સૅક્સ્યુઅલ રીલેશનશિપ : લેખાંક -4 : આન્તરક્રિયાઓ :
સાર્ત્રના દર્શનમાં, ‘હું’ અને ‘વસ્તુ’ પછીનું બીજું મહત્ત્વનું કેન્દ્ર છે : તે એ કે ચેતના એકથી વધુ સત વચ્ચે સંભવતી આન્તરક્રિયાઓને, લૅણાદેણીને કે આદાનપ્રદાનને ધારણ કરે છે.
એક ‘હું’ જ્યારે બીજા ‘હું’-ના સમ્પર્કમાં મુકાય છે ત્યારે એમાં જવાબદાર વસ્તુઓ બે હોય છે – the gaze, એટલે કે, નજર અને the other, એટલે કે, અન્ય.
સાર્ત્ર અનુસાર, અન્યની નજર માણસને પરાયાપણાનો અનુભવ કરાવે છે. આપણને કોઈ નિહાળી રહ્યું છે એ વાત આપણી ચેતનાને નકારે છે, એટલું જ નહીં, એ વાતનું કારણ બને છે કે આપણા શરીરના બીજા ભાગોની પણ આપણે ચિન્તા કરીએ. વળી, આપણને નિહાળતા એ અન્યને આપણે આપણાથી ચડિયાતો ગણવાને મજબૂર બની જઈએ છીએ. એની નજરથી સરજાતા નિર્માનવીકરણને આપણે સ્વીકારી લઈએ છીએ. આપણને વસ્તુપદાર્થ ગણી કાઢતી એ નજરને સહી લઈએ છીએ.
તે વખતે આપણે એનું શરણ સ્વીકારવાને તેમ જ એને પણ વસ્તુપદાર્થ ગણી લેવા માટે સભાન અને મુક્ત હોઇએ છીએ. આમ, સમ્બન્ધને ઉલટાવીએ છીએ, સમ્બન્ધની અદલબદલ કરી નાખીએ છીએ.
સાર્ત્રનું એમ કહેવું સાચું છે કે સમાજમાં આમ અવારનવાર બનતું હોય છે. એથી દમન જન્મે છે. બે એકદમનાં સાફ દૃષ્ટાન્તો : એક તો, જાતિદ્વેષને કારણે જન્મેલી ગુલામીપ્રથા અને બીજું, નારી તેમ જ નારીસમાજ પ્રત્યેની પૈતૃક સત્તાના વારસદાર પુરુષોની વર્તણૂકો.
મને થાય, અસ્તિત્વવાદીઓને જો હિન્દુ વર્ણવ્યવસ્થાની અને તેમાંથી પ્રગટેલી અસ્પૃશ્યતાવિષયક ઘાતક માનસિકતાની તેમ જ દલિત-પીડાની જાણ હોત તો એમણે એ દૃષ્ટાન્તોને પણ આમાં ઉમેરી લીધાં હોત …
Pic courtesy : WectorStock
સાર્ત્રની આ વાતને એક કાલ્પનિક પણ સંભાવ્ય દૃષ્ટાન્તથી સમજીએ. દૃષ્ટાન્ત એમની વાતને તન્તોતન્ત નથી અનુસરતું એની મને ફૉમ છે :
સાર્ત્ર કહે છે કે —
૧:
આપણને આપણી જાણ ત્યારે જ થાય છે જ્યારે અન્ય કોઈ આપણને જાણવા કે અનુભવવા કરે છે. આપણે વસ્તુમય થઈ જઈએ છીએ જ્યારે અન્ય કોઈ આપણને એ રીતે નિહાળે છે. ‘હું’ એક અન્ય ‘હું’ સાથે જોડાય, સમ્બન્ધ ઊભો થાય, ત્યારે જ આપણે મનુષ્યો આપણી જાત વિશે સભાન થઈએ છીએ.
દાખલા તરીકે, રમા એક બીજી રમા સાથે સૅક્સ્યુઅલ કનેક્શન અનુભવે ને જોડાય તો એમની વચ્ચે સંભવ છે કે હોમોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. પહેલી રમાને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું બીજી રમાને પણ થાય.
ધારો કે, એ પ્રકારે, રમા રામ સાથે જોડાય તો એમની વચ્ચે હીટરોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. રમાને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું રામને પણ થાય.
ધારો કે, એ પ્રકારે, રામ એક બીજા રામ સાથે જોડાય તો એમની વચ્ચે હોમોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. રામને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું બીજા રામને પણ થાય.
૨:
જ્યાંલગી અન્યની નજર – gaze – આપણા પર પડે નહીં, જ્યાં લગી એ નજરનો સામનો ન કરવો પડે, જ્યાં લગી આપણે અન્ય વડે watch ન થઈએ, ત્યાં લગી આપણને આપણી પોતાની હાજરી નથી અનુભવાતી.
(હું માત્ર હીટરોસૅક્સ્યુઅલ રીલેશનની જ ચર્ચા કરું.) : હવે રમા સામે જ રમા હાજર થઈ ગઈ છે કેમ કે રામની એના પર નજર મંડાઈ છે. એ ક્ષણથી રમા પોતાની જાતને જોતી-તપાસતી થઈ ગઈ છે. રમાને થયું છે કે હવે તો રામ એનો ચૉકી-પ્હેરો પણ કરે છે – પ્રેમનો માર્યો કે શંકાનો માર્યો.
૩:
અન્યની નજર બધું વસ્તુમય કરી મૂકે છે.
હવે રમા પોતાથી અલગ એવી રમાને જોવા લાગી છે, પોતાથી જુદી; જાણે પોતે કશી વસ્તુ છે – પ્રેમમૂર્તિ. એને થયું કે – રામ જો પોતાને સાહી લેશે, આલિંગશે, ચૂમશે, તો પોતે જાતને ધરી રહેશે ને એમ થવા દેશે.
૪:
પરન્તુ, પરિણામે, આપણે આપણા અસ્તિત્વથી વંચિત થઈ જઈએ છીએ, એટલું જ નહીં, શીખવા માંડીએ છીએ કે આપણી આત્મ-ઓળખ કેવીક તો મિથ્યા છે.
રમા અને રામ બન્નને કોઈ સમયે તો એવું લાગે જ છે કે પોતે પોતાને ઓળખી શક્યાં નથી, પોતે છે પણ નથી, પ્રેમ-ફ્રેમ બધું મિથ્યા છે
૫:
સાર્ત્ર આ મુદ્દાને વિકસાવતાં એટલે લગી કહે છે કે એક સત તરીકે, એક ઍજન્સી કે એક કલ્પના તરીકે, ‘હું’ નક્કર પાયા વિનાનું બની જાય છે ને શૂન્યતા અનુભવે છે.
જેમ કે, આ દાખલામાં, રામને રમા સાથે જોડાયા પહેલાંનો રામ યાદ નથી આવતો બલકે તે પછીના પ્રેમી રામને પોતે સતત અનુભવે છે, પણ ડરે છે. કેમ કે, શું થશે-ની શૂન્યતા એને ઘેરી વળે છે. એને થાય છે, પોતે જો રમાને પોતાનામાં ભેળવી દે તો બધું બરાબર થાય. એવું એ ત્યારે જ કરી શકે જ્યારે એ રમાને ભલે સ્ત્રીસ્વરૂપા પણ એક વસ્તુ સમજે અને એમ ગણીને એને વાપરવા માંડે.
એવો જ ડર, એવી જ શૂન્યતા રમાને પણ થાય. રમા પણ રામને પુરુષસ્વરૂપ વસ્તુ ગણીને વાપરવા માંડે.
૬:
સાર્ત્ર કહે છે કે તેમ છતાં, ‘વસ્તુ’ કદી પણ કબજે તો થતું જ નથી.
કેમ કે રમા કે રામ વળી પાછાં પોતાનાં સ્વાતન્ત્ર્યને પાછાં મેળવે છે, જે એમણે એકબીજાં માટે જતાં કરેલાં. વસ્તુત્વમાંથી એ બન્ને પોતાનાં વ્યક્તિત્વમાં આવી જાય છે. આપણી આસપાસમાં આપણે કેટલીયે ઘટનાઓ જોઈએ છીએ જેમાં પ્રેમસમ્બન્ધે જોડાયેલાં કે અરે લગ્નાયેલાં પણ સમ્બન્ધને ફગાવી દે છે ને પોતામાં પાછાં ચાલી જાય છે. સ્વાતન્ત્ર્યની પુન:પ્રાપ્તિ, એક પાયાનું મનુષ્યલક્ષણ છે.
* *
સતને સાર્ત્ર અસ્તિત્વની સમ્પૂર્ણતા ગણે છે. તેથી ચેતના એમને જ્ઞાન અને અર્થહીનતાનો નિરર્થક જથ્થો ભાસે છે. એમનું દૃઢ મન્તવ્ય છે કે વિશ્વમાં ચેતના ‘હું’ દ્વારા દાખલ થઈ શકે છે અને એની સાથોસાથ, શૂન્યતા અને નકાર પણ દાખલ થાય છે. ચેતના એ છે જે વિશ્વને હોવા-રહેવા દે છે ! ચેતના નહીં હોય તો વસ્તુઓ નહીં હોય, વૃક્ષો નહીં હોય, નદીઓ નહીં હોય, અને ખડકો નહીં હોય. હશે માત્ર સત. ચેતના હમેશાં સ-હેતુક હોય છે. એટલે કે, ચેતના હમેશાં કશાકને વિશેની ચેતના હોય છે.
સાર્ત્રની ઑન્ટોલૉજી અનુસાર, શું નથી એને જાણ્યા પછી જ ચેતના જાણે છે કે પોતે ‘વસ્તુ’ નથી, અને એ રીતે જેને જાણે છે તે એક શૂન્યતા છે – સતનું ન હોવું. તેમ છતાં, સાર્ત્ર-દૃષ્ટિમાં ‘હું’ કશું નથી, એ ત્યારે જ હોય છે, જ્યારે એ સતના સમ્બન્ધમાં મુકાય છે. એ રીતે એ એક પ્રકારનું is છે, હોવું છે.
એમનું કહેવાનું એમ થાય છે કે ‘હું’ એક શૂન્યતા છે, અભાવ છે. એ ‘હું’ અન્યો વડે નિર્માનવીકરણ પામેલું છે, ને વળી, એના પોતાથી પણ છેતરાયેલું છે. પણ સાર્ત્ર સતત એમ પણ ઘૂંટે છે કે ‘હું’ મુક્ત છે, પારદર્શક છે, ચેતના છે; એટલે સુધી કહે છે કે વિશ્વને ‘હું’ ઘડે છે !
આમ, સાર્ત્રનો આ શાસ્ત્રાર્થ વિવાદાત્મક બની રહે છે અને સરવાળે ચર્ચાને નિરાશાભરી કરી મૂકે છે …
મનુષ્યજીવનની ઑન્ટોલૉજી અંગેનાં આવાં બે દેખીતાં અસમાધાનકારી વર્ણનોનો સાર્ત્ર કશો ગળે ઊતરે એવો ખુલાસો નથી આપતા, એ એક કોયડો છે. અલબત્ત, કશા ફિલસૂફીપરક ઉપસંહાર પર ન જવું એ એમનું અનેકશ: ઈરાદાપૂર્વકનું વર્તન છે, છતાં, એ બન્નેને જાળવી રાખવાં, એ એમની અંગત શૈલી રહી છે, એટલું જ નહીં, અસ્તિત્વવાદની પણ કહેણી – maxim – એ રહી છે કે એવો કોઈ સિદ્ધાન્ત નથી જે સાર્વત્રિક હોવાનો દાવો કરી શકે.
મારે આમાં કેટલીક વીગતો ઉમેરવી જોઈએ :
સામાન્યપણે ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સ એટલે કે અધ્યાત્મવિદ્યા કહીએ છીએ પણ હ્યુસેર્લ, હાઈડેગર અને સાર્ત્ર એને એમ નથી ગણતા. સાર્ત્રને મન ઑન્ટોલૉજી વર્ણનાત્મક છે, વર્ગો રચી આપે છે; જ્યારે, અધ્યાત્મવિદ્યા મનુષ્યોનાં મૂળ વિશે, તેમનાં જીવનસાધ્ય વિશે, તેમ જ વિશ્વ સમગ્ર વિશે કેટલાંક નિરૂપણો પીરસે છે.
હ્યુસેર્લ અને હાઈડેગરની જેમ સાર્ત્ર પણ ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સથી જુદી ગણે છે. ‘ઑન્ટોલૉજી’ માટે ભલે હું ગુજરાતી પર્યાયવાચી સંજ્ઞા હાલ ને હાલ નથી રચી શકતો, પણ કહી તો શકું છું કે એ સતને વિશેનું – બીઈન્ગને વિશેનું – હોવાપણાને વિશેનું – અધ્યયન છે. બીઈન્ગ સાથે જોડાયેલાં બીકમિન્ગ, ઍક્ઝિસ્ટન્સ અને રીયાલિટીનું, એટલે કે, સત સાથે જોડાયેલાં થવાપણું, અસ્તિત્વ અને વાસ્તવિકતાનું એ અધ્યયન છે.
સાર્ત્રે ‘બીઈન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થનું ઉપશીર્ષક રાખ્યું છે, ‘ફિનૉમિનોલૉજિકલ ઑન્ટોલૉજી’. મતલબ, એમને આવિષ્કારોનું અધ્યયન રચવું છે. ટૂંકમાં, સાર્ત્રની પદ્ધતિ અતિ અમૂર્ત વિભાવનાઓથી ખસીને નક્કર મૂર્ત વિભાવનાઓ તરફ વિકસી છે.
(હવે પછી, the Other વિશે)
= = =
(January 29, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર