મૂળ અરબી કાવ્યઃ સૈમર ઍબુ હૌવૉશ [Samer Abu Hawwash] (પૅલૅસ્ટિAbu Hawન્યન કવિ અને અનુવાદક) [ગુજરાતી અનુવાદઃ રૂપાલી બર્ક]
અંગ્રેજી અનુવાદઃ હુડા ફકરેદીન [Huda Fakhreddine] (અનુવાદક, લેખક, યુનિવર્સિટી ઑવ પૅન્સિલવૅન્યામાં અરબી સાહિત્યના અસોસિયેટ પ્રૉફૅસર)
°
ત્યાં, એક ભૂમિ પર, અમને કહેવામાં આવ્યું,
નથી એ અમારી ભૂમિ,
એક આકાશ નીચે, અમને કહેવામાં આવ્યું,
નથી એ અમારું આકાશ,
મૃત્યુ જીવે છે મારા લોક.
*
ખબર નથી કઈ રીતે અમે પહોંચ્યા અહીં,
જવા માટે જગા નથી બીજી કોઈ.
નિરાશાની ચરમસીમાએ
ડાયસ્પૉરાના દેવને અમે વિનવીએ છીએઃ
આ મૂંઝવણ સમજવા મદદ કરો, કહીએ છીએ અમે.
નથી ઠેસ પહોંચાડવી અમારે રણની લાગણીને
કે નથી ડહોળવી પહાડની શાંતિ,
વળી, શહેરની દીવાલો છે ઊંચી અને ઘણી.
જવું ક્યાં અમારે?
એક બગીચામાં — સૌથી સુંદર બગીચો નહીં,
ને શું ખબર અમારો કે નહીં,
ના વૃક્ષ, ના ફળ, ના પંખીના માળા
અમારા આત્માના ખંડેરમાં
— અમે જડ્યા અમને.
અમારો બગીચો, કહ્યું અમે.
સોયથી બખોલો ખોદી
વેગળી સ્મૃતિઓના છાંયડામાં
સંતાયા અમે સળગતા સૂર્યથી,
જીવનની સ્મૃતિઓ, અમને કહેવામાં આવ્યું, અમારી નથી.
આવ્યા નહોતા અમે કોઈ દિશા કે સ્થળથી,
પડ્યાં હતાં કોઈ મરતાં તારાની ધૂળ જેવા,
કેવળ એક બ્રહ્માંડીય સંયોગ,
વિષાદના તારા સાથે ગોઠવાતો જતો સૂર્ય.
અમને કશો ખ્યાલ નથી શું હતું આદિમાં
ને શું હશે અંતમાં.
અમે અહીં છીએ એ સિવાય કશું યાદ નથી,
બ્રૅડના સુકાયેલા ટૂકડામાં,
સુકાયેલા વિશ્વમાં,
અને સુકાયેલી નદીઓ અને માતાઓના આંસુમાં ભાગ પડાવીએ છીએ.
*
નથી અમારો કોઈ રંગ
— અને બધાં જ રંગો અમારા છે —
ના સખત નાકનકશો,
ના ભાષા,
ના પ્રક્ષેપણ બિંદુ,
ના આખરી દિશા.
આ ગ્રહના પ્રત્યેક ઍરપૉર્ટ પર અમારામાંના એક કોઈક અપરિચિતને
વર્ણવતો હોય છે આ પૃથ્વી પરના અમારા અસ્તિત્ત્વની વ્યાધિ.
*
અમે રોમાંચક જિંદગી જીવી રહ્યા છીએ.
દરેક દિવસ એક સાહસ છે,
દરેક શ્વાસ એક ચમત્કાર.
અને મરીએ છીએ જ્યારે, આખરે, ખૂબ મરીએ છીએ.
વિસ્થાપનથી કંટાળેલા,
ડાય્સપૉરાથી ભયભીત,
આકાશની છાતીમાં એક નવા રોમાંચક દિવસ માટેનો
પર્યાપ્ત કોલાહલ પૂરો પાડે છે
અમારો વિનાશ.
*
કોઈ દેવે અમને વચન આપેલું નથી,
ગ્રંથોમાં અમારા નામ નજરઅંદાજ કરાયેલા છે.
આકાશે ચડતા બગડી ગયેલા ઍલવૅટર ભણી
અમને હકાલતા પ્રેતાત્માઓનો પીછો કરવા અમને છોડી દેવાયા હતાં.
*
સંતાનોનાં નામ હાથપગ પર લખી રાખે છે મારા લોક,
જેથી નરસંહાર પછી એમને શોધી શકાય.
દૂર ખેતરોમાં નજર ફેલાવતા,
માર્ગમાંના ચીસ પાડતા દરેક પત્થરને,
દરેક અશક્ય ડાળને અડકતા,
આશા સેવે છે કોઈ ચિહ્નની, કોઈ ધ્વનિની,
કોઈ ગીતની, કોઈ પ્રાર્થનાની,
જે એ જ અંધકારમાં એમનું પુનર્મિલન કરાવી આપે.
°°°°
સૅબૅસ્ચ્યન સનચૅઝ–શિલિંગ સાથે હુડા ફકરેદીનની મુલાકાત
સવાલ : સૈમર ઍબુ હૌવૉશના કાવ્ય ‘મારા લોક’નો તમારો અનુવાદ ધ્યાન ખેંચનારો છે. એટલે કે હાલ ગાઝામાં અરેરાટી ઉપજાવનારી જે અકથનીય ઘટનાઓ બની રહી છે એની સૌથી નજીકનો શાબ્દિક પ્રયાસ છે. આ કાવ્યનો અનુવાદ કરવા પાછળનો ખાસ હેતુ શો હતો? હૌવાશના કાવ્ય ‘મારા લોક’નો અનુવાદ કરવાનો નિર્ણય કર્યો તે પૂર્વે એમના સર્જન સાથે તમારો કેવો નાતો રહ્યો છે?
જવાબ : ગાઝાથી આવતા સમાચાર મેળવતા રહેવા અને આવા કપરા સમયમાં હિંમત રાખવાના બનતા પ્રયત્નો કરતા રહેવા સિવાય હું ઝાઝું કશું કરી શકતી નથી. વિશેષ કરીને અમૅરિકી સંસ્થાઓમાં જ્યારે હું અને મારા જેવા બીજા પર આ પ્રવર્તમાન નરસંહારનો વિરોધ માત્ર કરવાને કારણે દબાણ અને ધાકધમકીનો મુકાબલો કરી રહ્યા છીએ. છેલ્લાં કેટલા સમયથી માત્ર પૅલૅસ્ટિનયન સાહિત્યનો ઉત્સવ મનાવવા બદલ અને સત્યનિષ્ઠાથી અરબી સાહિત્યનો અભ્યાસ કરવા બદલ અમને ધમકીઓ મળી રહી છે અને અમારી સામે દ્વેષી ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે. નરસંહારમાં જ્યારે ૩૦,૦૦૦ પૅલૅસ્ટિનયનો સંહાર થતો હોય ત્યારે અમે ચૂપ રહીએ એવી અપેક્ષા રખાતી હોય અને અમને કહેવામાં આવતું હોય કે અમારી બૌદ્ધિક રુચિના દાયરામાં આ આવતું નથી, એવામાં અમે એ સ્વીકારી લઈએ તો અમે દંભી અને તકવાદી જ કહેવાઈએ.
ગાઝાથી આવતી અને ગાઝા વિષેના કાવ્યોનો અનુવાદ કરી આવા સમયમાં હું આશ્વાસન મેળવું છું. આ કાવ્યોની મને જરૂર છે. કાવ્યોને મારી જરૂર નથી. સૈમરે આ કાવ્ય અરબીમાં પ્રકાશિત કર્યું તે પહેલાં મને વંચાવ્યું અને એણે મારું ધ્યાન જકડી લીધું. આ કાવ્ય ખૂબ સહજ અને પ્રત્યક્ષ રીતે પૅલૅસ્ટાઈનની અકથનિય ભયાવહ પરિસ્થિતિની સામે થાય છે. સૈમર સામી છાતીએ અકથનીય પરિસ્થિતિ સાથે બાથ ભીડે છે અને નરી વાસ્તવિક્તાને બયાન કરે છે. આ વાસ્તવિક્તા અકલ્પનીયની સાથે હકીકત પણ છે. આ કાવ્યમાં વાસ્તવિક્તાનો આ વિરોધાભાસ સમાયેલો છે. દૃશ્યને ચોકઠામાં જકડી, ગોઠવી અને પોતાના માટે બોલવા દે એવી નિર્મળ કાચ જેવી સાદી, સહજ ભાષામાં કાવ્ય સિદ્ધ કરે છે.
ઘણાં વર્ષોથી હું સમૈરનું લેખન વાંચતી આવી છું. મારા પુસ્તક ‘ધ ઍરબિક પ્રોઝ પોયમ: પોયટિક થિયરી ઍન્ડ પ્રૅકટીસ’ પર કામ કરી રહી હતી તે દરમ્યાન ચાર વર્ષ પહેલાં સમૈર સાથે મારો સંપર્ક થયો હતો. આ પુસ્તકના એક અધ્યાય માટે મેં એમના અમુક કાવ્યોનો અનુવાદ કર્યો હતો. એમાંના અમુક ‘એસિમટોટ બ્લોગ’ પર પ્રકાશિત છે. તે વખતથી અમે મિત્રો બન્યા અને આ નિરાશાજનક સમયમાં ઘણી વખત એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. આક્રોશ, લાચારી અને અરેરાટીની અમારી સહિયારી લાગણીને વાચા આપતાં નવાં કાવ્યો મને મોકલતા રહે છે. એમની શાંત અને સ્થિર ભાષા અરેરાટીને નાટ્યત્મક્તા વિના પ્રતિક્રિયા આપે છે. આક્રોશ કે વિલાપ કરતાં પણ આ ઘણી વખત વધુ દર્દનાક સાબિત થાય છે.
સવાલ : તમારી સાથેના આ પૂર્વેની મુલાકાતથી પુરવાર થયું હતું કે અરબી કવિતાના સ્વરૂપ અને છંદ પર તમે વિદ્વતાપૂર્ણ અને નિપુણ પકડ ધરાવો છો. હૌવૉશ પોતાના કા વ્યોમાંવાપરતા અમુક કાવ્યાત્મક યુક્તિઓ વિષે અને એનો તમે અંગ્રેજી અનુવાદ કેવી રીતે કર્યો એ અમને જણાવી શકો છો? ઔપચારિક ધોરણે આ કાવ્યનો અનુવાદ કરતી વખતે સૌથી મોટો પડકાર કયો હતો?
જવાબ : અરબી સંદર્ભે સમૈરનું ‘મારા લોક’ ગદ્ય કાવ્ય છે. એમાં છંદ કે પ્રાસ નથી પરંતુ રેખાંકિત છે. મૌન અને વિરામના ઉપયોગથી કવિ અર્થ ઉપજાવે છે. અગાઉ મેં ક્યાંક કહ્યું છે એમ સફળ ગદ્ય કાવ્ય નિરાકાર હોતું નથી પરંતુ એનો પોતાનો આકાર રચે છે અને સફળતાપૂર્વક આ સિદ્ધ કરવું વધારે અઘરું છે. અહીં ચાવીરૂપ શબ્દ છે માળખું. કાવ્યમાં કવિ તણાવ સર્જે છે અને ખંડન દ્વારા એનો ચાપ રચે છે. કાવ્યનું ઉદ્ભવ વાક્ય છે “એક ભૂમિ પર, અમને કહેવામાં આવ્યું, નથી એ અમારી ભૂમિ.” કાવ્યમાં ખંડન ખડકાતા જાય છે : “નથી ખબર કઈ રીતે અમે પહોંચ્યા અહીં,” “એક બગીચામાં — સૌથી સુંદર બગીચો નહીં,” “આવ્યા નહોતા અમે કોઈ દિશા કે સ્થળથી,” “અમે અહીં છીએ એ સિવાય કશું યાદ નથી,” “નથી અમારો કોઈ રંગ,” “કોઈ દેવે અમને વચન આપેલું નથી…” પૃષ્ટિની દુર્લભ ઘડીઓ આંચકો આપનારી છે, જેવી કે “મરીએ છીએ જ્યારે, ખૂબ મરીએ છીએ.” પરાકાષ્ઠા કાવ્યના છેલ્લાં ફકરામાં હચમચાવી નાખતી પુષ્ટી સાથે થાય છે :
“સંતાનોના નામ હાથપગ પર લખી રાખે છે મારા લોક,
જેથી નરસંહાર પછી એમને શોધી શકાય.”
નિર્વિવાદ નરસંહારમાં “મારા લોક” લખે, જુએ, સ્પર્શે અને આશા સેવે છે. ખંડનની હારમાળાથી બનેલાં પૅલૅસ્ટિન્યન જીવનનો અંત આવે છે ક્યાંક પુનર્મિલન માટેની તૈયારી સાથે “એ જ અંધકારમાં” આ નર્કાગારની પાર. અતિ રૂઢ બનેલી આશા સાથે આ કાવ્યનો અંત થતો નથી. જીવન અને મરણની વાસ્તવિક્તાઓ અને સીમાઓને ઓળંગતા સ્થિતિસ્થાપક્તા અને ખંત છે. હકિકતે એ સ્થિતિસ્થાપક્તા અને ખંતમાં રૂપાંતરિત થતી નિરાશા છે, કારણ વગરના જીવનનું વાસ્તવ છે કે પછી એવું જીવન જે કારણ છે, જે પૅલૅસ્ટાઈન અને એના લોકોનો કિસ્સો છે.
સવાલ : અરબી સાહિત્યમાં ૨૦મી સદીની પ્રગતિમાં તમારી કુશળતા છે માટે હું વિચારું છું શું તમે આધુનિક અરબી કવિતામાં પૅલૅસ્ટાઈન અને પૅલૅસ્ટિન્યન કવિઓની ભૂમિકા વિશે વધુ જણાવી શકશો? અંગ્રેજી બોલતી દુનિયામાં અમે એ જ કવિઓ વિશે જાણીએ છીએ જેમને અનુવાદ થકી પ્રાધાન્ય મળેલું છે જેવા કે મેહમુદ ડાર્વિશ, પરંતુ આ તો સાવ ઉપરનું પડ છે.
જવાબ : તોફિક અલ-સૈયૅઘ, ઈબ્રાહિમ તુકાન, ફદવા તુકાન, જબરા ઈબ્રાહિમ જબરા, સમિહ અલ-કાસિમ, સલમા ખદરા અલ-જૈયુસી, મ્યુઈન બસૈસો, હુસેન અલ-બરઘુટી, મૌરિદ અલ-બરઘુટી, ઝકારિયા મોહમ્મદ, અને મોહમ્મદ અલ-અસદ આપણી વચ્ચે નથી રહ્યાં. એમણે અરબી આધુનિક ચળવળના ઉદયમાં ચિતન અને વ્યવહાર દ્વારા યોગદાન આપ્યું. અરબીમાં અને ડાયસ્પૉરાની ઘણી બધી ભાષાઓમાં લખતાં હાલ હયાત એવાં ઘણાં બધાં, ઘણા વધુ પૅલૅસટિન્યન કવિઓના નામની યાદી આપણે બનાવી શકીએ છીએ.
આધુનિક અરબી સાહિત્યમાં પ્રધાનતત્ત્વ તરીકે, રૂપક તરીકે, અનુભૂતિ તરીકે, કારણ તરીકે પૅલૅસ્ટાઈન અગ્ર સ્થાન ધરાવે છે. ૧૯૪૮નું નક્બા કે આફતને પરિણામે અરબ વિશ્વમાં અને એની બહાર સમૂહ વિસ્થાપનને લીધે દેશવટા અને નિર્વાસિતપણાની અનંત પરિસ્થિતિમાં પૅલૅસ્ટિન્યન લોકોને ભાગે આવ્યું. આથી, ૨૦મી સદીના ઉતરાર્ધમાં નવાં વલણો અને ચળવળોને જન્મ આપ્યો. બહોળા અર્થમાં અરબી સાંસ્કૃતિક સર્જન સંદર્ભે સ્થાયી અને ઊંડી અસરવાળા પરિણામો આવ્યાં.
આપણી નજર સમક્ષ પૅસૅસ્ટિન્યન લોકોનો નરસંહાર ચાલી રહ્યો હોય એવા સમયે આ અભૂતપૂર્વ હિંસાના અને સમગ્ર અરબ સંસ્કૃતિ સામેની આક્રમક્તાના સ્વીકારમાંથી ઉદ્ભતો ના હોય એવો અરબી કવિતા કે સાહિત્ય કે સંસ્કૃતિનો અભ્યાસ કે એની સાથે સંકળાવવામાં સહભાગીતા અને કપટીપણું પુરવાર થાય છે.
સવાલ : એવું શું છે પૅલૅસ્ટાઈન અંગે જેનાથી એને આ દરજ્જો મળે છે અને અરબી સાંસ્કૃતિક નિર્માણ માટે આ ભૂમિકા ભજવવા દે છે? પચાસ વર્ષ પૂર્વે હતી એ જ ભૂમિકા એ હજુ ભજવે છે? આ છેલ્લા થોડાક મહિનો સુધી ઈઝરાયલ સાથે ખાડીના વિવિધ દેશોની પુનર્મૈત્રીને કારણે ઘણાને લાગતું હતું કે અરબ વિશ્વમાં પૅલૅસ્ટાઈનની રાજકીય ભૂમિકા ઘટવા લાગી હતી. જો કે, સરકારો દ્વારા ચલાવાતી નીતિ વધારે લાગે છે ના કે અરબ વિશ્વમાં સામાન્ય મતનું પ્રતિનિધિત્વ. સાંસ્કૃતિક વર્તુળમાં શું આ જ બનવા પામેલું કે પછી પૅલૅસ્ટાઈનનું સ્થાન અકબંધ રહ્યું છે? છેલ્લા અમુક મહિનાથી ઘણાંએ નોંધ્યું કે ઈઝરાયેલ સાથે વિવિધ ખાડીના દેશોની સુલેહની નીતિને કારણે અરબ વિશ્વમાં પૅલૅસ્ટાઈનની રાજકીય ભૂમિકા ઘટી ગઈ હતી. જો કે, આનું કારણ અરબ વિશ્વમાં પ્રવર્તતો સામાન્ય મત નહીં પરંતુ સરકારો દ્વારા અમલી બનાવાયેલી નીતિનું પ્રતિનિધિત્વ છે એવી માન્યતા છે. શું સાંસ્કૃતિક વર્તુળમાં આવું બન્યું છે કે પછી પૅલૅસ્ટાઈનએ સ્થાન ગુમાવેલું જ નથી?
જવાબ : સાંસ્કૃતિક વર્તુળમાં પૅલૅસ્ટાઈને કદી સ્થાન નથી ગુમાવ્યું. અરબ સરકારો, રાજાશાહીઓ, અને આધિકારીક સંસ્થાઓએ અવારનવાર પૅલૅસ્ટિન્યન લોકોને નિરાશ કર્યાં છે તેમ છતાં પૅલૅસ્ટિન્યન લોકો હંમેશાં અરબ વિશ્વના અરબ સાંસ્કૃતિક જીવનનો અભિન્ન હિસ્સો રહ્યાં છે અને રહેશે. હજુ પણ અરબ સાંસ્કૃતિક પડદા પર દરેક સાહિત્યિક અને કલાત્મક ચળવળ નિર્વિવાદપણે સંપાદકો, પ્રકાશકો, સિદ્ધાંતવાદીઓ, કવિઓ, નવલકથાકારો અને સાંસ્કૃતિક કર્મશીલોની ભૂમિકામાં પૅલૅસ્ટિન્યન અવાજો અને અનુભવો થકી આકાર પામે છે.
રાજકીય સ્તરે, અરબ સરકારો દ્વારા ત્યજવામાં આવવું અને વિશ્વાસઘાત થવા વિષે આપણે બધાં જાણીએ છીએ, પરંતુ આધિકારીક સરકારી વલણ અને અરબ વિશ્વમાં લોકલાગણીની વચ્ચેના દેખીતા વિરોધાભાસથી એ રંગાયેલું છે. આ નરસંહારે પીડાદાયક ઢબે આ વિખવાદનું પુન:સમર્થન કર્યું છે. હવે પછી બધું બદલાઈ જશે, ફક્ત અરબ વિશ્વમાં નહીં પરંતુ સમગ્ર દુનિયામાં. ગાઝા આપણા સમયની નિર્ણાયક ઘડી છે. હવે પછી ગાઝા જ ન્યાયાધીશ હશે, આપણી માનવતાનું કે એમાંનું જે કાંઈ બચશે એનું માપ હશે.
સ્રોત: asymptotejournal.com
e.mail : rupaleeburke@yahoo.co.in