આજકાલ દેશમાં કોઈ હાસ્યાસ્પદ ઘટના બને, કંઈક જનવિરોધી ઘટના બને, એકહથ્થુવાદી આર્થિક-રાજકીય ઘટના બને તો તેનાં માટે 'ગુજરાત મૉડલ' એ શબ્દપ્રયોગ સામાન્ય બની ચૂક્યો છે.
ગુજરાતના આર્થિક-સામાજિક-શૈક્ષણિક વિકાસના આંકડાઓ પણ ગુજરાતના બદતર થતાં જતાં જનજીવનને ઉજાગર કરતા જ સતત દેખાયા કર્યા છે, અને બેકારી, ભૂખ, કુપોષણ, બાળમરણ, ભૃણહત્યા, સ્ત્રી-પુરુષ સંખ્યા પ્રમાણભેદ ને દલિત-આદિવાસીઓ પરનાં જુલમ-દમનમાં પણ નોંધપાત્ર ક્રમ દેશભરમાં યથાવત રહ્યો છે.
કહેવાતા પ્રગતિશીલ ગુજરાત ના બોલકા સુખી સંપન્ન ને શિક્ષિત લોકો માત્ર વિધર્મી-લઘુમતીઓ તરફ જ દ્વેષ,નફરત ધરાવે છે, એટલું જ નહીં પણ તેઓ સ્ત્રીઓ, દલિતો, આદિવાસીઓ, ગરીબો તરફ પણ એટલી જ હીન માનસિકતા ધરાવે છે.
સ્ત્રીઓ તરફ કેટલો ભેદભાવ છે તે સ્ત્રી-પુરુષ વસતિના પ્રમાણભેદથી સ્પષ્ટ બને છે. 1951 દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 952 હતી. આજે આ જ ગુજરાતમાં 6 વય નીચેની વસતિમાં 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર 890 થઈ ગઈ છે .. કેટલા મોટા પ્રમાણમાં આપણા ગુજરાતમાં રોજેરોજ બાળકીઓને જન્મતાં પહેલાં જ મારી નાંખવામાં આવે છે !
અને છેલ્લા બે દાયકામાં દલિતો પર સૌથી વધુ દમન અત્યાચારની ઘટનાઓ ગયા વર્ષે, 2018માં આપણા ગુજરાતમાં નોંધાઈ, એક જ વર્ષમાં દલિતો પરના અત્યાચારની 1,545 ઘટનાઓ ! આજે પણ માણસને માણસ નહીં ગણવાની, પોતાના જેવા જ માણસ નહીં ગણવાની વાત કેવી વિચિત્ર લાગે છે અને છતાં ય હકીકત છે. ઘોડેસવારી કરવા બદલ, ઊંચી મૂંછ રાખવા બદલ કે ગામમાંથી વરઘોડો કાઢવાને લઈ દલિતો પર જૂલમ થાય, દલિત યુવાનોને મારી નાંખવામાં આવે છે એવું આજનું ગ્રામીણ ગુજરાત કેવું પછાત લાગે છે !
અરે ! બે વર્ષ પૂર્વે ગુજરાત જેના માટે દેશ- દુનિયામાં જાણીતું છે, તે નવરાત્રીના ગરબા જોવા એક દલિત યુવાન દીવાલ પર બેસીને દૂરથી જોતો હોય એને 'ગરબા કેમ જુએ છે?' એમ કહી માર મારી, મારી નાખવાની ઘટના હજી ઘણાંની સ્મૃતિમાં તાજી છે ત્યારે ગુજરાતને ગરવી ગુજરાત કહેવી કે વરવી ગુજરાત કહેવી એ સવાલ છે જ
અને ખાસ તો રંજ એ વાતનો રહે છે કે આવી બધી ઘટનાઓને જૂલમો બનતાં રહેતાં હોય અને ગુજરાતના બૌદ્ધિકો, કવિઓ, સાહિત્યકારો આવી ઘટનાઓ અંગે મૌન રહેવાનું પસંદ કરતા હોય કે ગંગા સ્નાન ને સાધુબાવાઓનાં નમનોત્સવમાં ઝૂમતા હોય કે પછી મહાપંડિતો બની સાહિત્ય પરિષદોનાં જ્ઞાનસત્રોમાં ‘કારયિત્રી' ને 'ભાવયિત્રી' જેવા ભારેખમ શબ્દો, જે શબ્દોનો માન્ય સાર્થ જોડણીકોશમાં પણ સમાવેશ નથી; એવા સંસ્કૃતપ્રચુર, રાજશેખરી શબ્દો વાપરીને પોતાના પંડિતયુગની પંડિતાઈની મસ્તીમાં ઝૂમતા હોય ત્યારે કોણ કોને ફરિયાદ કરે એવો ઘાટ થાય છે !
'ગાંધીનું ગુજરાત' કહી – કહી ગૌરવ અનુભવનારા ગાંધી-150 નિમિત્તે પણ ગાંધીના સાહિત્ય-કલા-સમાજ વિશેના વિચારો વિશે ચૂપ રહેવાનું પસંદ કરે ત્યારે સાંપ્રત ગુજરાત નિરાશાજનક લાગે તે સ્વાભાવિક છે.
આવા દિલને બેચેન કરનારા માહોલમાં ગુજરાતના યુવા કલાકારો એક ફિલ્મ દ્વારા આનંદ અને ગૌરવની લહેરખી-છોર-છાલકથી આપણને ભીંજવી દે ત્યારે કંઈક સારું અને આશાસ્પદ લાગે જ લાગે!
ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પહેલીવાર આ વર્ષે એક ગુજરાતી ફિલ્મને દેશની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ માટેનું 'ગોલ્ડન લોટસ' સન્માન પ્રાપ્ત થાય છે.
યુવા ફિલ્મ કસબીઓ જેમાં મોટાભાગના ચાલીસી નીચેની વયના છે અને આ ફિલ્મના કથાલેખક અને દિગ્દર્શક અભિષેક શાહની તો આ પહેલી જ ફિલ્મ છે. તેણે ફિલ્મ ઉદ્યોગને એક ઊંચેરુ સન્માન અપાવ્યું છે.
આ સન્માન તો ખુશીની વાત છે જ પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ જે વિષયવસ્તુને લઈ અને જે માવજતથી બની છે તે ફક્ત કોઈ મર્યાદિત, ઉચ્ચ મધ્યમવર્ગીય, ભદ્રવર્ગીય કહેવાતાં સુખી સંપન્ન લોકોને મલ્ટિપ્લેક્સમાં મનોરંજન આપનારી નથી, પરંતુ ગુજરાતને દેશનો વ્યાપક જનસમાજ તેને માણી શકે, તે જોઈ કશુંક પામ્યાનો, આનંદની લહેરખીનો અનુભવ કરી શકે એવી આ ફિલ્મ બની છે તે એક મોટી સિદ્ધિની નોંધપાત્ર વાત છે.
‘હેલ્લારો' – એક ગુજરાતી તળપદો શબ્દ. પાણીનો, પ્રવાહનો, અવાજનો એક ધક્કો જે વ્યક્તિને સ્પર્શી શકે, ઉત્તેજિત કરી શકે, ખળભળાવી શકે, ખુશી આપી શકે.
આ હેલ્લારોની અર્થછાયાઓને આ ફિલ્મ પોતાની તાકાતથી ઘટના, દૃશ્યો, સંવાદો, નૃત્ય-સંગીતના સરવાળાથી લોકો સુધી, દર્શકો સુધી પહોંચવામાં સફળ થઈ છે તેવું લાગે છે.
કચ્છની એક લોકવાર્તા. 500-550 વર્ષો પૂર્વે વૃજવાણી નામનાં ગામનો એક ઢોલી અદ્ભુત ઢોલ વગાડતો. તેના ઢોલના તાલે ગામની 140 જેટલી આહિરાણીઓ રમણે ચઢી. દિવસ-રાત. અને તાલમાં રમતાં રમતાં ઘર-બાળકો બધું ભૂલીને રમતી રહી. નારાજ થયેલા ગામના પુરુષોએ ઢોલ વગાડતા એ ઢોલીનું માથું વાઢી નાખ્યું અને એ ઢોલી પાછળ 140 સ્ત્રીઓ પણ ‘સતી' થઈ એવી આ લોકકથા છે.
આપણી જડબેસલાક સમાજવ્યવસ્થા-વર્ણવ્યવસ્થામાં ઢોલીના તાલે રમમાણ થવું એ કહેવાતા ઉચ્ચ વર્ણનો ક્યો પુરુષ સહન કરી શકે ? અને એ ઢોલી પાછળ 140 સ્ત્રીઓ પોતાનો જીવ આપી દે એ પણ સ્ત્રીઓની કચડાતી પીડાતી વ્યથા કથાની વાત બની રહે છે. આ ઢોલી અને સતી થયેલી સ્ત્રીઓ, 141 ખાંભીઓએ ગામમાં આ લોકવારતા કહેતી હજી ઊભી છે.
આ વારતા મશહૂર છે. ઢોલીનું ધડ વાઢી નાખવું કે સ્ત્રીઓનું સતી થવું એવી સામંતી મસાલેદાર વાતને હડસેલી, એ વારતાના બીજને 1975ના સમયગાળાના કચ્છના એક ગામ સાથે સાંકળીને પિતૃસત્તાક અને સાથે સાથે વર્ણવ્યવસ્થાની માનસિકતામાં જકડાયેલો ગ્રામીણ સમાજ હજી ય કેવી રીતે પુરુષત્વના દંભી ટેકે જીવી રહ્યો છે તેની વાત આ હેલ્લારો ફિલ્મ માંડે છે.
ચારેકોર રેતી અને ગાંડા બાવળના કાંટાઓની કેદમાં અટવાયેલું એક ગામ જેમાં પુરુષો ગરબા-રાસ રમી શકે છે પણ સ્ત્રીઓ માટે મનાઈ છે. ગામમાં કશું નવું પ્રવેશતું નથી. માત્ર રેડિયો અને ભૂજથી આવતો ગામનો યુવાન ભગલો. પાકિસ્તાન સાથેના યુદ્ધ પછીનું કચ્છ અને 1975માં 'કટોકટી'ની જાહેરાતના સંદર્ભથી ફિલ્મની કથા ઉઘાડ પામે છે. કટોકટી એ કોઈ વસ્તુ છે કે શું છે – એ આ ગામલોકોને ખબર નથી, એનાથી અજ્ઞાત છે.
સાથે સાથે આ ગામના પરંપરાગત માહોલને વેગ આપે છે ગામમાં જ પડેલી એક જૂની તોપ.
ભૂજ શહેરથી આવતા યુવાન ભગલાને ગામના મુખી કહે છે કે 'તોપ વેચવી નથી, છો રહી. પહેલાથી પડી છે તે પડી છે એટલે ના કઢાય.'
તોપ જે દારૂગોળા વિનાની છે, કટાયેલી ગામની વચ્ચે નિરર્થક હિંસા દમનને વ્યક્ત કરતી; ફિલ્મ આગળ વધે છે તેમ ઘણાં ઘણાં પ્રતિકો તરીકે વિસ્તરે છે. સંવાદમાં માત્ર તેનો એક જ વાર ઉલ્લેખ થાય છે પણ દૃશ્યોમાં ક્યાંક અલપઝલપ દેખાતી આ તોપ પુરાતનવાદી, ખોટા અહમ્, મર્દાનગીના ભ્રામક ખ્યાલોના દંભને વ્યક્ત કરવામાં સહાયક જ બની રહે છે.
સંવાદોમાં 'બંદૂક ફૂટી, ના ફૂટી' જેવાં વિધાનો, મજાકની સાથે સાથે સ્ત્રી-પુરુષ સહજીવનમાં માત્ર પુરુષના આધિપત્યના જુલમની વેદના પણ ઘૂંટતા જણાય છે.
ફિલ્મમાં સંવાદ ઘણાઓછા અને ટૂંકા છે પણ ધારદાર-વેધક છે, દર્શકોની તાલીઓના હકદાર બને છે અને જે ગામની સ્ત્રીઓની વેદના, યાતના,પુરુષોના દમન અને ખાસ કરીને સ્ત્રીઓનાં સખીપણાને વ્યક્ત કરતા રહે છે.
સૌમ્ય જોશી લિખિત આ તેજાબી સંવાદોએ ફિલ્મને ઉઠાવ તો આપ્યો જ છે પણ જે ફિલ્મ ટિપીકલ હિરો-હિરોઈન કેન્દ્રિત નથી, જે ફિલ્મમાં નામચીન કલાકારોનો કાફલો નથી એ ફિલ્મમાં સંવાદોના ભાગે મોટો પડકાર હોય છે. મહદઅંશે સંવાદો જ નાનાં મોટાં પાત્રોને ઉઠાવ આપવાનું કામ કરે છે.
લાગલગાટ ત્રણ વર્ષથી ગામ વરસાદ વિના ટળવળી રહ્યું છે. રોજેરોજ દૂર સુદૂર પાણી ભરવા જતી ગામની સ્ત્રીઓને એક અજાણ્યો ભૂખ્યો તરસ્યો ઢોલી બેહાલ અવસ્થામાં રસ્તે પડેલો જોવા મળે છે.
ઢોલીને પાણીથી ગામની સ્ત્રીઓ જીવતદાન આપે છે તો ઢોલીનો ઢોલ ગામની સ્ત્રીઓને નવજીવન બક્ષે છે. ઢોલની દાંડીથી ઊઠતો અવાજ જાણે કે સ્ત્રીઓનાં જીવનમાં હેલ્લારો લાવે છે.
નવજીવન તો આવે છે પણ પિતૃસત્તાક સમાજે ઊભા કરેલા ભય, માતાનો કોપ અને કાયમી દમનનો માહોલ સતત ભય-ડરના સથવારે જ જાણે કે મુક્તિનો આનંદ લેવાતો હોય એવું અનુભવાય છે.
ગીતકાર સૌમ્ય જોશી એ લખેલા ગરબાના શબ્દોમાં કહીએ તો .. 'પહોળું થયું રે પહોળું થયું, એક સજ્જડબંબ પાંજરું પહોળું થયું ..!'
સમાજનું પાંજરું તો સજ્જડબંબ છે. ફિલ્મમાં છ જેટલા ગરબા છે. જે સૌમ્ય જોશીએ લખેલા છે. કાને પડતા પરંપરાગત ચીલાચાલુ ગરબાને બદલે અર્થસભર આ ગરબા,
ફિલ્મના મિજાજને, મુક્તિ માટેના તડફડાટને, પરંપરાને તોડવા માટેના ક્રમશઃ મંડાતા પગલાંઓને જોડવાનું અને ફિલ્મને ગતિ આપવાનું કામ કરે છે. કહો કે આ ફિલ્મમાં ગરબો જ હિરોની ભૂમિકા ભજવે છે.
ગરબા આમ તો શક્તિની ઉપાસના સાથે, સ્ત્રી શક્તિની ઉપાસના સાથે જોડાયેલા છે. પરંતુ ગામમાં પુરુષો જ ગરબા ગાઈ શકે અને સ્ત્રીઓને ગરબા ગાવાની મનાઈની પરસ્પર વિરોધી વાતને ટકરાવી અહીં ફિલ્મ દર્શકોનાં દીમાગને એક ચોક્કસ દિશામાં, ગરબાના લય તાલ સાથે જોડી, ઢોલીના ઢોલ કેન્દ્રિત બનાવવામાં સફળ નીવડે છે.
આ આખી ય ફિલ્મમાં વરસાદની રાહ જોતા, આસોની નવરાત્રી સુધી પહોંચી ગયેલા ગામમાં તો ત્રણેક નોંધપાત્ર ઘટનાઓ બને છે. સગર્ભા સ્ત્રીને મૃત બાળકીનો જન્મ, છૂપાઈને ગરબા ગાતી સ્ત્રીઓને ગામના જ યુવાન ભગલા દ્વારા જોઈ જવું ને છતાં ય તે બાબતે ગામમાં મૌન રહેવું અને ગામની એક યુવતીનાં માબાપનું પિયરમાં, ખેતરમાં વીજળી પડવાથી મોત.
આ ત્રણે ય ઘટનાઓ, દિવસે પાણી ભરવાના સમયે છૂપાઈને ઢોલના તાલે મુક્તિનો શ્વાસ અનુભવતી સ્ત્રીઓનાં જીવનમાં ‘સીસ્ટરહુડ’ – સખીપણાને એક બાજુ દૃઢ બનાવે છે તો છૂપાઈને ગરબા ગાવામાં કંઈક પાપ કરી રહ્યા છીએ એવી ભાવના સાથે ફિલ્મમાં સંઘર્ષને વેગ આપવાની ભૂમિકા ભજવે છે.
પરંપરાગત રૂઢિઓને તોડવાની સંગઠિત વાત ગામની બહેનોથી ઢોલના તાલે આગળ વધે છે તેની સાથે સાથે જ ઢોલી જે દલિત સમાજનો છે અને ભૂતકાળમાં અન્ય દૂરના ગામમાં કહેવાતા સવર્ણોના જુલમથી પીડિત છે તેના તરફ વધતો રોષ ફિલ્મના અંતને નવરાત્રીની છેલ્લી રાત્રે બનતી અણધારી ઘટનામાં આનંદસભર અંત પામીને વાર્તા પૂરી થતી હોય, પુરાણી લોકકથામાં ઢોલીનો શિરચ્છેદ થાય છે, અહીં એક સાંપ્રત સમયમાં એવું કશું બનતું નથી પણ એ બધાં જુલમ, જાતિવાદી માન્યતાઓ, પુરુષપ્રધાન સમાજના નિયમો, પોકળ છે, ખોટાં છે એવી લાગણી હળવેકથી દર્શકો સુધી પહોંચાડવામાં આ ફિલ્મ અદ્ભુત સફળતા હાંસલ કરે છે.
દર્શકો ફિલ્મોનો અંત જુએ છે, અંત બાદ ફિલ્મનાં ક્રેડિટ લખાણો વાંચે છે પણ મૌન છે. ફિલ્મના ભાવાવેગમાં એવા જકડાયેલા છે તેમાંથી બહાર આવતાં તેમને વાર લાગે છે.
આપણે ત્યાં ગુજરાતી ફિલ્મો ઘણી બને છે પરંતુ તેમાં મોટે ભાગે મંચનાં નાટકોને કેમેરામાં કંડારી લીધાં એવું જ લાગે છે.
ફિલ્મને પોતાની ભાષા છે, દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ એ નાટકથી નોખું છે એ રીતે આ ફિલ્મ ઘડતર પામી છે. યુવા ફિલ્મકાર પ્રતીક ગુપ્તાની પટકથા અને સંકલનકાર્ય, ઉલ્લેખનીય રીતે ગરબાઓનું દૃશ્ય સંકલન ખુદ લોકોનાં હ્રદયમાં હેલ્લારો ઊભો કરવામાં અગત્યનો પાઠ ભજવે છે.
ગરબા ગાનારા યુવા કલાકારો, સંગીતકાર મેહુલ સુરતીની નોંધપાત્ર ભૂમિકા સાથે પસંદ થયેલા કલાકારોને ઉત્કૃષ્ટ છબીકલા – આ બધાંનું ટીમ વર્ક એક યાદગાર ફિલ્મના સર્જનમાં અગત્યના બની રહે છે.
સાંપ્રત ગુજરાતની વાતને જ, સમસ્યાઓને જ કોઈ ભારેખમ બોધપાઠ કે પોપટિયા સંવાદોની પટ્ટાબાજી વિના મૂકવાનું આ કલાકસબીઓનું કામ ગુજરાતી સિનેમાને વેગવંતુ બનાવશે અને ગુજરાતના સ્થગિત થઈ ગયેલા કલાજગતમાં હેલ્લારો ઊભો કરવાનું કામ કરશે એવી ઈચ્છા રાખવી અસ્થાને નહીં લેખાય.
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”; 13 નવેમ્બર 2019