બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે મારા પિતા ઍરફૉર્સમાં હતા તેથી યુદ્ધમાં લડવા ગયા. મને દહેરાદૂનમાં મારા નાનાનાની સાથે રહેવા મોકલી દીધો, હું ૬ વર્ષનો હતો. મારા માટે કઠિન હતું — મારા પિતાની યાદ ખૂબ સતાવતી હતી. એક વર્ષ બાદ મારાં માતાપિતાના ડાઈવોર્સ થઈ ગયા. યુદ્ધ સમાપ્તિના આરે હતું ત્યારે અમને પત્ર મળ્યો કે ગોળી વાગવાથી મારા પિતાનું મૃત્યુ થયું છે. હું સાવ ભાંગી પડ્યો.
હું ખૂબ એકલો થઈ ગયો. થોડાંક વર્ષો બાદ મારી માતાએ બીજાં લગ્ન કરી લીધાં. પરંતુ હું મારા પિતાના સ્થાને અન્ય પુરુષને સ્વીકારી ન શક્યો. બાળપણમાં મારા ઓરમાન પિતા પ્રત્યે નારાજગી અનુભવતો હતો. આથી મેં મારી નાનકડી દુનિયા સર્જી લીધી — શાળા પત્યા બાદ હું પુસ્તક સાથે કોકડું થઈ બેસી જતો અને બીજું બધું ભૂલી જતો. એક રીતે પુસ્તકો મારા માટે છુટકારાનો માર્ગ હતાં — ૧૨ વર્ષની ઉંમરે હું અઠવાડિયાના પાંચથી વધુ પુસ્તકો વાંચી કાઢતો. મારો એકમાત્ર ધ્યેય મારા પ્રિય લેખકોનું અનુકરણ કરવાનો હતો. એટલે મેં ટૂંકી વાર્તા લખવાની શરૂ કરી.
૧૯૫૧માં મારી પ્રથમ વાર્તા સ્થાનિક મૅગૅઝીનમાં પ્રકાશિત થઈ. ત્યારે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. હું બહુ ખુશ હતો. મેં મારી માતાને કહ્યું, “મારે લેખક બનવું છે. પરંતુ એણે મારી વાત પ્રત્યે ગંભીરતા ન દાખવી — મને કૉલૅજના અભ્યાસ માટે દરિયા વાટે ઈંગ્લૅન્ડ મોકલી દીધો.
આવનાર ૪ વર્ષોએ મને શીખવ્યું કે લેખક તરીકે જીવનનિર્વાહ કરવો કેટલો અઘરો છે. કૉલૅજ સમય બાદ હું ૪ અર્ધ-સમયની નોકરીઓ અને ટાંપા કરી મારું ગુજરાન ચલાવતો. દિવસના અંતે થાકીને લોથ થઈ જતો, તેમ છતાં રાત્રે લેખન કરતો. સપ્તાહના અંતે હું એકથી બીજા પ્રકાશનગૃહના આંટા મારતો, પરંતુ મારું લેખન ક્યાં ય સ્વીકારાતું નહોતું. તેથી કૉલૅજ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો. વહાણમાં બેઠો કે તરત મને પોસ્ટકાર્ડ મળ્યો કે મારી એક વાર્તા પ્રકાશન માટે પસંદ થઈ છે અને એમણે મને £૫૦નો ચૅક મોકલી આપ્યો છે.
ભારતમાં મારી માતા અને ઓરમાન પિતા દિલ્હી રહેવા જતા રહ્યાં હતાં. મારા નાનાનાની ગુજરી ગયાં હતાં. એટલે મેં મસૂરીમાં એક નાનો અપાર્ટમૅન્ટ ભાડે રાખ્યો અને એકલો રહેવા લાગ્યો. દરરોજ હું દૈનિકો પર વાર્તામારો કરતો — એક વાર્તા પ્રકાશિત થાય એના મને ૫૦ રૂ. મળતા. હું એટલાથી સંતુષ્ટ હતો. ૧૯૫૬માં મેં ‘નાઈટ ટ્રેન ઍટ દેઓલી’ લખી જે ખૂબ પ્રસિદ્ધ થઈ. હું ૨૪ વર્ષનો હતો અને રેલવે સ્ટેશન પર છોકરીઓ સાથે પ્રેમમાં પડવાની બહુ વાર્તાઓ લખતો. પરંતુ વાસ્તવમાં એમાંથી એકેય છોકરીએ મને વળતી લાગણી દર્શાવી નહીં. એટલે આ રહ્યો હું, ૮૭ વર્ષે હજુ કુંવારો છું.
લેખક હોવાના કારણે મને નાણાંની ખૂબ તંગી પડતી. એથી હું દિલ્હી જઈ પરચૂરણ નોકરી કરતો અને પૂરતા નાણાં આવી જાય એટલે પર્વતમાં જઈ લેખન કરતો. ૧૯૯૦ના દાયકામાં મને ખ્યાલ આવ્યો કે હું લોકપ્રિય છું. એક વખત હું સ્ટેશન પર હતો ત્યારે ત્રણ બાળકો મારી તરફ આંગળી ચીંધીને ઉત્સાહથી બોલ્યા, “રસ્કિન બૉન્ડ, રસ્કિન બૉન્ડ”. હાશકારા સાથે મેં મનમાં વિચાર્યું, ‘ચાલો, કોઈક તો મને ઓળખે છે.’
છેલ્લાં ૩૦ વર્ષોથી મારી દિનચર્યા બદલાઈ નથી — સવારે પર્વતના ઢાળ પર ચાલવા જવું, ટી.વી. જોવું અને લેખન કરતાં કરતાં મારા પ્રિય મટન કટલૅટ માણવા. ઉંમર વધવાને કારણે મને ઝોંકા ખાવાની મજા પડે છે. શનિ-રવિના દિવસે અહીંના એકમાત્ર બૂકસ્ટોરમાં જઈ લોકો સાથે વાર્તાલાપ કરું છું અને હવે મારા ગૉડ-સન્સે મને ઈનસ્ટાગ્રામ પર મૂકી આપ્યો છે — એને કેવી રીતે વાપરવું એ પણ શીખવાડતો ય જાય છે પરંતુ મેં પ્રયત્ન પડતો મૂકી દીધો છે. હસીને એને કહું છું, “હું મારાં પુસ્તકો સાથે ખૂબ ખુશ છું. મને આ ઑનલાઈન વિશ્વનો હિસ્સો ના બનાવશો.”
સ્રોત: republicworld.com
ફોટો: timesofindia.indiatimes.com
e.mail : rupaleeburke@yahoo.co.in