Opinion Magazine
Opinion Magazine
Number of visits: 8397288
  • Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
  • About us
    • Launch
    • Digitisation
    • Opinion Online Team
    • Contact Us

કસ્તૂરી મહેક

બકુલા દેસાઈ - ઘાસવાલા|Gandhiana|25 June 2022

The Forgotten Woman : Arun Gandhi – બા : મહાત્માનાં અર્ધાંગિની : સોનલ પરીખ.  આ પુસ્તકને સાહિત્ય અકાદેમી – દિલ્હી દ્વારા ૨૦૨૧ના ગુજરાતી ભાષાના અનુવાદ પારિતોષિક માટે જાહેરાત થઈ છે. સોનલબહેનને દિલી અભિનંદન.

ગાંધીજી – કસ્તૂરબા, એમનાં પુત્રો – પુત્રવધૂઓ, પૌત્રો – પૌત્રીઓ, દોહિત્રો – દોહિત્રીઓ અને સમગ્ર પરિવાર વિશે, એમનાં જીવનમાં બનેલી ઘટનાઓ અને અર્થઘટન, એમનું મનોમંથન, પ્રતિભાવ વિશે જાણવાનું આજે પણ લોકોને ગમે છે. કેવાં હશે તેઓ અને ક્યાં ગયાં, કેવી રીતે રહેતાં હશે ? આવા પ્રશ્નો થતા રહેતા હોય છે અને વખત વખતે દરેક લેખકની પોતાની સમજણ અને દૃષ્ટિથી લખાયેલી માહિતી અને અર્થઘટન મળતું રહે છે. બાપુ વિશે તો જિંદગી ઓછી પડે એટલું સંકલન જડે પણ બા વિશે ઓછું લખાયું છે એવું એમના વિશે સંશોધન કરનારા માને છે. બાના પૌત્ર અને મણિલાલ ગાંધીના પુત્ર અરુણ ગાંધીએ અંગ્રેજીમાં બા વિશે ‘The forgotten Woman‘ પુસ્તક લખ્યું જેનો અનુવાદ બાનાં પ્રપૌત્રી કે દોહિત્રી સોનલ પરીખે ‘બા : મહાત્માનાં અર્ધાંગિની’ નામે કર્યો છે. શીર્ષકમાં આટલું અંતર કેમ છે એવો પ્રશ્ન મને શરૂઆતમાં જ થયો, પરંતુ જવાબ પણ જેમ જેમ પુસ્તક વંચાતું ગયું તેમ તેમ જડતો ગયો. કસ્તૂરબાનું વ્યક્તિત્વ ભુલાઈ ગયું કે સહજ લેવાયું ? મહાત્માનાં અર્ધાંગિનીનું પોતીકું, આગવું વ્યક્તિત્વ તો પુસ્તકમાં ઉજાગર થાય જ છે અને એની કસ્તૂરી મહેક પણ અકબંધ રહી છે તો મને જે શીર્ષક સૂઝ્યું તે એ આ, ‘કસ્તૂરી મહેક’. હવે એ મહેક મારાં મનમાં તો સચવાઈ ગઈ છે. આમ પણ કસ્તૂરી મૃગની મહેક તો કદાચિત્ જ વેરાતી હોય છે!

મહાત્માનાં અર્ધાંગિનીની ભૂમિકા ચોક્કસ જ પડકારરૂપ રહી હતી. પરંતુ તે પહેલાં કાપડિયાનાં  સંયુક્ત કુટુંબમાં બાલિકા દીકરી અને ગાંધી કુટુંબમાં કિશોરી પુત્રવધૂ તરીકે કસ્તૂરનું મજબૂત, બહાદુર વ્યક્તિ તરીકે ઘડતર થયું હતું. અને ધણીને તાબે જ થનાર ધણિયાણી તે ન હતાં એટલું તો સમજાય.

અલબત્ત, તે સંયુક્ત પરિવારમાં વડીલોની આમન્યા રાખનાર, જાહેરમાં પતિનો વિદ્રોહ કરનાર પત્ની ન હતાં તે પણ હકીકત છે. કસ્તૂરબાઈને આપણે સંયુક્ત કુટુંબનાં પુત્રવધૂ, મહાત્માનાં અર્ધાંગિની, સત્યાગ્રહી, પોતાનાં સંતાનોનાં અને સૌનાં બા, એક ઘડાયેલાં વ્યવસ્થાપિકા, સ્વતંત્ર અને વ્યવહારુ વ્યક્તિ તરીકે સમજવાનો અને મૂલવવાનો  પ્રયાસ કરી શકીએ. મેં એમને આ પુસ્તકને ધ્યાનમાં રાખી એ રીતે જોવાનો પ્રયાસ કર્યો છે. કોઈપણ વ્યક્તિ સર્વગુણસંપન્ન હોતી નથી કારણ કે દરેક સમયખંડમાં એની વ્યાખ્યા અલગ અલગ હોય છે. એક સમયનાં કસ્તૂરબાઈની સમય જતાં કસ્તૂરબા અને સૌનાં બા બનવાની યાત્રા સહજ ન હતી તેનો તો એમના વિવિધ સમયે વિવિધ વસવાટ પરથી ખ્યાલ આવે જ છે. પોરબંદર, રાજકોટ, દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મ અને ફિનિક્સ, મુંબઈ, અમદાવાદ, ચંપારણ, ઈંગલેન્ડ, સેવાગ્રામ, પ્રવાસ દરમિયાન અનેક સ્થળોએ અને યરવડા – સાબરમતી – ત્રંબા – આગાખાન મહેલ સહિત વિવિધ જેલોમાં એમને રહેવાનો વખત આવ્યો છે. તુલસી ઈસ સંસારમેં ભાત ભાત કે લોગ એમ જાતજાતના લોકો સાથે તેઓ રહ્યાં છે. પુસ્તકમાંથી પસાર થતાં એ અનુભવયાત્રા અને એમનું વલણ સમજાતું રહે છે. સમગ્ર પુસ્તકમાંથી પસાર થતાં એક બાબત ખાસ નજરે ચડે છે કે ગાંધી કુટુંબ કે ગાંધીજી સ્થાપિત આશ્રમોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નહીંવત્ થઈ છે. ગરબા, ગીતો કે નાટકોનું પ્રચલન ખાસ થયું નથી. ફિલ્મોની તો તે સમયમાં શરૂઆત જ થઈ હતી એટલે જોવા કરવાનો પ્રશ્ન ન હોય એ સમજી શકાય છે. મેળા કે હાટમાં જવું પણ ખાસ પ્રચલિત નથી. બાપુ શાન્તિનિકેતનમાં રહેલા પરંતુ ત્યાં સ્વાવલંબન, સાદાઈ અને સ્વચ્છતાના પાઠ શરૂ કરેલા તે વાત છે પરંતુ પોતે કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં સામેલ થયેલા તેવો ઉલ્લેખ થયો નથી. બા સાથે આગાખાન પેલેસમાં કવિતાપઠન કરેલું તે ઘટનાનો ઉલ્લેખ છે તે સિવાય મનોરંજનની પ્રવૃત્તિઓ શું એવો પ્રશ્ન થાય તો તેનો કોઈ જવાબ જડતો નથી. તે સમયે એમનું ધ્યેય જ દેશની સ્વતંત્રતાનું હતું એટલે આ મુદ્દો ખાસ મહત્ત્વનો લાગ્યો નહીં હોય. જો કે હરિલાલના સંતાનો સાથે બાપુ જોડકણું ગાતા હોય તેવો ઉલ્લેખ છે જે અંગ્રેજી લિમરિકનો મળતું છે પરંતુ પંચકડીમાં નથી. પુસ્તકો / સામયિકો / છાપાં  વાંચવાં અને રમતગમત એમનાં જીવનનો હિસ્સો ખરા.

મને કિશોરાવસ્થામાં ગાંધીને બરાબર જવાબ આપતાં, દક્ષિણ આફ્રિકામાં ઘર બહાર ખેંચી જતા ગાંધીને રોકતાં, આશ્રમમાં કોઈને પણ ખવડાવવાનો આગ્રહ રાખતી વખતે ગાંધીને નજર અંદાજ કરતાં, ગાંધીજીની મજાક કરતાં, જનશિક્ષણ માટે સહજ રહેતાં, કાંતણકામમાં પાવરધાં, બાપુનાં આદર્યાં – અધૂરાં કામોને એમની ગેરહાજરીમાં સુપેરે પાર પાડતાં, ગાંધીજીના ઉપવાસ કે માંદગી વખતે સચિંત રહેતાં અને એમની સેવા કરતાં, બાપુને શું ગમશે અને શું નહીં ગમે તેનો અંદાજ રાખી પોતાની રીતે નિર્ણય લેતાં કસ્તૂરબાઈ – કસ્તૂરબા વધારે ગમ્યાં છે. કિશોર મોહનને મહેતાબના સકંજામાં જકડાતા જોતાં, સંયુક્ત કુટુંબમાં પતિ વગર રહેતાં અને બાળકોને મોટાં કરતાં, દક્ષિણ આફ્રિકામાં ત્યાંની જીવનશૈલી અને વાતાવરણ સાથે અનુકૂલન સાધતાં, સિદ્ધાંત નિષ્ઠા માટે પ્રતિબદ્ધ ગાંધીજીને પત્ની તરીકે સહકાર આપતાં, આફ્રિકામાં પ્રથમ સ્ત્રી સત્યાગ્રહી તરીકે જેલમાં જનાર, પતિ સાથે બ્રહ્મચર્યનું વ્રત લેતાં, સંતાનો અને ખાસ કરીને જ્યેષ્ઠ પુત્ર હરિલાલ અને બાપુના સંબંધો જાળવવાં મથતાં અને હરિલાલ તથા એનાં પરિવાર માટે સતત ચિંતા કરતાં કસ્તૂરબાની પીડા, સંઘર્ષ અને તાવણી વાચક તરીકે તો લાગણીવશ કરી દે છે ઉપરાંત આજે પણ એ સમયખંડ જીવતો થઈ જઈ એ જ સંઘર્ષ-પીડા-તાવણીનો અનુભવ કરાવતો હોય તેવું લાગે છે. આ પુસ્તક બાનું વ્યક્તિચિત્ર આલેખે છે પણ એ સાચું છે કે બાપુ વગર એમની સાથે સંબંધિત કે સમર્પિત કોઈપણ વ્યક્તિનું જીવનચરિત્ર લખી ન શકાય પછી તે મહાદેવ દેસાઈ, મીરાબહેન, હરિલાલ, મણિલાલ કે કસ્તૂરબા હોય કે ભારતનો સ્વાતંત્ર્ય ઈતિહાસ હોય. હરિલાલ અને કસ્તૂરબાના સંબંધો વિશે આ પુસ્તક અને નીલમ પરીખનું ‘ગાંધીનું ખોવાયેલું ધન’  સુમિત્રા કુલકર્ણીનું ‘અણમોલ વિરાસત -૩ ‘ ખાસ્સો પ્રકાશ પાડે છે. દિનકર જોશીનું ‘પ્રકાશનો પડછાયો’ પણ છે, પરંતુ એ નવલકથા છે એટલે ક્યાંક કાલ્પનિક હોઈ શકે. અન્ય પુસ્તકોમાં મહાદેવભાઈની કે પ્યારેલાલની ડાયરીઓ રાજમોહન ગાંધીનું પુસ્તક કે નારાયણ દેસાઈ લિખિત બાપુનું જીવનચરિત્ર  ‘મારું જીવન, મારી વાણી’  કે અદિતિનું ‘કસ્તૂરબા’ નાટક પણ છે જે નારાયણકાકાએ લખ્યું છે. ગાંધીજી અને કસ્તૂરબા સિવાય પોતાની રીતે એ સંબંધો સમજવાં માંગતા કુટુંબીજનોનો દૃષ્ટિકોણ આ પુસ્તકોમાં વધારે સમજવાનો મળે છે.  આ પુસ્તકમાં એમના અન્ય બે પુત્રો રામદાસ કે દેવદાસ વિશે ખાસ લખાયું નથી એ સ્વાભાવિક છે કારણ કે લેખક મોટાભાગે દક્ષિણ આફ્રિકા રહ્યા છે. એક રીતે જોઈએ તો બાળકોનાં બાળપણ સિવાય અને ખાસ કરીને હરિલાલે આફ્રિકા છોડ્યું પછી પૂરો ગાંધી પરિવાર ક્યારે ય ભેગો થઈને સાથે રહ્યો હોય તેવી કોઈ  ખાસ ઘટના જાણવામાં આવતી નથી.

બાપુએ બાને ખાસ્સા પત્રો લખ્યા છે. એનો સંચય મણિલાલ ગાંધીએ કર્યો છે તે ઉપલબ્ધ છે એવું અણમોલ વિરાસત – ૩ વાંચતાં સમજાયું. જ્યારે જ્યારે બાપુના સાથની જરૂર હોય ત્યારે બાને એ મળ્યો છે ખાસ તો રાજકોટ સત્યાગ્રહમાં ત્રંબા જેલવાસ દરમિયાન બાપુએ બાને દરરોજ પત્રો લખ્યા છે. જ્યારે બાને છોડી મુકાયાં અને બાપુને મળ્યાં ત્યારે મણિબહેન અને મૃદુલા સારાભાઈ સાથે કેમ નથી એવું બાપુએ પૂછ્યું ત્યારે ફરીથી બા તે જ સાંજે જેલમાં પાછાં ફર્યાં અને ત્રણે સાથે બહાર આવ્યાં એ સમગ્ર ઘટનાનું વર્ણન  બા – બાપુના સંબંધો, બાની સ્ત્રી અભિમુખ સંવેદનશીલતા, બાનો મિજાજ, સત્યાગ્રહની અસર સમજવાં માટે પૂરતી સામગ્રી પૂરી પાડે છે. દાંડીયાત્રા સમયે અમદાવાદમાં સાબરમતી આશ્રમનો સંકેલો, આગાખાન મહેલમાં જેલવાસ માટે જતાં પહેલાં બાએ લીધેલું પગલું અને વહોરેલો જેલવાસ, આગાખાન મહેલમાં એમની દિનચર્યા, હરિલાલ સાથે બાનો અંતિમ મેળાપ, મહાદેવભાઈ અને બાની શહીદી આ બધું વર્ણન જાહેર અને અંગત જીવનનાં તાણાંવાણાંનું વણાટ કેવું બળકટ છે તે દર્શાવે છે. બાની બંગડીઓનું અક્ષત્‌ મળવું ચમત્કારથી કમ નથી. બાનાં ગયાં પછી બાપુએ બ્રહ્મચર્યનાં જે પ્રયોગો કર્યા તેનું કારણ શું એવો કોઈ જવાબ આ પુસ્તકમાં કે અણમોલ વિરાસત -૩માં પણ મળતો નથી પરંતુ બા સાથે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેતી વખતે એમના એટલે કે બાપુનાં મનમાં આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા સંકલ્પશક્તિને પ્રભાવક બનાવવાનો કોઈ વિચાર હશે એવો અણસાર આવે છે. અણમોલ વિરાસત-૩માં સુમિત્રા કુલકર્ણી સ્પષ્ટ લખે છે કે બાપુ અને બાએ એ  વિશે વાત કરી હતી. એક સ્ત્રી તરીકે મને સતત લાગ્યું છે કે બાપુએ જે પ્રયોગો કર્યા તે એમની ઉર્ધ્વગતિ માટે બરાબર હશે પણ અન્ય પાત્રોનું શું ? અને બા હયાત હોત તો એમણે બાપુને આ પ્રયોગો કરવા દીધા હોત ખરા ? મારી સમજ એવી છે કે બા ગયાં પછી એ પ્રયોગો કરેલા.

કેટલીક બાબતોમાં બા બાપુથી અલગ વિચારતાં હતાં જેમાં પોતાને ભેટ મળેલો હાર પુત્રવધૂઓ માટે રાખવાનો વિચાર કે પોતાના સંતાનો આશ્રમમાં રહે ત્યારે એમની પાસે બાપુની અપેક્ષા જેવા મુદ્દે બાનું મંતવ્ય ક્યારેક જુદું પડે તો પણ પછી સમજીને બાપુ સાથે સંમત થવાના મુદ્દે બા પર કોઈ દબાણ લાવ્યું હોય તેવું જણાતું નથી. પોતાની કે બાળકોની માંદગીમાં બાપુના કુદરતી ઉપચાર માટે સંમતિ આપવી કે બાપુને બકરીનું દૂધ પીવા માટે સંમત કરવા જેવી ઘટનાઓ બાનું વ્યવહારુપણું દર્શાવતી વધારે લાગે છે. બાપુએ હરિલાલ  માટે પ્રયત્નો કર્યા છે અને પીડા પણ ભોગવી છે. ત્યારે વ્યસનમુક્તિ માટે ખાસ કરીને આલ્કોહોલિક વ્યક્તિની સારવારનો કોઈ વિચાર ખાસ પ્રવર્તમાન નહીં હોય, જો હોત તો બાપુએ ચોક્કસ એ માટે પહેલ કરી હોત. એવું લાગે છે કે શિસ્ત / અનુશાસનનો મહિમા વિશેષ હતો એટલે આ વાત પર કદાચ  ધ્યાન ન ગયું હોય.

બાનાં ગયાં પછી બાપુએ બાના ભાઈ માધવદાસમામાની જવાબદારી ‘જીવતે પાળવા અને મૂએ બાળવા’નાં વચન સાથે કલ્યાણજીભાઈ-કુંવરજીભાઈ પર વિશ્વાસ રાખી એમને સોંપી એ ઘટનાનું ભલે બન્ને પુસ્તકમાં વર્ણન નથી, પરંતુ બાબુભાઈ વૈદ્યે એક લેખ દ્વારા એનું વર્ણન કર્યું છે તે વાંચતા થાય કે બાપુની નજરે ક્યારે ય કશું ચુકાતું ન હતું. બાપુએ બાને ભણાવવાના કરેલા પ્રયત્નો તો બાના અંતકાળ સુધી ચાલ્યા પછી ભલે તે છૂટાછવાયા રહ્યા હોય અને બાનો તોર પણ છેવટ સુધી કેવો રહ્યો તે પુસ્તકમાં આગાખાન મહેલમાં બાએ નોટબુક માંગી અને જે ઘટના બની પછી લેખક એક જ વાક્ય લખે છે કે બાપુ મૃત્યુ પામ્યા ત્યાં સુધી એ કોરી નોટબુક આ દુ:ખદ પ્રસંગની યાદગીરી રૂપે તેમની પાસે જ રહી. કસ્તૂરબાએ જાતે કશું લખ્યું ન હતું, હરિલાલને લખેલા બે પત્રો પણ એમણે દેવદાસ પાસે લખાવ્યા છે એટલે બાનાં મનમાં જે હતું તે બધું ખાસ બહાર નથી આવ્યું એવું ઘણાને લાગ્યું છે. અહીં પણ લેખકે એવી લાગણી પ્રગટ કરી છે છતાં કસ્તૂરબા વિશે આપણને જાણવાં તો મળે છે બાકી દેશના ક્યા અગ્રણી નેતા, વડા પ્રધાન, રાષ્ટ્ર પ્રમુખ કે લશ્કરના કોઈ વડાની પત્નીએ પોતાનું આત્મકથન લખ્યું હોય તેવું કોઈ પુસ્તક આઝાદીના પચ્ચોતેર વર્ષ પછી પણ આપણને મળ્યું છે ? ઈન્દિરા ગાંધી વિશે લખાયેલું પુસ્તક મળે પણ ઈન્દિરાએ પોતાની લાગણી દર્શાવતું પુસ્તક લખ્યું હોય તેવું જણાતું નથી. ‘મૌનના પરંપરાગત સંસ્કાર’નું આ દેખીતું સ્વરૂપ છે. 

સોનલ પરીખે આ પુસ્તકનો જે રીતે અનુવાદ કર્યો છે તેને અનુવાદ કે ભાવાનુવાદ કહેવાં કરતાં મૂળ કૃતિ કહેવું વધારે યોગ્ય છે. પોતાના પ્રપિતામહ વિશે જે લખાયું તે વિશે પોતાના મતનો કોઈ પણ ઉલ્લેખ કર્યા વગર ભાવાનુવાદ કરવો એ સહેલું નથી પરંતુ સોનલ પરીખે એ તટસ્થતા દાખવી છે. કસ્તૂરબા અને ગાંધીજીનાં દાંપત્ય અને જાહેર-જીવનને  સમજવા માટે વાંચવા જેવું પુસ્તક.

તે રીતે સુમિત્રા કુલકર્ણીએ અણમોલ વિરાસત -૩માં ગાંધીજી, કસ્તૂરબા, ચારેચાર પુત્રો અને બૃહદ પરિવાર વિશે લખ્યું છે. હરિલાલ ગાંધી અને બાપુના સંબંધો વિશે તટસ્થતાથી લખવાનું સુમિત્રાજીનું વલણ ગાંધી પરિવારને સમજવા માટે એક અલગ ભૂમિકા પૂરી પાડે છે. બાકી અમુક પ્રસંગો અને સમજ તો લગભગ દરેક લેખકની સરખી લાગે. સુમિત્રાજીએ વધારે નિખાલસતાથી લખ્યું છે કે મહાત્માનાં સંતાનો હોવાનાં કારણે બીજી-ત્રીજી પેઢીએ પણ કેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે. એમની પાસે સમાજની અપેક્ષા કે એમને માટેના સમાજના તોલમોલ કેવા હતા અને છે. કસ્તૂરબાએ પોતાનાં ૨૭૨ તોલા જેટલાં ઘરેણાં બાપુને આગળ અભ્યાસ માટે આપી દીધેલાં, સંયુક્ત પરિવારમાં બાને નાનકડા પુત્ર હરિ પર ધ્યાન આપવાનો સમય ન હતો જેવી બાબતો સુમિત્રાજીએ વધારે સ્પષ્ટપણે લખી છે. જે રીતે નાનકા હરિ માટે મોટા ખોરડાના વૈતરા કરવામાં બા પાસે સમય ન હતો તેમ બાપુ પાસે પણ સંતાનો માટે સમય ફાળવવો મુશ્કેલ જ રહ્યો. જો કે બાપુ પત્રો લખતા, સાથે રાખવાનો પ્રયત્ન કરતા પરંતુ હરિલાલ હંમેશાં સામે પલડે રહ્યા. બાકીના ત્રણે દીકરા બાપુની શિસ્તને વશ થયા. જો કે બ્રહ્મચર્યવ્રતી ન બન્યા. આ બધી બાબતોનું સુમિત્રાજીનું વિવરણ અને વિશ્લેષણ સમજવાં જેવું છે.  પરિવારના સભ્યો અને અરસપરસ સંબંધો વિશે સુમિત્રાજીએ પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિ પણ સુપેરે કરી છે. દાદા -દાદીનો પ્રેમ એમણે કેટલો અને કેવી રીતે માણેલો તેનું રોચક વર્ણન પણ એમણે કર્યું છે તો તટસ્થતા જાળવી દાદાના શિસ્તપ્રિય સ્વભાવ કે દાદીનાં સ્વચ્છતાનાં વળગણ વિશે પણ લખ્યું છે . રસ ધરાવનાર વાચકે તો ઉપલબ્ધ સમગ્ર કુટુંબકથા સાથે મૂકીને વાંચવી જોઈએ.

મૂલ્ય : ₹: ૨૦૦/- : નવજીવન ટ્રસ્ટ, નવજીવન મુદ્રણાલય અમદાવાદ : ૩૮૦ ૦૧૪ : ફોન નંબર : ૦૭૯ ૨૭૫૪૦૬૩૫ ; ૦૭૯૨૭૫૪૨૬૩૪. : Email : sales@navjivantrust.org : Website: www.navjivantrust.org : અણમોલ વિરાસત : ( ગાંધી વ્યક્તિત્વ અને પરિવાર ) : ૧૯૯૪ : સુમિત્રા કુલકર્ણી : નવભારત સાહિત્ય મંદિર : કિંમત : ₹ ૫૮/- : સેટનું મૂલ્ય :₹ ૨૮૦/- : ત્રણ ભાગ

સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

25 June 2022 બકુલા દેસાઈ - ઘાસવાલા
← અધૂરી રહે !
પક્ષાંતરના કારણે રાજકીય અસ્થિરતા →

Search by

Popular Content

  • પિંડને પાંખ દઈ દીધી અને –
  • માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?
  • વતનને પત્ર
  • ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન
  • ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ

Diaspora

  • ડાયસ્પોરાને નામે ભળતું જ લખાય છે 
  • સામ્રાજ્યની સફર અને વિભિન્ન દેશોમાં વસતા  મૂળ વતનીઓ
  • અનુરાધા ભગવતી : Unbecoming : A Memoir of Disobedience : આજ્ઞાભંગની અસહ્ય સ્મૃતિયાત્રા 
  • Breaking Out : મુક્તિયાત્રા :  લેખિકા : પદ્મા દેસાઈ 
  • 1900થી 1921 સુધી હિંદી આયાઓના રહેઠાણ પર બ્લૂ તક્તિનું અનાવરણ – 16 જૂન 2022

Gandhiana

  • અમૃતમહોત્સવ : ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યાં છે એ દેશનું દુર્ભાગ્ય છે
  • નાટ્ય અદાકારીમાં છુપાયેલું એક વિચારશીલ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે પોલ બેઝલી
  • “હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન” : ઇલા ર. ભટ્ટ
  • મારા હાવર્ડ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ગાંધીના નેતૃત્વના ગુણધર્મોની આપેલી વ્યાખ્યા
  • ભારતમાં ગાંધીજીને થયેલી પ્રથમ જેલના સો વર્ષ …

Poetry

  • રેશમ ગાંઠ
  • ફરી પાછા
  • બે ગઝલ
  • દિવંગત મહેન્દ્ર મેઘાણીને મારી કાવ્યાંજલિ
  • પથ્થર પર કવિતા

Samantar Gujarat

  • લઠ્ઠાકાંડમાં રાંડ્યા પછીનું ડહાપણ …
  • ગુજરાત, ૧ મે ૨૦૨૨
  • અકાદમીની સ્વાયત્તતા પરિષદની જવાબદારી કઈ રીતે છે?
  • ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’
  • ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર …

English Bazaar Patrika

  • The Father and the Assassin
  • In praise of Nayantara Sahgal
  • On his birthday a Tribute to a Musical genius and a Bridge builder Pt. Ravi Shankar
  • Poetry Brought Us Together–
  • Metta Centre for Nonviolence

Profile

  • વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી
  • પપ્પા એટલે ….
  • પપ્પાનું પ્રગતિપત્રક
  • ગાંધીનું દૂધ પીધેલા
  • મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved