લડાયક સાંસદ મહુઆ મોઈત્રાને (49) Cash For Query – પૈસા લઈ પ્રશ્નો પૂછવાની એથિક્સ કમિટિની ભલામણ પછી લોકસભાએ 8 ડિસેમ્બર 2023ના રોજ તેમને સંસદસભ્ય તરીકે ગેરલાયક ઠરાવ્યાં છે. દસ સભ્યોની કમિટિમાં 6 સભ્યોએ સમર્થન કરેલ અને 4 સભ્યોએ અસહમતિ દર્શાવી હતી. મહુઆ મોઈત્રાને લોકસભામાં પોતાનો પક્ષ રાખવાની તક આપવામાં ન આવી !
એથિક્સ કમિટિના અધ્યક્ષ સત્તાપક્ષના સાંસદ વિનોદ કુમાર હતા. સત્તાપક્ષના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા સામે ફરિયાદ કરી હતી. સુપ્રિમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રઈએ CBI સમક્ષ ફરિયાદ કરી હતી. વેપારી દર્શન હીરાનંદાણીના કહેવાથી મહુઆ મોઈત્રાએ લોકસભામાં અદાણી અંગે પ્રશ્નો પૂછ્યા હતા. મહુઆ મોઈત્રાએ દર્શન હીરાનંદાણીને સંસદના લોગ-ઈન પાસવર્ડ આપેલ. દર્શન હીરાનંદાણીએ સવાલ પોસ્ટ કરેલ. દુબઈથી 47 વખત મહુઆ મોઈત્રાના એકાઉન્ટ લોગ-ઈન થયેલ. સ્વાભાવિક છે કે સત્તાને સવાલ પૂછનાર મહુઆ મોઈત્રા આંખના કણાની માફક ખટકતા હોય અને એમાં ય અદાણી અંગે પ્રશ્ન પૂછે તો સત્તાપક્ષને બહુ જ આકરું લાગે ! કોઈ પણ તાનાશાહી માનસિકતા આ સહન કરી શકે નહીં.
104 પેજનો એથિક્સ કમિટિનો રીપોર્ટ 12 વાગ્યે રજૂ થયો. 2 વાગ્યે ચર્ચા શરૂ થઈ અને એક કલાકમાં મહુઆ મોઈત્રાની સદસ્યતા છીનવાઈ ગઈ ! 104 પેજનો રીપોર્ટ સંસદસભ્યોએ વાંચ્યા વિના જ મહુઆ મોઈત્રાની વિરુદ્ધ મત આપી દીધો ! મહત્ત્વની બાબત એ છે કે એથિક્સ કમિટી પાસે મહુઆ મોઈત્રાએ કોઈની પાસેથી નાણાં લીધાનો કોઈ પુરાવો નથી ! એટલું જ નહીં આક્ષેપ કરનાર નિશિકાંત દુબેને પણ કમિટીએ બોલાવેલ નહીં. દર્શન હીરાનંદાણીને બોલાવેલ નહીં. મહુઆ મોઈત્રાને ઊલટતપાસની તક મળી નહીં. આ રાજકીય વેરભાવ છે, ન્યાય નહીં.
મહુઆ મોઈત્રાએ ઝવેરચંદ્ર મેઘાણીની ‘ચારણ કન્યા’ માફક ત્રાડ પાડી છે : ‘હું લડીશ, પરત આવીશ અને તમારો અંત જોઈશ !’ આ શબ્દોએ અસંખ્ય મહિલાઓને લડવાની તાકાત આપી છે. હજારો મહુઆ મોઈત્રા ઊભી થાય તો ફાસીવાદીઓનું મોં કાળું થાય ! એમનું પ્રવચન સાંભળીને અવતારી વડા પ્રધાનની ઈમેજ ધૂળ ભેગી થઈ જતી હતી !
થોડાં પ્રશ્નો :
[1] એક બળાત્કારી / હત્યારાના વકીલ ફરિયાદીની ઊલટતપાસ કરી શકે છે. મહુઆ મોઈત્રાને ઊલટતપાસની તક આપ્યા વિના સજા થઈ શકે?
[2] શું મહુઆ મોઈત્રાને માહિતી એકત્ર કરવાનો અધિકાર નથી?
[3] 104 પેજનો રીપોર્ટ સંસદસભ્યોને વાંચવા માટે બે દિવસનો સમય આપે તો વાંધો શું? એક કલાકમાં સંસદનું સભ્યપદ છીનવી લેવા પાછળ કાવતરું નથી?
[4] આક્ષેપ કરનાર નિશિકાંત દુબેને એથિક્સ કમિટીએ બોલાવેલ નહીં; દર્શન હીરાનંદાણીને બોલાવેલ નહીં. મહુઆ મોઈત્રાને ઊલટતપાસની તક આપી નહીં; આ કેવી નીતિ? સંસદસભ્યપદ છીનવવું તે તેમના મતદારો પ્રત્યેનો દ્રોહ નથી?
[5] આ કેવી એથિક્સ કમિટી? એથિક્સ કમિટીને કોઈ એથિક્સ હોય કે નહીં? જ્યારે સંસદમાં તડીપાર / બળાત્કારી / હત્યારા / નફરત ફેલાવનારા બેઠાં હોય ત્યારે એથિક્સ કમિટીનો આત્મા કેમ દુભાતો નહીં હોય?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર