ચૂંટણી દરમિયાન ભાષણોમાં નેતાઓ જે રીતે ભાષાનું પ્રદૂષણ ફેલાવે છે, તેને કારણે કદાચ દેશમાં હીટ વેવ હોય એમ બને. એક તરફ દેશનું તાપમાન ઘણી જગ્યાએ રેડ એલર્ટ પર છે ને બીજી તરફ શાસક પક્ષ અને વિપક્ષો, કોઈ મહત્ત્વના મુદ્દાની વાત કરવાને બદલે આરોપો ને પ્રતિ આરોપોમાંથી જ ઊંચા નથી આવતા. અવગુણ બધા સામે પક્ષે અને સદ્દગુણ બધા પોતાનામાં જ હોય એમ સામસામે શાબ્દિક પ્રહારો થતા રહે છે. ચૂંટણી ન હોત તો કદાચ ભાષાની આટલી છેડતી ન થઈ હોત. દુ:ખદ એ છે કે કોઇનામાં જ સંયમ કે વિવેક નથી.
આ વખતની ચૂંટણીમાં 1.35 લાખ કરોડનો ખર્ચ થવા જઈ રહ્યો છે, પણ એ ખર્ચ ક્યાંથી આવે છે ને કોણ કરે છે એની ચિંતા ભાગ્યે જ કોઈને છે. પ્રજા, ભા.જ.પ. કે કાઁગ્રેસ સામસામે કેવી બાથ ભીડે છે તે જોવામાં વ્યસ્ત છે, તો ક્યાંક ગુણ સંકીર્તન પણ ચાલ્યા કરે છે. અનેક ગ્રૂપ્સમાં સામસામે મેસેજિસનો મારો ચાલે છે ને કૈં મળવાનું ન હોય કે આ ચર્ચાની કોઈ પક્ષ કે નેતા સુધી વાત જવાની જ ન હોય તો પણ, દાંતિયા કરવાનું ચાલ્યા કરે છે. ભેંશ ભાગોળે … ની જેમ આ ‘ધમાધમ’ અનેક ઘરોમાં ચાલતી રહે છે. જે સત્તામાં આવવાના છે તે એટલા નથી ઉશ્કેરાતા, જેટલા આ ભાવિક ભક્તો કોઈ ટીકાથી ઉશ્કેરાતા હોય છે. રાજકીય પક્ષો પણ એકબીજાને નહોર ભરાવતા રહે છે ને અમસ્તું જ લોહીનું પાણી કરતાં રહે છે. કોઈને ડર છે સંવિધાન બદલાઈ જવાનો, તો કોઈ ને લાગે છે કે સંપત્તિ લૂંટીને કોઈ અલ્પ સંખ્યકોમાં વહેંચી દેશે. સામેવાળા પક્ષથી લોકોને ડરાવીને રાજકીય પક્ષો પોતાનું કામ કાઢતા રહે છે. એમને એમ જ છે કે પ્રજામાં તો અક્કલ નથી ને એ તો જેમ પટાવો તેમ પટી જશે, પણ પ્રજાને એટલી ભોળી સમજી લેવાની જરૂર નથી. આ મૂર્ખ લાગતી પ્રજાએ જ અંગ્રેજોને, કાઁગ્રેસને વિદાય આપી છે. એ ચાલવા દે છે એ એની ઉદારતા છે, તેથી એ ચાલવા જ દેશે, એવા ભ્રમમાં રહેવા જેવું નથી.
મોંઘવારી, બેકારી, જળવાયુ સંપદાની રક્ષા, શિક્ષણની સમસ્યાઓ જેવી બાબતો પ્રજાને સીધી સ્પર્શે છે. તેની વાત કરવાને બદલે એન.ડી.એ. કે ‘ઈન્ડિયા’, રામમંદિર, મદરેસા, મંગલસૂત્ર કે અગ્નિવીર યોજના, અદાણી જૂથનાં કૌભાંડોની હાંક્યા કરે તે યોગ્ય છે? મહત્ત્વના મુદ્દાઓની વાત કોઈ જ કરતું નથી ને એકબીજાનાં વસ્ત્રો ઉતારવાની વાત છેક છેલ્લે પાટલે બેસીને કરવામાં કોઈને નાનમ નથી. ટૂંકમાં, થૂંક ઉડાડવા સિવાય કૈં થતું નથી. એટલે જ તો થાકી હારીને છેવટે ચૂંટણી પંચે ભા.જ.પ.ના અને કાંગ્રેસના અધ્યક્ષોને નોટિસો ફટકારી છે.
ચૂંટણી પંચે બુધવારે કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અને ભા.જ.પ. અધ્યક્ષ જે.પી. નડ્ડાને સંબોધીને, બંને પક્ષોને ભાષણોમાં શિષ્ટાચાર જાળવવાની સલાહ આપી છે ને બંને પક્ષના સ્ટાર પ્રચારકોને ધાર્મિક અને સાંપ્રદાયિક નિવેદનો ન કરવાં જણાવ્યું છે. પંચે ભા.જ.પ.ને એવાં ભાષણોથી દૂર રહેવા જણાવ્યું છે જે સમાજને ભાગલા તરફ દોરતાં હોય, તો કાઁગ્રેસને પણ ટપારતાં કહ્યું છે કે એ બંધારણને લગતાં એવાં ખોટાં નિવેદનો ન કરે જેમાં સંવિધાનને ખતમ કરવાની કે વેચવાની વાત હોય. ‘અગ્નિવીર’ સંદર્ભે પણ પંચે ટકોર કરતાં કહ્યું છે કે કાઁગ્રેસ ડિફેન્સ ફોર્સનું રાજનીતિકરણ ન કરે. આમ તો ભા.જ.પ.ના સ્ટાર પ્રચારક વડા પ્રધાન મોદી છે ને કાઁગ્રેસના રાહુલ ગાંધી છે, પણ ચૂંટણી પંચે પહેલી વખત પ્રચારકોને બદલે બંને પક્ષના અધ્યક્ષોને જવાબદાર ગણી તેમને નોટિસો પાઠવી છે.
પંચને આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે આ સ્ટાર પ્રચારકો ધર્મ, જાતિ, સમુદાય અને ભાષા સંદર્ભે લોકોને વહેંચવાનું અને નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. 21 એપ્રિલે વડા પ્રધાને રાજસ્થાનનાં બાંસવાડામાં કહ્યું હતું કે કાઁગ્રેસ સત્તામાં આવશે તો લોકોની સંપત્તિ વધુ બાળકોવાળા લોકોમાં વહેંચી દેશે. કાઁગ્રેસે ‘સંપત્તિની વહેંચણી’ મુદ્દે પંચને ફરિયાદ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તો, 18 એપ્રિલે રાહુલ ગાંધીએ કેરળમાં કહ્યું હતું કે ભારતના 70 કરોડ લોકો કરતાં 22 લોકો વધુ અમીર છે. જો કાઁગ્રેસ સત્તા પર આવશે તો એક જ ઝાટકે ગરીબી ખતમ થઈ જશે. આ વાતનો ભા.જ.પ.ને વાંધો પડતાં તેણે સ્પષ્ટતા કરી કે મોદી સરકારનાં કાર્યકાળ દરમિયાન 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા હોય તો રાહુલ ગાંધી ગરીબી વધારવાના ખોટા દાવા કેમ કરી રહ્યા છે? મોદી કહે છે કે કાઁગ્રેસ આવશે, તો રામ મંદિર પર બુલડોઝર ફેરવી દેશે ને ખડગે કહે છે, મોદીનો એ આરોપ ખોટો છે, કાઁગ્રેસ મંદિર પર બુલડોઝર નહીં ફેરવે. કાઁગ્રેસ 55 વર્ષ સત્તામાં રહી, પણ તેણે કોઈને કોઇની પૂજા કરતાં રોક્યાં નથી કે નથી તો કોઈનું મંગલસૂત્ર છીનવ્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ પાકિસ્તાનથી ડરવું હોય તો વિપક્ષ ડરે, અમે તો પી.ઓ.કે. લઈને જ રહીશું, એમ પ્રચાર કરતાં રહે છે, તો સાહેબને પુછાય કે ભા.જ.પ.ને સરકારમાં આવ્યાને ય 10 વર્ષ થયાં. પી.ઓ.કે.નું મુહૂર્ત હજી આવ્યું નથી?
જોઈ શકાશે કે ભા.જ.પ. કે કાઁગ્રેસ ને અન્ય વિપક્ષો પણ વાણી વિલાસથી દૂર રહી શકતા નથી. એમાં પ્રજાનું શું ભલું થાય છે તે નથી ખબર, પણ હકીકત એ છે કે પ્રજા તો રોડ શો માટે, ભાષણો સાંભળવા કે પ્રચાર કરવા પૂરતી જ બચી ગઈ છે. તેને કોઈ લેખામાં લેતું જ નથી. પક્ષોનો હેતુ તો કેવળ સામેવાળાની ટીકા કરીને પોતાનું મહત્ત્વ સ્થાપવાનો જ છે. ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું કે પૂર્વ વડા પ્રધાન વાજપેયીના સમય વખતની અને હવે, આર.એસ.એસની સ્થિતિ કેવીક છે? નડ્ડાએ એના જવાબમાં કહ્યું કે શરૂઆતમાં ભા.જ.પ. સક્ષમ ન હતો, ત્યારે સંઘની જરૂર પડતી હતી, હવે અમે સક્ષમ છીએ અને જાતે નિર્ણય લઈ શકીએ છીએ, એટલો ફેર પડ્યો છે. એ તો અડવાણી, મુરલી મનોહર જોશી જેવાની સ્થિતિ પરથી પણ સમજી શકાય એમ છે કે ગરજ હોય ત્યારે ચપટી ધૂળ પણ ખપે છે ને કામ સરી જાય તો જે સીડી ચડીને ઉપર આવીએ એને લાત મારવાનો ય સંકોચ નથી થતો.
ગરજ સરી કે વૈદ વેરી-ની નવાઈ નથી ને ગરજવાનને અક્કલ ન હોય એવાં ઉદાહરણો પણ ભા.જ.પ.માં ખોળવા દૂર જવું પડે એમ નથી. ઓડિસાના પુરીના ભા.જ.પ.ના ઉમેદવાર સંબિત પાત્રા માટે વડા પ્રધાન મોદીએ રોડ શો કર્યો. એ પછી મીડિયા સાથે વાત કરતાં ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ 20 મે-એ એવા ઉદ્દગાર કાઢ્યા કે ભગવાન જગન્નાથ પણ મોદીના ભક્ત છે. ભગવાન મોદીના ભક્ત છે કે નહીં, તે તો ભગવાન જાણે, પણ પાત્રા મોદીના ભક્ત છે તે તો આપોઆપ જ સિદ્ધ થઈ ગયું. આવો બફાટ નિર્દોષતાથી કે જીભ લપસવાથી થયો નથી. આ મોદી સાહેબને વહાલા થવા કહેવાયું છે ને તે એવા ભાવ સાથે કે માણસો તો ખરા જ, ભગવાન પણ મોદીના ભક્ત છે ! ભગવાન જગન્નાથ કરતાં પોતે વધારે છે એવું 10,000 ટકા મોદી તો નહીં જ માનતા હોય, પણ એમને માટે આવી માન્યતા આવા ગરજવાન પ્રવક્તા ધરાવે એ અક્ષમ્ય છે. આમાં તો એ પ્રવક્તા નહીં, પ્રબક્તા જ વધુ લાગ્યા છે. એ ખરું કે એમણે જીભ લપસી હોવાનું આગળ કરીને માફી માંગી લીધી ને સાથે જ ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત પણ કરી દીધી. બોલ્યા તેની માફી માંગી ને બોલીને પોતાની જાહેરાત પણ કરી. ઉપવાસ પોતાને જ ખબર પડે એમ રાખ્યા હોત તો જાહેર જનતાને ખબર ન પડી હોત. એમને ખબર પાડી દેવા ઉપવાસની જાહેરાત કરવામાં આવી.
ઓડિસાના મુખ્ય મંત્રી નવીન પટનાયક, કાઁગ્રેસ અધ્યક્ષ ખડગે, કાઁગ્રેસી સાંસદ રાહુલ ગાંધી જેવા ઘણા નેતાઓની ટીકાનો સંબિત પાત્રાએ સામનો કરવાનો આવ્યો. નવીન પટનાયકે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભગવાન જગન્નાથ ભગવાન છે ને કોઈ ભગવાનને મનુષ્યનો ભક્ત કહેવો એ ઈશ્વરનું અપમાન છે. ખડગેએ કહ્યું કે સત્તાના નશામાં ધૂત ભા.જ.પ. ભગવાનને પણ છોડતો નથી. આ વાત વડા પ્રધાન જાણતા તો હશે જ, પણ તેઓ મગનું નામ મરી ભાગ્યે જ પાડે છે. પોતાના જ રાષ્ટ્રીય પ્રવક્તા ભગવાનને પોતાના ભક્ત ગણાવે ને એનો એમને વાંધો ન પડે એ વિચિત્ર છે. આવું વિધાન વિપક્ષમાંથી આવ્યું હોત તો વડા પ્રધાન ભાગ્યે જ ચૂપ રહ્યા હોત, પણ એમને વિપક્ષની ધોલાઈ કરવાનું ને પક્ષની સિલાઈ કરવાનું ફાવે છે. એ જે હોય તે, પણ આ મામલે એમણે કમ સે કમ પાત્રાની વાતનો રદિયો તો આપવો જ જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 મે 2024