હૈયાને દરબાર
દસમી જૂને પહેલો વરસાદ આપણને મસ્તમજાનો ભીંજવી ગયો ત્યારે સાહિત્યકાર દીપક મહેતા પાસેથી ભગવતીકુમાર શર્માની બિલકુલ બંધબેસતી ઉપરોકત પંક્તિઓ વાંચવા મળી. વિશેષ આનંદ એટલે થયો કે હરિગીતોની શ્રેણીમાં એક વધુ સુંદર હરિગીત જાણવા મળ્યું. આમ તો, હરિને સંબોધીને ઘણાં ગીતો લખાયાં છે, પરંતુ એમાંથી ચુનંદાં ગીતો ‘હૈયાને દરબાર’માં મૂકવાં એવું નક્કી કર્યું હતું.
ઉત્તમ હરિગીતોની શ્રેણીમાં આ ત્રીજું અને છેલ્લું ગીત એટલે રમેશ પારેખનું લાજવાબ ગીત હરિ પર અમથું અમથું હેત. રમેશ પારેખનાં હરિગીતો વિના હરિગીત શ્રેણી અધૂરી જ કહેવાય.
૧૯૮૨ની સાલમાં રમેશ પારેખે ‘મીરાં સામે પાર’ નામનો સંચય આપ્યો જેમાં ચાર હરિગીતોનું ઝૂમખું હતું. અધ્યાત્મનો કંઈક જુદો જ રંગ આ કવિતાઓમાં જોવા મળ્યો. તેથી જ આદરણીય મોરારિબાપુએ રમેશ પારેખ વિશે એમ કહ્યું હતું કે આ કશુંક ભાળી ગયેલો કવિ છે. ૧૯૯૫ની આસપાસ ર.પા.નો ‘છાતીમાં બારસાખ’ નામનો એક કાવ્યસંગ્રહ આવ્યો એમાં ગીત-ગઝલ સાથે છેલ્લે ત્રણ હરિગીતો હતાં, જેમાં એક, જડી હું જડી, લોક હરિ હરિ કરે છે તેમ જ હરિ પર અમથું અમથું હેત જોવાં મળ્યાં. આ હરિગીતો પર સંગીતકાર-ગાયક સુરેશ જોશીની નજર પડી. રમેશ પારેખની કવિતાઓ ઘોળીને પી ગયેલા સુરેશ જોશી પછી કંઈ ઝાલ્યા રહે? એમણે ‘મીરાં સામે પાર’નાં ચાર હરિગીતો ; મારા સપનામાં આવ્યા હરિ, મારા ફળિયામાં આવ્યા હરિ, મારા ઓરડામાં આવ્યા હરિ તથા મારા રુદિયામાં આવ્યા હરિ …. તરત જ સ્વરબદ્ધ કરી દીધાં. એ પછી એમણે બીજાં ઘણાં હરિગીતો કર્યાં અને જ્યારે ‘છાતીમાં બારસાખ’નાં ત્રણ ગીતો હાથ લાગ્યાં એ ય જાણે આપોઆપ જ સ્વરબદ્ધ થઇ ગયાં.
"હરિગીતની નસ પકડાઈ ગઈ હતી એટલે નજર સામે આવે કે તરત કમ્પોઝ થઈ જ જાય. તેથી ‘મીરાં સામે પાર’ વાંચતાં મને ઘણો સમય લાગ્યો હતો. જેવું ગીત નજરે ચડે કે કમ્પોઝ કરવાનું મન થઇ જાય. રમેશ પારેખની એક ખાસિયત છે કે તેમણે કેટલાંક ગીતો ઝૂમખાંમાં લખ્યાં છે. હરિગીતોની જેમ એમણે ‘કલમાયણ’માં કલમ વિશે, અમરેલી ગીતોમાં અમરેલી વિશે, કાગડો સિરીઝમાં કાગડા વિશે અને છોકરા-છોકરીની કવિતાઓનું ઝૂમખું તેમ જ વ્યક્તિચિત્રો તથા અન્ય ગીતોનાં ઝૂમખાં રજૂ કર્યાં છે. એ ઝૂમખાંની એક કવિતા તમે સ્વરબદ્ધ કરો એટલે બીજાં ગીતો કમ્પોઝ કરવાનું મન થઇ જાય એવી મોહિની એમનાં ગીતોમાં છે. મેં સ્વરબદ્ધ કરેલાં હરિગીતો સૌરાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય થયાં છે. એમાં ય મારા સપનાંમાં આવ્યા હરિ … રાગ ભૈરવી પર આધારિત હોવાથી કાર્યક્રમના અંતે આ ગીત મારે ગાવું જ પડે એવો શિરસ્તો થઇ ગયો છે. હરિ પર અમથું અમથું હેત … ગીતનો ઉલ્લેખ મોરારિબાપુએ એમની કથામાં ઘણીવાર કર્યો છે એ અહોભાગ્ય જ! એમને ગમતું આ ગીત બાપુ સમક્ષ અમે અસ્મિતા પર્વમાં પણ રજૂ કર્યું છે. સુરેશ જોશી કહે છે.
કોઈ વ્યક્તિ આપણને ક્યારેક કારણ વિના જ ગમી જાય છે. કશા ભેદભાવ વગર અમથું અમથું હેત આવે છે. આ તો સાક્ષાત્ હરિ ગમી જવાની ઘટના હોય ત્યારે પ્રેમદિવાની મીરાં સાહજિક રીતે જ ગાઈ ઊઠે કે ;
હરિ પર અમથું અમથું હેત,
હું અંગૂઠા જેવડી ને મારી
વ્હાલપ બબ્બે વેંત.
ભગવાન સાથેના વાર્તાલાપમાં મીરાં કહે છે કે હું તો મારા ગિરધર સામે સાવ ટચૂકડા અંગૂઠા જેવડી છું, પરંતુ મારો પ્રેમ તો બબ્બે વેંત ઊંચો છે. અમથી અમથી પૂજા ને અમથાં વ્રતની વાત મીરાં માંડે છે ત્યારે ભગવાન પ્રગટ થઈ એને પૂછે છે કે અમથું અમથું જ બધું થાય તે તને ગમે કે નહીં? ત્યારે વિમાસણમાં પડેલાં મીરાં કહે છે કે બીજું કોઈ પૂછે તો એને ફટ દઈને ના પાડી દઉં, પરંતુ આ તો હરિ છે! વાત અહીં અમથાં પ્રેમની નહીં, કમિટમેન્ટ સાથેના પ્રેમની છે. આ સંકેત આપતું ગીત વરિષ્ઠ ગાયિકા રેખા ત્રિવેદીનાં કંઠમાં સુંદર માળો બાંધીને બેઠું છે.
મોરારિબાપુનું આ પ્રિય ગીત છે એ સંદર્ભમાં ગુજરાતના જાણીતા લેખક ભદ્રાયુ વચ્છરાજાનીએ આ ગીત વિશે ધન્યતાની અનુભૂતિને ભાવસભર યાદ કરી.
"૨૦૧૮ ઈસુના નવા વર્ષનો આરંભ અમારા ઘરે પ્રિય મોરારિબાપુનાં આગમનથી થયો હતો. અમારી છલકાતી પ્રસન્નતા વચ્ચે, નિરાંત જીવે નાગરી હિંડોળે હિંચકતા, બાપુને આવકારવા અમે ભાવથી એક ગીત વગાડ્યું અને બાપુને સરપ્રાઈઝ આપ્યું. તેમના પ્રિય કવિ રમેશ પારેખની રચના હરિ પર અમથું અમથું હેત … રેખા ત્રિવેદીના કંઠે પરોક્ષ સાંભળીને બાપુ ખૂબ ભાવમય થયા ને પ્રેમનો માહોલ બંધાયો. બાપુ સાથે ૪૫ મિનિટ ક્યાં વીતી તેનો ખ્યાલ ન રહ્યો ! બાપુએ નીકળતી વખતે કહ્યું: ફરી એકવાર હરિ પર અમથું અમથું હેત … ગીત વગાડો ને, એ દિલમાં ભરીને નીકળીએ!! સહજતાની આ ટોચ હતી.
રેખા ત્રિવેદીના ‘સખીરી’ આલ્બમમાં આ હરિ ગીત લેવાયું છે અને ખૂબ લોકચાહના પામ્યું છે. રેખાબહેન કહે છે કે, "ઘણા કાર્યક્રમોમાં આ ગીતની ફરમાઈશ આવે છે. અગાઉ સુરેશ જોશીએ કહ્યું તેમ બાપુનું પણ આ પ્રિય ગીત હોવાથી આ ગીત એમણે જ્યારે પહેલી વખત સાંભળ્યું ત્યારે મને ફોન કરીને ખાસ અભિનંદન આપ્યાં હતાં. આનાથી મોટો સરપાવ શું હોઈ શકે?
અનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાળકાવ્યો, ચિંતનાત્મક લેખો, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં ખેડાણ કરનાર રમેશ પારેખે લોકગીતો – ભજનોને આત્મસાત કરીને તેનું સંવેદનાત્મક રૂપાંતર સાધી કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે.
તેમણે ૧૯૮૨માં નર્મદ સુવર્ણ ચંદ્રક, ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક, ૧૯૯૪માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજરાત રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટિક્સ એવોર્ડ સહિત અનેક પુરસ્કારો મેળવ્યા છે.
રમેશ પારેખની વિશિષ્ટતા, લોકોનાં હૃદયમાં ઊતરી જાય તેવી રચનાઓ આપવી એ જ રહી છે. સાંભળતાં પહેલાં ક્યારેક વહેમ જાય કે આ લોકગીત તો નથી ને! એટલી સરળતાથી તેઓ જનસમુદાયની લાગણીને સમજી શક્યા છે અને એટલી જ અસરકારકતાથી અભિવ્યક્ત કરી શક્યા છે. ‘લયના કામાતુર રાજવી’ કહેવાતા રમેશ પારેખની આ રચના ઉપરાંત તમારે સાંભળવી જ પડે એવી અન્ય ત્રણ ખૂબ લોકપ્રિય – કર્ણપ્રિય રચનાઓનો ઉલ્લેખ કરી લેખ પૂરો કરીએ.
પુરુષોત્તમ ઉપાધ્યાયના આ ગીતથી કયો સંગીત પ્રેમી અજાણ હોઈ શકે?
હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે
ર.પા.ની ઉત્કૃષ્ટ ગઝલ છે. પુરુષોત્તમ ઉપાધ્યાયને કંઠે ઓર નિખરી ઊઠી છે.
સોલી કાપડિયાએ પોતે જ કમ્પોઝ કરીને ગાયેલી ર.પા.ની આ રચના, આ શહેર તમારા … શબ્દ અને સ્વરની લાજવાબ કૃતિ છે. તમારે સાંભળવું જ પડે. શું અભિવ્યક્તિ છે!
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે,
કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો
માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે,
કહેવાય નહીં!
આ ઉપરાંત,
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.
ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ
શ્યામલ-સૌમિલે સ્વરબદ્ધ કરેલી ર.પા.ની આ જોરદાર ગઝલ શ્યામલ મુનશીના કંઠે સાંભળવાની મજા આવશે.
રમેશ ‘પારાયણ’નાં આ બધાં ઉમદા મોતી છે. પામી લેજો.
———————–
જળ વરસ્યું ને …
હરિવર ઊતરી આવ્યા
નભથી ગાતા મેઘ મલ્હાર,
જળ વરસ્યું ને થયો હરિનો
સીધો સાક્ષાત્કાર.
ફૂંક હરિએ હળવી મારી
ગાયબ બળબળ લૂ,
શ્વાસ હરિના પ્રસર્યા
માટી સ્વયમ્ બની ખુશબૂ
મેઘધનુમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
————————–
હરિ પર અમથું અમથું હેત,
હું અંગૂઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.
અમથી અમથી પૂજા કરું ને અમથા રાખું વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખું અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ,
હરિ પર અમથું અમથું હેત.
અમથું અમથું બધું થતું તે તને ગમે કે નઈં?’
એમ હરિએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજું પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરિ પર અમથું અમથું હેત.
• કવિ: રમેશ પારેખ • સંગીતકાર: સુરેશ જોશી • ગાયિકા : રેખા ત્રિવેદી
https://www.youtube.com/watch?v=HwGLKantz3g&feature=share
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 13 જૂન 2019
————————–
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=529698