એમને જાણતો ય નહોતો તે દિવસોની વાત છે.

નીરજ શાહ
સંજોગો અનુસાર, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી પદેથી છૂટા થયા પછીના એ દિવસો હતા. કાર્યવાહી સમિતિનો સભાસદ પણ નહોતો. તેમ છતાં, માર્ગદર્શન સારુ દરેક બેઠકમાં હાજર રહેવા નિમંત્રણ રહેતું. આવી જ બેઠકમાં, ખાલી પડેલી એક જગ્યા સારુ, ડૉ. પંચમ શુક્લે એક નીરજ શાહના નામનો પ્રસ્તાવ મુક્યો. હિસાબકિતાબના નિષ્ણાત એવા નીરજ શાહે ‘રણકાર’ નામે સરસ મજાની વેબસાઇટ ઊભી કરી છે, તેમ જ તે નામ, એક દા, ઈન્ટરનેટી રેડિયો પણ ચલાવેલો, તેવી માહિતી પણ અપાઈ.
મારા માટે વિમાસણ હતી, કેમ કે આ નવાઈનું નામ હતું. પરંતુ કારોબારીએ પંચમભાઈનું સૂચન સ્વીકારી લીધું. … ખેર ! આ ઘટનાને હવે લાંબો પનો મળ્યો છે.
હળુ હળુ નીરજભાઈ જોડેનો પરિચય થતો રહ્યો; જામતો રહ્યો. અમે ખૂબ નજીક આવ્યા.
લાંબા સમય ગાળાથી અકાદમી પોતાની વેબસાઇટ ઊભી કરવા પ્રયત્નશીલ રહી; પણ અનેકવિધ કારણે તે શક્ય બનતું નહોતું. ફારુકભાઈ ઘાંચી, પંચમભાઈ શુક્લ જોડે મારી આ બાબત વાતો થયા કરતી, એ વાતોમાં હવે નીરજભાઈનો ઉમેરો થયો અને અમારી આ ફળદ્રુપતાને કારણે વિચારને કોટા ફૂટ્યા; ફૂલ બેઠાંનો અનુભવ થયો.
યૉકર્શર બેઠા બેઠા ફારુકભાઈએ; લંડનની કોઈક યુનિવર્સિટીમાં મેકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાભ્યાસ કરાવતાં કરાવતાં પંચમભાઈએ વાતાવરણ તૈયાર કરેલું, અને નીરજભાઈ શાહે સપનાંનાં વાવેતર કર્યાં. એમણે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની વેબસાઇટ ઊભી કરી આપી. એમાં સાહિત્ય, ભાષા, અસ્મિતા, કાર્યક્રમો, પ્રકાશન, સમાચાર ઉપરાંત આનુષંગિક કડીઓ સમેતનું જીવંત ઈન્ટરનેટી જગત ખડું કરી દીધું. બીજી પાસ, નીરજભાઈએ પંચમભાઈના તેમ જ ફારુકભાઈના સાથમાં ફેઇસબૂકે સાહિત્ય અકાદમીનું ખાતુ ખોલી આપ્યું. આજે 72,756થી વધારે ‘સભ્યો’ તેનો લાભ લેતા રહ્યાં છે.
°°°
અમદાવાદમાં વસતાં કોકિલાબહેન અને બિપીનભાઈ શાહને ત્યાં નીરજભાઈનો 27 ઑગસ્ટ 1982ના રોજ જન્મ થયો. આ દંપતીનું એ બીજું સંતાન. પહેલું સંતાન એટલે નીરજભાઈથી મોટેરા વિપુલ શાહ. અમદાવાદની સ્વસ્તિક સ્કૂલ માંહેના શાળાકીય અભ્યાસકાળ પછી, સહજાનંદ કૉલેજના એક દા આ વિદ્યાર્થીએ ત્યાં જ બી.કૉમ.ની ઉપાધિ મેળવી હતી. આશરે બે દાયકા થયા હશે નીરજ શાહને ઇંગ્લૅન્ડ આવ્યાને. સપ્ટેમ્બર 2005 વેળા એ અહીં

બંધુ બેલડી : વિપુલ અને નીરજ શાહ
વિલાયતમાં વધુ અભ્યાસ સારુ આવેલા. યુનિવર્સિટી ઑવ્ ગ્રિનીચમાંથી ‘ઇન્ફૉર્મેશન સિસ્ટમ્સ મેનેજમેન્ટ’ વિષય સાથે એમ.એસસી.ની ઉપાધિ એમણે મેળવી.
આવા આવા દિવસોમાં જ નીરજભાઈએ 2006/7 દરમિયાન, ‘રણકાર’નો આદર કર્યો. કવિતાનો, સંગીતનો નાદ જગવતો તે નામે રેડિયો ય પણ શરૂ કરી ચલાવી ય જોયો. એક મજેદાર વાતાવરણ ઊભું ય કરી જાણ્યું.
વડોદરાનિવાસી ઇન્દિરાબહેન અને અશોકભાઈ પુરાણીનાં દીકરી હેતલ આ દિવસોમાં અહીં ફાર્મસિસ્ટનો વ્યવસાય કરે. એ બન્નેનો પરિચય થયો અને હેતલ – નીરજનું મિલન 13 ફેબ્રુઆરી 2009ના રોજ પરિણયમાં પરિણમ્યું.
આ યુગલનું આતિથ્ય અનેક વાર માણ્યું છે અને એ બન્નેએ પારાવાર હૂંફ આપ્યાં કરી છે.
***

હેતલ − નીરજ શાહ
જેમને લગીર પણ જાણતો ન હતો તેવા આ નીરજ શાહ આજે (અ)મારા અડીખમ તેમ જ વિશ્વાસુ સાથીસહોદર બની ગયા છે. ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટ તો એમણે દીપાવી જાણી જ જાણી, પરંતુ જોડાજોડ, અકાદમી યોજિત અનેકવિધ સોજ્જા અવસરોને યુટ્યુબ વાટે કાયમી બનાવી દીધા છે. કેટલાક કાર્યક્રમોમાં વક્તા ય બન્યા છે તથા અભ્યાસુ રજૂઆત કરીને ચકિત કર્યો છે. વરસો પહેલાં ગુજરાતી ડાયસ્પોરાનાં અગ્રગણ્ય કવયિત્રી પન્ના નાયક અંગેની એમની રજૂઆત તો સાંભરે જ; પણ નવમી ભાષાસાહિત્ય પરિષદ ટાંકણે, ‘ઈન્ટરનેટ જગત, બ્લૉગ, વેબસાઈટ, ફેઇસબુક વગેરે વગેરે એટલે ગુજરાતી ભાષા-સાહિત્યની વાત’ વિષય બાબત, બીજા દિવસની સવારની બેઠકમાં, આપેલું વક્તવ્ય હજુ ય તાજાતર અનુભવું છું.
આવાં કસદાર જોમ અને આવડત છતાં, નીરજભાઈ છવાઈ જતા નથી, બલકે આવી જવાબદારીઓથી પર રહેવાની લાગણીમાં સતત પરોવાયેલા રહે છે. આગલી હરોળે ઘમરોળવા કરતાં સિપાહી બની રહેવાની જાણે કે મહેચ્છા ધરાવતા ન હોય તેમ લાગે !
કોવિડ-ઓગણીસે જગતને માથે લીધું. એ તો હજુ હમણાંની જ વાત છે. તે ટાંકણે પંચમભાઈ, નીરજભાઈ અને મને અસુખ રહ્યા કરે. સભ્યગણ જે દર માસે હળતોમળતો તેના પર પ્રતિબંધ થયો. તે હવે ઊકેલ રૂપે, ઇન્ટનેટી માધ્યમ વાટે વર્ચ્યુઅલ બેઠકો યોજવાનું અમે નક્કી કરી બેઠા. એક પછી એક અનુભવો લેતા ગયા, કરતા ગયા. સ્કાઈપથી આદર કર્યો; ગૂગલનો માર્ગ પણ લીધો અને છેવટે ઝૂમને પનારે આગળ ધપતા રહ્યા. આ ક્ષેત્રની મને કોઈ જ સૂજબૂજ નહીં; આવડત પણ નહીં. જાણે કે એક ઠોઠ નિશાળિયો ! પણ પંચમભાઈ અને નીરજભાઈ સક્રિય રહ્યા. અને કોઈ પણ જાતની આડંબરી વિના નીરજભાઈએ ગોઠવણ વ્યવસ્થાને સાંચવી લીધી. ડૉ. સુમન શાહના વક્તવ્યથી આદર કર્યો ત્યારે જગતને ચોક ભાગ્યે જ આવી ગોઠવણ વર્તાતી. આજે ચોમેર બિલાડીના ટોપાની જેમ છવાઈ ગયાનું વર્તાયા કરે છે !
તેમ છતાં, આ કાર્યક્રમોનું ખમીર મોટે ભાગે ઓજસ્વી રહ્યું છે તેમાં પંચમ શુક્લ ઉપરાંત નીરજ શાહનો પારાવાર સમો ફાળો વર્તાય.
2021માં “ઓપિનિયન”ની રજત જયંતી મનાવવાનું વિચારાયું. નીરજ શાહ, પંચમ શુક્લ તથા અશોક કરણિયાને સાથે રાખ્યા. અમે ’રજત રાણ પડાવે ઓપિનિયન’ નામનો લાંબા અરસા સુધી યાદ રહી જાય તેવો કાર્યક્રમ ઘડી કાઢ્યો. નીરજભાઈએ અહીં બેઠા પેશગીની જબ્બર ગોઠવણ કરી. એમાં પંચમભાઈએ, અશોકભાઈએ મન મૂકીને પરોવાઈ જવાનું રાખ્યું. આ ત્રણેય મિત્રોની સામેલગીરી, એમની સૂજસમજ, એમની દૂરંદેશીને કારણે લાંબા અરસા લગી મમળાવ્યા કરવાનું મન થાય તેવો આ અવસર બની બેઠો. આ પહેલા, ક્વચિત, આ રીતે જગત ભરે વસેલી ગુજરાતી જમાતમાંથી વક્તાઓની પસંદગી થઈ હોય. વિષયો અફલાતૂન હતા અને પેશગી બેનમૂન. અને આના યશભાગી નીરજ શાહ સમેતની આ ત્રિપુટી જ હતી.
પરિસ્થિતિવસાત, ‘ગુજરાતી લેક્સિકૉન’ની સ્વાયત્તતા તેમ જ સ્વતંત્રતા વીંટીસાટીને ‘ગુજરાતી વિશ્વકોશ’માં સામેલ થઈ જવાનું થયું, તેને કારણે, “ઓપિનિયન”નું પાયાગત ઘર બદલવાનું થયું ત્યારે નીરજભાઈ શાહે જ જાતમહેનતે ગોઠવણ કરીને, ઘડીના છઠ્ઠા ભાગમાં, આ કમઠાણની ફેરબદલ સફળતાપૂર્વક કરી આપી. આટલું ઓછું હોય તેમ, “ઓપિનિયન”ના આરંભનાં મુદ્રિત વર્ષોના તેમ જ ડિજિટલ ગાળાના ત્રણ વર્ષ થઇને તમામે તમાત 18 વર્ષોની ફાઈલને પણ નવેસરથી કંડારીને હાથવગી કરી લીધી.
“ઓપિનિયન”ની ડી.વી.ડી. માંહેના તમામ અંકોને આમ, “ઓપિનિયન”ની વેબસાઇટના માધ્યમે સુલભ કરી આપવાનું મહાભારત કામ પણ એમણે સુપરે પાર પાડ્યું છે.
સોટકે, ‘સાદી વાત, સાદો ભાવ અને રોજ બ રોજની તળપદી લાગણીઓને આછા ચમત્કાર સાથે વાચા આપનાર’ આપણા એક સોજ્જા કવિ દેવજી રામજી મોઢાની ‘મન’ નામે એક કવિતા સાંભરે છે.
મનની મોટી વાત રે ભાઈ, મનની મોટી વાત !
જગ કેરી સૌ જમાતમાં એની છેક અનોખી ભાત રે,
ભાઈ, મનની મોટી વાત !
આવી અનોખી ભાતના આ મનેખ એક મિત્ર છે તેમ જ અદના સાથીદાર છે, એ ઘટનાને એક ઉમદા સૌભાગ્ય લેખું છું.
પાનબીડું :
મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.
− ઉમાશંકર જોશી
(937 શબ્દો)
હેરૉ, ઇંગ્લૅન્ડ; 27 જાન્યુઆરી − 11 ફેબ્રુઆરી 2023
e.mail : vipoolkalyani.opinion@btinternet.com