પ્રસ્તાવના

હેમન્તકુમાર શાહ
લોકશાહીમાં નાગરિક સ્વાતંત્ર્યનું એક અત્યંત અગત્યનું પાસું છે, માધ્યમો(media)ની સ્વતંત્રતા. માધ્યમોની સ્વતંત્રતા એટલે અખબારો, ટી.વી. ચેનલો, પુસ્તકો, પુસ્તિકાઓ, સામયિકો, ચોપાનિયાં, ન્યુઝ પોર્ટલ, વેબ સિરિઝ, ફીચર ફિલ્મો, દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો, ચિત્રકલા, શિલ્પકળા, કાર્ટૂન, ગામમાં કે શહેરમાં લાગેલાં બ્લેક બોર્ડ વગેરે જેવાં અનેક માધ્યમો તેમ જ ફેસબૂક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સિગ્નલ વગેરે જેવાં સામાજિક માધ્યમોની અને ઇન્ટરનેટની સ્વતંત્રતા. આમ જુઓ તો, માધ્યમોનું સ્વાતંત્ર્ય એ વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો જ ભાગ છે. માધ્યમોની સ્વતંત્રતા સિવાય લોકશાહી શક્ય જ નથી. એમ પણ કહી શકાય કે માધ્યમોની સ્વતંત્રતા એ જ લોકશાહી છે. વળી, માધ્યમોની સ્વતંત્રતાનો અર્થ માત્ર મીડિયા કંપનીઓ કે માલિકોની કે મુખ્ય સંપાદકોની સ્વતંત્રતા થતો નથી, પણ પત્રકારોની સ્વતંત્રતાનો સમાવેશ પણ તેમાં થાય છે. ઘણી વાર મીડિયાની નીતિને બહાને પત્રકારોની સ્વતંત્રતા જોખમમાં મુકાય છે.
ઇંગ્લિશ નવલકથાકાર જ્યોર્જ ઓરવેલ (૧૯૦૩-૫૦) એમ કહે છે કે, “અખબારી સ્વાતંત્ર્યનો કશો પણ અર્થ હોય તો તે છે ટીકા કરવાની અને વિરોધ કરવાની સ્વતંત્રતા.” એનો અર્થ એ છે કે જેઓ કોઈ પણ સ્તરે સત્તામાં બેઠા છે તેમનાં વર્તનની અને વ્યવહારની, તેમનાં નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓ, બજેટ, હુકમો, પરિપત્રો વગેરેની ટીકા માધ્યમો કરી શકે અને લોકો તેમનો વિરોધ કરી શકે એવું સામાજિક અને રાજકીય વાતાવરણ હોવું જોઈએ.
અમેરિકાની ૧૯૪૧માં સ્થપાયેલી ફ્રીડમ હાઉસ નામની સંસ્થા કહે છે કે, “સ્વતંત્ર માધ્યમો નાગરિકોને તેમના નેતાઓની સફળતા અને નિષ્ફળતા વિષે માહિતી આપી શકે છે, લોકોની જરૂરિયાતો અને ઇચ્છાઓ વિષે સરકારને અને તેની સંસ્થાઓને માહિતી આપી શકે છે અને તે માહિતી તેમાં જ વિચારોની આપ-લે માટેનો એક ખુલ્લો મંચ પૂરો પાડે છે. જ્યારે માધ્યમોની સ્વતંત્રતા પર નિયંત્રણો આવે છે ત્યારે આ મહત્ત્વનાં કામોમાં રુકાવટ ઊભી થાય છે અને તેને લીધે નિર્ણય પ્રક્રિયા ખરાબ થઈ શકે છે અને તેની વિપરીત અસર નેતાઓ તેમ જ લોકો બંને પર પડી શકે છે.”
માધ્યમોની સ્વતંત્રતાનો અર્થ એ છે કે તેમાં સરકારની દખલગીરી ન હોય. બંધારણીય રીતે અને કાયદાકીય રીતે માધ્યમોની સ્વતંત્રતાને રક્ષણ આપવામાં આવે તે લોકશાહી માટે આવશ્યક છે. અનેક બાબતો કે માહિતી સરકારો લોકોથી છુપાવવા માગતી હોય છે. એ સત્તાનો અને સરકારનો કુદરતી સ્વભાવ છે. એટલે જો માધ્યમો એ માહિતી બહાર પાડે તો તેની તેમને સ્વતંત્રતા હોવી જ જોઈએ. એમ થાય તો જ લોકોને સાચી માહિતી મળે.
સેન્સરશિપ : સરકારી
માધ્યમોની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું લગભગ બધા સત્તાધીશોને ગમતું હોય છે. તેમનાથી પોતાની ટીકા સહન થતી નથી. તેઓ ઘણી વાર સત્તાવાર રીતે સેન્સરશિપ પણ લાદે છે. એવી સેન્સરશિપ ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫-૭૭ની કટોકટી દરમ્યાન લાદી હતી. આવી સેન્સરશિપ દરમ્યાન સરકાર નક્કી કરે છે કે શું છાપવું, શું બતાવવું અને શું બોલવું અથવા શું અભિવ્યક્ત કરવું. સરકારની મંજૂરી વિના એમાંનું કશું થઈ શકતું નથી.
હવે સેન્સરશિપ નવા સ્વરૂપે અપનાવી છે અને તે છે સામાજિક માધ્યમો પરનાં સરકારી નિયંત્રણો. અમેરિકાનું ફ્રીડમ હાઉસ એમ કહે છે કે સરકાર કનેક્ટિવિટીને નિયંત્રિત કરે છે તથા રાજકીય, સામાજિક અને ધાર્મિક વાણી અને અભિવ્યક્તિ ધરાવતાં સામાજિક માધ્યમોને તેમ જ વેબસાઈટ બ્લોક કરે છે. એટલે ડિજિટલ સંચાર વ્યવસ્થા લોકો વચ્ચે બરકરાર રહે તે માટે મજબૂત કાનૂની અને નિયમનકારી વ્યવસ્થાઓ જોઈએ. પરંતુ સરકાર પોતે જ એવા નિયમો કે કાયદા બનાવે છે કે જેથી આ પ્રકારની સેન્સરશિપ ઊભી થાય. સેન્સરશિપ ઊભી કરવાનો એક રસ્તો ઇન્ટરનેટ બંધ કરી દેવાનો પણ છે. દુનિયાભરમાં સરકારો લોકોની સલામતીને નામે ઇન્ટરનેટ બંધ કરી દેવાનું વલણ અપનાવતી રહી છે. ૨૦૨૨માં ૩૫ દેશોમાં ૧૮૭ વખત ઇન્ટરનેટ બંધ કરી નાખવામાં આવ્યું હતું. ભારત સરકારે ૨૦૨૨માં જુદા જુદા વિસ્તારોમાં જુદાં જુદાં કારણોસર દુનિયામાં સૌથી વધુ ૮૪ વખત ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું. ૨૦૧૬થી ભારત દુનિયાભરમાં સૌથી વધુ ઇન્ટરનેટ બંધ કરી દેનારો પ્રથમ દેશ બન્યો છે. ભારતનો ફાળો તેમાં ૫૮ ટકા રહ્યો છે.
સરકારો જુદી જુદી દલીલો કરીને પણ આડકતરી રીતે સેન્સરશિપ લાદે છે. જેમ કે, ભારતમાં પી.એમ. કેર ફંડ અને રાજ્યોમાં મુખ્ય મંત્રી રાહત ફંડમાં કેટલી રકમ જમા થઈ અને કેટલો ખર્ચ થયો તેની વિગતો જાહેર કરવામાં આવતી જ નથી. તેથી લોકોને ખબર પડતી જ નથી કે આ રાહત નિધિઓમાં કેટલી રકમ જમા છે અને કઈ બાબતો પાછળ તેમાંથી કેટલો ખર્ચ કરવામાં આવે છે. એ જ રીતે ભારતમાં સત્તાવાર ગુપ્તતા ધારા-૧૯૨૩ હેઠળ સરકાર ઘણીબધી વિગતો જાહેર કરતી નથી. વળી, માહિતી અધિકાર ધારા-૨૦૦૫ હેઠળ પણ ઘણીબધી બાબતોની માહિતી લોકોને નહિ આપવાની સત્તા ભારતમાં સરકારને છે. માધ્યમો આવી વિગતો કોઈક રીતે બહાર લાવે તો તે પણ ગુનો બને છે !
એક રશિયન લેખક મિખાઈલ બુલ્ગાકોવ (૧૮૯૧-૧૯૪૦) એમ કહે છે કે, “સેન્સરશિપનું સ્વરૂપ ગમે તે હોય, અને તે ગમે તે સત્તા હેઠળ અસ્તિત્વમાં હોય, તેની સામે લડત આપવી એ જેમ અખબારી સ્વાતંત્ર્ય માટે હું લડું એમ, એક લેખક તરીકે મારી ફરજ છે. હું એ સ્વતંત્રતાનો અદમ્ય ચાહક છું અને હું માનું છું કે કોઈ લેખક પોતાને કોઈ સ્વતંત્રતાની જરૂર નથી એમ સાબિત કરવાની કલ્પના પણ કરી શકે, તો તે એવી માછલી જેવો કહેવાય કે જે જાહેરમાં એમ કહે કે તેને પાણીની જરૂર નથી.”
સેન્સરશિપ : સામાજિક–સાંસ્કૃતિક
કેટલીક વાર આવી સેન્સરશિપ જાતે બની બેઠેલા સંસ્કૃતિ રક્ષકો પણ લાદતા હોય છે. આવા સંસ્કૃતિ રક્ષકો દુનિયાભરમાં નાગરિકોના વાણી અને અભિવ્યકતિના સ્વાતંત્ર્ય પર હુમલા કરતા હોય છે. કેટલાંક ઉદાહરણો અહીં જોઈએ :
(૧) ૨૦૨૩માં ‘પઠાણ’ ફિલ્મમાં નાયિકાએ એક ગીત વખતે પહેરેલાં કેસરી રંગનાં વસ્ત્રો સામે ભારતમાં ભારે હોબાળો હિંદુ સંસ્કૃતિના કહેવાતા રક્ષકોએ કર્યો હતો. (૨) વિખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસેન હિંદુ દેવદેવીઓનાં અભદ્ર ચિત્રો દોરે છે અને હિંદુ સંસ્કૃતિનું અપમાન કરે છે, એમ કહીને અમદાવાદમાં દોશી-હુસેન ગુફા પર પણ ૧૯૯૬, ૨૦૦૬ અને ૨૦૧૩માં હુમલા કરવામાં આવ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી. (૩) ફ્રાન્સમાં ૨૦૧૫માં ‘ચાર્લી હેબ્દો’ નામના એક કાર્ટૂન મેગેઝિનને મામલે મુસ્લિમોએ હુમલો કર્યો હતો અને એ મેગેઝિનમાં છાપવામાં આવેલાં મહંમદ પયગંબર વિશેના કાર્ટૂન સામે દુનિયાભરમાં મુસ્લિમોએ વિરોધી દેખાવો કર્યા હતા. (૪) ‘મહંમદ ધ ઇડિયટ’ નામની એક વાર્તા ૧૯૮૦ના દાયકામાં બેંગ્લોરના અખબાર ‘ડેક્કપન હેરલ્ડ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારે મુસ્લિમ જૂથોએ એ અખબારની ઓફિસ સળગાવી હતી અને તાફાનો કર્યાં હતાં.
આવાં તો ભારત અને દુનિયાના બીજા દેશોનાં અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે. કોઈ પણ પ્રકારની સેન્સરશિપ લોકોના વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર કાપ મૂકે છે એટલું જ નહિ તે તેના સાચી માહિતી મેળવવાના અધિકારને અને વિભિન્ન મંતવ્યો પ્રાપ્ત કરવાના અધિકારને અને અભિવ્યક્તિના અધિકારને ગળે ટૂંપો દે છે.
માધ્યમોની સ્વતંત્રતાનું મહત્ત્વ
માધ્યમોની સ્વતંત્રતા એ નાગરિકોના રાજકીય અધિકારો અને તેમની રાજકીય સ્વતંત્રતાનો પાયાનો હિસ્સો છે. અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપ્રમુખ થોમસ જેફરસન (૧૭૪૩-૧૮૨૬) એમ કહે છે કે, “જો એ નક્કી કરવાનું મારી પર છોડી દેવામાં આવે કે અખબારો વિનાની સરકાર જોઈએ કે સરકાર વિનાનાં અખબારો, તો હું એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બીજો વિકલ્પ પસંદ કરું …. આપણી સ્વતંત્રતા અખબારોની સ્વતંત્રતા પર આધારિત છે, જો તેના પર મર્યાદા મૂકવામાં આવે તો સમજવાનું કે તે ગઈ.” આનો અર્થ છે કે માધ્યમોની સ્વતંત્રતા પર કોઈ મર્યાદા નાખવાની પણ જેફરસન હિમાયત કરતા નથી. જો કોઈ મર્યાદા કાયદાથી લાદવામાં આવે તો સ્વતંત્રતા જ જતી રહે એમ તેઓ કહે છે. ભારતના બંધારણમાં કલમ ૧૯(૨)માં વાણી અને અભિવ્યક્તિની આઝાદી કઈ મર્યાદાઓ સાથે ભોગવવાની છે તે નક્કી કરવામાં આવ્યું છે જ. પણ આ મર્યાદાઓનો ઉપયોગ સરકારે આઝાદીને કચડી નાખવા માટે કરવો જોઈએ નહીં.
માહિતી મેળવવાની નાગરિકોની સ્વતંત્રતા સાથે માધ્યમોની સ્વતંત્રતા જોડાયેલી છે. જો માધ્યમો સ્વતંત્ર ન હોય તો સરકારની કામગીરી વિષે સાચી માહિતી નાગરિકોને મળતી નથી અને તો તેઓ આ કે તે રાજકીય પક્ષ કે ઉમેદવાર વિષે માહિતીપ્રદ પસંદગી કરી શકતા નથી. અમેરિકાના એક સાંસદ ક્રિસ્ટોફર જ્હોન ડોડ (૧૯૬૦) એમ કહે છે કે, “જ્યારે લોકોના જ્ઞાનપ્રાપ્તિના અધિકાર સામે ખતરો ઊભો થાય છે ત્યારે અને વાણી-સ્વાતંત્ર્ય અને અખબારી સ્વાતંત્ર્ય જોખમમાં મુકાય છે ત્યારે આપણે જે અન્ય સ્વતંત્રતાઓને પ્રિય ગણીએ છીએ તે તમામ સ્વતંત્રતાઓ જોખમમાં મુકાય છે … અખબારી સ્વાતંત્ર્ય લોકશાહી માટે માત્ર મહત્ત્વનું છે એમ નહિ, એ જ લોકશાહી છે.” આમ, માધ્યમોની સ્વતંત્રતા અન્ય તમામ સ્વતંત્રતાઓ ભોગવવા માટે અનિવાર્ય છે. જો એ સ્વતંત્રતા ન હોય તો કોઈ સ્વતંત્રતા ભોગવી શકાતી નથી.
એક એવી ભૂલ પણ ઘણી વાર કરવામાં આવે છે કે માધ્યમોની સ્વતંત્રતા એટલે પ્રકાશકો, માલિકો અને પત્રકારોની સ્વતંત્રતા, ખરેખર એવું નથી. વાસ્તવમાં, એમની સ્વતંત્રતા હોય તો જ તો નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા ટકે છે, નહિ તો ટકે જ નહિ. અમેરિકાના વિખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના ૧૯૩૫થી ૧૯૬૧ દરમ્યાન પ્રકાશક રહેલા આર્થર હેઝ સુલ્ઝબર્ગ (૧૮૯૧-૧૯૬૮) એમ કહે છે કે, “અખબારોની સ્વતંત્રતા, અથવા વધુ નિશ્ચિત રીતે કહીએ તો, અખબારોની સ્વતંત્રતાનો લાભ એ દરેકનો લાભ છે – એ નાગરિકોને માટે અને પ્રકાશક માટે બંને માટે લાભદાયી છે … મહત્ત્વનો મુદ્દો એ છે કે એ પ્રકાશકની મુદ્રણ કરવાની આઝાદી નથી, એ તો નાગરિકની માહિતી મેળવવાની આઝાદી છે.” ટૂંકમાં એમ કહેવાય છે કે માધ્યમોની સ્વતંત્રતા એ નાગરિકોની સ્વતંત્રતા જ છે. એટલે જ ભારતના એક રાજકીય નેતા શશી થરૂર યોગ્ય રીતે જ એમ કહે છે કે, “અખબારોની સ્વતંત્રતા એ લોકશાહીની ઈંટોને જોડનાર તત્ત્વ છે – એ તો એ ઈંટોમાં રહેલી ખુલ્લી બારી છે.”
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ફેબ્રુઆરી 2024; પૃ. 08-09