જેઓ કહી ચૂક્યા છે અને હજુ કહે છે કે, ‘આપણા ભારત દેશની પ્રજામાં અસહિષ્ણુતા વધતી ચાલી છે’, તેમાંની મોટા ભાગની હસ્તીઓનાં (તથા જેમની એવું ચીંધી બતાવવા બદલ મિટાવી દેવાઈ છે તેવી બિન-હસ્તીઓના) નામ – થેન્ક્સ ટુ મીડિયા – આપણા જાણવામાં આવ્યા છે.
હાલના (નમો તો જ ગમો તેવા) સમયમાં મારે નમ્રપણે કહેવું છે કે પેલા સહુ કહેનારાઓ કહેવામાં લગાર ચૂક્યા છે. હું સાધાર નિવેદન કરવા માગું છું (સાલા, તું કઈ વાડીનો મૂળો કે તારું નિવેદન સાંભળવા/છાપવા કોઈ મીડિયા તૈયાર થાય? છતાં કરવું હોય તો કર -) કે : “આપણા ભારત દેશમાં અત્યારે તો ઉચ્ચોચ્ચ કોટિની સહિષ્ણુતા પ્રવર્તે છે. એ માટેના આધારો શોધવામાં સુજ્ઞ તો શું, મારા સરીખા અજ્ઞ જનોને પણ મહેનત લેવી પડે તેમ નથી. જુઓ:
* આજે પણ “હિન્દુત્વ-રક્ષણ”ના નેજા અને નારા હેઠળ કઢાતા ફતવા – સોરી, ‘આદેશો’; છડેચોક થતી જોહુકમી અને હત્યાઓ સામે અવાજ ઉઠાવનાર તો ગણ્યાગાંઠ્યા જ છે; બાકીની બહુમતિ એવા હત્યારાઓ પ્રતિ સહિષ્ણુતા દાખવતી છે. બરાબર?
* ગાજર સામે નજર કરીને ગર્દભ નામનું પ્રાણી જો દોડાવી શકાતું હોય તો ‘વિકાસ’ નામના ગાજર પાછળ પ્રજાને દોડાવી, થોડાંક ધનિકોને અધિક ધનિક અને વંચિતોને અધિક વંચિત રાખવાના ખેલના જાદુગરો પ્રતિ ભારતની પ્રજા ‘સહિષ્ણુ’ નથી એમ કોણ કહેશે?
* કોઈ પણ ધર્મગ્રંથોના તુલનાત્મક અભ્યાસ વિના, માત્ર બાબાઓ અને નેતાઓની દોરવી દોરાઈને કોમી રમખાણો સમયે નાચી અને રાચી ઊઠતી આ પ્રજા ‘સહિષ્ણુ’ નથી એમ કહી શકાય ખરું?
હાશ, મારે કહેવાનું મેં કહી દીધું. હવે એ વાંચીને કોઈ મારા પર હુમલો કરે, મારી હત્યા કરે તો ‘સહિષ્ણુતા’ ના બચાવ ખાતર થનાર પહેલો શહીદ હું હોઈશ.
(જા, જા, સાલા, તું કઈ વાડીનો મૂળો?)
***
e.mail : 2bhabhai@gmail.com