કાવ્યકૂકીઝ
1.
હું નથી પાણી, મને તું ઢોળ ના –
નામ મારું તું બધાંમાં બોળ ના –
રોજ ચકરાવે ચડું છું એ ખરું,
પણ, મને તું એમ ગણ ચકડોળ ના –
કેમ માનું કે થશે આ કામ પણ ?
જયાં લગી કોણીએ લાગે ગોળ ના –
વાતમાં ઊડ્યાં કરું છું એ ખરું,
તોય તું ક્હેશે મને વંટોળ ના –
એટલે તો ચોરવા બોલાવું છું,
કે બચ્યું છે સ્હેજ પણ ભંડોળ ના –
હું મરેલો તો નથી, પણ નૈં ઊઠું,
કુંભકર્ણી જાત છું, ઢંઢોળ ના –
આપ મૂઓ છું, ભલે ના સ્વર્ગ દે,
પણ, નરકની બ્હાર તો ફંગોળ ના –
0
2.
કેટલે વખતે તને પડકારી મેં,
માર ખાવાની કરી તૈયારી મેં,
મેંય હિંમત એટલી કૈં દાખવી,
બારણાં ઢાંકીને ખોલી બારી મેં.
ભાવ તારો એટલો કે શું કહું?
ટૂંકમાં, સસરો કર્યો વેપારી મેં.
તું મને સાધુ જીવન આપી શકે,
જાત તેથી તો કરી સંસારી મેં.
હો છૂટાછેડા વગર છેડા છૂટા,
એવી આ પત્ની કરી તકરારી મેં.
કામ ચોરીને ટકાવી રાખવા,
નોકરી શોધી લીધી સરકારી મેં.
હું મૂરખ છું એનો પુરાવો છે એ,
મારી સીધી દૈ દીધી સોપારી મેં.
0
3.
હે સખી, આવી તને નો’તી મેં ધારી,
મારી થૈને ફેરવી મારી પથારી !
શ્હેર આખું છીંકતું મારી જ સાથે,
તેં નથીને દાળ મરચાંથી વઘારી?
જે કોઈ આવે નજર તારામાં કરતાં,
તું તે નારી છે કે ખુલ્લી સાવ બારી?
તું ભલેને હો મને અત્યંત વ્હાલી,
પેટમાં તો ના જ ખોસુંને કટારી !
ચાહવાનું કહી મને ચાહે બીજાને,
પ્રેમમાં ચાલે ખરી આવી ઉધારી?
તેં મને રસ્તા ઉપર લાવી મૂક્યો છે,
ત્યારથી હું ફેરવું છું ચાની લારી.
હું હજી સમશાનમાં પહોંચ્યો નથી કે,
બેઉ હાથે ઝાપટે ભૂસું ને ઘારી !
0
4.
એટલા માર્યા તને પત્થર હશે,
તોય તું ના કહી શકે, બિલ્ડર હશે.
વેતરીને જે રીતે ટાંકા લીધાં,
કોઈ ના કે’ ડૉક્ટર, ટેલર હશે.
બે ગધેડા ઘાસ ચરતાં હો છતાં,
એમ ના કે’વાય કે સહચર હશે.
બેઉ પગ એવા ભરાયા પ્લાસ્ટરે,
કે થતું, આવુંય કો’ પગભર હશે?
કોણ કરડીને ગયું આ નર્સને,
એ ન હો ડૉક્ટર, તો એ મચ્છર હશે.
શેઠ શેઠાણી ડરે જે નામથી,
એ જરૂર ઘરનો જૂનો નોકર હશે.
કાતરે છે તોય એ ખિસ્સું નથી,
નક્કી એ વાળંદની કાતર હશે.
000
e.mail : ravindra21111946@gmail.com