ભાષાવિજ્ઞાનની દુનિયા નાની છે. ભારતમાં ગણતરીનાં દસ-બાર વિશ્વવિદ્યાલયોમાં જ એનું અધ્યયન-સંશોધન થાય છે. વળી એની વિશેષ શાખા જુઓ તો, બે-ચાર સંશોધક જ કાંઈ નવું વિશ્લેષણ લઈ આવતા હોય છે. આ નાનીઅમથી દુનિયામાં સન 2000ની આસપાસમાં એક નવું નામ આગળ આવેલું. ચોમ્સ્કી-પ્રણિત વ્યાકરણ-સિદ્ધાંતના માળખામાં દ્રાવિડ કુળની ભાષાઓના સંશોધન માટે કે.એ. જયશીલને ખાસ્સું ખેડાણ કર્યું છે. તેમના માર્ગદર્શનમાં હૈદરાબાદની કેન્દ્રીય અંગ્રેજી અને વિદેશી ભાષા સંસ્થાન (‘સિફલ’, હવે વિશ્વવિદ્યાલય) ખાતેથી કોઈ એમ.ટી. હની બાબુના પીએચ.ડી. શોધનિબંધની ઘણી ચર્ચા થયેલી. ભાષાવૈજ્ઞાનિકોની હવેની પેઢીમાં એમના કામ પર સૌની નજર રહેશે એમ મનાતું. થોડાં વર્ષો પછી તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક તરીકે જોડાયા, તે જાણવા મળ્યું. થોડાં વધુ વર્ષો પછી તેમનું નામ અખબારોમાં વાંચવા મળ્યું—ભાષાવિજ્ઞાન માટે નહિ, પણ માઓવાદી વિચારધારાના સમર્થક તરીકે.
જુલાઇ, ૨૦૨૦ના અંતમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા, એન.આઇ.એ., દ્વારા તેમની ધરપકડ થઈ. મિરાન્ડા હાઉસ કૉલેજમાં ભણાવતાં તેમનાં પત્નીએ પત્રકારોને કહ્યું કે તેમની સામે કોઈ પુરાવા નથી, પણ તેમના કમ્પ્યૂટરમાં છેડછાડ કરીને પુરાવા ઊભા કરવામાં આવ્યા છે. તેમણે રોના વિલ્સન નામના બીજા એક માઓવાદી સમર્થક સાથે પત્રવ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ છે. હની બાબુ મલયાલમ વાક્યરચનાનો અભ્યાસ કરતા હતા, ત્યારે આ બીજા કેરાળી ભાઈ વિજ્ઞાનકથાઓ પર શોધનિબંધ તૈયાર કરી રહ્યા હતા – જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાંથી.
સમાજ અને રાજકારણમાં ધરમૂળથી પરિવર્તન લાવવાની જરૂર છે, એમ કોઈ માને તેમાં કોઈને આપત્તિ ન હોય, પણ માઓવાદ આવી ક્રાન્તિ સર્જવા માટે હિંસાનું સાધન વાપરે છે, એ સામે ચોક્કસ વાંધો લેવો પડે. વાત આટલી સરળ હોત તો સારું હોત. અહિંસાના અધ્યયન માટે કેન્દ્રો સ્થપાયાં છે, પણ હિંસાનું વિશ્લેષણ નથી થયું. એના માટે થોડા બિનપ્રણાલિગત એટલે કે અવનવા સ્રોત તરફ વળવું પડે. દાખલા તરીકે, અશ્વિની ભટ્ટની નવલકથા ‘ફાંસલો’. કથાનકનો એક ભાગ એવો છે કે માઓવાદી નાયકે ક્રાન્તિકારી ચળવળ માટે ફાળો આપવાનો છે અને એ માટે તે મિત્રોની સાથે મળીને બૅન્ક લૂંટે છે. આ મુદ્દે તબીબીશાસ્ત્રનો વિદ્યાર્થી અને નક્સલવાદી ગોવિંદ તેના મિત્રો સાથે હિંસા-અહિંસાની ચર્ચા કરે છે. લેખક પણ તેમના પત્રકાર-મિત્ર સ્વર્ગસ્થ નિરંજન પરીખને પુસ્તક અર્પણ કરતાં ક્રાન્તિનાં સાધનો વિશેની તેમની અગાઉની ચર્ચાનો હવાલો આપે છે.
હિંસાઃ રાજ્યની ઇજારાશાહી સામેના સવાલ
મુદ્દે, હિંસા પર રાજ્ય(ઉર્ફે સ્ટેટ ઉર્ફે સરકાર)ની ઈજારાશાહી છે. સારા અર્થમાં જોઈએ તો રાજ્ય સૌને સલામતી પૂરી પાડે, તે જ હેતુસર શસ્ત્રોપયોગનો ઈજારો પોતાની પાસે રાખે છે. વહેવારુ અર્થમાં જોઈએ તો, રાજ્યના કર્તાહર્તા પોતાના અને પોતાની પરિયોજનાઓને તન-મન-ધનથી ટેકો આપનાર સૌકોઈના ભલામાં હિંસા આચરે છે—તેના દાખલા રોજના ધોરણે મળ્યા કરે છે—પણ બાકીના સૌ માટે હિંસા વર્જ્ય છે. આદિવાસીઓ, ગરીબ ખેડૂતો, મજૂરો અને અન્ય વંચિતોને આવા અત્યાચારથી બચાવવા માઓવાદીઓ હિંસા-પ્રતિહિંસા તરફ વળ્યા છે.
આટલું લખ્યું તે તેમનો દૃષ્ટિકોણ સમજવા માટે છે, તેને વાજબી ઠેરવવા નહીં. એ પણ નોંધીએ કે માઓવાદીઓનો એક હિસ્સો પણ ક્યાંક જાતિના ધોરણે, તો ક્યાંક હપતાના ધોરણે બીજા ધંધે વળગ્યો છે. આજના જમાનામાં બધા ગાંધીવાદીઓ દૂધે ધોયેલા નથી, ત્યારે બહુ થોડા માઓવાદી આદર્શ અનુસાર આચરણ કરતા હશે એમ માનીને ચાલીએ. પણ એમના આદર્શો નોંધી લઈએ. વળી, હિંસામાં શ્રદ્ધા રાખનારી આ એક જ વિચારધારા છે એવું પણ નથી. અલબત્ત, ગાંધીવાદ અને સાધનશુદ્ધિની સજ્જતા અને ધીરજનો અભાવ બધે છે. પણ જેના હાથમાં લોકવિચાર કહેતાં ડિસ્કોર્સની કળ હોય તે એકને હિંસક અને બીજાને અહિંસક ઠેરવી શકે છે. હુલ્લડ કરાવે, આખી કૅડર કામે લાગે, મોવડીઓ માર્ગદર્શન આપતા નજરે પડે, પણ એને હિંસક આંદોલન નહીં, ‘લોકભાવનાનો સ્વયંભૂ જુવાળ’ કહેવાય.
લોકલક્ષી-તેજસ્વી નામો અને સહાનુભૂતિનો ‘ગુનો’
માઓવાદી ચળવળની અંદર સક્રિય ન હોય, પણ તેમની નજીક હોય એવા સિમ્પેથાઈઝર કે સમર્થકોનો એક વર્ગ રહ્યો છે, જેને વિવિધ સમયે સરકારે મધ્યસ્થી તરીકે પણ આગળ કર્યો છે. હૈદરાબાદમાં રાજકીય વિજ્ઞાનના નિવૃત્ત અધ્યાપક અને કવિ વારવારા રાવ એક સમયે આન્ધ્ર સરકાર અને માઓવાદીઓ વચ્ચેની મંત્રણાઓમાં મધ્યસ્થી હતા. ‘ગદ્દર’ તખલ્લુસ ધરાવતા તેલુગુ કવિ પણ આવી ભૂમિકામાં રહ્યા હતા. તે બાબા નાગાર્જુન અને ગોરખ પાન્ડે જેવા વંચિતોના કવિઓની પરંપરામાં છે જે માર્ક્સ-લેનિનમાંથી પ્રેરણા લે છે. ડફલી લઈને મજૂર વસતિમાં જઈ નવી દુનિયાના શમણાની દુહાઈ પોકારે છે આ લોકો. એ તેમનો ગુનો. આ સમર્થક કે સમસંવેદનાશીલ વર્ગના કામનું બીજું પાસું કાનૂની લડાઈ છે. જેમને રાજકીય હિંસાના આરોપ હેઠળ જેલમાં બંધ કરાયા હોય તેમના હક માટે તે લડે છે. રોના વિલ્સન આ કામમાં આગળ પડતા હતા, એવી ધારણા છે. તેમને ગયા વર્ષે જેલ થઈ. તેમની સામે આક્ષેપ એ હતો કે તેમના કમ્પ્યૂટરમાંથી માઓવાદીઓ સાથેનો પત્રવ્યવહાર મળ્યો અને એમાં એક મોટા નેતાની હત્યાનું કાવતરું હતું. એન.આઇ.એ.એ. રોનાના કમ્પ્યૂટરમાંથી મળેલો જે એક પત્ર અખબારોને પહોંચાડ્યો તે વાંચતાંવેંત સો ટચનો બનાવટી લાગે છે, એવી ટિપ્પણીઓ અખબારોમાં આવી છે. હવે હની બાબુને એટલે પકડ્યા છે કે એ પત્રના લેખક હોવાનો જેના પર આક્ષેપ છે, તેની સાથે કાગળપત્તર કર્યાનો તેમની પર આક્ષેપ છે.
મૂળ કેસ એવો હતો કે મહારાષ્ટ્રમાં ભીમા-કોરેગાંવમાં 2018માં દલિતોના એક ઉજવણી પ્રસંગ સામે સંઘ પરિવારે વાંધો લીધો અને હિંસા થઈ. તેની તપાસ કરતાં એન.આઇ.એ. માને છે કે દલિત આગેવાનો માઓવાદીઓના સંપર્કમાં હતા, માટે માઓવાદીને પકડો, તે ના મળે તો તેમના સમર્થકોને. આ હરોળમાં સુધા ભારદ્વાજ અને આનંદ તેલતુમ્બ્ડે વગેરે જેમને જુઝારુ કહેવાય એવા કર્મશીલો છે. તેલતુમ્બ્ડે મૅનેજમેન્ટના અધ્યાપનમાં ઘણું હાંસલ કરી ચૂક્યા છે અને દલિતોના પ્રશ્ને નવી સમજથી લખે છે.
સુધા ભારદ્વાજ આઇ.આઇ.ટી.માં ભણ્યા પછી અમેરિકાની એમ.આઇ.ટી.માં પીએચ.ડી. કરી રહ્યાં હતાં. (પીએચ.ડી. કરવાનું કામ ખતરો-સે-ખાલી-નહીં એ ટાઇપનું લાગે છે.) તે ઝળહળતી કારકિર્દી પડતી મૂકીને શંકર ગુહા નિયોગીના મુક્તિ મોરચામાં ઝંપલાવ્યું, ત્યાંથી મજૂરોનાં વકીલ બન્યાં. 2018માં અર્નબ ગોસ્વામીએ સુધાએ એક માઓવાદી નેતાને લખેલો મનાતો પત્ર કાઢ્યો ત્યારથી એ જેલમાં છે. કોરોના લૉક ડાઉન પછીના દિવસોમાં તેમની તબિયત વણસતી હતી- પરિવારજનો પણ તેમને મળી શકતા ન હતાં. વારવારા રાવ અને આસામમાં બીજા સંદર્ભે પકડાયેલા ચળવળિયા અખિલ ગોગોઈ બંનેને કોરોનાનો ચેપ લાગ્યો છે.
— આ બધાં નામોને સ્થાપિત હિતો એક લેબલ આપે છે: અર્બન (શહેરી) નક્સલ. આ સંજ્ઞાનો અર્થ એમ છે કે જે સમાન હક, વંચિતોનું ભલું, નવા સમાજની રચના વગેરેની વાત કરે છે એટલે કે સરકારનો અને મૂડીવાદી વિકાસનો વિરોધ કરે છે, તે સૌને ડાબે કરો. હવે એ સૌ શંકાસ્પદ મનાતા પુરાવાને આધારે, કોઈ ખટલા વગર, વરસો સુધી જેલમાં સબડશે. ત્યાં તેમને સ્વાસ્થ્યની સારસંભાળ જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળતી નથી. જે ગુનેગાર હોય તેમને ચોક્કસ સજા થવી ઘટે, પણ એ તો અદાલત નક્કી કરશે ત્યારે કરશે. ગુનો કોને કહેવાય, અદાલત ક્યા કાનૂનનું અર્થઘટન કરી શકે, એ કાનૂનની કલમો કઈ, એ કાનૂન ઘડવા બેઠેલા આપણા પ્રતિનિધિઓ કઈ રીતે ચૂંટાયા, તેમને ભંડોળ કોણે આપ્યું — આ બધા પ્રશ્નો ઊઠાવવા જેવા નથી. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જેવા છેલ્લા પ્રશ્નનો તો ઈલેક્ટોરલ બૉન્ડ આવ્યા પછી આર.ટી.આઇ.માં પણ જવાબ નહીં મળે. આ પ્રશ્નોની દિશામાં વિચારવામાં આગળ વધશો તો ક્યાં પહોંચી જશો એ તમને યાદ રહે, એ માટે તો આટલા દાખલા બેસાડવામાં આવી રહ્યા છે.
સહિયારી રાજકીય જવાબદારી
કમનસીબે, આ વલણો અને આ ઘટનાક્રમ 2014થી શરૂ નથી થયાં. કૉંગ્રેસની આગેવાની હેઠળની યુ.પી.એ.ના શાસન દરમિયાન ગાંધીવાદી પણ આદિવાસીઓના પ્રશ્ને સરકાર કરતાં માઓવાદીની વધુ નજીક મનાતા ડૉક્ટર વિનાયક સેનની આ જ દશા થઈ હતી. આ બધી ધરપકડો માટે જે કાનૂન ઈસ્તેમાલ થાય છે તે અને તે પ્રકારના બીજા કાનૂનો છેક એંસીના દાયકાથી કૉંગ્રેસે જ આગળ કરેલા છે. ઉદ્યોગપતિઓ માટે આદિવાસીઓની જમીનો છીનવવાનો કારસો કૉંગ્રેસકાળનો છે. જ્યારે કહીએ કે હિંસા કે શસ્ત્ર પર રાજ્યની મોનોપોલી છે, ત્યારે એ રાજ્ય ઘણો લાંબો વખત કૉંગ્રેસના હાથમાં પણ રહ્યું છે તે યાદ રાખવું પડે. માટે જ આજનો આપણો મુખ્ય વિપક્ષ ધરપકડોની આ શ્રેણી વિશે ટિપ્પણી કરી શકતો નથી.
બીજું કમનસીબ એ છે કે ગુજરાતી અખબારોમાં (અને રાષ્ટ્રીય સ્તરે ગણતરીના અખબાર સિવાય) આ ઘટનાઓની નોંધ પણ લેવાતી નથી. માટે ભીમા કોરેગાંવ એટલે નક્સલ, નક્સલ એટલે હિંસા, હિંસા એટલે રાજ્યવિરોધ ને રાજ્ય એટલે રાષ્ટ્ર—આ બધાં સમીકરણો ભયાવહ સરળતાથી ગળે ઉતરી જાય છે અને અપચો થવાની કોઈને ચિંતા નથી. નાગરિકસમાજ, કર્મશીલો, બુદ્ધિનો ઉપયોગ કરનારા એટલે કે બૌદ્ધિકો જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, તે બધા મુદ્દાઓ પર ધીમેધીમે માઓવાદી લેબલ લાગી રહ્યું છે. કોરોનાના આંકડા કે લૉક-ઠોક-ડાઉનની અક્ષમ્ય ભૂલોની વાત કરનાર પણ થોડા વખતમાં અર્બન નક્સલ કહેવાશે.
હિંસા કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં – કોઈ પણ સંજોગોમાં નહીં. એ વાત માને તો સૌ છે જ, પણ મોટા ભાગના માને છે કે એ વાત બહુ થોડાને જ લાગુ પડે છે.
e.mail : ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 07-09