ભગવાનમાં ન માનનાર એટલા પ્રમાણિક તો ખરા જ કે જે કૈં થાય તેનો દોષ તેઓ ભગવાન પર ઢોળતાં નથી ને જવાબદારી સ્વીકારે છે, પણ ભગવાનમાં માનનારા એટલા નિર્લેપ હોય છે કે પોતાનો વાંક હોય તો પણ, જવાબદારી ભગવાનને માથે નાખે ને ભગવાન એટલો ઉપકાર તો ભક્તો પર કરે જ કે એમણે પીવાનું ઝેર પોતે પી લે. મોરબીમાં બંધ તૂટે કે પુલ, મરે છે લોકો ને એને માટે જવાબદાર હોય તે ભગવાનને નામે છટકવાના પ્રયત્નો કરતા રહે છે. 30મી ઓક્ટોબરે મોરબીનો ઝૂલતો પુલ તૂટયો ને ચારસોથી વધારે લોકો પાણીમાં જઈ પડ્યાં. 26 ઓક્ટોબરે ખુલ્લો મુકાયેલો ઝૂલતો પુલ ચારેક દિવસમાં જ જળાશાયી થયો ને બધાંને નવાં વર્ષની જાણે ઉજાણી થઈ ગઈ ! આ અત્યંત દારુણ ઘટના ને કારણે 135 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક લોકો ઘાયલ થયા ને તંત્રો પહોંચે તે પહેલાં મોરબીવાસીઓએ જીવને જોખમે બચાવ કામગીરી શરૂ કરી માનવતા દાખવી, પણ, મોત પર મિજબાની ન થાય તો રાજકારણ લાજે, એટલે સૌએ પોતપોતાનાં પાનાં ઉતરવાં માંડ્યાં. આ ખેલ એટલે પણ ખેલાયો, કારણ ગુજરાતને માથે ચૂંટણી આવી છે ને સૌએ સત્તામાં આવવું છે એટલે જે સત્તામાં છે તે ટકી રહેવા અને બીજાને ન ઘૂસવા દેવા કમર કસે જ, તો જે સત્તામાં આવવા મથે છે તે પણ એડીચોટીનું જોર લગાવવામાં કોઈ કસર ન છોડે, તે પણ ખરું. એવરીથિંગ ઈઝ ફેર ઇન વોર એન્ડ લવ-ને ન્યાયે લવ જેવું તો ચૂંટણીમાં શું હોય, પણ ચૂંટણીને વોર કરી મૂકનારાઓ બધા જ હથકંડા અપનાવે એમાં નવાઈ નથી. એક તરફ ગાય-કૂતરાનું જુદું કાઢ્યું હોય તેમ સરકારે પ્રજાનું એટલું બધું કરી નાખ્યું છે કે પ્રજાને ખબર જ નથી પડતી કે આટલું બધું તે હોય એવું આશ્ચર્ય તેને થાય છે. હજારો કરોડના પ્રોજેક્ટ્સ છાશવારે જાહેર થતાં રહે તો પ્રજા અંજાય જ કે બીજું કૈં? ખરેખર આવા વિકાસથી પ્રજા ડઘાઈ ગઈ છે. આવું હોય ત્યારે પ્રજા સરકારને ફરી ચૂંટે એવો ભય વિપક્ષોને લાગે છે એટલે એ બીજું કૈં ન કરી શકે તો પણ એટલું તો કરે જ કે સરકારનાં કામો નકામા પુરવાર થાય. પુલ તૂટવામાં એવું પણ બહાર આવ્યું છે કે એક વિપક્ષે પુલ તૂટી પડે તેવું આગોતરું આયોજન કર્યું, એવા મેસેજ વહેતા થયા કે ગુજરાતમાં કશુંક એવું થવાનું છે જેનાથી સરકાર હાલી જશે ને ત્રીસમીએ પુલ એવો હાલ્યો કે સરકાર ખરેખર જ હચમચી ગઈ. વડા પ્રધાનથી માંડીને મુખ્ય મંત્રી સુધીના મોરબી પર મંડરાયા. એવું પણ ચર્ચામાં છે કે એક વિપક્ષી પાર્ટીના સભ્યોએ ઇરાદાપૂર્વક પુલ પર જ તેને તોડવાની નિર્લજ્જ પ્રવૃત્તિઓ કરી. આમાનું સાચુંખોટું તો બહાર આવે ત્યારે, પણ આપણે રાજનીતિ વગરના શ્વાસો લઈ શકીએ એવું હવામાન હવે રહ્યું નથી ને રડવાનું તો એનું ય છે.
રહી વાત પુલ તૂટવાની તો એમાં પુલ રીપેર કરનાર કંપનીથી માંડીને મોરબીની નગરપાલિકાના સંબંધિત અધિકારીઓ સહિત તમામની ગુનાહિત બેદરકારી કેન્દ્રમાં છે. પુલ રીપેર કરનાર ઓરેવા કંપનીની, બોર્ડની મંજૂરી વિના પુલ ખુલ્લો મૂકવાની ઉતાવળે 135 લોકોનાં મોત નીપજાવ્યાં છે. એ અંગે કોઈ જ પગલાં સંબંધિત કમિશનરે પણ લીધાં નથી તે દુ:ખદ છે. ટેવ પ્રમાણે વિપક્ષો નિષ્પક્ષ તપાસની માંગ કરે છે ને તપાસ મોટે ભાગે જવાબદારને બચાવવાની દિશામાં જ આગળ વધતી હોય તેવું લાગે છે. આખા દેશની રાજકીય ગતિવિધિ અત્યારે એવી છે કે વિપક્ષ ભેરવવા માંગે છે ને શાસકો બચવા માંગે છે. એમાં મજબૂત તો ભ્રષ્ટાચાર જ થતો હોય છે. પુલ તો હતો જ, તે ફક્ત રીપેર જ કરવાનો હતો. એના પર કોઈ ચાલવાનું જ ન હોય એવી નાજુકાઈથી તે રીપેર થયો. પુલ ચાલવા માટે પણ હોય એ જાણે કોઈને યાદ જ ન રહ્યું. જો કે ઓરેવાના એમ.ડી. જયસુખ પટેલે એવું કહ્યું કે રિકવાયરમેન્ટ્સ મુજબ, ચોક્કસ મટીરિયલથી જ રિનોવેશન કરવામાં આવ્યું છે. આ સાચું હોય તો પુલ ચાર જ દિવસમાં પાણીમાં બેસી પડે?
લોકો પણ અકરાંતિયાની જેમ ધસી ગયા ને પુલની મર્યાદાનો વિચાર કર્યા વગર જ ટિકિટો વહેંચવામાં આવી. એ તો સારું છે કે લોકો સેંકડોમાં હતા, હજારોમાં હોત તો હજારો ટિકિટો વહેંચી હોત કે ક્યાંક વિવેક પણ વાપર્યો હોત તે નથી ખબર. જો પુલ રીપેર થયો જ હતો તો પોલીસને કેબલ નબળો ને કટાયેલો કેમ દેખાયો? કેબલ બદલવાના હતા, તો એ બદલાયા કેમ નહીં? પોલીસે જ નિવેદનમાં કહ્યું છે કે 29 લાખનો ઓરેવાને ફેબ્રિકેશનનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. પુલ નવો જ રીપેર થયો હતો ને લોકો વધારે હતાં, છતાં કોઈને પણ લાઈફ જેકેટ્સ આપવામાં આવ્યાં નહીં, રીપેરિંગમાં સંકળાયેલા પેટા કોન્ટ્રાકટર પૈકીનાં 4 પાસે કોઈ ટેકનિકલ ડિગ્રી ન હતી. કોર્ટ સમક્ષ મુકાયેલા એફ.એસ.એલ. રિપોર્ટમાં સાફ જણાવાયું છે કે મેન્ટેનન્સ રીપેરિંગમાં પ્લેટફોર્મ્સ જ બદલવામાં આવ્યાં ને તંત્રની મંજૂરી વગર જ પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. આવું હોય ત્યાં પુલને ટકવાનું કયું કારણ રહે તે પ્રશ્ન જ છે. ઉપરથી ઓરેગાના મેનેજર દીપક પારેખ કહે છે કે આ આખી ઘટના એક્ટ ઓફ ગોડ છે.
એક્ટ ઓફ ગોડ? વાહ ! મેનેજરે કહ્યું છે કે આ વખતે ભગવાન રાજી નહીં હોય એટલે આ ઘટના સર્જાઈ. ખરેખર એમ જ લાગે છે કે ભગવાનની ઈચ્છાને કારણે જ પુલ તૂટયો છે. એણે જ તંત્રની મંજૂરી લેવાની ના પાડી હશે કે એણે જ રીપેરિંગ દરમિયાન કેબલ નબળો ને કટાયેલો રાખવાનું કહ્યું હશે. એણે જ કહ્યું હશે કે ટેકનિકલ ડિગ્રી ન હોય તેવો જ સ્ટાફ રાખવો. આમ તો ભગવાને ગીતામાં કહ્યું છે કે કર્મ કર અને ફળની આશા ન રાખ, પણ ભક્તો એવા હુંશિયાર નીકળ્યા કે બાજી જ પલટાવી દીધી. કર્મ કરવાનું ભક્તોએ હતું તે ભગવાન પાસે આવ્યું, એટલે કર્મ હવે ભગવાન કરે છે ને ફળ ભક્તો ખાય છે. ભગવાન પુલ તોડે છે ને ભ્રષ્ટાચારનાં ફળ ભક્તો ખાય છે. એ જ કેબલ કટાયેલો રાખે છે ને ટેબલ નીચેથી ફળ ભક્તો ચાખે છે. ભગવાનને ધરતીકંપનો શોખ જાગે તો એ મકાનો અને માણસોને જમીનદોસ્ત કરે છે. એને યુદ્ધના અભરખા થાય છે તો એ બે કે વધારે દેશોને લડાવે છે ને એમાં ભોગ નિર્દોષોનો લેવાય છે. આ નિર્દોષોનું લૉજિક પણ સમજવા જેવું છે. ભગવાનને ઉત્પાત કરવાનું મન થાય તો એમાં હોમવા માણસો લાવવા ક્યાંથી? રાજકારણીઓ તો એક માત્ર ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં વ્યસ્ત હોય, ઉદ્યોગપતિઓ મોંઘવારી વધારવામાં પડ્યા હોય, કંપનીઓ નફાના દાખલા ગણતી હોય, એટલે એ તો બલિનો બકરો ન બને. આ બધાંએ મળીને ભગવાન સાથે સોદો કર્યો. ભગવાને રેલ લાવવી છે, તો તણાવવા કોને? તો વ્યસ્ત ટોળકીઓએ કહ્યું, તમે નિર્દોષોને મારો. બહુ થાય તો અમે વળતર ફેંકીશું તો એનું કુટુંબ પણ આશ્વસ્ત થશે. ત્યારથી આગ લગાવવી હોય તો નિર્દોષોને જ ઝોંકવામાં આવે છે. પુલ તોડવો હોય તો નીચે દબાવા નિર્દોષો તૈયાર હોય છે. ટ્રેનમાં આગ લગાવવી હોય કે બે ટ્રેનને સામસામે અથડાવવી હોય તો નિર્દોષો ફાજલ જ છે. ભગવાને જે જે એરિયામાં હાહાકાર મચાવવો છે, ત્યાં તે નિર્દોષોને દોડાવે છે ને એમ ભગવાનનું મનોરંજન થતું રહે છે. એ જ રીતે 135 લોકોના જીવ ઝૂલતો પુલ તૂટવાથી ગયા. એ તો ભગવાનને જ મન થયું પુલ તોડવાનું એટલે એણે જ લોકોને પુલ પર દોડાવ્યાં ને પુલના કટકા થઈ ગયા. આવી મરજી ભગવાનની હોય તો એમાં કંપની કે મેનેજર શું કરે?
મોરબીનો આ ઝૂલતો પુલ રાજા વાઘજી રાવ / ઠાકોર દ્વારા 1877માં બનાવવામાં આવ્યો હતો. બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવાયેલ આ પુલનું ઉદ્ઘાટન 1879માં થયું હતું. 765 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા આ પુલને સમારકામ માટે થોડાં વર્ષ બંધ રખાયો. એની જળવણીની જવાબદારી ઓરેવા કંપનીને સોંપાઈ. માર્ચ 22થી 15 વર્ષ, એટલે કે 2037 સુધી પુલનો કરાર ઓરેવા અને નગરપાલિકા વચ્ચે થયો. બે કરોડને ખર્ચે સમારકામ પછી પુલ ઓરેવાના જયસુખ પટેલે ખુલ્લો મૂક્યો ને 30મીની સાંજે પુલ તૂટીને તારાજ થયો. જે પુલ રીપેરિંગ પહેલાં 150 વર્ષ ટક્યો તે રિપેરિંગ પછી પાંચ દિવસ પણ ન ટક્યો એમાં કેવળ બેદરકારી અને ભ્રષ્ટાચાર સિવાય બીજું કોઈ કારણ જણાતું નથી. આવું કૈં પહેલીવાર થયું નથી. જુલાઈ, 22ની બોટાદની બરવાળાની લઠ્ઠાકાંડની 43નો જીવ લેનારી ઘટના કે અમદાવાદના શ્રેય અગ્નિકાંડનો બનાવ કે 2019ની સૂરતની તક્ષશિલા બિલ્ડિંગમાં બનેલી 22 માસૂમોની રાખ પડવાની ઘટના કે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની આગમાં 20 બળેલાં જીવોની ઘટના જેવી ઘટનાઓ બનતી જ રહે છે, ધરપકડો થતી રહે છે, સમિતિઓ નીમાતી રહે છે, વળતરના ટુકડાઓ ફેંકાતા રહે છે, તે કોઈના હાથમાં આવે છે તો કોઈના હાથ ખાલી જ રહે છે. આ પછી પણ આમ જ ચાલ્યા કરવાનું છે. એમાં જેનો કોલસો થયો તે થયો, બાકી કોઈનું કૈં બગડતું નથી. પહેલી અને પાંચમી ડિસેમ્બરે ચૂંટણી જાહેર થઈ છે એટલે મોરબીનો પુલ તૂટવાની વાતનું વહેલું પડીકું વળી જાય તો નવાઈ નહીં.
સાચું તો એ છે કે આપણને ચામડી જેવું જ ખાસ કૈં બચ્યું નથી. કોઈ પીડા, કોઈ આનંદ જાહેર હોય તો ઝડપથી ભૂંસાઈ જાય છે ને આપણે નવી લાશો પડે તેની રાહ જોવા લાગીએ છીએ. સાચું હવે આપણને બહુ સ્પર્શતું નથી ને જુઠ્ઠું એટલે સ્પર્શતું નથી, કારણ આપણી સંવેદનાઓ જ બુઠ્ઠી થઈ ગઈ છે. રાજકારણ અને ધર્મ – એ સિવાય તમામ ક્ષેત્રોમાં આપણે સંવેદનહીન જ પુરવાર થઈ રહ્યાં છીએ. આપણે રોબોટ્સ છીએ, જાણે ! કદાચ એ ય સજીવ થશે પણ આપણે નિર્જીવ જ રહીએ એવો કાળ આપણા પર આવ્યો છે.
માણસાઈ માણસમાં જ હોય છે ને કરુણતા એ છે કે એનામાં જ એ નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 નવેમ્બર 2022