મતદાનનાં પાંચ ચરણ પછી
આપણા રાજકીય કથાનકમાં ગાંધી–આંબેડકર આટલા એક સાથે કદાચ કદાપિ નહોતા. બંધારણ ને ન્યાયના મુદ્દા આ હદે કેન્દ્રમાં હોય એવું પહેલીવાર બની રહ્યું છે.
ચોથી જૂને મતપેટીઓ શું બોલશે એ વિશે સત્તાબજાર, સટ્ટાબજાર અને બહુજનબજારનાં પોતપોતાનાં આકલન હશે, પણ મતદાનનાં પાંચ ચરણ પછી ‘અબ કી બાર ચાર સો પાર’નું તો ઠીક પણ ધોરણસરના વિજયનુંયે કથાનક કંઈક વિમાસતું વિલાતું વરતાય છે. પાંચમા ચરણમાં મતદાન મથકની બહાર નીકળ્યા પછી માયાવતી જે બોલ્યાં તે નોંધ્યું તમે ? એમણે કહ્યું, સત્તા પલટાઈ રહી છે અને તે સાથે અલબત્ત સાવચેતીના અંદાજમાં અગર ટિપ્પણીના ખયાલમાં ઉમેર્યું, જો ઇ.વી.એમ. કોઈ ચમત્કાર ન બતાવે તો!
માયાવતીના ઉત્તરવિધાનને ખાસ વજન આપ્યા વગર વિચારીએ તો શું સમજાય છે? હવાની રૂખ પરિણામદાયી હો કે ન હો પણ એવો કશોક સૂસવાટો, દેખીતી ‘લહર’ વગરનો, જરૂર છે. માયાવતી આ બોલ્યાં છે પોતાના ભત્રીજાને ભા.જ.પ.ની ટીકા કરતો બંધ કર્યા પછી – અને વળી અમિત શાહની રણનીતિગત અગવડસગવડ વિચારી એમણે ત્રણેક બેઠકો પર પોતાના તરફથી અનુકૂળતા કરી આપ્યાનાયે હેવાલો છે. મતલબ, મતદાનનો દોર શરૂ થયો એના પહેલાથી તેમ ત્રણ દોર પછી એમનું જે આકલન હતું એમાં કશોક ફેરફાર વરતાઈ રહ્યો છે જે ‘સત્તા પલટ રહી હૈ’ જેવા ઉદ્દગારો વાટે પ્રગટ થાય છે.
ચોક્કસ ઉજળિયાત કૉન્સ્ટિટ્યુઅન્સીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમના અંદાજમાં સામાજિક ઇજનેરી વાસ્તે પંકાયેલા છે. ગુજરાતમાં ભા.જ.પ.નો પહેલ પ્રથમ સુવાંગ વિજય થયો ત્યારે વ્યૂહકાર તરીકે ઉભરેલા મોદીએ પોતે કેવાં નાતજાતનાં નાનાંમોટાં જોડાણમાંથી આખો ગોફ રચ્યો એ માંડીને કહ્યાનું સાંભરે છે. તે પછી છ-સાત વરસે દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે એ ગુજરાત પાછા ફર્યા ત્યારે એમણે પોતાની ઓળખને મંડલમંદિર જે.પી. એમ વિવિધ છેડેથી તરાશવાની કોશિશ કીધી હતી. દલિત રાષ્ટ્રપતિ અને આદિવાસી રાષ્ટ્રપતિ તરેહનો સિલસિલો આ જ ‘ઇજનેરી’ પ્રક્રિયાનો એક હિસ્સો છે એમ તમે કહી શકો.
મનોવૈજ્ઞાનિક સ્તરે છેલ્લા દસકામાં અને એમાં ય તે છેલ્લાં ત્રણચાર વરસમાં વિપક્ષે, ખાસ કરીને કોાઁગ્રેસ અને રાહુલ ગાંધીના પક્ષે, જે વૈકલ્પિક કથાનક ઊભરી રહ્યું તે નાતજાતગત સહિત વંચિત માત્રને સારુ સીધી ને સક્રિય સહભાગિતાનું. રાહુલ ગાંધીની બે ભારતવ્યાપી યાત્રાઓએ કેમ જાણે એનું એક વ્યાકરણ વિકસાવ્યું. રાષ્ટ્રપતિનું દલિત કે આદિવાસી હોવું એનું પ્રતીકમૂલ્ય જરૂર છે પણ આપણો જે બહુજન તે વાસ્તવમાં ક્યાં ને કેટલે છે, એ આપણા સરકારી બાબુલોગમાં દલિત કે ઓ.બી.સી. અગર મુસ્લિમ કેટલા છે તેવા સીધા સવાલના જવાબમાં બહાર આવ્યું અને આ સૌ તબક્કાને લાગ્યું કે કોઈ આપણી દાઝ જાણે છે. એને ‘શાહજાદો’ કહેવાયો પણ લોકમોઝાર તો મિસ્કીન મુબારક તરીકે એની પ્રતિભા ઉચકાઈ. તૃણમૂલ કાઁગ્રેસ સાથે પ્રશ્ન હશે (અધીર રંજનને પક્ષપ્રમુખ ખડગેએ તે સંદર્ભે ઠપકો પણ આપ્યો) છતાં આ જ દિવસોમાં વચ્ચે દ્વિધાવિભક્ત જણાતાં મમતાએ પોતે ‘ઇન્ડિયા’ ગઠબંધન સાથે હોવાની સ્પષ્ટતા કરી તે સૂચવે છે કે પ્રસ્તુત કથાનકમાં નાત, જાત, કોમ, પ્રદેશ સૌને સમાસની શક્યતા છે.
સામાન્યપણે મોદી-શાહ, રાહુલ-પ્રિયંકા એમ ચેનલ ચોવીસા દેકારો મચાવે છે, અને અલબત્ત કેજરીવાલ પણ. પરંતુ કાઁગ્રેસ – પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કનૈયાકુમાર સહિતના ઝુંબેશકારો પણ ચોક્કસ ભૂમિકા ભજવી રહ્યા છે. લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા બુઝુર્ગ ખડગે કાઁગ્રેસની મધ્યમમાર્ગી પરંપરામાં રહી ગાંધી-આંબેડકરને સાથે રાખીને એકંદર કથાનકને ઓર ઓપ આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કાંશીરામ-માયાવતીએ ‘અમારા આંબેડકર’ તો ભા.જ.પે. ‘અમારા ગાંધી’નું રાજકારણ ક્યારેક ખેલ્યું હશે. રામ રથયાત્રા વખતે મહારાષ્ટ્ર ભા.જ.પે. ફુલે-આંબેડકર યાત્રા યોજવાપણું જોયું એ જરૂર એક સુધાર હતો. પણ આજે ગાંધી-આંબેડકર એકત્ર આવી જે કથાનક ઉપસાવી રહ્યા છે એમાં સામાજિક સમભાવ ને સંવૈધાનિક ભૂમિકાનું નવું જ રસાયણ હોઈ શકે છે.
મતદાનનાં પાંચ ચરણને અંતે મોદી ભા.જ.પ. કંઈક વેતરાઈ રહ્યાની છાપનાં સત્યાસત્ય પરિણામ સાથે સમજાશે. પણ નવા દસકા સારુ વૈકલ્પિક સંબલ જરૂર મળી રહેશે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 23 મે 2024