1892, 1893, 1894 આ એ વર્ષો છે જ્યારે સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં પ્રકાશ્યા છે, દાદાભાઈ નવરોજી બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ્યા છે અને મુમુક્ષુ મોહનદાસ દક્ષિણ આફ્રિકાના જાહેર જીવનમાં પડ્યા છે: ‘સ્વ’ની અને ‘સ્વરાજ’ની ખોજની એક રીતે એ સ્વાતિક્ષણો છે …

પ્રકાશ ન. શાહ
રાણી વિક્ટોરિયાના ઢંઢેરા(1 નવેમ્બર 1858)થી ‘ગદ્દર’ એ ક્રાંતિકારી પત્રના પ્રકાશન(1 નવેમ્બર 1913)ની અલપ ઝલપ જિકર કરી ન કરી, અને એ કાળખંડને ગુજરાત-ભારત છેડેથી એક વિશ્વ ઘટના રૂપે જુદેસર મૂકવા વિચારતો હતો ત્યાં તો જોઉં છું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને સરદાર જયંતીના વિરાટ આયોજન સાથે દેશના રાજવી પરિવારોનુંયે પોંખણું પાર પાડ્યું છે. થોડાં વરસ પર મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરામાં (હું ધારું છું, ગાયકવાડની પરોણાગતમાં) આવું એક રાજવી રાવણું મળ્યું હતું.
વસ્તુત: રાજવીઓનો ખાસો હિસ્સો એવો પણ હતો જેને સ્વરાજની ચળવળ પરત્વે અસુખ હતું અને સ્વરાજ પછી પણ કશુંક ખૂંચતું રહ્યું હશે. ભાગલા વખતે પાકિસ્તાન સાથે સીધા સંબંધની રીતે વિચારનારાં રજવાડાં પણ ક્યાં નહોતાં? 1857માં તમે ક્યાં હતા એ મુદ્દે સિંધિયા પરિવારને પણ, એમ તો, ટીકાસ્ત્ર ક્યાં વેઠવા નથી પડતાં? સયાજીરાવ ક્રાંતિકારીઓ પરત્વે સહાયકારી વલણ ધરાવતા હતા તો 1857 વખતે ગાયકવાડની વડોદરાએ સલામત અંતરનો રવૈયા લીધો હતો એ પણ ઇતિહાસવસ્તુ છે.
રાજવી પરિવારોના ઉમિયા સન્માનનું સાંભળ્યું ત્યારે જે બે નામ ખાસ કોઈ આયોજન વિના સાંભરી આવ્યાં હતાં, એની થોડીક વાત કરું? એક તો દરબાર ગોપાળદાસનું સ્મરણ થઈ આવ્યું હતું. સ્વરાજની લડતમાં એમ એમની નાનીશી રિયાસત, ઢસા-રાયસાંકળી, જપ્ત થયેલી અને સ્વરાજ પછી પાછી મળી ત્યારે ભારત સંઘમાં સ્વેચ્છાએ વિલીન થયેલું પહેલું રજવાડું પણ એ હતું. ગોપાળદાસ સ્વતંત્ર કોલમના બરની પ્રતિભા છે પણ એમનું એક વિશેષ અર્પણ તો અછડતુંયે સંભારી લઉં. ગુજરાતની, ઘણું કરીને ભારતની પણ પહેલી મોન્ટેસરી શાળા એમણે મોતીભાઈ અમીનના માર્ગદર્શનમાં વસોમાં શરૂ કરેલી. (મેઘાણીએ ‘સોરઠ તારાં વહેતાં પાણી’માં દરબાર સાહેબ આધારિત એક પાત્રનોયે પ્રવેશ કરાવ્યો છે.)
નાના-મોટા રાજવી પરિવારો પૈકી યદૃચ્છાવિહાર પેઠે થઈ આવેલું બીજું સ્મરણ રાજા મહેન્દ્ર પ્રતાપનું હતું. 1957-1962નાં વર્ષોમાં એ લોકસભા સાંસદ હતા ત્યારે અમદાવાદની લેસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં એમને જોવા-સાંભળવાનું બન્યું હતું. (એ વખતે ખબર નહોતી કે મથુરાની બેઠક પર એમની સામે હારી ગયેલાઓ પૈકી એક ભાવિ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ હતા.) સાધારણપણે આપણે જંગે આઝાદીમાં દેશ બહાર સ્થપાયેલી સરકાર તરીકે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારને સંભારતા હોઈએ છીએ, પણ એ તો બીજા વિશ્વયુદ્ધ વખતની ઘટના છે, જ્યારે પહેલા વિશ્વયુદ્ધનાં વરસોમાં દેશ બહાર એવી સરકારની સ્થાપનાનું માન અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપને નામે ઇતિહાસજમે છે. એ પ્રમુખ અને મૌલવી બરકતુલ્લા વડા પ્રધાન એવી રચના હતી, અને મહેન્દ્ર પ્રતાપના સંપર્કો રૂસના લેનિનથી જર્મનીના કૈસર લગીના હતા.
સ્વરાજની ચળવળને આપણે વ્યાપક આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં જોઈએ છીએ ત્યારે 19મી સદી ઉતરતે ગુજરાત-ભારત છેડેથી ત્રણ નામ લગભગ એકસાથે સામે આવે છે અને તે પણ એક જ અરસામાં. 1892, 1893, 1894 આ એ વર્ષો છે જ્યારે વિવેકાનંદ શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં પ્રકાશ્યા છે, દાદાભાઈ નવરોજી બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ્યા છે અને ગાંધીભાઈ દક્ષિણ આફ્રિકાના જાહેર જીવનમાં પડ્યા છે.
જરી ઉતાવળે જિકર કરું આ ત્રણેની? દાદાભાઈ 1892માં લંડનના ફિન્સબરીમાંથી આમની સભામાં ગયા ત્યારે એમની જે અભ્યાસ-સેર ભારત છેડેથી ચાલુ હતી એને બ્રિટિશ મ્યુઝિયમની સમૃદ્ધ લાઈબ્રેરીના સેવને ખાસી સહાય કરી અને નવા સમયના વાહક તરીકે હિંદમાં બ્રિટનની હાજરી વસ્તુત: કઈ હદે આ દેશની શ્રી, સંપત્તિ અને સમૃદ્ધિને ઉશેટી જનારી છે એની દસ્તાવેજી વિગતો આગળ ચાલતાં ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા’ રૂપે વિશ્વસુલભ બની. (બાય ધ વે, આ ‘અનબ્રિટિશ’ એ પ્રયોગ નોંધ્યો તમે?’)
આર્થિક શોષણ ને દારુણ ગરીબીનું આ ચિત્ર બ્રિટિશ શાસન પર સાંસ્થાનિક ચકામા (ચંદ્રક નહીં) પેઠે ઊપસી રહ્યું હતું ત્યારે 1893માં શિકાગોની વિશ્વ ધર્મ સંસદને તખતે વિવેકાનંદનો સિંહપ્રવેશ થયો. બીજી વિગતો છોડી દઈ અહીં એટલું જ સંભારું માત્ર કે આ વેદાન્તકેસરિયો સાંપ્રદાયિક જટાજૂટથી હઠી સર્વધર્મસાધક ગુરુની છાયામાં વ્યાપક ધર્મનું દરિદ્રનારાયણ રૂપ આગળ કર્યું. સાંસ્થાનિક શોષણ સામે આ નવધર્મચિંતન હતું.
1894 એ વરસ છે જ્યારે દક્ષિણ આફ્રિકાના હિંદી ભાઈબહેનોના નાગરિક હક્કની લડાઈમાં બેરિસ્ટર ગાંધીભાઈ ડગ માંડી રહ્યા છે. એમને સારુ ઊંડી ધર્મખોજનો આ ગાળો છે જેમાં કવિ રાયચંદભાઈ(શ્રીમદ્ રાજચંદ્ર)ની સંપર્કહૂંફ ઉપરાંત આવી મળેલો અણચિંતવ્યો સધિયારો તોલ્સ્તોયના વાંચનનો હતો. ‘ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ વિધિન યૂ’ મૂળ રૂસીમાં 1893માં બહાર પડ્યું અને 1894માં તો અંગ્રેજીમાં અવતારી મુમુક્ષુ મોહનદાસના હાથમાં પડ્યું. ખ્રિસ્તી ધર્મ એ પ્રેમધર્મ છે અને પ્રેમને પ્રત્યક્ષ કૃતિમાં ઉતારવા સારુ રૂસના દુર્ભિક્ષગ્રસ્તોની સેવાનો સાદ સાંભળી તોલ્સ્તોય રાહતકાર્યમાં જોતરાય છે. દુર્ભિક્ષનો ભોગ બનેલાઓ જો ખ્રિસ્તી છે તો આ વસમા સમયમાં એમને શોષનારા શાહુકારો ય ખ્રિસ્તી છે, અને એ શાહુકારોની પૂંઠે અડીખમ સમર્થન આપનાર નામદાર ઝાર પણ ખ્રિસ્તી છે! પ્રેમધર્મના યાત્રીને આ જે ‘સાક્ષાત્કાર’ થયો તેણે સામાજિક તેમ જ રાજ્યવિષયક આલોચનાવિવેક એટલે કે ‘ક્રિટિક’ની અનિવાર્યતા સમજાવી. હિંદીવાનો સારુ લડી રહેલા ગાંધીને ધર્મખોજના જ એક દુર્નિવાર અંગ તરીકે શાસનમીમાંસાની જરૂરત પકડાઈ. પરંપરાગત ધર્મખોજની આ સંપ્રદાયમુક્ત નાગરિક સમુત્ક્રાંતિ આપણા સમયની એક મોટી વાત હતી અને છે.
ભારત, ઇગ્લેન્ડ, રશિયા, અફઘાનિસ્તાન, અમેરિકા, આફ્રિકા- ચાર ખંડ ને પાંચ દેશમાં આ જે મંથન ચાલ્યું, એક રીતે એનું નવનીત લઈને ‘હિંદ સ્વરાજ’ આવ્યું.
વીસમી સદીનો પહેલો દસકો ઉતરતે એ અને ‘ગોરા’ બેઉ લગભગ એક જ અરસામાં.
આ સંબલ સામે શો છે આપણો હિસાબ?
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 08 નવેમ્બર 2023