ભારતમાં ઇસ્લામના આગમનથી શરૂઆત કરીએ તો હમણાં કહ્યું એમ પરસ્પર પ્રેમ, સંઘર્ષ અને સહિયારાપણાનું શું કરવું? એમાં ગળણાં બાંધીને માત્ર મુસલમાનોનો ઇતિહાસ ભણાવીએ તો મુસલમાન શાસકોએ પરસ્પર કરેલી ગદ્દારી અને નાપાક કૃત્યોનું શું કરવું? જો ચારે બાજુથી દરજીકામ (ટેલરિંગ) કરવામાં આવે તો તાજા સ્થપાયેલા પાકિસ્તાનનો એવો કોટ સિવાશે જે પહેરવા યોગ્ય તો નહીં હોય, પણ પ્રશ્નો પેદા કરશે અને એ એવા પ્રશ્નો હશે જેનો ઉત્તર આપતાં-આપતાં હજી વધુ અસત્યનો અને વિકૃતિઓનો સહારો લેવો પડશે
મહારાષ્ટ્ર સરકારના સાતમા અને નવમા ધોરણનાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાંથી મુગલકાલીન ઇતિહાસ જ હટાવી દેવામાં આવ્યો છે. આ પહેલાં રાજસ્થાનની સરકારે નિર્ણય લીધો હતો કે રાણા પ્રતાપનો હલ્દીઘાટીના યુદ્ધમાં અકબર સામે પરાજય થયો જ નહોતો. રાણા પ્રતાપનો વિજય થયો હતો અને એ જ પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવશે. હિન્દુ રાષ્ટ્રના પાઠ્યપુસ્તકમાં હિન્દુને પરાજિત થતો કેમ બતાવી શકાય? સત્ય આનાથી જુદું છે એવી દલીલના જવાબમાં તેઓ કહે છે કે સત્ય ગયું ભાડમાં, હિન્દુને પરાજિત થતો બતાવવો એ દેશદ્રોહ કહેવાય. હિન્દુ મહાન અને બીજા કનિષ્ઠ એ ઇતિહાસલેખનનો અત્યારે અંતિમ માપદંડ છે. જે લોકો વર્તમાનમાં કંઈ કરી શકતા નથી અને ભવિષ્ય વિષે વિચારી શકતા નથી એવા લોકો ઇતિહાસમાં આયખું વિતાવી શકે છે.
એટલે તો જગતના કેટલાક દેશોમાં સ્કૂલોમાં ઇતિહાસ ભણાવવામાં જ નથી આવતો. જ્ઞાનશાખાઓમાં ઇતિહાસ એકમાત્ર વિષય એવો છે, જેનો ઉપયોગ લડવા માટે અને લડાવી મારવા માટે કરી શકાય છે અને રાજકારણીઓ માટે એ હાથવગું ઓજાર છે. આખેઆખી પ્રજા ઇતિહાસના હિસાબકિતાબ ચૂકતે કરવામાં આયખું વિતાવે અને ભવિષ્ય ચૂકી જાય એના કરતાં આ ઇતિહાસ નામની બીમારી જોઈએ જ નહીં. જેમ દીક્ષા માત્ર પુખ્ત વયે જ આપવી જોઈએ એમ ઇતિહાસ પણ માત્ર પુખ્ત વયે જ ભણાવવો જોઈએ. આ કોઈ વિજ્ઞાન કે ગણિત નથી, જેમાં વિષયનું જ્ઞાન પ્રાથમિકથી શરૂ કરીને ક્રમશ: અઘરું થતું જતું હોય છે અને વયની સાથે વિદ્યાર્થી એ સમજતો જતો હોય. ઇતિહાસ ગમે તે ઉંમરે ભણાવી શકાય છે અને વગર સ્કૂલ-કૉલેજે પોતાની જાતે જ ભણી શકાય છે. એટલે ઇતિહાસ નામની બીમારીને કેટલાક દેશો સ્કૂલ-કૉલેજોમાં પ્રવેશ આપતા જ નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં જ્ઞાન મેળવીને જ્ઞાનવૃદ્ધ થયેલાઓની ઇતિહાસ મીમાંસા વિશે વાત કરતાં પહેલાં પાડોશમાં પાકિસ્તાનમાં શું બન્યું એના પર એક નજર કરી લેવી જોઈએ. પાકિસ્તાનની સ્થાપના થઈ એ પછી સવાલ આવ્યો કે વિદ્યાર્થીઓને પાકિસ્તાનનો ઇતિહાસ કેવી રીતે ભણાવવો? પાકિસ્તાન તો હજી તાજું સ્થપાયેલું રાષ્ટ્ર છે, જેનો કોઈ ઇતિહાસ જ નથી? જે કોઈ ઇતિહાસ છે એ અવિભાજિત ભારતનો ઇતિહાસ છે અને એ ઇસ્લામ ધર્મ ભારતમાં આવ્યો એ પહેલાથી શરૂ કરીને ઇસ્લામનું ભારતમાં આગમન, મુસ્લિમ શાસન, અંગ્રેજોનું શાસન, આઝાદી માટેની માગણીથી લઈને પાકિસ્તાનની સ્થાપના સુધી આવે છે. આમાં હિન્દુ અને મુસલમાનોનો ઇતિહાસ જય-પરાજયનો, પરસ્પર પ્રેમનો, પરસ્પર દ્વેષનો, સંઘર્ષનો, સહયોગનો એમ રસશાસ્ત્રમાં જેટલા રસ છે એનાથી ભરપૂર છે. વળી અવિભાજિત ભારતમાં મુસલમાનોનો પોતાનો પણ ઇતિહાસ એકધારો ઉજ્જવળ નથી. મુસલમાને મુસલમાન સાથે દગાખોરી કરી હોય, મુસલમાને મુસલમાન પર આક્રમણ કર્યું હોય, મુસલમાને મુસલમાનોનું લોહી રેડ્યું હોય એવી બે-પાંચ નહીં અનેક ઘટનાઓ છે.
આ તો રાજકીય ઇતિહાસની વાત થઈ. સંસ્કૃિત પણ ક્યાં એકધારી મુસ્લિમ છે? ભાષાઓ સહિયારી છે, સંગીત સહિયારું છે, જમણની વાનગીઓ સહિયારી છે, વેશભૂષા સહિયારી છે, વાસ્તુશૈલી સહિયારી છે, આરોગ્યવિજ્ઞાન સહિયારું છે, નૃત્યશૈલી સહિયારી છે, રાજ્યશાસ્ત્ર સહિયારું છે, દંડસંહિતા સહિયારી છે વગેરે. એવી એક ચીજ બતાવો જે શુદ્ધ ઇસ્લામિક મુસલમાની હોય. ખુદ ઇસ્લામ પણ ભારતમાં સહિયારો છે, જેના પર હિન્દુ ધર્મનો પ્રભાવ છે અને એમાંથી સૂફી-ભારતીય ઇસ્લામ વિકસ્યો છે.
તો પાકિસ્તાનના શાસકો સામે પ્રશ્ન હતો કે કયો ઇતિહાસ ભણાવવો, કેવો ઇતિહાસ ભણાવવો અને એની શરૂઆત ક્યાંથી કરવી? ભારતમાં ઇસ્લામના આગમનથી શરૂઆત કરીએ તો હમણાં કહ્યું એમ પરસ્પર પ્રેમ, સંઘર્ષ અને સહિયારાપણાનું શું કરવું? એમાં ગળણાં બાંધીને માત્ર મુસલમાનોનો ઇતિહાસ ભણાવીએ તો મુસલમાન શાસકોએ પરસ્પર કરેલી ગદ્દારી અને નાપાક કૃત્યોનું શું કરવું? જો ચારે બાજુથી દરજીકામ (ટેલરિંગ) કરવામાં આવે તો તાજા સ્થપાયેલા પાકિસ્તાનનો એવો કોટ સિવાશે જે પહેરવા યોગ્ય તો નહીં હોય, પણ પ્રશ્નો પેદા કરશે અને એ એવા પ્રશ્નો હશે જેનો ઉત્તર આપતાં-આપતાં હજી વધુ અસત્યનો અને વિકૃતિઓનો સહારો લેવો પડશે.
મારા દેશપ્રેમી હિન્દુ વાચકોને જણાવી દઉં કે મુસલમાનોમાં પણ ડાહ્યા લોકો હોય છે, જે દૂરનું વિચારી શકે છે અને વિવેકનો પક્ષ લે છે. આ જણાવવું એટલા માટે જરૂરી છે કે હવે પછી ભારતમાં જે ઇતિહાસ ભણાવવામાં આવશે એમાં આ સત્ય નહીં હોય. પાકિસ્તાનનાં પાઠ્યપુસ્તકોમાં જે ચહેરો હિન્દુઓનો છે એ ચહેરો ભારતીય પાઠ્યપુસ્તકોમાં મુસલમાનોનો હશે. અહીં હિન્દુ અને મુસલમાનોના ઇતિહાસની નકારી ન શકાય એવી જે કેટલીક હકીકતો કહી છે એ તમારી આવનારી પેઢી માટે નોંધી રાખજો, કારણ કે તમારે તમારા સંતાનને ત્રાસવાદી કે ત્રાસવાદનું સમર્થક બનતું અટકાવવાનું છે. આ હકીકતો એટલા માટે પણ કામમાં આવશે કે તમે તમારા બાળકને જણાવી શકશો કે માણસ આખરે માણસ હોય છે અને તેનામાં સારા-નરસાપણું બન્ને હોય છે. માણસ હોવાપણાને ધર્મ સાથે સંબંધ નથી હોતો, વિવેક સાથે હોય છે. વિવેક વિકસાવવા માટે સારું અને નરસું બન્ને તેની સમક્ષ મૂકવું પડે. પાપ શું કહેવાય એની સમજ વિકસે તો જ પુણ્ય શું કહેવાય એની સમજ વિકસશે. એટલે તો નીરક્ષીર વિવેક કહેવામાં આવે છે. ધર્મના આધારે આપણે સદૈવ પુણ્યવાન અને મુસલમાન સદૈવ પાપી એવું હવે પછી ભણાવવામાં આવશે. આને કારણે તમારું બાળક ધર્મઝનૂની અથવા ધર્મઝનૂનનું સમર્થક બની શકે છે.
જો તમે તમારા સંતાનને ધર્મઝનૂની બનતું બચાવવા માગતા હો તો અહીં જે ઇતિહાસ મીમાંસા કરી છે એને તમારી આવનારી પેઢી માટે સાચવી રાખજો. આ સલાહ હું એટલા માટે નથી આપતો કે આ વાત મેં કહી છે. આ વાત જગતભરમાં સમજદાર માણસો કહેતા ગયા છે અને હજી કહી રહ્યા છે. આમાં જ તમારા બાળકનું કલ્યાણ છે, કારણ કે આમાં માનવકલ્યાણ છે. માથે શિખા, ખિસ્સામાં ૐકાર અને હાથમાં ૫૭ધારી તમારા યુવાન પુત્રની તસ્વીર કલ્પવામાત્રથી જો તમારા શરીરમાંથી લખલખું પસાર થઈ જતું હોય તો આ લેખ મઢાવીને સાચવી રાખજો, કારણ કે પાકિસ્તાનમાં આની શરૂઆત પાઠ્યપુસ્તકોથી કરવામાં આવી હતી અને ઇસ્લામ તેમ જ દેશપ્રેમી પાકિસ્તાનીઓએ એમાં મૂક સંમતિ આપી હતી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 અૉગસ્ટ 2017