૨૦૦ વર્ષના સામ્રાજ્યવાદ પછી માંડ મળેલી લોકશાહીને અમુક દાયકા પછી આપણે ‘ગ્રાન્ટેડ’ લેવાની શરૂઆત કરી. લોકશાહીની સમાનતા જીવવી હોય તો તેની જાગૃત સમજ સૌથી અનિવાર્ય પાસું છે.
આજે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ૧૯૫૦માં ૨૬મી જાન્યુઆરીએ આપણું બંધારણ અમલમાં મૂકાયું હતું અને ભારત સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર દેશ બન્યો હતો. પ્રજાના હાથમાં રાષ્ટ્રની સુકાન હોય તો લોકશાહી સલામત હોય છે. જો કે પ્રજાનો મિજાજ બદલાય તો તેને પોતાના પર લાગેલી લગામો તંગ કરવાનો શોખ થઇ જાય એમ પણ બને. બીજી ચર્ચા વિસ્તારથી બાદમાં કરીએ પણ આજના, ગણતંત્ર દિને એ જાણવું જરૂરી છે કે ડેમોક્રેસી ઇન્ડેક્સ ૨૦૧૯માં ભારતનું સ્થાન પહેલાં પચાસ રાષ્ટ્રોમાં નથી રહ્યું. આપણે લોકશાહીના આ ઇન્ડેક્સની યાદીમાં મૂકાતા ૧૬૫ રાજ્યોમાં દસ ક્રમાંક પાછળ ચાલી ગયા છે અને આપણો ક્રમાંક આ ઇન્ડેક્સમાં છેક ૫૧મો છે. નાગરિક સ્વતંત્રતામાં ઘટાડો થવાથી આપણે ત્યાં લોકશાહીનું સ્તર નીચે ઉતર્યું છે. ઇકોનોમિસ્ટે રજૂ કરેલા અહેવાલ અનુસાર નાગરિકતા સુધારા કાયદાને પગલે ભારતનો ક્રમાંક વધુ પાછળ ગયો. ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ ભારતનો સ્કોર આ ઇન્ડેક્સમાં ઘટ્યો જ હતો પણ તાજેતરમાં થયેલા મોટા ફેરફારોને પગલે સ્કોર વધુ નીચે ગયો. ટૂંકમાં આજના પ્રજાસત્તાક દિને આપણે આ કડવો ઘૂંટડો ગળે ઉતારવો પડશે કે આપણા દેશમાં લોકશાહીની સ્થિતિ જેવી પહેલાં હતી તેવી નથી રહી.
ભારતમાં લોકશાહીની શરૂઆત તો બહુ તેજસ્વી હતી. આપણા યુવાન દેશે ગરીબી અને નિરક્ષરતા જેવા રાક્ષસોનો પગદંડો હોવા છતાં ય યુ.કે. અને યુ.એસ.એ. કરતાં ઘણો સારો દેખાવ કર્યો હતો. ભારતે અન્ય વિકાસશીલ દેશો સમક્ષ પોતાનાં પરિવર્તનોથી એ ઉમદા ઉદાહરણ આપ્યું હતું. એક સમયે રાજકારણ જનતાલક્ષી હતું. લોકોનું ભલું થાય, પૉપ્યુલિસ્ટ રાજકારણનો વધારો ન થાય તે રીતે રાજકારણીઓને કામ કરવામાં રસ હતો. ૨૦૦ વર્ષ સુધી સામ્રાજ્યવાદી શાસકોનો ભોગ બનેલા, દુકાળ, રોગચાળા, ગરીબી, નિરક્ષરતા અને ભાગલાની થપાટો ખાધેલા ભારત માટે મતાધિકાર બહુ મોટી બાબત હતી. દેશ પ્રજાસત્તાક થયો તે પછી કટોકટી સમયે પહેલીવાર ભારતીય લોકશાહીના પાયા હચમચી ગયા. આવનારાં વર્ષોમાં નવનિર્માણ આંદોલન, વી.પી. સિંઘની સરકાર હતી ત્યારે મંડલ કમિશન જેવા મોટા દેખાવો, વિરોધો થયા અને પછી ઘણું બધું બદલાયું. પ્રજાને કંઇક નવું જોઇતું હતું અને એ પણ થયું. આ પરિવર્તનની સાથે અત્યારે દેશમાં ઠેર ઠેરથી વિરોધનો અવાજ ઊભો થઇ રહ્યો છે. રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદ થઇ ગયો છે, હિંદુ ધર્મ અને હિંદુત્વ વચ્ચેની ભેદ રેખા વધારે ઝાંખી થઇ રહી છે અને સત્તાધીશોના વિચારથી જુદું બોલનારાઓને નિશાન બનાવનારાઓનો પાર નથી. અહીં સરકારનો વાંક કાઢવાનો ઇરાદો નથી બલકે આપણે પ્રજા તરીકે કેટલા બદલાયા છે એ જોવાની જરૂર છે કારણ કે આપણા પ્રજાસત્તાક રાષ્ટ્રમાં બધા જ પ્રકારની સરકાર આપણે કારણે જ બની છે અને ભાંગી પણ પડી છે. આખરે તો લોકશાહીમાં પ્રજા જ રાજા હોય છે અને તેને એ જ રાજા મળે છે જેને તે લાયક હોય છે. રાજકારણ સતત બદલાતું રહે છે. આપણા દેશમાં ધર્મ, જાતિ અને ભાષા આધારિત લઘુમતીની સાથે બહુવચનવાદનો પ્રભાવ રાજકારણ પર રહ્યો છે.
માણસની પ્રકૃતિ છે કે જે સરળતાથી મળ્યું હોય એને ‘ગ્રાન્ટેડ’ લેવું. આઝાદીનાં અમુક દાયકાઓ પસાર થઇ ગયા પછીની પેઢીને માટે લોકશાહી એક એવી બાબત હતી જેને ‘ગ્રાન્ટેડ’ ગણવામાં આવી. તમામને સમાન હક આપતું લોકશાહી તંત્ર ત્યારે જ સફળ થઇ શકે છે જ્યારે સમાજના તમામ સ્તરનાં લોકો તે ઘડવામાં ભાગ લે, ટૂંકમાં, રાષ્ટ્રની રાજકીય પ્રક્રિયામાં સામાન્ય માણસ પણ ભાગ લે. વિશ્વના સૌથી મોટા લોકશાહી તંત્ર ભારતમાં આ બે પગલાંની પ્રક્રિયાને બહુ ગંભીરતાથી ન લેવાતી હોવાથી તે અમુક ઉચ્ચ વર્ગનાં લોકોની ભાગીદારી સુધી જ સીમિત થઇ જાય છે. સમાજના ગરીબો વહીવટી પ્રક્રિયામાં દર પાંચ વર્ષે, ચૂંટણી ટાણે જ ભાગ લે છે અને આમ લોકશાહીની સફળતાની ભાગીદારી બધાને હિસ્સે નથી આવતી.
કમનસીબે રાજકીય પક્ષો દ્વારા ઇલેક્ટોરલ સિસ્ટમનો દુરુપયોગ તથા મૂલ્યો અને નીતિઓ સાથે સમાધાન કરનારા રાજકારણીઓની સંખ્ય વધી. રાષ્ટ્રીય હિત ખૂણામાં ધકેલાવા માંડયું. લોકશાહીની પ્રક્રિયામાં અંગત સ્વાર્થ સાથે નૈતિક અને આર્થિક ભ્રષ્ટાચાર પણ વધ્યા.
લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં જંગી બહુમતથી સત્તા પર આવેલ ભા.જ.પા. કૉન્ગ્રેસના એકધારા શાસનથી કંટાળેલી પ્રજાનો નિર્ણય છે. આઝાદી પછી કૉન્ગ્રેસને આ જ રીતે આખા રાષ્ટ્રમાં ચૂંટણીલક્ષી આધિપત્ય પ્રાપ્ત થયું હતું પણ લોકોનો વિશ્વાસ કૉન્ગ્રેસ પર પંદરેક વર્ષ ટક્યો. નેવુંના દાયકામાં ગઠબંધનની સરકાર રચવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો કારણ કે કદમાં મોટા થયેલા પ્રાદેશિક પક્ષો રાષ્ટ્રીય રાજકારણમાં આગળ વધવા પોતાનો રસ્તો કાઢવા માંડ્યા. રાષ્ટ્રીય હિત કેન્દ્રીય સ્તરે નક્કી કરીને આગળ વધવાને બદલે હવે પક્ષીય હિત પ્રાથમિકતા બન્યું. પ્રદેશવાદ અને જાતિવાદમાં વધ્યાં અને સરકાર રચવાની પ્રક્રિયા ‘સર્કસ’માં ફેરવાઇ ગઇ.
વળી આર્થિક સુધારાઓમાં મોટા ફેરફારો થયા જે નરસિંહા રાવની સરકાર દમિયાન થયા. હવે દલિત અને અન્ય પછાત વર્ગોની ગતિ વધી અને કૉન્ગ્રેસને ચાવીરૂપ મતની ખોટ પડવા માંડી. આ સંજોગોને કારણે રાજકારણમાં જે ફાટ પડી તેમાં વાજપાઈનાં સમયે ભા.જ.પા.એ હિંદુત્વના એજન્ડાની ધજા ફરકાવી. જે ઉચ્ચ વર્ગોને કૉન્ગ્રેસ પરિવાર વાદી પક્ષ લાગતો હતો, સમાજનું એક સ્તર જે જાતે રાજકારણ સાથે જોડી નહોતું શકતું તે બધાયને હિંદુત્વનું કાર્ડ માફક આવ્યું અને રાતોરાત ભારતીય રાજકારણનાં ચહેરાની રેખાઓમાં ફરી પરિવર્તન થવા માંડ્યું.
૨૦૧૪ પછી જે રીતે આપણું રાજકારણ બદલાયું તેમાં લોકશાહી કોરાણે મુકાઇ. ઉદારમતવાદી નીતિઓ અને મોબાઇલ ક્રાંતિમાં ઉછરેલી પેઢી લોકશાહીને સમજવામાં કાચી પડી. ભા.જ.પા.એ પોતે આમૂલ પરિવર્તન આણશે અને પહેલાની સરકારે આપેલા જે વચનો પૂરાં નથી કરાયા તે બધાં પોતે પૂરાં કરશેની વાતો શરૂ કરી. સૂટબૂટની સરકારથી હવે ચા બનાવનારા સામાન્ય માણસે ઘડેલી સરકાર દેશનું ભલું કરશેનો પ્રચાર પણ મોટે પાયે કરાયો. કૉન્ગ્રેસને એલિટ ગણનારાઓ અથવા કૉન્ગ્રેસે કશું જ નથી કર્યું એમ માનનારાઓને આ પ્રચાર માફક આવ્યો. આપણી લોકશાહીમાં વિચારધારાને બદલે વ્યક્તિ પૂજા, પૉપ્યુલિસ્ટ રાજકારણની એક નવી જ ઊંચાઇ જોવા મળી. હિંદુ મુસલમાનનું રાજકારણ હવે તમે કાં તો મોદી સાથે છો અથવા તેની સામે છોના ધ્રુવીકરણમાં ખેલાવા માંડ્યુ. હિંદુત્વનું રાજકારણ સૂક્ષ્મ સ્તરે સતત ખેલાઇ રહ્યું છે. કાશ્મીરનો મુદ્દો, એન.આર.સી. અને કેબનો ખેલ જેવાં પગલાં ભા.જ.પ. સરકારે બહુ ઝડપથી લીધા. સાથે કૉન્ગ્રેસે જે નથી કર્યું એ અમે કરીએ છીએનું ગાણું પણ સતત ચાલુ રાખ્યું. મોંઘવારી, રોજગારી, માળખાકીય સવલતો જેવા પ્રશ્નો પહેલાં કરતાં વધારે સંકુલ બન્યા છે પણ વ્યક્તિ પૂજામાં ઘેલી થયેલા સમાજના પેટનું પાણી હજી તો નથી હલતું. લોકશાહીની વિશાળતા સમજવા જેટલું ડહાપણ મળે એ જરૂરી છે નહીંતર આ વખતે કટોકટીમાં કચડાઇ ગયા પછી સમજાશે કે કેટલું ગુમાવ્યું અને કેટલું મેળવ્યું.
બાય ધી વેઃ
મોદી સરકારની વાતમાં એક સૂર સતત સંભળાય છે કે અમે દેશમાં ડોહળાયેલા માહોલને સ્વચ્છ કરવા માગીએ છીએ. સ્વચ્છતા અભિયાન લોકશાહીનો સફાયો ન બની જાય તે આપણી જવાબદારી છે. લોકશાહી આપણને માત્ર મતાધિકાર નથી આપતી બલકે સમાનતા પણ આપે છે. અસમાનતા અને વૈમનસ્ય લોકશાહીના સત્વ માટે ઊધઈ સાબિત થશે. લોકશાહી રાષ્ટ્રની પ્રજા તરીકે આપણે યાદ રાખવું જ પડશે કે આપણને અંતે તો એ જ રાજા મળે છે જેને આપણે લાયક હોઇએ. લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર નજર કરીને આપણું માનસ સંતુલિત રાખવાની જવાબદારી આપણે નહીં ઉપાડીએ તો ડેમોક્રસી ઇન્ડેક્સમાં છેલ્લા પચાસમાં ય કદાચ આપણો ક્રમાંક નહીં આવે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જાન્યુઆરી 2020