· ડિસ્પાઈટ એવરીથિંગ આઈ સ્ટીલ બિલિવ ધૅટ પીપલ આર ગૂડ એટ હાર્ટ
· આઈ બિલિવ ઈન સન ઈવન વ્હેન ઈટ ઈઝ રેઈન
· લોકો મોં બંધ કરાવી શકશે, વિચારને ચૂપ નહીં કરી શકે
— એન ફ્રેન્ક (જન્મદિન 12 જૂન)
આપણે જાણીએ છીએ કે 1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યાં સુધીમાં 60 લાખ યુરોપિયન યહૂદીઓ કતલ થઈ ગયા હતા. આમાંના 15 લાખ બાળકો હતાં. આમાંનાં થોડાં બાળકોએ ડાયરીઓ લખી હતી. આ ક્ષણે એન ફ્રેન્કનું નામ મનમાં આવે જ. એનો જન્મદિન 12 જૂને હતો, એ નિમિત્તે આજે વાત કરીશું એની ડાયરીની. આ ડાયરી સૌથી વધારે પ્રખ્યાત છે એ ખરું, પણ બીજાં પણ ઘણાં બાળકોએ એ સમયની ડાયરી લખી છે. આ ડાયરીઓમાં દુ:સ્વપ્ન જેવાં એ દિવસો દરમ્યાનનાં તેમના અનુભવો અને લાગણીઓ આલેખાયાં છે.
એન ફ્રેન્કની ડાયરી પહેલાં લગભગ સાત વર્ષે મિરિયમ વૅટેનબર્ગ(મેરી બર્ગ)ની ડાયરી લોકો સુધી પહોંચી હતી. પશ્ચિમના વિશ્વએ એક બાળકની કલમે પહેલી વાર હોલોકાસ્ટની ભયાનકતા જાણી હતી. મેરી 1924માં જન્મી. પોલાન્ડ જર્મનીને શરણે ગયું એ અરસામાં એટલે કે 1939માં તેણે ડાયરી લખવાનું શરૂ કર્યું. 1940ના નવેમ્બરમાં વૅટેનબર્ગ પરિવાર – મેરી તેના માબાપ અને નાની બહેન – ને પોલાન્ડની રાજધાની વૉર્સોના ઘેટ્ટોમાં મોકલવામાં આવ્યો. મેરીની મા અમેરિકાનું નાગરિકત્વ ધરાવતી એટલે કુટુંબને થોડી સવલતો મળી હતી.
1942ના ઉનાળામાં વૉર્સો ઘેટ્ટોના લોકોને ટ્રેબ્લિંકા લઈ જવામાં આવ્યા. મેરીનું કુટુંબ અને તેના જેવા બીજા દેશોના પાસપૉર્ટ ધરાવતા પરિવારોને બદનામ એવી પાવૈક જેલમાં પૂરવામાં આવ્યા. ત્યાંથી ફ્રાસ અને ત્યાંથી અમેરિકા પહોંચતા બીજાં બે વર્ષ થયાં. આ વર્ષો દરમ્યાન લખાયેલી મેરીની ડાયરીમાં યહૂદીઓની સ્થિતિનો આંખે દેખ્યો અહેવાલ હતો, જે બીજા વિશ્વયુદ્ધના અંત પહેલા જ અંગ્રેજી જાણનારા લોકો સુધી પહોંચી ગયો હતો. 1945ની શરૂઆતમાં મેરી બર્ગની ડાયરી છપાઈ અને પ્રગટ થઈ. વૉર્સો ઘેટ્ટો વિશે આ પહેલા કોઈએ વાત કરી નહોતી.
એન ફ્રેન્ક 12 જૂન 1929ના દિવસે ફ્રેન્કફર્ટમાં જન્મી. એ પરિવાર સાથે એમ્સ્ટરડમના એક જૂના મકાનમાં છુપાઈ હતી. એન ફ્રેંકની ડાયરી હોલોકાસ્ટનો ભોગ બનેલા બાળકોની ડાયરીઓમાં સૌથી વધારે પ્રસિદ્ધ છે.
એનો જન્મ ફ્રેન્કફર્ટમાં. વેપારી પિતા ઑટો અને ગૃહિણી માતા એડિથની એ બીજી દીકરી. જાન્યુઆરી 1933માં નાઝી અત્યાચારો વધી ગયા ત્યારે પરિવાર એમ્સ્ટરડમ ચાલ્યો ગયો. અને ત્યાં ગુપ્તપણે આશ્રય લીધો. એન ફ્રેન્કના પરિવાર ઉપરાંત અન્ય ચાર લોકો એટલે કે કુલ આઠ લોકો બે વર્ષ સુધી આ સ્થળે છુપાયા હતા. વાંકુ વળીને એ જગ્યાએ જવું પડતું. એક નાનકડી બારીમાંથી સાવ નાનું અમથું આકાશ જોવા મળતું અને એ બારીમાંથી ખોબા જેવડું અજવાળું આવતું.
એનને તેના બારમા જન્મદિને એક ડાયરી ભેટ મળી હતી. તેમાં તે લખવા માંડી. પરિસ્થિતિ, મનની વાતો, બનાવોની વિગત. પણ એક બાતમીદાર પાસેથી મળેલી માહિતી પરથી એન ફ્રેન્ક સહિત કુલ આઠ લોકોને આખરે ૪ ઑગસ્ટ ૧૯૪૪ના રોજ પકડીને કોન્સન્સ્ટ્રેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા. એન અને તેની બહેન માર્ગોટને વેસ્ટરબૉર્કની છાવણીમાં, ત્યાર પછી ઓશવિટ્ઝ અને પછી બર્ગન-બેલ્સેન મોકલવામાં આવ્યા.
એનની માતા એડિથ ફેન્કનું ૬ જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ ભૂખ અને થાકને કારણે મૃત્યુ થયું. તેના બે મહિના બાદ એન અને તેની બહેન માર્ગોટ બંને બીમાર પડ્યાં અને મૃત્યુ પામ્યા. તેમનાં મૃત્યુની ચોક્કસ તારીખો મળતી નથી. ૧૨ એપ્રિલ, ૧૯૪૫ના દિવસે બ્રિટિશરોએ કોન્સન્સ્ટ્રેશન સેન્ટરમાં રહેલા લોકોને મુક્ત કર્યા, તેમાં એનના પિતા ઓટો ફ્રેન્ક પણ હતા. માંડ એમ્સ્ટરડમ પહોંચી એમણે ડાયરી અને બીજાં કાગળો મેળવ્યાં.
પહેલીવાર નેધરલૅન્ડમાં આ ડાયરી પહોંચી ત્યારે 1947ની સાલ હતી. 1952માં અંગ્રેજીમાં ‘ડાયરી ઑફ અ યંગ ગર્લ’ નામથી એ પ્રગટ થઈ અને ઝડપથી વિશ્વના સૌથી વધારે વંચાયેલાં પુસ્તકોમાં સ્થાન પામી. એન ફ્રેન્ક હોલોકાસ્ટનો ભોગ બનેલાં તમામ બાળકોનું પ્રતીક બની ગઈ. હોલોકાસ્ટનો ભોગ બનેલાં બાળકોનાં અન્ય લખાણો થોડા વખત માટે આ ડાયરી પાછળ ઢંકાઈ ગયાં. પણ એ ડાયરીએ જે કુતૂહલ અને સહાનુભૂતિ જગાડ્યાં હતાં એને કારણે જ અન્ય ડાયરીઓ પણ પ્રગટ થઈ અને યુદ્ધગ્રસ્ત યુરોપમાં નાઝી દમનનો ભોગ બનેલા યહૂદી બાળકોની તકલીફો પર પ્રકાશ પડ્યો.
આ બાળલેખકોમાં ગરીબ ખેડૂતોનાં બાળકો હતાં. મધ્યમવર્ગનાં વ્યવસાયીઓનાં બાળકો હતાં, ધાર્મિક કુટુંબોનાં, સેક્યુલરોનાં અને શ્રીમંતોનાં સંતાનો હતાં. પણ આ બધાં શ્રદ્ધાળુ હતાં. અમુક જર્મનશાસિત પ્રદેશોમાંથી ભાગી છૂટેલાં નિરાશ્રિતો હતાં, અમુક ક્યાંક ગુપ્તપણે છુપાઈને રહેતાં હતાં. અમુક ઘેટ્ટોમાં રહેતાં, થોડાં કોન્સન્ટ્રેશન કૅમ્પોમાં પણ રહ્યાં હતાં.
આ ડાયરીઓ 1930ના અંત અને 1940ની શરૂઆતમાં લખાયેલી છે, લખનારાં છે જર્મની, ઑસ્ટ્રિયા અને ઝેક પ્રદેશનાં બાળકો. હાથમાં આવ્યાં તેવાં નોટબુક-પેન્સિલથી છુપાઈને ફફડતા જીવે લખવાનું – છતાં એમણે લખ્યું છે કેમ કે મનની વ્યથા ઠાલવવાનો એ એક જ ઉપાય હતો. ઘેટ્ટોમાં રહેતાં બાળકોની ડાયરીઓમાં વિસ્થાપનનો આતંક અને દૂર અજાણી જગામાં અપરિચિત લોકો વચ્ચે નિરાશ્રિત બનીને અનેક અભાવો વચ્ચે જીવાતા જીવનની અસહાયતા છે. અગવડો, ભય, અજાણ્યા માણસો, અભાવો, શરીર તોડી નાખે એવી મજૂરી, ટકવા માટેનો જીવલેણ સંઘર્ષ અને આ બધાં વચ્ચે પણ સર્જનાત્મકતા, આનંદ, રમવાનું ને શીખવાનું ચાલુ રાખવાની કોશિશ. ખૂબ ડાયરીઓ મળી આવેલી ત્યાંથી.
આ બાળકોએ યુદ્ધ પછી નવા દેશોમાં વસવા માટે વીઝા અને ઇમિગ્રેશન પેપર્સ માટે પડેલી તકલીફો, સંસ્કૃતિ અને ભાષાની સમસ્યાઓ, વિખૂટાપણું પણ વર્ણવ્યાં છે. ગેરકાયદેસર રીતે ભાગેલા પરિવારોનાં બાળકોએ તેમની ભયાનક સફરની યાતના અને પકડાઈ જવાના ભયનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે.
જે બાળકો ગુપ્તપણે રહેતાં તેમના પરિવારો જર્મનશાસિત પ્રદેશોમાંથી ભાગીને પૂર્વ અને પશ્ચિમ યુરોપમાં ભોંયરામાં, માળિયામાં, કોટડીઓમાં છુપાયાં હતાં. એમની તકલીફો અને ભય અને ચિંતા અનંત હતાં. આ બાળકોને બહાર જવા કે કોઈને મળવા ન મળતું. નાની એવી જગામાં કલાકો સુધી ચૂપચાપ પુરાઈ રહેવાનું. કોઈના પગલાંના અવાજ પણ એમને ધ્રૂજાવી દેતા. આસપાસના લોકો એમને શંકાની નજરે જોતા. નામ-ઓળખ છુપાવી ખોટા નામે રહેવાનું અને ભૂલેચૂકે કોઈ આવે તો પઢાવેલા જવાબો આપવાના. એમને આશ્રય આપનાર અન્ય ધર્મ પાળનારા હોય તો એમને એ ધર્મોની પ્રાર્થનાઓ શીખવી ને બોલવી પડતી, જેથી પોતે કે આશ્રય આપનાર તકલીફમાં ન મુકાય. એક ખોટું વર્તન ભયાનક જોખમ ઊભું કરી શકે એમ હતું.
અનેક ડાયરીઓ ઘેટો બહાર વસતાં બાળકોએ પણ લખી છે. આ બધી ડાયરીઓ એના લખનારને તો વ્યક્ત કરે છે, પણ સમગ્રપણે એ હોલોકાસ્ટ દરમ્યાન જીવેલાં અને મૃત્યુ પામેલાં બાળકોની કરુણ મનોદશાનો ચિતાર આપે છે. આવી અનેક ડાયરીઓ અમેરિકાના હોલોકાસ્ટ મેમોરિયલ મ્યુઝિયમમાં સચવાયેલી પડી છે.
એન ફ્રેન્કનું પૂરું નામ એન્નેલીસ મેરી ફ્રેન્ક હતું. તેની ડાયરી કાલ્પનિક મિત્ર કિટ્ટીને સંબોધીને લખાઈ છે. પહેલો સંદેશ જૂન 12, 1942ના દિવસે લખાયો છે. ડાયરી લખવી એ કઠોર વાસ્તવિકતામાંથી બચવાનો પ્રયત્ન હતો. 1944માં રેડિયો પર નેધરલેન્ડના પ્રધાન મંત્રીએ સંદેશ મૂક્યો કે નાઝી અત્યાચારોને લગતા દસ્તાવેજો સૌએ જાળવવા. ખાસ કરીને યહૂદીઓએ, આ સાંભળી એને પોતાની ડાયરીની વિગતો પર ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું. એન ફ્રાન્કનું સંગ્રહાલય તે જ ઘરમાં છે જેમાં તેણે આશ્રય લીધો હતો. 1959માં જ્યોર્જ સ્ટીવેન્સે ‘ડાયરી ઓફ એન ફ્રેન્ક’ નામની ફિલ્મ બનાવી હતી. તેની અભિનેત્રીને ઓસ્કાર મળ્યો હતો.
એન લખે છે તે યાદ રાખીએ, ‘ડિસ્પાઈટ એવરીથિંગ આઈ સ્ટીલ બિલિવ ધૅટ પીપલ આર ગૂડ એટ હાર્ટ.’ ‘આઈ બિલિવ ઈન સન ઈવન વ્હેન ઈટ ઈઝ રેઈન’ ‘લોકો તમારું મોં બંધ કરાવી શકશે, પણ તમારા વિચારને ચૂપ નહીં કરી શકે.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 જૂન 2023