1904માં અઠ્ઠોતેરની ઉંમરે એ ભવ્ય વૃદ્ધે સિંહની જેમ હુંકાર કરી કહ્યું હતું, ‘સ્વરાજ એ ભારતની બ્રિટિશશાસિત પ્રજાનો અધિકાર છે. સ્વરાજ એ જ આપણી આશા, તાકાત અને સિદ્ધિ છે. હું હિંદુ હોઉં, મુસ્લિમ હોઉં કે પારસી હોઉં – એ બધાની પહેલા હું એક ભારતીય છું.’ આ વૃદ્ધ તે દાદાભાઈ નવરોજી. ભારતના પહેલા નેશનાલિસ્ટ, સ્વરાજ જ ભારતનું ધ્યેય હોઈ શકે તેમ કહેનારા પહેલા દેશભક્ત. 30 જૂન 1917માં તેમનું મૃત્યુ થયું. એ જ વર્ષે ગાંધીજીએ ભારતમાં તેમનો પહેલો, ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. ગ્લોબલ શબ્દ ચલણી બન્યો નહોતો, ત્યારે જે લોકો ભારતનું હિત ચિંતવતા, ભારતના હિત માટે ખુવાર થતા એક ગ્લોબલ લાઈફ જીવ્યા તેમાં હિંદના દાદા અને તેમની પૌત્રીને પહેલા મૂકવા પડે. મુંબઈમાં તો દાદાભઈ નવરોજી રોડ છે જ, કરાંચીમાં પણ છે. મુંબઈના ફૉર્ટ વિસ્તારમાં દાદાભાઈ નવરોજીની સુંદર પ્રતિમા છે, દિલ્હીમાં નવરોજી નગર છે. યુનાઇટેડ કિંગ્ડમમાં તેમના નામનો અવૉર્ડ અપાય છે.
નવરોજી દાદાભાઈના પિતાનું નામ હતું. દાદાભાઈએ પોતાના નામ પાછળ દોરજી અટકને બદલે પિતાનું નામ રાખ્યું હતું. માતાનું નામ માણેકબાઈ. 4 સપ્ટેમ્બર 1825માં આ દંપતીને ત્યાં દાદાભાઈ જન્મ્યા. પરિવારનો પૈતૃક વ્યવસાય અગિયારીમાં પૂજાવિધિ કરવાનો. પિતા મૃત્યુ પામ્યા ત્યારે દાદાભાઈ ઘણા નાના એટલે એમના પર પૂજારીકામ આવ્યું નહીં. તેઓ મુંબઈના કોસ્મોપોલિટન વાતાવરણમાં ઊછર્યા.
દાદાભાઈ ત્રણ વાર કૉન્ગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા હતા. 1893માં બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય તરીકે અને કૉંગ્રેસની બ્રિટિશ કમિટીના આગેવાન તરીકે તેમણે ભારતના અને દક્ષિણ આફ્રિકાના ભારતીયોની ખૂબ સેવા કરી. 1906માં 80 વર્ષની ઉંમરે તેઓ કલકત્તા અધિવેશનના પ્રમુખ બન્યા હતા. તેમના પુસ્તક ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઈન ઈન્ડિયા’ પરથી બ્રિટન દ્વારા થતા ભારતના આર્થિક ધોવાણ પર પ્રકાશ પડ્યો હતો. તેઓ ‘ધ ગ્રાંડ ઓલ્ડ મેન ઑફ ઇન્ડિયા’ અને ‘અનોફિશ્યલ એમ્બેસેડર ઑફ ઇન્ડિયા’ કહેવાતા.
11 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન 7 વર્ષની ગુલબાઈ સાથે થયાં. ત્રણ સંતાનો થયાં – અરદેશર, શિરીન અને માકી. અરદેશરજીને ઘણાં સંતાનો હતાં. તેમાંની એક મહેર એડિનબર્ગ યુનિવર્સિટીની પહેલી ભારતીય ગ્રેજ્યુએટ હતી. દીકરો કેરશાસ્પ પહેલા વિશ્વયુદ્ધમાં લડ્યો હતો. પેરિન અને ગોશી આ બે દીકરીઓ ક્રાંતિકારી હતી, ગાંધીજીને મળ્યા પછી તેમણે ક્રાંતિનો માર્ગ છોડ્યો. આ બંને અને ત્રીજી નરગિસ કૅપ્ટન પરિવારના ત્રણ ભાઈઓને પરણી હતી અને કૅપ્ટન સિસ્ટર્સ તરીકે ઓળખાતી. ખાદી અને રચનાત્મક કામોમાં કૅપ્ટન સિસ્ટર્સ આગળ પડતી હતી. મુંબઈના ગ્રાંટ રોડ પર આવેલું ગાંધી સેવા સેના એમણે શરૂ કરેલું. આનંદથી જેલવાસ ભોગવતાં. એમનો ભાઈ જાલ ટાટા એક્ઝિક્યુટિવ હતો અને નહેરુ પરિવારની નિકટ હતો.
ખુરશીદ અરદેશરજીની સૌથી નાની દીકરી. ખુરશીદબહેનની જિંદગી એક અનોખા જ સ્તર પર જિવાઈ હતી. તેમનો જન્મ 1894માં. જીવનની ત્રીસી શરૂ થઈ ત્યારે તેઓ સુંદર સંગીત કારકિર્દી ધરાવતાં હતાં. તેઓ ક્લાસિકલ ટ્રેઈન્ડ સોપ્રાના સિંગર હતાં. પણ એમણે એ છોડી મહાત્મા ગાંધીનો પંથ અપનાવ્યો.
વેસ્ટર્ન ક્લાસિકલમાં છ પ્રકારની વૉઈસ રેન્જ હોય છે : બાશ, બેરિટોન, ટેનર, અલ્ટો, મેઝો-સોપ્રાનો અને સોપ્રાનો. એમાં સોપ્રાનો એટલે અત્યંત ઊંચી પીચ. તેમાં નિષ્ણાત થવા ખુરશીદબહેન 20 વર્ષની ઉંમરે પેરિસ ગયાં હતાં. ત્યાં તેમને ઈવા પામર સિકેલિયનોસ સાથે મૈત્રી થઈ. ઈવા ગ્રીક સંસ્કૃતિના ઉત્થાન માટે કામ કરતાં. બંનેએ ગ્રીક અને ભારતની સંગીતપરંપરાઓ વિશે વિચારોની આપલે કરી. પરિણામસ્વરૂપ એથેન્સમાં નોન વેસ્ટર્ન મ્યુઝિકની એક સ્કૂલ ખોલી ખુરશીદબહેન પેરિસ છોડી ગ્રીસ જઈ વસ્યાં અને યુરોપના સંગીતવર્તુળમાં ખૂબ પ્રસિદ્ધ થયાં. ભારતીયતાના પ્રતીકરૂપ સાડી તેમના પશ્ચિમી સ્પર્શવાળા વ્યક્તિત્વને સુંદર ઉઠાવ આપતી. સાડી પહેરી તેઓ કૉન્સર્ટ્સમાં જતાં અને અગ્રસ્થાનો શોભાવતાં.
‘મધર ગ્રીસ’ પ્રત્યેના પ્રેમ-આદરે તેમની ઊર્જાને ‘મધર ઇન્ડિયા’ તરફ વાળી. તેઓ મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતાં. ભારત વિશે વાત કરતાં. પ્રથમ ડૅલ્ફિક ફેસ્ટિવલમાં ઈવા સિકેલિયનોસે તેમની મદદ માગી ત્યારે ઈનકાર કરી પેરિસના કૉન્સર્ટ્સ પણ છોડીને તેઓ મુંબઈ આવી ગયાં. થોડા વખતમાં અમદાવાદ સાબરમતી આશ્રમ ગયાં. 1930માં અમદાવાદની બ્રિટિશ સરકાર સંચાલિત કૉલેજ પર ભારતીય ધ્વજ ફરકાવતા ધરપકડ વહોરી અને જેલમાં ગયાં. ગાંધીજીએ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓનું પ્રદાન વધારવા કરેલા પ્રયત્નો માટે તેમને ઘણો આદર હતો. કહેતાં, ‘ગાંધીજીનાં આંદોલનોએ સ્ત્રીઓને જાગૃત કરી છે, હવે તેઓ અટકશે નહીં.’
એ વખતે એ આખો પ્રદેશ ચોરલૂંટારાઓથી ખદબદતો હતો. પણ એ જ તો ત્યાં જવાનું કારણ હતું … પેરિસમાં સંગીતની તાલીમ લઈ નિપૂણ સોપ્રાના આર્ટિસ્ટ બનેલાં અને ગ્રીસમાં મ્યુઝિક સ્કૂલ ચલાવતાં ખુરશીદબહેન હિંદના દાદા તરીકે ઓળખાતા દાદાભાઈ નવરોજીનાં પૌત્રી. મહાત્મા ગાંધીના વિચારોની પ્રેરણાથી ખુરશીદબહેન ભારત આવ્યાં અને વાયવ્ય સરહદે લૂંટારાઓને અહિંસા અને હિંદુમુસ્લિમ એકતા શીખવવા ગયાં …!
ગાંધીકામ તેમને વાયવ્ય સરહદે લઈ ગયું. અત્યારે એ પ્રદેશ પાકિસ્તાનમાં છે અને ખૈબર પખ્તુનવા નામે ઓળખાય છે. એ વખતે એ ચોરલૂંટારાઓથી ખદબદતું હતું. પણ એ જ તો ત્યાં જવાનું કારણ હતું. ત્રીસના દાયકાની શરૂઆતમાં જ અહિંસક રાષ્ટ્રકાર્યો દ્વારા તેઓ ત્યાં જાણીતાં થઈ ગયાં. સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન તેમના મિત્ર હતા. જેલમાં પુરાવાની હવે નવાઈ નહોતી રહી. પેશાવરની એક જેલમાંથી ગાંધીજીને લખેલા એક પત્રમાં તેમણે લખ્યું છે, ‘ઠંડી ઘણી છે. માંકડો અને હું એકબીજાને હૂંફ આપીએ છીએ.’
અહીં તેમનાં બે કામ હતાં. હિંદુમુસ્લિમ એકતા સ્થાપવી અને અહિંસાનો પ્રસાર કરવો. તેઓ ડાકુઓને મળતાં અને તેમને આવા હિંસક કામ ન કરવા સમજાવતાં. આ ડાકુઓ હિંદુઓને ઉઠાવી જતા અને વઝિરિસ્તાનમાં ગુલામ તરીકે વેચી દેતા. ખુરશીદબહેન તેમને આ હિંદુ અપહૃતોને છોડી દેવાનું કહેતાં. તેઓ પગપાળા ફરતાં જેથી સ્થાનિક લોકોને મળાય, બેઠકો યોજી શકાય. સ્ત્રીઓને મળતાં અને પતિઓને લૂંટ-અપહરણના રસ્તેથી પાછા વાળવાનું શીખવતાં.
એટલે પછી એમને ધમકીઓ મળતી, હુમલા પણ થતા. એક પત્રમાં તેઓ લખે છે, ‘એક ગોળી સૂસવાટો કરતી કાન પાસેથી પસાર થઈ અને રેતીમાં ખૂંચી ગઈ.’ પણ ડર્યા વિના તેઓ કામ કર્યે જતાં. પરિણામ પણ દેખાતાં. 1940 સુધીમાં લૂંટફાટ ઓછી થઈ. કોમી એકતા વધી. એમના પ્રયાસો સ્થાનિક બ્રિટિશ અધિકારીઓના ધ્યાનમાં પણ આવ્યા. તેઓ ખુરશીદબહેનની હિંમત અને નિષ્ઠાને પ્રશંસાની નજરે જોતા.
પણ હજી એક પડકાર બાકી હતો. વઝિરિસ્તાનમાં હિંદુઓના એક મોટા જૂથને અપહરણ કરી કેદ રાખ્યું હતું. ત્યાં જવાનું બ્રિટિશ પોલિસ પણ ટાળતી. ખુરશીદબહેને નક્કી કર્યું કે પોતે ત્યાં જશે. જોખમની એમને ખબર હતી – હત્યા પણ થઈ જાય ને કેદ પકડાય તો કાન કે આંગળી કાપી ગાંધીજીને મોકલી ધાર્યું કરાવવાનો પ્રયત્ન પણ થાય. તો પણ તેઓ ગયાં. પણ અપહરણકારો સુધી પહોંચી શક્યાં નહીં. વઝિરિસ્તાનની સરહદે જ બ્રિટિશ પોલિસે એમને પકડ્યાં અને જેલમાં પૂર્યાં.
1944 સુધી તેમને એકથી બીજી જેલોમાં ફરતાં રહેવું પડ્યું. છૂટ્યા પછી પણ તેઓ વાયવ્ય સરહદે જઈ શક્યાં નહીં. 1947માં એમણે બહુ દુ:ખપૂર્વક આ પ્રદેશને ભારત પાસેથી છીનવાઈ જતો જોયો. થોડા વખતમાં ગાંધીજીની હત્યા થઈ. થોડાં વર્ષ ભારત સરકારનાં વિવિધ કમિશનોમાં કામ કરી તેઓ પોતાની સંગીત કારકિર્દી પૂરી કરવા વિદેશ ચાલ્યા ગયાં.
ખુરશીદબહેનની આ અનોખી જીવનકથા, દાદાભાઈ નવરોજીનું જીવનચરિત્ર લખનાર દિન્યાર પટેલના એક લેખ દ્વારા જાણવા મળે છે. દાદાભાઈ કહેતા, ‘હિંદના દાદા હોવાનો મને ખૂબ આનંદ છે. આ શબ્દોમાં મારા દેશવાસીઓનાં હૂંફ, કૃતજ્ઞતા અને ઉદારતાભર્યાં હૃદયોના પ્રેમનો પડઘો છે. મારા માટે આ સર્વશ્રેષ્ઠ ખિતાબથી કમ નથી.’ તેમનાં પૌત્રપૌત્રીઓએ દેશપ્રેમની પરંપરાને એમના ગૌરવને છાજે એ રીતે આગળ વધારી. આ પરંપરા અને ગૌરવનો વારસો આપણે પ્ણ શોભાવવાનો છે, એ યાદ રાખીએ.
e.mail : sonalparikh1000@gmail.com