અડધો લીટર દૂધ અને માખણની ગોટી માટે…
રાજકીય લડવૈયાઓનાં જેલનાં સંભારણાંમાં સામાન્ય રીતે પોતે કેટલું દુઃખ વેઠ્યું કે કેટલી જ્ઞાનસાધના કરી તેની વાત આવતી હોય છે. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન જેલમાં ગયેલા લેખકનાં સંભારણાં સાવ જુદાં અને વાંચનારને ખડખડાટ હસાવી મૂકે એવાં છે. અલબત્ત, એ હાસ્યની પાછળ સંઘ પરિવારની કાર્યપદ્ધતિથી માંડીને સમાજવાદીઓની ભારઝલ્લી ગંભીરતા અને માનવમનના અવળચંડા આટાપાટાનું એક્સ-રે દર્શન જોવા મળે છે
1974નું વર્ષ.
તત્કાલીન ચીમનભાઈ પટેલની સરકાર સામે ગુજરાતના લબરમૂછિયા તરુણો ભ્રષ્ટાચારના મુદ્દે જુદ્ધે ચડેલા. આ આંદોલનમાં સક્રિયપણે જોડાવાનું બન્યું. ગુજરાતમાં તે જમાનામાં ભોગીલાલ ગાંધી જેવા ગાંધીજનોના ટેકે યુવા આંદોલન સમિતિ બની. તેના તરુણ સૈનિક તરીકે સાથીઓ સાથે વારંવાર ધરપકડો વહોરી ને એક કર્મશીલ તરીકેનો માણેકથંભ રોપાયો. ગુજરાતે બિહારને ખો આપી અને લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ દેશવ્યાપી સંપૂર્ણ ક્રાંતિના મંડાણ થયાં. પરિણામે દેશમાં આવી કટોકટી. દેશમાં બીજી આઝાદીની લડાઈ દરમ્યાન તત્કાલીન સત્તાનવેશો સામે મોરચો માંડનાર લાખ કરતાં વધારે રાજકીય અને જાહેર આગેવાનોને વગર મુકદમે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યાં, ગુજરાતમાં જે પાંચસો જેટલા આગેવાનો અને લડવૈયા ‘મિસા'(MISA – મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ)ના જાલીમ કાયદા હેઠળ જેલ ભેગા થયેલા, એમાં મારો નંબર પણ ખરો. સેન્સરશીપના કાળા કાયદાને લીધે અનિયતકાલિક ભૂગર્ભ અખબાર 'જનતા છાપું' કાઢવા માટે 'ડીફેન્સ ઓફ ઇન્ડિયા' કાનૂન હેઠળ બીજા કેસો પણ ખરા.
ખેર, આજે આંદોલનની વાત ઓછી અને જેલની વાત વધારે કરવી છે. જેલ એ એવું સ્થાનક છે જ્યાં માણસ જેવો હોય તેવો જ વરતાય. 1976નો શરૂઆતનો મહિનો રાજકીય. કેદી તરીકે પાલનપુર સબ જેલમાં રહેવાનું થયું. જેલ નાની એટલે સામાન્ય ગુનેગારો સાથે જ રહેવાનું. કેદીઓ પ્રત્યે જેલર દલવાડીના અન્યાય સામે ઉપવાસ પર અમે છ-સાત રાજકીય કેદીઓ ઉતર્યા. એટલે રાતોરાત સાગમટે અમારી જેલ બદલી કરીને જુદી જુદી જેલોમાં મોકલવામાં આવ્યા. મારા ભાગે વડોદરા જેલ આવી.
પાલનપુર જેલમાં થોડોક સમય રહેવાનું થયું, પણ એ મહિનો યાદગાર હતો. જેલસાથીઓમાં આર.એસ.એસ.ના બૌદ્ધિક પ્રમુખ અને લૉ કોલેજના આચાર્ય વણીકર ઉપરાંત સંઘના બીજા પાંચેક સ્વયંસેવકો. સર્વોદયના લેબલવાળો હું એકલો. વણીકર અત્યંત પ્રેમાળ અને સાત્ત્વિક પ્રકૃતિના સજજન. બાકીના સાથીઓ પણ ઠીકઠીક હૂંફાળા દિલના. વૈચારિક રીતે ખાસ્સું અંતર છતાં મૈત્રીમાં એ ભેદ અમારી આડે ન આવ્યો. આ સિવાય અમારી સાથે અન્ય ક્રિમીનલ જોગવાઈ હેઠળ પૂરાયેલા જામનગરના ઘેલુ માડમ પણ ખરા. તેમનો આખો ય પરિવાર રાજકીય પડદે ઠીકઠીક સક્રિય, છતાં ગુનાખોરીની દુનિયાના જણ તરીકેની ગુજરાતમાં તેમની ઓળખ. એમના માટે સ્વાભાવિક જ મનમાં ફડક રહે. પણ જેલમાં તેમની સાથે નજીકથી રહેવાનું થયું ત્યારે સમજાયું કે તેમના પર સમાજે જે લેબલ થોપ્યાં છે તેનાથી સાવ જ નોખી પ્રકૃતિ ધરાવનાર, અત્યંત હૂંફાળા અને બૌદ્ધિક ક્ષમતા ધરાવતા એ ચિક્કાર દોસ્તીના માણસ હતા. જેલમાં ઘણાં પુસ્તકો લઈને આવેલા. તેમાં પેરી મેસનની ડિટેકટીવ કથાઓથી માંડીને ગાંધીજીના 'હિંદ સ્વરાજ' અને ભારતીય રાજ્યબંધારણનો સમાવેશ થાય. અનેક વિષયો પર ખીલીને અને ખોલીને ચર્ચાઓ કરે. અનેક સંસ્થાઓ સહજપણે અને ભાર વગર ચલાવે. ઘેલુભાઈ સાથેનો આ મૈત્રીસંબંધ તેઓ જીવ્યા ત્યાં સુધી રહ્યો.
વણીકરજી અને સંઘના મિત્રો સાથે દોસ્તી છતાં એક દિવસ એવું કંઈક બન્યું કે આ મિત્રો મારાથી કંઈ છૂપાવતા હોય તે રીતે અંદરોઅંદર સતત ઘૂસપૂસ કર્યા કરે. મને જરા ચિંતા થઈ. એવું તો શું થયું હશે કે મને છેટો રાખીને આ સજ્જનો માંહ્યોમાંહ્ય ગંભીર વદને કાખલી કૂટે છે? સાંજે હિંમત કરીને વણીકરણજીની બૅરેકમાં જઈને તેમની ચર્ચાઓ વિશે પૃચ્છા કરી. વણીકરજીએ નાક પર આંગળી રાખી ધીમે બોલવાનો ઈશારો કરી મને નજીક બોલાવી કહ્યું કે 'દિવાલોને પણ કાન હોય છે.’ હું ગંભીરતાથી તેમની નજીક સરક્યો. પછી તેમણે કહ્યું કે 'નાગપુર જેલમાંથી સરસંઘચાલક બાળાસાહેબ દેવરસનો સંદેશો છે.’ મે પુછ્યું કે 'શું સંદેશો છે?’ તેમણે જવાબ આપ્યો, 'સંદેશો એવો છે કે આખરી જીત હમારી હૈ.’ આ સાંભળીને હસવું રોકવું અઘરું હતું. આવી સાદી વાત અને આટલો બધો સસ્પેન્સ? અને તે પણ આખો દિવસ? ત્યારે પાકું સમજાયું કે કદાચ સંઘની આવી જ પરિપાટી હશે.
પાલનપુર જેલના એ ટૂંકા વસવાટમાં આજીવન પ્રીતનો નાતો બંધાયો. ત્રણ દાયકાથી બનાસકાંઠા વતનથી ય વહાલું બન્યું છે. પાલનપુરથી વડોદરા જેલમાં બદલી થયા પછી જેલની દુનિયાનો વ્યાપક પરિચય થયો. અમે બસ્સો જેટલા રાજકીય કેદીઓના અલગ વૉર્ડ. એક વૉર્ડ જનસંઘ(હાલનો ભા.જ.પ.)ના આગેવાનો-કાર્યકરોનો, બીજો તે સંસ્થા કોગ્રેસી, સમાજવાદી, માર્કસવાદી, સર્વોદય અને બિનપક્ષીય આગેવાનોનો, ત્રીજો તે આર.આર.એસ.ના પ્રાંતીય વરિષ્ઠોનો અને ચોથો ડાયનેમાઈટ કેસના આરોપીઓ જયોર્જ ફર્નાન્ડીઝ (જે પાછળથી ભારત સરકારના અનેક વાર પ્રધાન થયેલા), પ્રભુદાસ પટવારી (જે પાછળથી તમીલનાડુના રાજ્યપાલ થયેલા), વરિષ્ઠ પત્રકારો વિક્રમ સિંઘ અને કિરીટ ભટ્ટ વગેરેનો.
વૉર્ડ અલગ પણ અવારનવાર મળવાનું થયા કરે. જનસંઘના ચીમનભાઈ શુકલ, શંકરસિંહ વાઘેલા, હરિન પાઠક, અશોકભાઈ ભટ્ટ, નલિન ભટ્ટ ઉપરાંત સંસ્થા કોગ્રેસના બ્રહ્મકુમાર ભટ્ટ, નવલભાઈ શાહ, મોહનલાલ ઠક્કર, દિનેશભાઈ શાહ, જયંતીલાલ પૂંજાલાલ શાહ, ડાહ્યાભાઈ પરમાર, સમાજવાદીઓ સદાશિવરાવ કુલકર્ણી, મધુકાંત રમણલાલ શાહ, ચિદમ્બરમ્ વગેરે, લોકદળના આર.કે. અમીન, ભોગીલાલ મકવાણા તથા બિનપક્ષીય આગેવાનોમાં બંધારણવિદ્ ચંદ્રકાંત દરૂ, રેડીકલ હ્યુમેનિસ્ટ પ્રસન્નદાસ પટવારી, પ્રકાશ ન. શાહ, ભાઈદાસ પરીખ, ઍડવોકેટ જયોતીન્દ્ર ભટ્ટ, ભૂતપૂર્વ કોગ્રેસી નરભેશંકર પાણેરી, પ્રા. બબાભાઈ પટેલ, સર્વોદયી આગેવાનો ચુનીભાઈ વૈદ્ય અને જગદીશ શાહ સહિતના અનેક નામી નેતાઓ અમારા જેલસાથી. સરમુખત્યારશાહી સામે મોરચો માંડનાર આ સૌ એક રીતે અન્નકૂટ જેવા. વિચાર અને ઘડતરની રીતે અલગ અલગ ચાકડે કંડારાયેલા. એટલે ચોકા પણ ભિન્ન ભિન્ન. એકમેક પ્રત્યે એકંદર સદ્દભાવ છતાં કયારેક તણખા ઝરે.
આર.આર.એસ. અને જનસંઘીઓની સંખ્યા વધારે. એટલે તેઓ બધા પર હાવી થવાની કોશિશ કર્યા જ કરે. તેઓ વંદે માતરમ્ આખું ગીત હાથ જોડીને ગાવાનો દુરાગ્રહ રાખે, એ અમારા જેવાઓને રાશ ન આવે. ઇતિહાસની ચર્ચાઓમાં આ લોકોની 'મૌલિકતા'નો પાર નહીં. કૅરમ રમીએ ત્યારે સંઘી સાથીના સ્ટ્રોકથી કૂકરી કાણામાં પડે તો 'ભારતમાતાકી જય'નો બુલંદ જયઘોષ કરે. આ કેરમની કૂકરીએ તે વખતથી જ મને રાષ્ટ્રપ્રેમનો પહેલો પાઠ શીખવાડેલો. પછી તો રાષ્ટ્રપ્રેમના રસનાં કૂંડાં જેલવાસ દરમ્યાન તેઓએ ઠાલવ્યે જ રાખ્યાં. હોંકારા-પડકારા અને વીરરસથી છલોછલ ફરેબી માહોલ ઊભો કરવામાં તેમની તોલે કોઈ ન આવે. 'જેલમાં પાળિયા થાશું પણ નમશું નહીં' તેવી જાહેર ગર્જનાઓ અવિરતપણે કરવી અને છાનામાના માફીપત્રો સરકારને મોકલી આપવાનું તેમનું ગણિત ન સમજાયું, ત્યારે તેમના એક મોવડીને પુછ્યું. તે પણ સવાયા શૂરાતનથી કહે કે 'આ તો અમારી શિવાજીનીતિ છે, પેટમાં ઘૂસીને પેટ ચીરી નાંખવાની.’ વાહ રે શિવાજીનીતિ.
'ભારતમાતાકી જય'ના તેમના શંખનાદો રેડીકલ હ્યુમેનીસ્ટ સાથી પ્રસન્નદાસ પટવારીને ખાસ્સા અકળાવે. કયારેક આક્રોશપૂર્વક તેઓ કહે પણ ખરા કે 'આ લોકો તો પાક્કા માવડિયા છે.’ જેલમાં અમે બધા ફિરકાના તરુણો પણ ખરા. સાથે મોજમસ્તી કરીએ. અમારા સંઘી તરુણ મિત્રોને મહેન્દ્ર મેઘાણીના 'મિલાપ’ અને ભોગીલાલ ગાંધીના 'વિશ્વમાનવ'ના અંકો વાંચવા આપીએ. સામે તેઓ અમને દયાનંદ સરસ્વતીના ‘સત્યાર્થ પ્રકાશ' જેવાં તેમના ફિરકાનાં પુસ્તકો પણ વંચાવે. આ વાડકીવ્યવહાર ત્યારે ખોટકાયો, જ્યારે તેમના એક નેતાએ અમને કડક શબ્દોમાં તેમના તરુણોને 'વિશ્વમાનવ' જેવાં પ્રકાશનો આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો. કારણ એટલું જ કે 'તેઓ આવું સાહિત્ય વાંચે તો વિચાર કરતા થાય અને પ્રશ્નો કરતા થાય. સરવાળે સંગઠનની ચુસ્તતા ખોરવાય.’ આજે પણ આ બદ્ધતા તેમણે અકબંધ સાચવી રાખી છે.
સંઘની રોજની પ્રાર્થનામાં પાછળથી મહાત્મા ગાંધીનું નામ ઉમેર્યા પછી પણ ગાંધી માટે તેમને બહુ તિરસ્કાર. ગોડસેેેએ ગાંધીને ગોળીએ વીંધીને કેવું મહાન રાષ્ટ્રકાર્ય કર્યું છે તે પૂરવાર કરવા તેમનામાંના કેટલાક ઠીક ઠીક પરિપકવ આગેવાનો સુદ્ધાં અડધી અડધી રાત સુધી સાથી પ્રકાશભાઈ શાહ સાથે બૌધ્ધિક પટાબાજી ખેલે. એકંદરે આ બધું કરવામાં અમને તો મનોરંજન મળતું. કારણ કે ભારતમાતા તો જેલની દિવાલની બહાર હતી.
અમારા એક સાથી તે વડોદરાના રાજુભાઈ. લાડમાં સૌ તેમને પંડિત કહે. સાવ જ મોજીલો માણસ. ચડ્ડી અને ગંજી તેમનો જેલવાસનો કાયમી ટ્રેડમાર્ક લિબાસ. માથું સફાચટ રાખે. અનેક શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે. જયોતિષી પણ ખરા. તેમને પૂછ્યું કે 'તમે કયા મુદ્દે જેલમાં આવી પડયા?’ તો કહે, 'અલ્યા ભાઈ, મારી બા અને નાનો ભાઈ જનસંઘના આગેવાનો તરીકે વેલણ સરઘસ અને એવા કાંઈક તાયફા કરે. મારે ન લેવા કે દેવા. પણ જોગાનુજોગ એક વાર થોડા કૌતુકથી એમની સાથે શહેર જનસંઘની બેઠકમાં ગયેલો. મેયર રામચંદાણી બેઠકનું સંચાલન કરે. મેં તેમને એકાદ પ્રશ્ન પૂછ્યો, તો થોડાક હેબતાયા અને મને કડક શબ્દોમાં જણાવ્યું કે આપણા પક્ષમાં પ્રશ્ન પૂછવાની પરંપરા નથી. મને જરા અજુગતું તો લાગ્યું. પણ છેવટે મારી એ બેઠકની હાજરીએ મને જેલવાસની ભેટ આપી.’ આ પંડિતજી બૅરેકની બહાર બેસે, ટોળાટપ્પાં કરે અને નવો કોઈ રાજકીય કેદી આવે તો તેને જેલની દિવાલ બતાવીને કહે, 'ભાઈ, બેસો અને સમજી લો કે દુનિયા તમે જેલની દિવાલ પેલે પાર મૂકી આ અજીબોગરીબ નવા પ્રદેશમાં આવ્યા છો. એટલે પ્રેમપૂર્વક આ પ્રદેશમાં ગોઠવાવાની કોશિશ કરો.’
લોકદળના નેતા અને ભારતીય લોદકદળની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય એવા વડોદરાના ભોગીલાલ મકવાણા પણ અમારા જેલસાથી. જેલમાં અમારા રાજકીય કેદીઓના ભાગના સીધુંસામાનની સફાઈનું કામ કરવા અમે ટુકડીઓ પાડેલી. ભોગીલાલે ઘઉં વીણવાની ધરાર ના પાડી. દલીલમાં જણાવ્યું કે 'હું એક રાજકીય પક્ષનો રાષ્ટ્રીય નેતા ગણાઉં. તેથી આવાં કામો મારી રાજકીય ઊંચાઈને ન શોભે.’ જવાબમાં યુવા નેતા પ્રકાશ બ્રહ્મભટ્ટે ડાબા હાથથી ભોગીલાલના ડાબા લમણે એવો લાફો ઝીંકયો કે ભોગીલાલે મોટું મન રાખી પોતાનું રાષ્ટ્રીય નેતૃત્વ જતું કરીને ચૂપચાપ ઘઉં વીણવાનું મુનાસિબ માન્યું.
બસો જેટલા રાજકીય કેદીઓમાંથી બે-ત્રણ મિત્રો રેસ્ટોન્ટ લોજ સાથે સંકળાયેલા હતા. એટલે રસોઈકામમાં નિપુણ. જેલ મેન્યૂઅલ પ્રમાણે કેદી દીઠ જે સીધું નકકી થયેલું તે લઈને આ મિત્રો ચટાકેદાર રસોઈ બનાવતા. તેને કારણે અમને ખાવાપીવાની બાબતે જેલવાસ લેશમાત્ર કઠ્યો નહીં.
મારું કામ રોજેરોજ દર્દીઓની સંખ્યા નક્કી કરીને, તેમને જેલના ડોકટર પાસે લઈ જવાનું અને તેમને માંદા જાહેર કરાવીને તેમના ભાગનું દૈનિક, દર્દી દીઠ અડધો લીટર દૂધ અને માખણની ગોટી જેલસત્તાવાળાઓ પાસેથી હસ્તગત કરવાનું. આ દૂધમાંથી દહીં બને, બે નંબરિયા ચા પણ બને. બૅરેકમાં ચૂલો કે અગ્નિ પ્રતિબંધિત. એટલે વધેલા દૂધમાંથી રોજ રાત્રે સ્ટૉક કરેલાં ફાટેલાં વસ્ત્રોના મોટા દીવેટ બનાવીને, જેલમાંથી મળેલા કેદીદીઠ સપ્તાહના ૧૪ ગ્રામ કોપરેલની તેના પર ધાર કરીને, જેલમાંથી જ મળેલા એલ્યુમીનિયમના વાટકાનો હોડી જેવો આકાર બનાવી વચ્ચે આ કોપરેલયુકત દિવેટ મૂકી તેના પર એલ્યુમીનિયમના ટમ્બલર-કમ-ચંબુમાં ચાનું આંધણ મૂકવાનો રોજનો અમારો ક્રમ. આ 'ટી સ્મગલીંગ'ની ગેરકાયદે પ્રવૃત્તિના સૂત્રધાર હું અને શહેર સંસ્થા કોગ્રેસના મંત્રી ડાહ્યાલાલ પરમાર. જેલમાં ડાહ્યાલાલનાં બે જ કામ. અકરાંતિયાંની જેમ અંબર ચરખા પર કાંત્યા કરવું અને રાત્રે ગેરકાયદે આ (ચાની) કીટલી ચલાવવી. અમારી આ ગેરકાયદે પ્રવૃત્તિથી જેલ સત્તાવાળાઓ પૂરા વાકેફ, પણ આંખ આડા કાન રાખીને તે ચાલવા દે.
અમને રાજકીય કેદીઓ તરીકે જેલ તરફથી મળતા અસબાબની પણ વાત કરી લઉં. કથરોટ આકારની નાની થાળી, એલ્યુમીનિયમનો, ભિખારી રાખે તેવો, વાટકો, એક એલ્યુમીનિયમનું ટમ્બલર અને બે ગંધયુકત કંબલ. એલ્યુમીનિયમનું ટમ્બલર 'કલેકટર' કહેવાતું. મહેસૂલ, આરોગ્ય, આપત્તિરાહત, આરોગ્ય, શિક્ષણ જેવાં અઢળક કામ જેમ કલેકટરના હવાલે રહે છે, તેમ અમારા આ 'કલેકટર'ના તાબા હેઠળ અનેક કામો આવતાં. જેમ કે પાણી પીવા, છાશ પીવા, નહાવા, શૌચકર્મ પછીના દિવ્ય પ્રક્ષાલન માટે અને રાત્રે ગેરકાયદે ચા બનાવવા માટે.
જેલમાંથી કેદીઓને અમુક માત્રામાં કુપનો મળતી, જેના પર સાબુ, ચા વગેરે ચીજો ચોક્કસ માત્રામાં નિશ્ચિત સમયે મળે. ચુનીકાકા (ચુનીભાઈ વૈદ્ય) ચાના શોખીન જ નહીં, બંધાણી પણ ખરા. સવારે કાકાને આખો ગાડવો ભરીને ચા જોઈએ. સામાન્ય કેદીઓને વહેલી સવારે કૂપન પર ચા મળે ત્યારે કાકા અને સુરતના એક ધનજી પટેલ, એમ બે વીરલા વૉર્ડના ઝાંપે ટમ્બલર લઈને લાચાર અવસ્થામાં ચાદેવીની રાહ જોતા ઊભા હોય. ઇન્દિરા સામે બાથ ભીડવામાં અઢળક શૂરાતનના સ્વામી એવા અમારા કાકાની ચા માટેની લાચારી જોવાય એવી નહોતી. કેન્ટીનના કેદીઓને ચા લઈને આવતાં વિલંબ થાય ત્યારે કાકાના મોં પરનો રઘવાટ અને સુરતી ધનજી પટેલની જીભેથી અસ્ખલિત વહેતું માતૃભગિનીસંબંધવાચક વિશ્વવાત્સલ્ય જોવામાં કયારેક રમૂજ આવતી.
બિનજનસંઘી અને બિનભા.જ.પ. કેદીઓનો વૉર્ડ નં. 9 વૈવિધ્યપૂર્ણ હતો. ચાર મોટી બેરેકોમાં આ કેદીઓ ગોઠવાયેલા. વચોવચ એક ઘેઘૂર વડલાના વૃક્ષ સાથે આ વૉર્ડનો માહોલ જેલને બદલે કોઈક સર્વોદય આશ્રમની યાદ અપાવે. બૅરેક નં.1માં બંધારણવિદ્ ચંદ્રકાંત દરૂ, રેડીકલ હ્યુમનીસ્ટ પ્રસન્નદાસ પટવારી, લેખક-ચિંતક અને 'સાધના'ના તંત્રી વિષ્ણુુ પંડયા અને અન્ય બેત્રણનો મુકામ. દરૂ અને પટવારી સાવ જ નાસ્તિક. છતાં સામૂહિક પ્રાર્થનામાં અમારું માન રાખવા બેસે. વિષ્ણુભાઈનો આર.એસ.એસ. ઉછેર, તો પણ વિષ્ણુભાઈ અને દરૂ વચ્ચે વૈચારિક ચર્ચાઓ લાંબી ચાલે. વૈચારિક રીતે બે છેડા છતાં તેમની મૈત્રી પાક્કી. વિષ્ણુભાઈનું દરૂ સાથેનું નૈકટય પટવારીમાં કયારેક આક્રોશપૂર્વક મુખર પણ થતું.
રાજકીય કેદી અને તેમાં પણ લબ્ધપ્રતિષ્ઠ સામાજિક સ્થાન હોવાને લીધે દરૂસાહેબની સેવામાં 18-20 વરસના ગુનેગાર કેદી મનિયાને મૂકવામાં આવેલો. મોટે ભાગે ખલાસી છોકરો. ચાલુ ગુજરાત મેઈલના ડબ્બામાંથી કોઈ મુસાફરની એક લાખ રૂપિયાની બૅગ લઈ વિશ્વામિત્રી નદીમાં ખાબકેલો, પકડાયેલો અને છેવટે સજા પામી જેલમાં આવેલો. આ મનિયાની દરૂ સાથેની દોસ્તી અવર્ણનીય. મનિયા માટે દરૂ જાતભાતની — અરે, જૂતાં સહિતની — ચીજવસ્તુઓ મંગાવે. મનિયાને જેલબહાર મંજી નામની પ્રેમિકા. મનિયો અભણ હોવાને લીધે બહાર રહેલી મંજી સમક્ષ પત્રથી કે બીજા માધ્યમથી પૂરબહાર પ્રેમ વ્યકત કરવા અસમર્થ. એટલે, જેમને હાઈકોર્ટના ન્યાયાધીશો પણ ખૂબ માન આપતા તે ભારતના વરિષ્ઠતમ બંધારણીય વિદ્વાન એડવોકેટ ચંદ્રકાંત દરૂ મનિયાની વહારે આવ્યા. એક બાળગુનેગાર કેદી એવો મનિયો બંધારણવિદ્ દરૂને પ્રેમપત્રનું 'ડિકટેશન' આપે — લખાવતો જાય અને દરૂ પોતાની પાર્કર પેનથી મનિયા વતી પ્રેમપત્ર લખે, એ આહ્લાદક દૃશ્યના પણ નજરોનજર સાક્ષી થવાનું બન્યું.
પ્રખર બૌદ્ધિક છતાં માનવીય વ્યવહારમાં અત્યંત સરળ એવા દરૂ જેલ આવતા પહેલાં મિત્ર પ્રકાશ ન. શાહને ભોળેભાવે પૂછતા પણ ખરા કે 'જેલમાં એ.સી. હોય?’ ઘરનું એસી બંધ હોય તો કામા હોટલમાં સૂવા જનારા દરૂ માટે આવું પૂછવું સાહજિક હતું. પ્રકાશભાઈ એટલે નિર્દોષ અને નિખાલસ રમૂજોના રાજા. દરૂને તેમણે જવાબ આપેલો કે 'જેલના લીમડાનો અને વડલાનો પવન અચૂક એસીની ખોટ પૂરે તેવો હોય છે.’
બૅરેક નં.રના અમારા સાથીઓમાં પ્રખર સમાજવાદી નેતા બ્રહ્મકુમાર ભટ્ટ, ચુનીકાકા, નવલભાઈ શાહ, જયોતીન્દ્ર ભટ્ટ, ભાઈદાસ પરીખ, મોહનકાકા ઠક્કર, પ્રકાશભાઈ શાહ, નરભેશંકર પાણેરી અને હું. આ બધા મારા અને પ્રકાશભાઈ સિવાય ઉમ્મરમાં ઠીક ઠીક મોટા, પણ મનથી એકદમ તરુણ મિજાજ ધરાવે. આખો દિવસ ચિક્કાર હસીખુશી ચાલે. બાળકો જેવાં તોફાન ઉપરાંત ચીચિયારીઓ અને મોટા રાગે ગાનતાન પણ ચાલે.
નરભેશંકર પાણેરી એટલે ભરપૂર મોજીલા અને દેઠોક પ્રકૃતિના. સમાજવાદી નેતા તરીકે આઠ વાર વિધાનસભાની ચૂંટણી લડેલા, પણ જીત્યા માત્ર એક વાર. અમરેલીમાં પાણેરીની જીતનું સરઘસ નીકળે એ તો સમજી શકાય, પણ અગાઉ સાત વાર હાર્યા ત્યારે સાતે ય વાર પરાજય-સરઘસ કાઢવાની પાણેરીની હિંમતનો ગુજરાત આખામાં જોટો ન મળે. આવા પાણેરી પોતાની જાતને મેઘાણી અને 'કલાપી' પરની ઓથોરીટી સમજે અને સાચા ઉચ્ચારોની લેશમાત્ર શરમ રાખ્યા વિના આ બનેનાં ગીતો ઠોક્યે રાખે. એક નમૂનોઃ 'પ્રણય કહલે ('કલહે' નહીં) વહે આંસુ, હૃદયચરસી ('સરસી' નહીં) ચૂમે સ્વામી’, 'અરે, એ એક પળ માટે નિગમનાં દાન ('જ્ઞાન' નહીં) ઓછાં છે’ … હકીકતોની સહેજ પણ શરમ રાખ્યા વિના બસ દીધે જ રાખવું, એ સદાબહાર પાણેરીદાદાની પ્રકૃતિ, 'જૉન ઑફ આર્ક' સાથે પોતે મોઈદંડા રમેલા, એની વાત પૂરા આત્મવિશ્વાસથી કરે. પ્રકાશભાઈ 'જૉન ઑફ આર્ક'ને બદલે સરસ્વતીચંદ્ર સાથે ગીલ્લીદંડા રમવાનું નીચું ધોરણ સૂચવે તો તે પણ મોટા મને સ્વીકારી લે. પાત્રો ભલે અલગ કાલખંડનાં હોય, પણ મોઈદંડા તેમાં શાશ્વત. એક સમયના તેમના ધારાસભાના જનસંઘી સાથી ચીમનભાઈ શુકલને તેઓ હિંમતપૂર્વક, આત્મશ્રદ્ધાથી, લગીરે ય ક્ષોભ વિના કહી શકે કે જનસંઘના નેતા અટલબિહારી વાજપાઈએ તેમને તેમના ઘેર ખાસ જમવા બોલાવેલા ત્યારે અટલજીના પત્નીએ તેમને રસપૂરીનાં ભાવતાં ભોજન પીરસેલાં. (અટલજી કુંવારા હોવાની હકીકત સાથે પાણેરીને શી લેવાદેવા?)
અમારી સાથેના ચારપાંચ સમાજવાદીઓ રોજ સવારથી સાંજ સુધી વૉર્ડના પીપળના ઝાડ નીચે અડીંગો જમાવે અને ઉગ્ર રાજકીય વાદવિવાદ કરે. સમાજવાદીઓની રોજેરોજની આ રમૂજી હરકતો મને જરા ન સમજાઈ. એટલે મેં પ્રકાશભાઈને પુછ્યું કે આ શું ચાલે છે? ત્યારે પ્રકાશભાઈએ મને સમજાવેલું કે 'સવારે દશ વાગ્યે સમાજવાદીઓની રાષ્ટ્રીય નાભિ સમિતિ, બાર વાગ્યે રાષ્ટ્રીય કારોબારી અને ત્રણ વાગ્યે રાષ્ટ્રીય મહાઅધિવેશન — એમ ત્રણ ઘટનાઓનું આ ચારના ચાર નેતાઓ હોંશપૂર્વક સંચાલન કરે છે, તેમ માનીને ચાલીએ તો કોઈ પણ પ્રકારની દ્વિધાને અવકાશ ન રહે.’
અમારા બીજા વરિષ્ઠ સાથી તે બ્રહ્મકુમાર ભટ્ટ. બાહ્ય પ્રકૃતિ કડક વકીલની, પણ નજીક જાઓ તો તેમની મુલાયમતા સ્પર્શ્યા વગર ન રહે. શાસ્ત્રીય સંગીતના અસલ મરમી અને સરસ અંદાજમાં હાર્મોનિયમ સાથે ગાય પણ ખરા. રોજ સાંજે તેમના ગાનનો લુત્ફ ઉઠાવવાની અનેરી લિજજત હતી. માજી શિક્ષણપ્રધાન નવલભાઈ શાહ સરળ પ્રકૃતિના, અતિપ્રેમાળ ઈન્સાન. જેલમાં સૌને માલિશ કરી આપવાની તેમને મોજ આવે. વચ્ચે વચ્ચે સ્વરચિત કાવ્યો લલકારે પણ ખરા. તેમના પહેલાં અને પછી કોઈ કવિ હોઈ જ ન શકે તેવા વિનમ્રભાવે, અનેક પુસ્તકો લખવા છતાં સાહિત્યજગત તેમને સાહિત્યકાર તરીકે સ્વીકારતું નથી તેનો ખટકો નવલભાઈને સતત રહ્યા કરે અને તક મળે ત્યારે તે વ્યકત પણ કરે.
આ બધામાં અમારા ચુનીકાકા અતિ સહજ. અમે તેમને 'મહર્ષિ' કહેતા. મેરી લ્યૂટેનસની ટોલ્સટોયની જીવનકથા વાંચીને ટોલ્સટોયમય થઈ ગયેલા. સ્વભાવે લડાકૂ પણ વ્યકિતગત સંબંધોમાં પોચા રૂ જેવા. અમારા વૉર્ડની એક બિલાડી પ્રત્યે તેમને અપત્ય વાત્સલ્ય. એટલે પોતાના ભાગનું દૂધ એ બિલાડીને રોજ કાળજીપૂર્વક પીવડાવે. મજાક ખાતર અમે વકીલ જયોતીન્દ્ર ભટ્ટની મદદથી ચુનીકાકાનું એક વસિયતનામું લખીને તેના પર અન્ય સાહેદોની હાજરીમાં તેમની સહી પણ લીધેલી. આ વસિયતનામામાં એમણે જણાવેલું કે 'હું ચુનીભાઈ રામજીભાઈ વૈદ્ય, ઉ.વ. આશરે ૬૦, ધંધો 'પઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં'નો, રહેવાસી વૉર્ડ નં.૯, બૅરેક નં. ર આજ રોજ જણાવું છું કે જેલમાં મારા નશ્વર દેહનો મને કોઈ ભરોસો ન હોઈ મારું મૃત્યુ થાય તો તે જગ્યાએ ગધેડાની લાદનો ચોકો કરી વૉર્ડના આકડાના ક્યારે એરંડિયાનો દીવો કરજો. મારાં ફાટેલાં ગંજી અને ઘસાઈ ગયેલાં ધોતિયાં મારા વારસદારો પ્રકાશ નવીનચંદ્ર શાહ અને હસમુખચંદ્ર બાબુલાલ પટેલના હવાલે મૂકું છું, જેનો આ બહેને ઈસમો યાવચંદ્રૌદિવાકરૌ ઉપભોગ કરવા મુખત્યાર છે. મારી વહાલી બિલાડીને મારા ભાગનું દૂધ પીવડાવવાની જવાબદારી પણ આ જ ઈસમોની રહેશે. તેમ કરવામાં સદરહુ ઈસમો કસૂરવાર ઠરશે તો મારાં ગંજી અને ધોતિયાની વારસાઈમાંથી તેમને ફારેગ કરવામાં આવશે. આ વસિયતનામું મેં પૂરી અકકલ-હુંશિયારીથી, બિનકેફ અવસ્થામાં, સાચુંખોટું સમજી શકવાની પૂરી સમજણ સાથે, ચાંદાસૂરજની સાખે કરેલ છે, જે સૂરજચાંદો તપે ત્યાં સુધી મારા વાલીવારસોને બંધનકર્તા રહેશે.’ આવી તો અનેક નિર્દોષ રમૂજી હરકતોને લીધે અમારો જેલવાસ સૂક્કો ટાટ રહેવાને બદલે લિજ્જતદાર, લીલોછમ બની રહ્યો.
ત્રણ નંબરની બૅરેકમાં ચોવીસે કલાક ભાર સાથે જેલનિવાસ ભોગવતી હસ્તીઓ બિરાજતી હતી. પ્રા. આર.કે. અમીન (જે પાછળથી ભારતના નાણાંમંત્રી થતાં થતાં રહી ગયેલા) હંમેશાં જેલમાંથી બહાર છૂટવાની લાઈનો શોધ્યા કરતા. બીજી રીતે વિદ્વાન અને નખશીખ સજજન એવા નાણામંત્રી થયેલા દિનેશ શાહ સ્તાલિનના જુલ્મી શાસન નીચે જીવતા હોય એમ જેલનિવાસ ભારે હૈયે વેઠતા. પ્રા. બબાભાઈ પટેલ ચોવીસે કલાક જે. કૃષ્ણમૂર્તિમય રહે અને આધ્યાત્મિકતાની અદ્દશ્ય લકીર તેમના લલાટે પ્રયત્નપૂર્વક ચમકતી રાખે. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક રામલાલ પરીખને ઇન્દિરા ગાંધી સાથે છઠ્ઠા દાયકાની યુથ કોગ્રેસ વખતની દોસ્તી. એટલે, ઇન્દિરાજીએ જ તેમને જેલમાં પુર્યા હોવા છતાં, રામલાલ પરીખને તેઓ જેલમાં પત્રો લખતાં એ વાત સાચી. પણ તેમણે એ પત્રોનો હારડો કરવાનો જ બાકી રાખેલો. અલબત્ત, રામલાલભાઈએ (લાડમાં તેમનું નામ 'પંડિતજી' હતું) આનંદથી અનેક પુસ્તકો સાથે જેલવાસ વીતાવ્યો.
અમારી બૅરેકમાં શોરબકોર ઘણો થતો. તેનાથી કંટાળીને બૅરેક નંબર ત્રણના મુરબ્બીઓએ અમારી બૅરેક પર 'બચ્ચા બૅરેક'નું બોર્ડ લગાવ્યું જેના જવાબમાં અમે તેમની બૅરેક પર એક રાત્રે મોટા અક્ષરમાં પાટિયું મૂકી આવ્યા. તેમાં લખ્યું, 'તૈલપતણી નગરી રસગાનતાનવિહિન છે.’ આ ત્રણ નંબરના મિત્રો પર આખા દેશની લોકશાહીની પુનઃ સ્થાપવાની જવાબદારી આવી પડી હોય એવું કરતા. હિટલર, મુસોલિની કે સ્તાલિનના શાસન જેવા ક્રૂર અત્યાચારો તેમના પર કરવા માટે સરકાર તૂટી પડવાની હોય તેવી માનસિકતા સાથે એ લોકો તેમનો જેલવાસ બેળે બેળે ટૂંકો કરતા. આ માનસિકતાને લાડ લડાવવા આ મિત્રો વૉર્ડના વડલાના વૃક્ષ હેઠળ રશિયન લેખક સોલ્ઝેિનત્સીનના રશિયાની અત્યાચારી જેલો અને છાવણીઓનું વર્ણન ધરાવતા વિખ્યાત પુસ્તક 'ગુલાગ આર્કિપેલાગો'નું સામૂહિક પારાયણ કરતા. તેમાં જોડાવા માટે તે અમને નોતરું આપે ત્યારે 'ગરૂડપુરાણ સાંભળવામાં અમને રસ નથી' એમ કહીને પ્રકાશભાઈ નોંતરું પાછું વાળતા. પણ વસંતરાવ મહેંદળે નામના તીવ્ર બુધ્ધિશકિત ધરાવતા તેજસ્વી સામ્યવાદી આગેવાનના લોકમાન્ય ટિળકના 'ગીતારહસ્ય’, ઈરાવતી કર્વે તથા દુર્ગા ભાગવતનાં પુસ્તકોનાં પઠનની મોજ અચૂક માણતા. ત્રણ નંબરના એક મિત્ર દિનેશ શાહે કવિતા લખી કે 'સિંહ પૂરાયા પીંજરમાં, તૃણ ખાવાની વાત નથી' ત્યારે પ્રકાશભાઈએ એમની અસલ શૈલીમાં વળતું જણાવ્યું કે 'તૃણ ખાવાની વાત નથી એ સાચું. માત્ર 'મેડિકલ'નું (દર્દીઓના બહાને મળતું) દૂધ પીવાની જ વાત છે.’ દિનેશભાઈ અકળાયા પણ ખરા, પરંતુ તેમની અકળામણનો કોઈ અર્થ નહોતો. કારણ કે અગાઉ જણાવ્યું તેમ મેડિકલનો હવાલો મારી પાસે હતો અને અચ્છા અચ્છા ત્યાગતિતિક્ષાવાળા સજ્જનોને પોતાનું નામ દર્દી તરીકે લખાવીને, દૂધ અને માખણની ગોટી માટે તલસતા મેં જોયા છે.
ચાર નંબરની બૅરેકમાં તાજા ભૂતપૂર્વ થયેલા મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલ થોડોક વખત રાજકીય કેદી તરીકે રહી ગયા. આઝાદીના જંગમાં અનેક વર્ષ અંગ્રેજોની જેલોમાં ગાળનાર બાબુભાઈને આવો ફાઈવ સ્ટાર જેલવાસ કઠતો. બાબુભાઈ ગઈ કાલ સુધી મુખ્યપ્રધાન હતા અને કદાચ આવતી કાલે ફરી બની શકે છે તેવી સમજથી, નખશીખ સદ્ગૃહસ્થ એવા જેલર મલેક અને એમનું તંત્ર બાબુભાઈની સેવાચાકરીમાં લગીરે ય કચાશ ન રહે તેની ખાતરી રાખતા, એ પણ બાબુભાઈને ખૂબ જ ખૂંચતું. તેમણે તો જેલર પાસેથી રીતસરનાં કેદી જેવાં ખાદીનાં ચડ્ડી-બાંડિયું મેળવીને જેલમાં રહ્યા ત્યાં સુધી તે પહેરવાનું ચાલુ રાખ્યું.
'બહારના આપણા સાથીઓએ જેલ પર હલ્લો બોલાવી આપણને છોડાવ્યા' તેવા એક સ્વપ્ન વિશે સદાશિવરાવ કુલકર્ણી નામના સમાજવાદી આગેવાને એક સવારે સામૂહિક સ્નાન વખતે બૅરેકના હોજ પાસે અમને રમૂજી વાત કરી. જેલનો પહેરેગીર તે સાંભળી ગયો. સમજ્યા વગર તેણે જેલરને જાણ કરી. જેલરે આને ગંભીર ગણી તાબડતોડ પોલીસ અને અર્ધલશ્કરી દળો જેલમાં ગોઠવી દઈને અમને બૅરેકમાં પૂરી દીધા. આવું કેમ થયું એ અમને પણ શરૂ શરૂમાં સમજાયું નહીં. પરંતુ કુલકર્ણીને જેલના ઝાંપે બોલાવીને પૂછપરછ કરી ત્યારે 'વા વાયો ને નળિયું ખસ્યું' તેવો ઘાટ થયો હોવાનું સમજાયું.
'મિસા’ સિવાય અમારી પર અનધિકૃત રીતે 'જનતા છાપું' છાપવા સબબ, 'કાયદાથી સ્થપાયેલી સરકાર સામે ટોળકી રચી તેને ઉથલાવવાના' ડીફેન્સ ઓફ ઇન્ડિયા કાનૂન હેઠળ કેસ કરવામાં આવેલા. આ નિમિત્તે અમદાવાદ ઘીકાંટા કોર્ટમાં મુદતની તારીખે જવાનું થતું. આ કેસ અમારા માટે આપત્તિમાં આશીર્વાદ જેવા હતા. કારણ કે એ બહાને અમને બહારની દુનિયામાં જવાનો લ્હાવો મળતો. ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટને (મોટે ભાગે 'તાત્યા' નામ હતું) અમારી નાની ઉંમરને કારણે અને અમારી લડતને કારણે અમારા પ્રત્યે ભારે સહાનૂભૂતિ હતી. તેમની ચેમ્બરમાં સંબધીમિત્રોને મળવાની મોકળાશ તો તેઓ સ્નેહપૂર્વક કરી આપતા, પણ લટકામાં દર વખતે ચાનાસ્તો પણ અચૂક કરાવતા. વારંવાર જેલની બહાર આવી શકીએ એ હેતુથી તે ઉપરાઉપરી મુદ્દતો આપી કેસ ચલાવવાનું ટાળતા. કટોકટી ઉઠ્યા પછી આ બધા કેસો સરકારે પાછા ખેંચી લીધા. પછી પણ તાત્યાસાહેબે અમને ખાસ તેડાવીને તેમની ચેમ્બરમાં વહાલપૂર્વક અમારાં ઓવારણા લીધેલાં એ પ્રસંગ આજે ય કાળજે કોતરાયેલો છે.
આ કેસોની સુનાવણી દરમ્યાન વચ્ચે વચ્ચે અમારે સાબરમતી જેલમાં ટ્રાન્ઝિટ કેદી તરીકે રોકાવાનું બનતું. સાબરમતી જેલમાં પણ રાજકીય વી.આઈ.પી. કેદીઓ ખરા. ગઈ કાલ સુધી ગુજરાત સરકારના મહત્ત્વના પ્રધાનો રહી ચૂકેલા બે રાજકીય કેદીઓ છાનામાના શીરામાંથી કાજુદ્રાક્ષ વીણીને ખાઈ જવાના મુદ્દે બથ્થંબથ્થા આવી ગયેલા તે રમૂજી દૃશ્ય અમારા સાબરમતી જેલના રોકાણ દરમ્યાન સગી આંખે જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. અગાઉ જણાવ્યું તેમ, જેલ એક એવી જગ્યા છે જયાં માણસ હોય તેવો જ દેખાય. દંભનાં પડળ જેલની દિવાલો વીંધો પછી તરત જ ઓગળી જાય.
છેલ્લી વાત, અમારા લગ્નની. મંદા અને હું 1973થી સહકાર્યકર તરીકે જોડાયેલાં. લડતમાં સાથે કામ કરતાં સ્નેહ બંધાયો. લગ્ન કરવાનું નકકી કર્યું, તેની આગલી રાત્રે જ 'મિસા’ હેઠળ અમને જેલભેગાં કર્યાં. મારા ભાગે પાલનપુર જેલ અને મંદાના ભાગે સાબરમતી જેલ આવી. આખા ગુજરાતમાં મંદા એક માત્ર રાજકીય મહિલા કેદી હોવાથી, કાનૂન મુજબ અન્ય ગુનેગાર મહિલા કેદીઓ સાથે તેમની બેરેકમાં રાખી ના શકાય. એટલે તેને અલગ કોટડીમાં એકલાં રહેવું પડે. વચ્ચે સાબરમતી જેલમાં સરદારનાં પુત્રી મણિબહેન પટેલ સત્યાગ્રહી તરીકે એકબે રાત મંદાની કોટડીમાં રહી ગયાં તે અપવાદ સિવાય પૂરા દસ મહિના તેણે એકાંત કોટડીમાં વીતાવ્યાં. જેમ પાલનપુરમાં મારો નાતો ઘેલુભાઈ માડમ સાથે બંધાયો હતો, તેમ સાબરમતી જેલમાં મંદાનો નાતો ભાવનગરનાં કાશીબહેન નામનાં બૂટલેગર મહિલા સાથે થયો. ભાવનગરમાં પોલીસબેડામાં કાશીબહેન અવ્વલ નંબરનાં ગુનેગાર ગણાય, પણ મંદાને તો વરસો સુધી દીકરી જેવું વહાલ કર્યું. પોતાની મર્સિડીઝ ગાડીમાંથી ઉતરીને, પોતાના માથે સ્ટીલનો મોટો ડબ્બો મૂકીને પાપડ-વડી જેવી ચીજો આપવા તેઓ અવારનવાર અમારા ઘેર આવતાં. ગુનેગારોનાં હૃદયના એક ખૂણે સારમાણસાઈનું ઝરણું વહેતું હોય છે, તેની પ્રતીતિ ઘેલુભાઈ અને કાશીબહેનના પરિચયે વધારે ઘૂંટાઈ.
થોડાક સમય પછી મંદાની વડોદરા જેલમાં બદલી થઈ. વિધિવત્ અમે પતિ-પત્ની ન હોવાથી એક જ જેલમાં હોવા છતાં મળી શકતાં નહોતાં. એ વખતે જસ્ટીસ નરેન્દ્ર નથવાણી અમારી વહારે આવ્યા. સરકારને તેમણે જણાવ્યું કે આ લોકોને કાં તો મળવાની છૂટ આપો અથવા તો પરણવા માટે પેરોલ આપો. નહીં તો તે આ બાબતે કોર્ટનો આશરો લેશે. જસ્ટીસ નથવાણીની ધમકીને લીધે રાજ્યપાલ કે.કે. વિશ્વનાથને દરરોજ પોલીસ સ્ટેશનમાં બે વાર હાજરી પૂરાવવાની શરતે અમને એક લગ્ન માટે એક અઠવાડિયાની પેરોલ આપી. વળતે દહાડે જયોતિ સંઘમાંથી ખાદીના તૈયાર ઝભ્ભા લેંઘાની અને સાડીની એક જોડ ખરીદીને આર્યસમાજમાં કુલ 51 રૂપિયાના ખરચે, બાબુભાઈ જશભાઈ પટેલ, ડો. દ્વારકાદાસ જોશી અને થોડાક સર્વોદય કાર્યકરોની હાજરીમાં અમારાં લગ્ન થયાં. અમારા આ પેરોલ દરમિયાન, ભૂગર્ભમાં રહેલા આર.એસ.એસ.ના તે વખતના પ્રચારક નરેન્દ્ર મોદી, વેદાચાર્ય વિષ્ણુદેવ પંડિતના ડાહ્યાભાઈ પાર્ક, મણિનગર ખાતેના નિવાસસ્થાને છાપરાં કૂદીને અમને લગ્નની શુભેચ્છાઓ પાઠવવા આવેલા, તે સ્મરણ પણ હજી અકબંધ છે. પેરોલ વખતે જેલમાંથી સરઘસાકારે જેલના ઝાંપા સુધી જાન નીકળી જેમાં રાજકીય અને અન્ય કેદીઓ હોંશભેર જોડાયા હતા.
પરણીને અધિકૃત પતિપત્ની તરીકે પુનઃ જેલમાં સીધાવ્યાં અને જેલના નિયમ મુજબ અઠવાડિયે એક વાર આઠ બાય આઠની ઓરડીમાં બે જેલ અધિકારી, ચાર મહિલા અને પુરુષ વૉર્ડન એમ છ જણની ઉપસ્થિતિમાં પૂરી વીસ મિનીટ માટે સામસામે સ્ટુલ પર બેસીને અમારા હનીમૂનનો ભવ્ય પ્રારંભ થયો.
હિન્દુસ્તાનની જેલોના ઇતિહાસમાં કદાચ બે જ લગ્ન થયાં છેઃ એક તે 1933માં આઝાદીની લડત વખતે કવિ યશપાલનું અને 1976માં બીજી આઝાદીની લડત વખતે અમારું.
આ બધી ઘટનાઓને ચાર દાયકા થયા છતાં હજી ય તે માનસપટ પર રોમાંચક રીતે તરોતાજી છે.
e.mail : shramikseva@yahoo.com
લેખક ચારેક દાયકાથી જાહેર જીવનમાં રચના અને સંઘર્ષની નોંધપાત્ર કામગીરીમાં સક્રિય છે.
સૌજન્ય : “સાર્થક જલસો”, અંક 09; અૉક્ટોબર 2017; પૃ. 06-16