છેક ૭૦ વર્ષ અગાઉ બુલેટની ગોળીઓ સામી છાતીએ ઝીલીને તેમણે દેહત્યાગ કર્યો હતો, તેમ છતાં આજે પણ તેઓ નાની-મોટી ગમે તેવી સમસ્યાઓનું સમાધાન શાંતિ અને અહિંસાના માર્ગે લાવવા સમગ્ર દુનિયાને મારગ ચીંધે છે, એ છે મહાત્મા ગાંધી. તેમના પૌત્ર રાજમોહન ગાંધીએ તેમનાં દાદાનું જીવન અને તેની સાથે સંકળાયેલાં વિવિધ પાસાંને – આપણે જેને ગાંધીયુગ કહીએ છીએ એ પરિપ્રેક્ષ્યમાં – પ્રસ્તુત કર્યાં છે વ્હાય ગાંધી સ્ટિલ મૅટર્સ’ (‘ Why Gandhi Still Matters’) પુસ્તકમાં. અમે ‘ધ અશોક’ હોટલમાં ‘અવધ રેસ્ટોરાં’માં લંચ પર વાતચીત કરી હતી. તેમાં રાજમોહન ગાંધીએ કહ્યું કે “જો તમે દુનિયાના કોઈ પણ દેશ પર નજર દોડાવો, તો ૭૦ વર્ષ અગાઉ મૃત્યુ પામેલ કોઈ પણ મહાનુભાવ ભારતમાં ગાંધી જેટલી ચર્ચા જગાવે છે ? તમે મહાત્માની ટીકા કરી શકો છો, પણ આજે પણ તેઓ પ્રસ્તુત છે. તેઓ ચર્ચાનું નહીં, પણ ઉગ્ર ચર્ચાનું કેન્દ્ર બની જાય છે.” તેમની પ્લેટ વિવિધ શાકાહારી વ્યંજનોથી ભરાઈ ગઈ હતી અને તેમણે હસતાં-હસતાં એમ પણ કહ્યું કે, “મને ભવિષ્યની પેઢીઓ ખાઉધરા તરીકે યાદ કરશે, તેની મને ખુશી છે.”
શાશ્વત પ્રભાવ : ગાંધીનો પ્રભાવ શાશ્વત છે. તેની પાછળનું કારણ સમજાવતાં રાજમોહન ગાંધી કહે છે કે “તેમનો આશય ફક્ત ભારતને રાજકીય આઝાદી અપાવવા પૂરતો મર્યાદિત નહોતો. તેમનું સ્વપ્ન ભારતના સ્વતંત્રતા આંદોલનમાં સફળતા મેળવવા પૂરતું સીમિત નહોતું. હકીકતમાં શરૂઆતમાં જ તેમની સાથે વિશ્વના જુદા જુદા દેશોના લોકો સંકળાયેલા હતા. તેમની ટીમ રાષ્ટ્રીય નહીં, પણ આંતરરાષ્ટ્રીય હતી.” તેમાંથી એક ચાર્લી એન્ડ્રૂઝ હતા, જેમણે ગાંધીજીને તેમના બાકીના જીવનમાં અસ્પૃશ્યતાનિવારણ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. આપણી જેમ તેઓ પણ માનતા હતા કે મહાત્મા ગાંધી ઘણી વખત એક મુદ્દાને પૂરતો ન્યાય આપ્યા વિના બીજી સમસ્યા પર કામ કરવા લાગતા હતા. પણ રાજમોહન આ મુદ્દે મહાત્માનો જવાબ જ ટાંકે છે. મહાત્માએ એક વખત કહ્યું હતું કે, “હું પિયાનોવાદક જેવો છું. અત્યારે એક નોટ પર ભાર મૂકું છું, તો પછી બીજી નોટ પર. પણ આ તમામ એકબીજા સાથે જોડાયેલ છે.”
રાજમોહન સ્વીકારે છે કે મહાત્માએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સૈન્ય માટે ભારતીય સૈનિકોની ભરતી કરવામાં મદદ કરી હતી અને ૧૯૪૭માં કાશ્મીરમાં ભારતીય સૈનિકો મોકલવા ટેકો આપ્યો હતો. પણ આ રીતે તેમણે અહિંસાના મુદ્દે સમાધાન કર્યું નહોતું? તેની પાછળનું કારણ સમજાવતાં રાજમોહન કહે છે કે “મહાત્મા માનતા હતા કે તેઓ સૈનિકોની ભરતી કરવામાં મદદ કરશે, તો બ્રિટન ભારતીય માંગણીઓનો વિચાર વધુ હકારાત્મક રીતે કરશે. અહીં તેમની ભૂમિકા રાજકીય નેતા જેવી હતી. જો કે તેમણે ભારતની આઝાદીની લડતમાં હિંસાનો માર્ગ અપનાવવા ક્યારે ય સમાધાન કર્યું નહોતું. આપણે સમજવું પડશે કે કેટલીક આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં હિંસા ટાળી શકાય તેવી નથી, પણ ભારતના આંતરિક ઘર્ષણમાં હિંસાનો ઉપયોગ ન થવો જોઈએ, તેવું તેઓ શા માટે માનતા હતા? મારી પોતાની સમજણ એ છે કે અને તેમણે લખ્યું પણ છે કે ભારતમાં તમામ ગામડાંઓમાં જાતિવાદનું પ્રભુત્વ છે અને બળકટ લોકોનું વર્ચસ્વ છે. જો આપણે આ દેશમાં હિંસાનો આદર કરીશું, તો વંચિત અને પછાતવર્ગના લોકો, શારીરિક રીતે નબળા લોકો અને મહિલાઓનું જીવન નરક સમાન બની જશે. કાશ્મીરમાં તેઓ સૈનિકો મોકલવા સંમત થયા હતા, પણ સાથે-સાથે તેમણે લોકોની ઇચ્છાને માન આપવું જોઈએ, તેવું જણાવ્યું હતું.”
આઝાદી માટે મહાત્માના સંઘર્ષનો મહત્ત્વપૂર્ણ ભાગ તેમના રોજિંદા જીવનમાં પોતાનાં હિતો અને જરૂરિયાતોનો ત્યાગ કરવાનો હતો. બરાક ઓબામાએ મહાત્મા સાથે ડિનર કરવાની ઇચ્છા પ્રકટ કરી ત્યારે ઓબામાએ કહ્યું હતું કે, “હા, તાજેતરમાં મને પૂછવામાં આવ્યું હતું કે, તમે કોની સાથે ડિનર કરવાની ઇચ્છા ધરાવો છે? મેં તરત જ જવાબ આપ્યો હતો કે ગાંધી.” પીળી દાળ, ભરેલાં રીંગણાં અને રોટલીનો સ્વાદ માણતાં રાજમોહન કહે છે કે, “ઓબામાએ, તમે શું ભોજન કરો છો તેના પર નિયંત્રણ મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, નહીં કે તમે શું ભોજન કરો છો એની, કોઈ પણ ચર્ચામાં ગાંધીને કેન્દ્ર બનાવવાની વાત પર.”
ત્યાગની ભાવના : મહાત્માની ભોજનની આદતો વિશે રાજમોહન ગાંધી યાદ અપાવે છે કે જ્યારે મહાત્માએ લંડનમાં પોતાના જીવન વિશે લખ્યું હતું, ત્યારે તેમણે પોતાના વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો શોખ હોવાનો સ્વીકાર કર્યો હતો. રાજમોહન એક ઘટનાને યાદ કરતાં પોતાની વાત આગળ વધારતાં કહે છે કે “તેઓ લંડનમાં એક અંગ્રેજ પરિવાર સાથે રહેતા હતા. તેઓ તેમને ભોજનમાં બે બ્રેડ જ આપતા હતા. હવે સાબરમતી આશ્રમમાં એક વખત કેટલીક મહિલાઓ તેમનું ભોજન લેતી હતી. ગાંધી ત્યાંથી પસાર થયા અને તેમણે આ જોયું. એટલે તેમણે આ મહિલાઓને ટીખળ કરી, ‘વાહ! તમે મસાલેદાર વાનગીઓ માણી રહ્યાં છો.’ સામાન્ય રીતે આશ્રમમાં સાદું ભોજન લેવાતું હતું. તેમની મજાકથી કસ્તૂરબાથી ન રહેવાયું. તેમણે સામે મજાક કરી, ‘વાહ! તમે સ્વાદિષ્ટ ભોજન લેતા હતા એ દિવસો તમે ભૂલી ગયા. હું જ તમારા માટે બનાવતી હતી.’ ચોક્કસ, ગાંધી સ્વાદિષ્ટ ભોજનના શોખીન હતા, પણ આઝાદીની લડતના સિપાહીઓએ સ્વયંશિસ્ત જાળવવા ખાવાપીવામાં સંયમ જાળવવો જોઈએ તથા જરૂર પડે તો ઉપવાસ કરવા જોઈએ અને પોતાની ઇચ્છાઓને અંકુશમાં રાખવી જોઈએ તેવું તેઓ દૃઢપણે માનતા હતા. ભારતની આઝાદીની લડત ત્યાગની ભાવના પર આધારિત હતી. તમે કેટલાક નિયમોને અતિશયોક્તિ સમાન ગણાવી શકો, પણ અત્યારે આવું માનવું સહેલું છે, છતાં એ દિવસોમાં દરેક વ્યક્તિ આઝાદીની લડતની તરફેણ કરતી હોવાથી એ નિયમો અવ્યાવહારિક લાગતા નહોતા. ઘણા લોકો હોટેલ્સમાં જવાની, બ્રિટિશ પોલીસની સલામ મેળવીને અને ગવર્નર જનરલનું આમંત્રણ મેળવીને ગર્વ અને ખુશીની લાગણી અનુભવતા હતા, પણ સ્વતંત્રતાસેનાનીઓએ મજાક-મશ્કરીનો ભોગ બનવું પડતું હતું. એટલે સ્વનિયંત્રણ, પોતાની જરૂરિયાતોનો ત્યાગ કરવાની ભાવના જગાવવી એ આઝાદીની લડતનો ભાગ હતો.”
વિવિધ ફળો અને સલાડના શોખીન રાજમોહન ગાંધીએ જણાવ્યું હતું કે મહાત્માએ ચા અને કૉફીનો ત્યાગ કર્યો હતો. રાજમોહને કહ્યું હતું કે “શરૂઆતના દિવસોમાં તેઓ આ ચા-કૉફીનું સેવન કરવાનો આનંદ લેતા હતા, પણ તેમણે ક્યારે ય મદિરાપાન કર્યું નહોતું. તેમણે એક પછી એક ચા અને કૉફી છોડવાનો નિર્ણય લીધો હતો.”
તેઓ ભોજન બનાવવા ટેવાયેલા હતા. રાજમોહનને ભોજન બનાવતાં આવડતું નથી. તેઓ કહે છે કે, “આશ્રમના શરૂઆતના દિવસોમાં લોકો તેમને રસોડામાં જોતા હતા. છેલ્લા તબક્કામાં નોઆખલીમાં તેમણે ભોજન બનાવ્યું હોવાનો ઉલ્લેખ છે. તેઓ પાંદડાં કે છાલવાળી શાકભાજી બનાવવામાં પારંગત હતા.”
રાજમોહન ગાંધીની ધારણા છે કે મહાત્મા વિદેશમાં પ્રવાસ દરમિયાન પોતાનું ભોજન સાથે લઈ જતા હતા, કારણ કે તેમને ત્યાં બીમાર પડવાનું પોસાય તેમ નહોતું. રાજમોહન કહે છે કે “એ દિવસોમાં વર્કિંગ લંચની વિભાવના જન્મી નહોતી. જો કે એક રસપ્રદ બનાવ બન્યો હતો. જ્યારે તેમણે દક્ષિણ આફ્રિકાથી ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી હતી, ત્યારે એક જાહેર કાર્યક્રમમાં મદિરા પીરસવામાં આવી હતી. ગાંધીને ટેબલના એક છેડેથી બીજા છેડે વાઇનના ગ્લાસ પાસ કરવાનો વાંધો નહોતો. તેમણે ક્યારે ય મદિરાપાન કર્યું નહોતું, પણ તેઓ પર્યાપ્ત સહકાર આપવામાં માનતા હતા.”
જ્યારે એ દિવસોમાં એક વર્ગના લોકોએ તેમને સમાજમાં ખાણીપીણીની આદતો અંગે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે મહાત્માની માન્યતા યાદ રાખવા જેવી છે. રાજમોહન કહે છે કે “તેઓ માનતા હતા કે માનવજીવન અતિ મહત્ત્વપૂર્ણ છે. બીજું, લોકોએ એકબીજા પર દબાણ ન કરવું જોઈએ. ચોક્કસ, તેઓ ગાય પ્રત્યે અપાર આદર ધરાવતા હતા અને તેમને તેમના જીવનમાં ગૌવધના પ્રશ્ને અનેક વખત સામનો કરવો પડ્યો હતો. જો મુસ્લિમોએ ગૌમાંસનું સેવન બંધ કર્યું હોત, તો તેમને ઘણો આનંદ થયો હોત, પણ સાથે સાથે ગાંધી માટે વ્યક્તિગત સ્વતંત્રતા અતિ મહત્ત્વપૂર્ણ હતી. તેમણે વારંવાર જણાવ્યું હતું કે, હું તમામ પ્રકારની બળજબરીનો વિરોધી છું. બળજબરી સરકાર કરી શકે છે. વળી, તે સમાજમાંથી પણ જન્મી શકે છે.”
કરકસર અને સ્વનિયંત્રણનો બોધપાઠ : પછી તેઓ તેમના દાદા સાથેના અનુભવોને સંભારે છે. આવો જ એક પ્રસંગ યાદ કરતાં રાજમોહન કહે છે, “હું નાનો હતો, ત્યારે મેં ચશ્માંની નવી જોડી પહેરી હતી તે સમયે દાદાએ મારી મજાક ઉડાવી હતી. તેમણે મને કહ્યું હતું કે, ‘તારા નાક પર કશું નવું લાગે છે.’ મારી આંખો નબળી પડી ગઈ છે અને મારે નવાં ચશ્માં પહેરવાની જરૂર છે, એવું મેં તેમને થોડા ગુસ્સામાં જણાવ્યું હતું. પછી તેમણે મને મારે ચશ્માંની નવી ફ્રેમની જરૂર છે કે કેમ એવું પૂછ્યું હતું. હકીકતમાં તેઓ મને કરકસર કરવાનું શીખવવાનો પ્રયાસ કરતા હતા. એક વખત મેં તેમને પત્ર લખ્યો હતો. આ સમયે મહાત્માએ મને વૃદ્ધ વ્યક્તિને પેન્સિલથી નહીં, પણ પેનથી પત્ર લખવાની સલાહ આપી હતી, કારણ કે બની શકે કે વૃદ્ધ વ્યક્તિની આંખો નબળી હોય. આ રીતે તેઓ મને પોતાનો જ નહીં, પણ સામેની વ્યક્તિનો વિચાર કરવાનું શીખવવાનો પ્રયાસ કરતા હતા.”
આપણે ઘણી વખત તેમણે તેમનાં પરિવારની ઉપેક્ષા કરી હતી, એવી વાત કરીએ છીએ અને ગાંધીએ પણ તેનો સ્વીકાર કર્યો હતો. રાજમોહન કહે છે કે, “જે વ્યક્તિ આખી દુનિયાને પોતાનો વડલો માનતી હોય, તેની પાસે પોતાના પરિવાર માટે સમય ન હોય તેવું બની શકે છે, પણ તેઓ તેમના પરિવારનું વધારે ધ્યાન રાખી શક્યા હોત. આ વાત તેમણે પોતે પણ સ્વીકારી હતી. કેટલીક વખત તેઓ બાળકોને વધારે સલાહ આપતા હતા અને પછી ‘તમારે જે કરવું હોય તે કરો’ એવું કહેતા હતા. દક્ષિણ આફ્રિકામાં તેઓ તેમનાં બાળકોને વધારે સારી શાળાઓમાં મોકલી શક્યા હોત, પણ આ માટે તેમણે જે સરકાર સામે લડતા હતા તેના દ્વારા સંચાલિત શાળાઓમાં તેમનાં બાળકોને અભ્યાસ માટે મોકલવા પડ્યા હોત.” અત્યારે કહેવાતા સામાજિક કાર્યકર્તાઓમાં આ પ્રકારનાં મૂલ્યો જોવા મળતાં નથી. રાજમોહન કહે છે કે, “અત્યારે સામાજિક કાર્યકર્તાઓ કેટલી વિશ્વસનીયતા ધરાવે છે, એ આપણે જાણીએ છીએ.”
અત્યારે સેલ્ફી જનરેશન ગાંધીવાદી મૂલ્યોનો ત્યાગ અને સ્વનિયંત્રણ જેવાં મૂલ્યોનો સ્વીકાર કરવા તૈયાર નથી. તરબૂચ અને પપૈયા સાથે ડેર્ઝ પૂર્ણ કરતાં રાજમોહન કહે છે કે, “મહાત્માએ તેમના સમયને અનુરૂપ મૂલ્યો પ્રસ્તુત કર્યાં હતા. એ સમયે ભોગવિલાસ ધરાવતું જીવન જીવવું અનેક લોકો માટે શક્ય નહોતું. જો તમે ભારતના સામાન્ય નાગરિકનું પ્રતિનિધિત્વ કરવા ઇચ્છતા હો, તો તમારે તેમનાં જેવું જીવન જીવવું પડે. તેમની સાથે પોતીકાપણું કેળવવું પડે. અનેક ધનાઢ્ય લોકોએ ગાંધીયુગમાં હાડમારીનો સામે ચાલીને સ્વીકાર કર્યો હતો. અત્યારે આપણે તેમની ઠેકડી ઉડાવી શકીએ, કારણ કે આપણી પાસે ભોગવિલાસની સુવિધા છે. પણ આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે આજે પણ આ દેશમાં લાખો-કરોડો લોકો ગરીબ છે. જો આપણે એ અનુભવીએ કે ત્યાગ, સમર્પણ અને સ્વનિયંત્રણ વિના મહાન પરિવર્તનો ન કરી શકાય, તો એ ખરેખર દેશના હિતમાં રહેશે.”
[‘ધ હિંદુ’, ૧૮ મે ૨૦૧૭ના સદ્ભાવથી]
અનુવાદ : કેયૂર કોટક
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 06-07