘સ્ત્રીબોધ’નું સંપાદન પણ સંભાળ્યું.
સતત કામ કરીને પુતળીબાઈનું મન તો થાક્યું નહોતું, પણ હવે શરીર સાથ આપતાં આનાકાની કરતું હતું. પતિ જાંગીરજી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા તે પછી તેઓ અને પુતળીબાઈ અમદાવાદ રહેતાં થયાં. ત્યાં પણ લોકોનું ભલું થાય એવાં કાર્યોમાં બંનેનો બને તેટલો સાથ રહેતો. બંને હવાફેર માટે પંચગની ગયાં હતાં ત્યાં જ ત્રણ દિવસની ટૂંકી માંદગી પછી ૧૯૪૨ના જુલાઈની ૧૯મી તારીખે પુતળીબાઈ બેહસ્તનશીન થયાં. ‘સ્ત્રીબોધ’નો મે ૧૯૪૩નો અંક ‘સ્વ. કેખુશરો કાબરાજી તથા સ્વ. પુતળીબાઈ કાબરાજી સ્મારક અંક’ તરીકે પ્રગટ થયો હતો. તેની પ્રસ્તાવનામાં વિદ્યાબહેન નીલકંઠે લખ્યું હતું : ‘પુતળીબાઈ પોતાના સસરાના ‘સ્ત્રીબોધ’ પત્રમાં ભારે રસ લેતાં. તેમની વાર્તાઓ અને અન્ય લેખો ગુજરાતી વાચક વર્ગમાં ઊલટથી વંચાતાં. કાબરાજીના કુટુંબમાં હિંદુ-પારસી એવા ભેદ નહોતા. એ ભાવના પુતળીબાઈએ ઝીલી લીધી હતી.’
૧૮૫૭માં ‘સ્ત્રીબોધ’ શરૂ થયું ત્યારથી આજ સુધીમાં આપણે કેટલી પ્રગતિ કરી છે ? જ્યારે ભણેલી સ્ત્રીઓનું પ્રમાણ માંડ એક ટકો હતું ત્યારે આવું સામયિક શરૂ થયું અને સારી રીતે લાંબુ જીવ્યું. આજે સ્ત્રી-સાક્ષરતાનું પ્રમાણ ૭૧ ટકા જેટલું હોવાનું કહેવાય છે. ત્યારે આપણી ભાષા પાસે સ્ત્રીલક્ષી સામયિકો કેટલાં છે? ‘સ્ત્રીબોધ’ના પહેલા જ અંકથી તેના માસ્ટ હેડ નીચે નેપોલિયન બોનાપાર્ટનું એક વાક્ય છપાતું : “દેશની હાલત સુધારવાની સરવેથી સરસ રીત એ કે માતાઓ જ્ઞાની થાએ તેમ કરવું.” ૧૬૨ વર્ષ પછી આજે પણ આપણે ઠેર ઠેર સૂત્રો લખવાં પડે છે : બેટી પઢાવ, બેટી બચાવ, મુલગી શીકલી, પ્રગતિ ઝાલી. આવતી કાલે આંતરરાષ્ટ્રીય નારી દિવસ છે ત્યારે આપણે સૌએ આપણી જાતને જે પ્રશ્ન પૂછવા જેવો છે તે આ છે : ૧૮૫૭માં ‘સ્ત્રીબોધ’ માસિક શરૂ થયું તે પછી આટલા દાયકાઓ પછી પણ આપણા સમાજમાં ખરેખર સ્ત્રી-બોધ થયો છે ખરો?
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 07 માર્ચ 2020